મદારી : માન્યામાં ન આવે એવા ખેલ કરતા જાદુગરો, જેમનો જાદુ જગતમાંથી 'અલોપ' થઈ ગયો

ભારતના શેરી જાદુગરોની લુપ્ત થઈ રહેલી દુનિયા
ઇમેજ કૅપ્શન, ઇશામુદ્દીન ખાન ભારતના સૌથી જાણીતા શેરી જાદુગરોમાંના એક છે
    • લેેખક, સુમેધા પાલ
    • પદ, બીબીસી હિન્દી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

દિલ્હીના પોતાના સાંકડા ઘરમાં બેઠેલા ઇશામુદ્દીન ખાન આજે પણ એક દોરડાને હવામાં ઊંચે જતું હોય એવું દેખાડી શકે છે.

55 વર્ષના આ જાદુગરે દાયકાઓ સુધી એવો ખેલ બતાવ્યો છે, જેને એક સમયે માત્ર દંતકથા માનવામાં આવતો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલી ખ્યાતિના એ દિવસોની તસવીરો અને અખબારોની કાપલીઓ આજે પણ તેમણે સાચવી રાખી છે.

આજકાલ, જોકે, તેઓ એ ખેલ બતાવવા કરતાં તેની જૂની યાદોને વાગોળવામાં વધુ સમય વિતાવે છે.

તેઓ કહે છે, "સમય બદલાઈ ગયો છે, શેરી જાદુ ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે. તે વૅન્ટિલેટર પર છે."

ખાનની કહાણી ભારતમાં આવેલા વ્યાપક પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. પરંપરાગત શેરી કલાકારો માટે પોતાના કૌશલ્ય થકી આજીવિકા રળવી દિવસે દિવસે મુશ્કેલ બની રહી છે.

એક સમયે જાદુગરો, ખેલબાજો, કઠપૂતળીના કલાકારો અને નટો જાહેર સ્થળોએ લોકોનું મનોરંજન કરીને કમાણી કરતા હતા. મનોરંજનની બદલાતી આદતો અને ચુસ્ત થતા જતા પ્રતિબંધોને કારણે હવે તેમને દર્શકો શોધવા મુશ્કેલ બની રહ્યા છે. તેના પરિણામે ઘણા કલાકારોએ આ વ્યવસાય છોડી દીધો છે.

ભારતના જાણીતા જાદુગરોમાંના એક ઇશામુદ્દીન ખાન મદારી સમુદાયમાંથી આવે છે. જાહેર સ્થળોએ પ્રદર્શન કરવાની આ સમુદાયની લાંબી પરંપરા રહી છે.

મદારી સમુદાયના સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ ખાનના જણાવ્યા મુજબ, સમુદાયના રેકૉર્ડમાં દિલ્હીમાં લગભગ 400 મદારી પરિવારો નોંધાયેલા છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને તેલંગણામાં આવા સેંકડો પરિવારો છે.

આજે ભલે તેમની સંખ્યા ઓછી રહી ગઈ, છતાં મદારી સમુદાયની પરંપરાનાં મૂળ સદીઓ જૂનાં છે.

ઇતિહાસકાર અશોક માથુર કહે છે કે મદારી પરંપરાનાં મૂળ ભારતીય લોકકથાઓ, પૌરાણિક કથાઓ અને ફરતા કલાકારોના લાંબા ઇતિહાસમાં જોવા મળે છે.

તેઓ સમજાવે છે, "પેઢીઓથી આ કળા પરિવારો થકી જ આગળ વધતી આવી છે."

આજીવિકા મેળવવી ઘણા જાદુગરો માટે મુશ્કેલ

સમુદાયના જાહેર સ્થળોએ પ્રવેશ પરના પ્રતિબંધોને કારણે શેરી જાદુગરો માટે દર્શકો શોધવાનું મુશ્કેલ બન્યું છે.
ઇમેજ કૅપ્શન, સમુદાયનાં જાહેર સ્થળોએ પ્રવેશ પરના પ્રતિબંધોને કારણે શેરી જાદુગરો માટે દર્શકો શોધવાનું મુશ્કેલ બન્યું છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ખાને પણ આ જ પરંપરા આગળ ધપાવી. તેઓ પિતા અને કાકાઓ પાસેથી જાદુ શીખ્યા અને 12 વર્ષની ઉંમરથી પ્રદર્શન શરૂ કરી દીધું. 20 વર્ષની ઉંમર સુધીમાં તેમણે દોરડાની એ કરામત શીખી લીધી હતી, જે આગળ જતાં તેમની ઓળખ બની.

આ કરામતમાં દોરડું હવામાં ઊંચે જતું હોય એવું દેખાય છે અને ત્યાર પછી એક છોકરો તેના પર ચઢે છે. ભારતીય શેરી જાદુની દંતકથાઓ સાથે લાંબા સમયથી જોડાયેલી આ કરામતને મોટા ભાગના લોકો અશક્ય માનતા હતા, પરંતુ ખાને આ કરામત કરીને બતાવી.

તેઓ કહે છે કે આ કરામત સંપૂર્ણ રીતે શીખવામાં તેમને છ વર્ષ લાગ્યાં. તેમણે પહેલી વાર 1995માં દિલ્હીના જાણીતા કુતુબમિનારની બહાર જાહેરમાં આ કરામત રજૂ કરી હતી. બે વર્ષ પછી તેમણે કર્ણાટકના એક દરિયાકિનારે 30,000 લોકોની સામે આ ખેલ બતાવ્યો.

તેમની આ કરામતને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન આકર્ષ્યું અને ત્યાર પછી તેમને બ્રિટન, ફ્રાન્સ, જર્મની તેમજ જાપાનમાં પ્રદર્શન માટે જવાની તક મળી.

ખાનને આશા હતી કે તેમની ખ્યાતિને કારણે ભારતના પરંપરાગત કલાકારો તરફ પણ લોકોનું ધ્યાન જશે. થોડા સમય માટે એવું થયું પણ ખરું, પરંતુ પછી એ ઓસરતું ગયું.

લોકો મનોરંજનનાં નવાં સાધનો તરફ વળવા લાગ્યા અને જાહેર સ્થળોએ પ્રદર્શન કરવાની તકો ઘટતી ગઈ. પરિણામે પેઢીઓથી ચાલી આવતી કળા દ્વારા આજીવિકા મેળવવી ઘણા જાદુગરો માટે મુશ્કેલ બનતી ગઈ.

તેમાંના એક છે 40 વર્ષના ઇમામ ખાન.

એક સમયે જાદુગર રહેલા ઇમામ હવે દિલ્હીની શેરીઓમાંથી બૉટલો અને રિસાયકલ કરી શકાય એવી વસ્તુઓ એકઠી કરીને ગુજરાન ચલાવે છે. તેમનો મોટા ભાગનો સમય પશ્ચિમ દિલ્હીના એક કચરાના ઢગલા પાસે ભંગાર વીણવામાં પસાર થાય છે. તેમાંથી તેમને દિવસના આશરે 200 રૂપિયા મળે છે.

નિષ્ણાતો કહે છે કે શેરી પ્રદર્શનમાં ઘટાડો થવા પાછળ અનેક કારણો છે. તેમાં સૌથી મુખ્ય કારણ જાહેર સ્થળોનું બદલાતું સ્વરૂપ છે.

ઇશામુદ્દીન ખાન દોરડાની પ્રખ્યાત કરામત બતાવતા તે સમયની જૂની તસવીર
ઇમેજ કૅપ્શન, ઇશામુદ્દીન ખાન દોરડાની પ્રખ્યાત કરામત બતાવતા તે સમયની જૂની તસવીર

કટકથા પપેટ આર્ટ્સ ટ્રસ્ટનાં સ્થાપક અનુરૂપા રૉય કહે છે કે જાહેર જગ્યાઓ ઘટતી જતાં કલાકારો માટે દર્શકો શોધવાનું વધુ ને વધુ મુશ્કેલ બની રહ્યું છે.

તેઓ કહે છે, "બંધ કરી દેવાયેલા બગીચાઓ અને બહારના લોકોને પ્રવેશ ન હોય એવી રહેણાક સોસાયટીઓ પ્રદર્શન માટેની જગ્યાઓને મર્યાદિત કરી રહી છે."

સંશોધક અને કલાકાર કોમિતા ધાંડા કહે છે કે જાહેર જગ્યાઓ પ્રત્યે લોકોના બદલાતા વલણને કારણે પણ શેરી પ્રદર્શન ઘટી રહ્યાં છે.

તેઓ કહે છે, "ખાસ કરીને વ્યસ્ત શહેરો અને નગરોનાં કેન્દ્રોમાં સુરક્ષાના નિયમો વધુ કડક બનતાં શેરી કલાકારો માટે બહુ ઓછી જગ્યા બચી છે."

જાહેર સ્થળે પ્રદર્શન કરવાની મંજૂરી મેળવવામાં મુશ્કેલી માત્ર વ્યક્તિગત કલાકારોને જ નથી પડતી. ધાંડા કહે છે કે તેમનું જાણીતું શેરી નાટ્યજૂથ જનનાટ્ય મંચ પણ જાહેર સ્થળોએ પ્રદર્શન કરવા માટે ઘણી વાર મુશ્કેલીઓનો સામનો કરે છે.

ઘણા કલાકારો માટે પડકાર માત્ર પ્રદર્શન માટેની જગ્યા શોધવાનો નથી, પરંતુ શું કરી શકાય અને શું નહીં તે અંગેના અસ્પષ્ટ નિયમોમાંથી માર્ગ કાઢવાનો પણ છે.

મોટા ભાગના શેરી કલાકારો લોકો પોતાની ઇચ્છાથી આપે તે પૈસા પર નિર્ભર રહે છે. જોકે નિષ્ણાતો કહે છે કે પૈસા માટે પ્રદર્શન કરવા અને ભીખ માગવા વચ્ચેની ભેદરેખા ઘણી વાર ધૂંધળી બની જાય છે.

બ્રિટનથી વિપરીત ભારતમાં શેરી પ્રદર્શન માટે દેશભરમાં લાગુ પડે તેવી કોઈ વ્યવસ્થા નથી. કલાકારોને જાહેર વ્યવસ્થા, અવરોધ, ઘોંઘાટ અને જાહેર જમીન અંગેના નિયમોનું રાજ્યવાર પાલન કરવું પડે છે.

વકીલ કૌશિક મિત્રા કહે છે, "આ કારણે શેરી કલાકારોએ ઘણી વાર જાહેર જગ્યાઓ અંગેના મ્યુનિસિપલ અને પોલીસના નિયમો ઉપરાંત રાજ્યવાર ભીખ માગવા વિરોધી કાયદાઓનું પણ પાલન કરવું પડે છે."

'હું ધીમે ધીમે બધી કરામતો ભૂલી રહ્યો છું'

ઇમામ ખાને શેરીમાં જાદુ બતાવવાનું છોડી દીધું છે અને હવે ભંગાર વીણીને ગુજરાન ચલાવે છે.
ઇમેજ કૅપ્શન, ઇમામ ખાને શેરીમાં જાદુ બતાવવાનું છોડી દીધું છે અને હવે ભંગાર વીણીને ગુજરાન ચલાવે છે

ઘણા કલાકારો માટે કોરોના પહેલેથી જ ખરાબ સ્થિતિને વધુ ખરાબ બનાવી દીધી.

ભારતમાં 2020માં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે જાહેર સ્થળોએ થતાં પ્રદર્શનો બંધ થઈ ગયાં. ઘણા જાદુગરો પોતપોતાનાં ગામ પાછા ફર્યા અને કેટલાક તો ફરી ક્યારેય શહેરોમાં પાછા આવ્યા જ નહીં.

ધાંડા કહે છે, "આ સમયગાળા પછી જાહેર પ્રદર્શનોમાં ઘટાડો થયો. તેની સૌથી વધુ અસર શેરી જાદુગરો અને અન્ય કલાકારો પર પડી. તેમાંના ઘણા ફરી શહેરોમાં પાછા ફર્યા જ નહીં."

જે કલાકારો પાછા ફર્યા અને પોતાની કળા જાળવી રાખી, તેમની મુશ્કેલીઓ પણ વધી ગઈ.

42 વર્ષના શાહિમ ખાન આજે પણ દિલ્હીની શેરીઓમાં જાદુ બતાવે છે. ક્યારેક તેમની 12 વર્ષની દીકરી આલિયા પણ તેમની સાથે હોય છે.

હવે તેમનું મોટા ભાગનું કામ ઔદ્યોગિક વિસ્તારો પૂરતું મર્યાદિત છે. એક સમયે તેઓ લોકોની ભારે અવરજવરવાળાં જાહેર સ્થળોએ પ્રદર્શન કરતા હતા, તેનાથી આ જગ્યાઓ ઘણી દૂર છે. તેની સીધી અસર તેમની કમાણી પર પડી છે.

રોગચાળા પહેલાં તેઓ દિવસમાં ચાર કે પાંચ ખેલ બતાવી શકતા અને 1,000-1,200 રૂપિયા કમાઈ લેતા.

તેઓ કહે છે, "હવે માંડ બે ખેલ કરી શકું છું અને 200-400 રૂપિયા કમાઉં છું."

નિષ્ણાતોના મતે, ટૂંકા વીડિયોના ડિજિટલ મનોરંજનના વધતા ચલણે પણ પરંપરાગત કલાકારોની મુશ્કેલીઓ વધારી છે. શેરી કલાઓ પ્રત્યે લોકોના બદલાતા વલણની પણ તેની અસર થઈ છે.

ધાંડા કહે છે, "દાયકાઓ પહેલાં દોરડાની કરામત જેવી બાબતોમાં પશ્ચિમી દેશોના લોકોને ઘણો રસ હતો. પરંતુ કળાનાં સ્વરૂપો અને લોકોની પસંદગી બદલાઈ ગઈ છે. ભારત દુનિયા સમક્ષ જે કળાઓ રજૂ કરે છે, તેમાં પણ હવે બદલાવ આવ્યો છે."

ખાન માટે આ નુકસાન માત્ર નાણાં પૂરતું મર્યાદિત નથી. તેમને ડર છે કે પેઢીઓથી ચાલી આવતી આ કળા કોઈ શીખશે નહીં તો કદાચ લુપ્ત થઈ જશે.

તેઓ કહે છે, "કોઈ કરામત ત્યારે જ ટકી શકે, જ્યારે કોઈ તેને શીખે."

તેમના પુત્ર અલ્તમાશે કિશોર વયે તેમની સાથે પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ હવે તેઓ પાર્ટીઓમાં ફુગ્ગા વડે સજાવટ કરવાનું કામ કરે છે. તેઓ હવે ત્રીસીમાં છે અને મોટા ભાગે પ્રદર્શન કરવાનું છોડી ચૂક્યા છે.

નિયમિત અભ્યાસ વિના વીતેલાં વર્ષોને કારણે તેમની કળાની ધાર પણ મંદ પડી ગઈ છે. બીબીસી માટે તેમણે જાદુની કેટલીક કરામતો બતાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને હાથચાલાકીનો તાલ મેળવવામાં મુશ્કેલી પડી.

તેમણે કહ્યું, "હું ધીમે ધીમે બધી કરામતો ભૂલી રહ્યો છું."

ખાને આશા રાખી હતી કે તેમનો પુત્ર પરિવારની આ પરંપરાને આગળ ધપાવશે. અલ્તમાશને પણ પોતાનું નામ બનાવવાની આશા હતી, પરંતુ એવું થઈ શક્યું નહીં.

તેઓ કહે છે, "મને ખબર હતી કે કદાચ હું મારા પિતાએ મેળવેલી ખ્યાતિ મેળવી નહીં શકું, પરંતુ એક દિવસ એવો આવશે કે જાદુ બતાવવાનું જ શક્ય નહીં રહે, એવું મેં વિચાર્યું નહોતું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન