You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉલંબિયામાં જે 80 હિપોપોટેમસને મારી નાખવાના છે તેને અનંત અંબાણી બચાવીને ગુજરાતના જામનગર કેમ લાવવા માગે છે?
- લેેખક, પૉલીન કૉલા
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 3 મિનિટ
ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી કૉલંબિયાની લાંબા સમયથી ચાલી રહેલી હિપ્પો એટલે કે હિપોપોટેમસ સંબંધિત મુશ્કેલીના નિરાકરણ માટે આગળ આવ્યા છે. આ હિપ્પો કૉલંબિયાના ડ્રગ કાર્ટેલ લીડર પાબ્લો ઍસ્કોબાર સાથે સંકળાયેલા છે.
વર્ષ 1993માં પાબ્લો ઍસ્કોબારનું પોલીસની ગોળીથી મૃત્યુ થયું હતું. એ સમયે, તેઓ કૉલંબિયામાં ગેરકાયદેસર રીતે કેટલાંક દુર્લભ પ્રાણીઓ લઈ આવ્યા હતા. જેમાંથી એક નર-માદા હિપ્પોની જોડી પણ હતી. એ સમયે, તેમને 'કોકેન હિપ્પો' કહેવાતા.
બાદમાં તેમની સંખ્યામાં વધારો થયો. કૉલંબિયાએ તેના નિયંત્રણ માટે ઘણી વિવિધ ઉપાયો અજમાવ્યા, જેમાં ખસીકરણ પણ સામેલ છે. પરંતુ તેનો કોઈ લાભ ન થયો. અંતે, કૉલંબિયાએ 80 હિપ્પોને મારી નાખવાનો નિર્ણય લીધો. પરંતુ આ હિપ્પોને બચાવવા માટે ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આગળ આવ્યા.
અનંત અંબાણીએ કહ્યું છે કે તેઓ આ હિપ્પોને ગુજરાતમાં આવેલા તેમના વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર - વનતારા ખાતે લઈ આવશે.
જોકે, કૉલંબિયાએ અનંત અંબાણીની આ ઑફરનો હજુ કોઈ જવાબ આપ્યો નથી.
કૉલંબિયાના પર્યાવરણ મંત્રીને એક પત્ર લખીને વનતારાના સીઇઓએ કહ્યું છે કે તેઓ આ હિપ્પોના તેમના બાકી રહેલા જીવનકાળ સુધી સંરક્ષણ આપવા માટે તૈયાર છે.
સીઇઓએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "આ દરખાસ્ત પાછળનો મુખ્ય વિચાર એ છે કે દરેક જીવન મૂલ્યવાન છે. વનતારા માને છે કે શક્ય તેટલું જીવનને બચાવવું એ આપણી બધાની જવાબદારી છે."
પાબ્લો ઍસ્કોબાર આ હિપ્પોને હૅસિન્ડા નેપોલેસ નામના તેના ફાર્મમાં રાખતો હતો, આ વૈભવી સંપત્તિ પાટનગર બગોટાથી ઉત્તરપશ્ચિમ દિશામાં 250 કિલોમીટરના અંતરે આવેલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાબ્લોના મૃત્યુ બાદ, આ બંને હિપ્પોને મુક્ત કરાયા, જેના કારણે કૉલંબિયાની મગડલેના નદીના મુખત્રિકોણ પ્રદેશમાં તેમની સંખ્યા વધવા લાગી.
આ હિપ્પોની સંખ્યાને કાબૂમાં રાખવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. કુદરતી શિકારીઓના અભાવ અને ઍન્ટિક્વિઆ ક્ષેત્રની ગરમ, ભેજવાળી આબોહવાને કારણે તેમની સંખ્યા વધી છે. આવી આબોહવા આ આફ્રિકન પ્રાણીઓ માટે આદર્શ ગણાય છે.
કૉલંબિયાના પર્યાવરણશાસ્ત્રીઓને મતે આ આફ્રિકાની બહાર હિપ્પોનું આ સૌથી મોટું જૂથ છે, અને કૉલંબિયા માટે એક બહારની પ્રજાતિ છે, જે ત્યાંની સ્થાનિક પ્રજાતિઓને ભગાડી રહી છે.
હિપ્પોના જૂથે મગડલેના નદી પાસે માછીમારી પર નભતાં ગામડાં પર હુમલો કર્યો હતો.
નોંધનીય છે કે વનતારા ગુજરાતના જામનગરમાં આવેલું છે, અને 3,500 એકરમાં પથરાયેલું છે. તે વિશ્વની સૌથી મોટી ઑઇલ રિફાઇનરી એવી રિલાયન્સ રિફાઇનરી પાસે આવેલું છે.
વર્ષ 2024માં અનંત અંબાણીએ પોતાનાં લગ્નના કેટલાક પ્રસંગો વનતારામાં પણ આયોજિત કર્યા હતા. આ લગ્નની આખા વિશ્વના મીડિયાએ નોંધ લીધી હતી.
જોકે, ભૂતકાળમાં વનતારાની ટીકા પણ થઈ ચૂકી છે, વાઇલ્ડલાઇફ ઍક્ટિવિસ્ટ અને પ્રાણી સંવર્ધન માટે કામ કરતા લોકોની દલીલ છે કે જામનગરનું ગરમ, અને શુષ્ક હવામાન કેટલાંક પ્રાણીઓ માટે માફક આવે એવું નથી.
પાબ્લો ઍસ્કોબાર મૅડેલિન કાર્ટેલનો લીડર હતો. તે 'કોકેન કિંગ' તરીકે પણ ઓળખાતો. માયામીથી દક્ષિણ અમેરિકા સુધી ડ્રગ્સ સ્મગલિંગ માટે તે કુખ્યાત હતો, આ ધંધામાંથી એ સમયે તેણે અંદાજે 30 બિલિયન ડૉલરની કમાણી પણ કરી હતી.
પાબ્લો ઍસ્કોબારે આ ડ્રગ કાર્ટેલના લીડર તરીકે દસ વર્ષ સુધી પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. આની સાથોસાથ અપહરણ, સેંકડો હત્યા, લાંચ, બૉમ્બ ધડાકા, અને અન્ય ડ્રગ ગૅંગ્સ સાથે ઘર્ષણ સંબંધિત ઘણા ગુનામાં તેનું નામ સામેલ હતું. ટૂંકા ગાળા માટે તેણે રાજકીય નેતા તરીકે પણ સેવા આપી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન