ગુજરાત : સિંહની કથિત પજવણીનો વીડિયો વાઇરલ થતાં વન વિભાગે તપાસ સમિતિ બનાવી, શું સિંહના ફોટા પાડવા એ ગુનો છે?

  • વાંચવાનો સમય: 7 મિનિટ

બૃહદ ગીર વિસ્તારમાં એક પાઠડા એટલે કે તરુણ સિંહની કથિત પજવણીનો વીડિયો આ મહિનાના પ્રથમ અઠવાડિયા દરમિયાન સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં વન વિભાગે તે ઘટનાની તપાસ કરવા અને આરોપીઓને પકડી પાડવા માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) એટલે કે ખાસ તપાસ ટીમની રચના કરી છે.

અધિકારીઓ કહે છે કે તાજેતરનાં વર્ષોમાં આ પ્રકારની ઘટનાઓ વધી છે અને આ ઘટનામાં સંડોવાયેલા લોકો અને કથિત ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કોઈ એસઆઈટીની રચના કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે.

આ પ્રકારની ઘટનાઓમાં વન વિભાગ આરોપીઓ સામે ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ની કલમ 9 અને કલમ 51 હેઠળ ગુનો નોંધતું હોય છે.

કલમ 9 આ અધિનિયમની ચાર પૈકી કોઈ પણ અનુસૂચિમાં સમાવાયેલા વન્યજીવના શિકાર પર પ્રતિબંધ મૂકે છે અને જો કોઈ શિકાર કરે તો તેને કલમ 51 હેઠળ કેદની સજા અથવા દંડ અથવા બંને થઈ શકે છે.

સિંહ આ અધિનિયમની અનુસૂચિ-1માં સમાવિષ્ટ પ્રાણી છે. આ અનુસૂચિમાં સમાવિષ્ટ પ્રજાતિનાં પ્રાણીના શિકાર બદલ સાત વર્ષ સુધીની કેદની સજા અને પાંચ હજારનો દંડ થઈ શકે છે.

તો શું ગુજરાતમાં મુક્ત રીતે વિચરતા એશિયાઈ સિંહોના ફોટા પાડવા કે વીડિયો રેકૉર્ડિંગ કરવું ગુનો છે? નિષ્ણાતો કહે છે કે સિંહોના ફોટા પાડવા કે વીડિયો બનાવવા એ ગુનો નથી પરંતુ તે ફોટા પાડવા કે વીડિયો શૂટ કરવા માટે જો સિંહોની પજવણી કરવામાં આવી હોય તો તે ગુનો બને છે.

વન વિભાગના અધિકારીઓ કહે છે કે સિંહોની પજવણી પણ સિંહોનો શિકાર કે શિકાર કરવાની કોશિશની વ્યાખ્યામાં આવી જાય છે. તેથી, પજવણી કરવી એ સિંહનો શિકાર કરવા જેટલો જ ગંભીર ગુનો છે.

જોકે, રસપ્રદ બાબત એ છે કે વન્યજીવ અધિનિયમમાં સતામણી કે પજવણી શબ્દ જ નથી.

પરંતુ વન ખાતાના અધિકારીઓ અને કાયદાના નિષ્ણાતો કહે છે કે પજવણીની વ્યાખ્યા તો ભારતીય ન્યાય સંહિતામાં પણ નથી આપવામાં આવી પરંતુ સક્ષમ અધિકારી સંજોગોને ધ્યાનમાં રાખીને કોઈ કૃત્ય સિંહની પજવણી છે કે નહીં તે નક્કી કરે છે.

સિંહની કથિત પજવણીના આ વીડિયોમાં શું છે?

સિંહોની કથિત પજવણીના વીડિયો સમયાંતરે વાઇરલ થતાં રહે છે. વન વિભાગ આ મામલે પગલાં પણ ભરતું હોવાનો દાવો કરે છે.

આવો જ એક વીડિયો આ મહિનાના પહેલા સપ્તાહમાં વાઇરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા આ 11 સેકન્ટના વીડિયોમાં એક પાઠડો પોતાનો જીવ બચાવવાની કોશિશમાં આમ-તેમ દોડી રહ્યો હોય તેવું દેખાય છે.

આ વીડિયોમાં એવું જણાય છે કે રાત્રીના સમયમાં કોઈ વ્યક્તિ વાહનમાં બેસીને તેને સિંહની પાછળ દોડાવે છે અને દરમિયાનમાં વીડિયો શૂટ કરે છે.

આ વીડિયોમાં સંગીત સાથે એક ડાયલોગ પણ મૂકવામાં આવ્યો છે જે સિંહના સંદર્ભે હોય તેવું અર્થઘટન થાય છે. જેમાં શેખી મારવાની સાથે જાણે કે સિંહની મજાક ઉડાવવામાં આવી હોય તેવું પ્રતીત થાય છે.

આ વીડિયો વાઇરલ થયા બાદ ગુજરાતના વન વિભાગની બૃહદ ગીર વન્યપ્રાણી રક્ષણ ટાસ્ક ફોર્સના ઇન્ચાર્જ નાયબ વન સંરક્ષક વિકાસ યાદવે ગુરુવારે એક હુકમ કરીને એસઆઈટીની રચના કરી છે.

ગીર પૂર્વના વન્યપ્રાણી વિભાગના ઊના સબ ડિવિઝનના મદદનીશ વન સંરક્ષકને આ એસઆઈટીના ચૅરમૅન બનાવવામાં આવ્યા છે. જ્યારે બૃહદ ગીર વન્યપ્રાણી રક્ષણ ટાસ્ક ફોર્સના રૅન્જ ફૉરેસ્ટ ઑફિસર(આરએફઓ) તથા ગીર પૂર્વ વન્યપ્રાણી વિભાગની ખાંભા મોબાઇલ સ્ક્વૉડના આરએફઓ ઉપરાંત ગીર પશ્ચિમ વન્યપ્રાણી વિભાગની ગીર ગઢડા રૅન્જના આરએફઓના સભ્યો પણ નીમવામાં આવ્યા છે.

આ વખતે એસઆઈટીની રચના કેમ કરાઈ?

વિકાસ યાદવ ગીર પૂર્વ વન વિભાગના નાયબ વન સંરક્ષક છે અને ટાસ્ક ફોર્સના ડીસીએફ તરીકેની વધારાની જવાબદારી નિભાવી રહ્યા છે.

બીબીસી ગુજરાતી સાથે શુક્રવારે વાત કરતાં તેમણે કહ્યું , "આજ સુધી આવા ગુનાની તપાસ સામાન્ય રીતે જે તે રૅન્જના આરએફઓ કરે છે. સામાન્ય રીતે આવા ગુનામાં વીડિયોમાં દેખાતા આરોપીઓ, વીડિયો શૂટ કરનારા તેમજ તેને સોશિયલ મીડિયામાં શૅર કરનારા લોકો સામે કાર્યવાહી થતી રહે છે. પરંતુ તાજેતરનાં વર્ષોમાં લોકો દ્વારા સિંહો પાછળ વાહન દોડાવવાના ગુનામાં વધારો થઈ રહ્યો છે. વળી, એઆઈ(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)થી બનાવાયેલા વીડિયોનું પ્રમાણ પણ વધી રહ્યું છે."

ઉપરાંત તેમણે જણાવ્યું, "આ પ્રકારની ઘટનાઓમાં સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયરીઝની પણ ભૂમિકા હોય છે. આ બધાં પાસાંને ધ્યાને રાખીને અમે આ કેસની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરી છે."

વિકાસ યાદવે વધારે વિગતો આપતાં કહ્યું કે આવા પ્રકારના ગુનાની તપાસમાં વન વિભાગ જે તે વિસ્તારની સાઇબર ક્રાઇમ પોલીસની પણ મદદ લે છે. તેમનું કહેવું હતું કે વન વિભાગના અધિકારીઓને સાઇબર ક્રાઇમની તપાસનો અનુભવ નથી હોતો તેથી તેમને જે તે વિસ્તારની સાઇબર ક્રાઇમ પોલીસની મદદ લેવાની થાય છે.

તેમણે ઉમેર્યું, "એસઆઈટીએ આ કેસની તપાસ ચાલુ કરી દીધી છે અને તેમણે આ ઘટનાનું સ્થળ અને તેમાં સંડોવાયેલા લોકોની ઓળખ કરી લીધી છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. મુખ્ય આરોપી ફરાર છે."

તો શું સિંહનો ફોટો પાડવો ગુનો છે?

તો શું સિંહોના ફોટા પાડવા ગુનો છે?

બીબીસીએ પૂછેલા આ સવાલનો જવાબ આપતા વિકાસ યાદવે કહ્યું, "વન્યજીવ સંરક્ષણ અધિનિયમમાં શિકારની વ્યાખ્યા બહુ વ્યાપક છે અને પજવણી પણ શિકારની વ્યાખ્યામાં આવી જાય છે."

ગીર વન્યજીવ વર્તુળમાં ફરજ બજાવી ચૂકેલા ગુજરાત વન વિભાગના નિવૃત્ત મુખ્ય વન સંરક્ષક ઉદય વોરા કહે છે કે, સિંહનો ફોટો પાડવો કે વીડિયો ઉતારવો ગુનો નથી, પરંતુ ફોટો પાડવાની કે વીડિયો ઉતારવાની રીત ક્યારેક તે આખીય પ્રવૃત્તિને ગુનાનું સ્વરૂપ આપી દે છે.

બીબીસી સાથે વાત કરતાં ઉદય વોરાએ કહ્યું, "મોબાઇલથી કે કૅમેરાથી સિંહનો ફોટો પાડવો ગુનો નથી. પરંતુ ફોટો પાડવા કે વીડિયો ઉતારવા માટે સિંહને ખલેલ પહોંચે તેટલા નજીક જવું કે સિંહની પાછળ દોડવું એ આખી ઘટના ગુનાનું સ્વરૂપ ધારણ કરી લે છે. આ પ્રકારનું વર્તન સિંહની પજવણી ગણાય છે."

બીબીસી ગુજરાતીએ ઉદય વોરાને પૂછ્યું કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમમાં પજવણીનો શબ્દ નથી અને તેની વ્યાખ્યા કરવામાં આવી નથી તે વિશે તેમનું શું કહેવું છે?

આ સવાલનો જવાબ આપતાં ઉદય વોરાએ જણાવ્યું, "એ વાત સાચી છે કે અધિનિયમમાં પજવણીની વ્યાખ્યા નથી આપવામાં આવી. પરંતુ અધિનિયમમાં શિકારની વ્યાખ્યા આપવામાં આવી છે. તે વ્યાખ્યા અનુસાર કોઈ વન્ય પ્રાણી કે કેદમાં રહેલા વન્ય પ્રાણીને મારી નાખવાનું કે ઝેર આપવાનું કૃત્ય કરે, અથવા તેવો પ્રયાસ કરવાનું કૃત્ય કરે, તેને શિકાર કહેવાય. ઉપરાંત, કોઈ પ્રાણીને પકડવું, અન્ય પ્રાણીની મદદથી વન્ય પ્રાણીને પકડવાનું કૃત્ય, ફાંસલાથી પકડવાનું, દોડાવવાનું કે લલચાવીને પકડી લેવાનું કૃત્ય પણ શિકાર ગણાય."

તેમણે વધુ જાણકારી આપતાં જણાવ્યું, "કોઈ ગામનો માણસ તેની વાડીએ જતો હોય અને રસ્તામાં સિંહ મળે અને તેનો ફોટો પાડે તો તે ગુનો નથી. પરંતુ ગામના કોઈ સીમમાં સિંહે ધામા નાખ્યા છે તેવા સમાચાર મળતા તે ત્યાં જાય અને તે ફોટા પાડવા માટે જે કંઈ કરે તેને ગુનાની વ્યાખ્યામાં લઈ શકાય. ત્યાં જઈને બૂમો પાડવી-હોંકારા કે પડકારા કરવા અને સિંહોને જે રસ્તે જવું હોય તેને તે રસ્તે જતા રોકવા, આ બધું પજવણીની વ્યાખ્યામાં આવે છે."

કાયદા નિષ્ણાતો શું કહે છે?

ગુજરાતના સિંહો બાબતે સુપ્રીમ કોર્ટ સુધી કેસ લડી ચૂકેલા રાજકોટના વકીલ તુષાર ગોકાણી કહે છે કે ભારતમાં પજવણી, વન્યજીવોને લગતો ગુનો તો છે જ પરંતુ સાથે તે ફોજદારી ગુનો પણ છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "પજવણીની વ્યાખ્યા ભારતીય ન્યાય સંહિતામાં પણ આપવામાં આવી નથી તેમ છતાં પજવણી એક ગુનો છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ પાછળ મોટરકાર કે બાઇક દોડાવવી, એ એક પ્રકારની પજવણી છે. ભોગ બનનાર આ રીતે પજવણી કરનાર સામે પોલીસમાં ફરિયાદ કરી શકે છે. પરંતુ સિંહો મૂક પ્રાણી હોવાથી આવી ફરિયાદ તેમની જાતે કરી શકતા નથી. તેથી, કોઈ ઘટનામાં સિંહોની પજવણી થઇ છે કે નહીં તે સંબંધિત અધિકારીએ કાયદાનું અર્થઘટન કરીને નક્કી કરવાનું હોય છે."

તુષાર ગોકાણીએ એમ પણ ઉમેર્યું કે કાયદાના પ્રાથમિક અર્થઘટન વખતે અધિકારીઓ તેમની વિવેકબુદ્ધિ વાપરતા હોય છે અને આ બાબત પોલીસ દ્વારા નોંધાતા કેસને પણ લાગુ પડે છે.

તેમણે કહ્યું, "વહુને સાસુનું વર્તન પજવણી જેવું લાગે તો વહુ સાસુ સામે પોલીસમાં ફરિયાદ કરી શકે છે. પરંતુ સાસુ પોતાનું વર્તન પજવણીજનક નથી તેવો દાવો કરી શકે છે. આવા સંજોગોમાં પોલીસ અધિકારીએ વિવેકબુદ્ધિ વાપરી પ્રથમ એ નક્કી કરવાનું હોય છે કે એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોઈ ગુનો બને છે કે નહિ અને એફઆઈઆર નોંધવી કે નહીં."

સિંહોની પજવણી કેમ ચિંતાનો વિષય છે?

જાણીતા વન્યજીવ ફોટોગ્રાફર અને વન્ય પ્રાણીઓના સંવર્ધન માટે કામ કરતા ભૂષણ પંડ્યા કહે છે કે સિંહોની પજવણી સિંહોનાં વર્તન અને માનવો સાથેના સંબંધ પર માઠી અસર પાડી શકે છે અને તેથી સિંહોના સંવર્ધનના પ્રયાસોમાં અડચણો ઊભી થઈ શકે છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "એશિયાઈ સિંહો સામાન્ય રીતે માણસો પર હુમલા નથી કરતા. પરંતુ જો પજવણી કરવામાં આવે તો સિંહો માણસો પર હુમલો કરી શકે છે. એવું પણ બની શકે છે કે પજવણી કરનાર લોકો તો ત્યાંથી જતા રહે અને પછી છંછેડાયેલા સિંહો કોઈ ત્રીજી વ્યક્તિ પર હુમલો કરી દે. જો એવું બને તો લોકો ફરિયાદ કરવા માંડે કે સિંહો માણસો પર પણ હુમલા કરે છે."

તેઓ ઉમેરે છે કે આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થાય તો તે ચિંતાનું કારણ બની શકે છે.

તેઓ વધુમાં જણાવે છે, "2025ની સિંહ વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સિંહોની વસ્તી 891 છે. તેમાંથી આશરે અડધોઅડધ સિંહો રક્ષિત વન વિસ્તારોની બહાર માનવવસ્તીવાળા વિસ્તારોમાં રહે છે. તેથી, માણસો સાથે તેમની મુલાકાતો થતી રહે છે. જો આ મુલાકાતો સંઘર્ષમાં પરિણામે તો સ્થિતિ ચિંતાજનક થઇ શકે છે. કારણ કે, સિંહો હવે 35,000 વર્ગ કિલોમીટરમાં વિચરણ કરી રહ્યા છે અને તેમના સંરક્ષણ-સંવર્ધન માટે માણસોનો સહકાર મહત્ત્વનો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન