You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુવેંદુ અધિકારી : એક સમયે મમતા બેનરજીના અંગત અને બાદમાં વિરોધી એવા આ નેતાને ભાજપે પ. બંગાળના મુખ્ય મંત્રી બનાવવાની જાહેરાત કેમ કરી?
ભાજપના નેતા અને ગૃહમંત્રી અમિત શાહે કોલકાતા ખાતે સુવેંદુ અધિકારી રાજ્યના નવા મુખ્ય મંત્રી હશે એ વાતની જાહેરાત કરી છે.
વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 207 બેઠકો પર જીત મળી હતી, તેમજ સત્તાધારી પક્ષ ટીએમસી 80 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "હું સુવેંદુ અધિકારી પશ્ચિમ બંગાળમાં ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા હોવાનું જાહેર કરું છું."
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તૃણમૂલ કૉંગ્રેસના અભેદ્ય કિલ્લાને તોડી પાડીને સત્તાસ્થાન સુધી પહોંચવામાં જે સફળતા હાંસલ કરી છે, તેનું મોટું શ્રેય સુવેંદુ અધિકારીને અપાઈ રહ્યું છે.
સુવેંદુ અધિકારીએ આ ચૂંટણીમાં ફરી એક વાર મમતા બેનરજી સામે જીત મેળવી હતી, તેઓ નંદીગ્રામ અને ભવાનીપુર, એમ બંને બેઠકો પરથી વિજેતા જાહેર થયા હતા. જે પૈકી, ભવાનીપુર બેઠક પર તેમણે મમતા બેનરજીને હરાવ્યાં હતાં.
આ અગાઉ 2021ની ચૂંટણીમાં પણ તેમણે મમતા બેનરજી સામે જીત મેળવી હતી અને 'જાયન્ટ કિલર' કહેવાયા હતા.
નોંધનીય છે કે, આ ચૂંટણીનું પરિણામ આવ્યું એ પહેલાંથી તેમને ભાજપની જીતના કિસ્સામાં મુખ્ય મંત્રીપદના મજબૂત દાવેદાર મનાઈ રહ્યા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે ચૂંટણીપરિણામો જાહેર થયાં બાદ પણ મમતા બેનરજીએ મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો હતો, અને કહ્યું હતું કે, "અમે હાર્યાં જ નથી તો હું કેમ જઉં?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન પશ્ચિમ બંગાળના ગવર્નર આરએન રવિએ પશ્ચિમ બંગાળની વિધાનસભા ભંગ કરી દેવાની જાહેરાત કરી અને નવી સરકારનું શપથગ્રહણ આગામી શનિવારે યોજાનાર હોવાની માહિતી આપી હતી.
નોંધનીય છે કે ચૂંટણીપરિણામની જાહેરાત બાદ પશ્ચિમ બંગાળમાં કેટલાંક સ્થળોએ હિંસાના બનાવ જોવા મળ્યા હતા, રાજ્યના મનોનિત મુખ્ય મંત્રી સુવેંદુ અધિકારીના અંગત સહાયકની બુધવારે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી, આ ઘટના બાદ ભાજપના નેતાઓએ 'ટીએમસી પર આરોપ' લગાવ્યો હતો, જ્યારે ટીએમસી તરફથી 'ઘટના અંગે કડક કાર્યવાહી કરવાની' માગ કરાઈ હતી.
હાલ આ મામલાની તપાસ માટે સ્પેશિયલ તપાસ દળની રચના કરાઈ છે.
સુવેંદુ અધિકારી બની ગયા ભાજપના પશ્ચિમ બંગાળના ટોચના નેતા
પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર લાવવાના સ્વપ્નને પૂર્ણ કરવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જેવા દિગ્ગજ નેતા તો લાગેલા જ હતા, પરંતુ બંગાળમાં જમીન પર ઊતરીને પાર્ટી માટે પાયો તૈયાર કરવામાં સુવેંદુ અધિકારીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી.
2021ની ચૂંટણી જીત્યા બાદ તેમને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાયા હતા. એ બાદ પાછલાં પાંચ વર્ષ દરમિયાન તેઓ સતત સરકાર પર હુમલા કરતા રહ્યા અને તૃણમૂલના ગઢ મનાતા વિસ્તારોમાં પણ તેઓ આંદોલનો મારફતે ભાજપની જમીન સતત મજબૂત કરતા રહ્યા.
ધારાસભ્ય, બે વખત સાંસદ અને બાદમાં નંદીગ્રામ બેઠકથી ગત વિધાનસભાની ચૂંટણી જીતીને મમતા બેનરજી સરકારના બીજા કાર્યકાળમાં પરિવહનમંત્રી બનેલા સુવેંદુ અધિકારીનું નામ ડિસેમ્બર 2020 પહેલાં પશ્ચિમ બંગાળથી બહાર કદાચ જ કોઈ જાણતું હશે.
પરંતુ એ જ મહિને ભાજપમાં સામેલ થવા અને અમુક મહિના બાદ થનારી ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પર મુખ્ય મંત્રી મમતા બેનરજીને હરાવ્યા બાદ તેમની ગણતરી પાર્ટીના ટોચના નેતાઓમાં થવા લાગી.
જોકે, તેમની કાર્યશૈલી પર પણ સવાલ ઊઠતા રહ્યા છે, પાર્ટીમાં પણ તેમના પર સવાલ ઊઠતા રહ્યા અને કેન્દ્રીય નેતૃત્વ તરફથી તેમને મળતી પ્રાથમિકતાને કારણે ઘણા વરિષ્ઠ નેતાઓમાં તેમની વિરુદ્ધ નારાજગી પણ વધી.
પરંતુ કહેવાય છે કે સફળતા તમામ અવગુણોને છુપાવી દે છે. ગત પાંચ વર્ષ દરમિયાન કેન્દ્રીય નેતૃત્વે પણ તેમને સતત મહત્ત્વ આપ્યું અને બંગાળ સાથે સંબંધિત પાર્ટીના નીતિગત નિર્ણયોમાં તેમનો મત મહત્ત્વપૂર્ણ રહ્યો.
સુવેંદુ 15મી અને 16મી લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ તમલુક ક્ષેત્રમાંથી ચૂંટાયા હતા.
સુવેંદુ અધિકારીએ 2007માં ટીએમસીની નંદીગ્રામ ચળવળમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને તેના કારણે પાર્ટીને ડાબેરી મોરચાને સત્તામાંથી ઉખેડવામાં મોટી મદદ મળી હતી. લેફ્ટના દબદબા વચ્ચે પણ સુવેંદુ અધિકારી સીપીઆઈ (એમ)ના કદાવર નેતા લક્ષ્મણ શેઠને હરાવવામાં સફળ રહ્યા હતા.
તેમજ કુખ્યાત 'જંગલમહલ' ક્ષેત્ર એટલે કે મેદિનીપુર, પુરલિયા અને બાંકુરા જિલ્લાઓમાં ટીએમસીને મજબૂત કરી હતી.
બંગાળના રાજકારણમાં સુવેંદુ અધિકારીનું મહત્ત્વ
સુવેંદુ અધિકારીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી. એ સમયે તેઓ કાંથીમાં આવેલી પીકે કૉલેજમાં અભ્યાસ કરતા હતા. વર્ષ 1989માં તેઓ કૉંગ્રેસના વિદ્યાર્થી સંગઠન પરિષદના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા.
રાજકીય ઉદયની વાત કરીએ તો તેમણે 36 વર્ષની વયે સૌપ્રથમ તૃણમૂલ કૉંગ્રેસની ટિકિટ પર કાંથી દક્ષિણ બેઠક પરથી 2006ની વિધાનસભા ચૂંટણી જીતી હતી.
ત્યાર બાદ તેમણે 2009ની લોકસભા ચૂંટણી તમલુક બેઠક પરથી લડી અને જીતી. તેમણે 2014ની ચૂંટણીમાં પણ પોતાની બેઠક જાળવી રાખી.
આ પછી, તેમણે 2016ની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક જીતી અને મમતા બેનરજી મંત્રીમંડળમાં પરિવહન મંત્રી બન્યા હતા. એ પછી તેમને સરકારમાં નંબર ટૂ માનવામાં આવતા હતા.
સુવેંદુના પિતા શિશિર અધિકારી 1982માં કાંથી દક્ષિણ વિધાનસભા બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
શિશિર અધિકારી યુપીએ સરકારના બીજા કાર્યકાળ દરમિયાન કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી બન્યા હતા.
પછી તેઓ તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા હતા અને તેઓ કાંથી લોકસભા બેઠક પરથી સાંસદ પણ રહી ચૂક્યા છે.
તો સુવેંદુ અધિકારીના નાના ભાઈ દિવ્યેંદુ અધિકારીએ વર્ષ 2009, 2011 અને 2016માં વિધાનસભા ચૂંટણી જીતી હતી.
એક સમયે મમતા બેનરજીના અંગત અને બાદમાં વિરોધી
પૂર્વ મેદિનીપુર જિલ્લાના કદાવર નેતા સુવેંદુ અધિકારીને એક સમયે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીના જમણા હાથ ગણાવાતા હતા, પરંતુ પાર્ટી છોડતા તેમના સૂર પણ બદલાઈ ગયા હતા.
જ્યારે તેઓ ટીએમસીમાં હતા ત્યારે કહ્યું હતું, "મમતા બેનરજીએ જંગલમહલમાં ક્રાંતિ લાવી દીધી છે. દિલ્હીથી અહીં આવતા લોકો બહારના છે. આગામી પચાસ વર્ષ સુધી બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસને કોઈ હરાવી નહીં શકે."
"હવે ફરી એક વાર એક બંગાળી મહિલા (મમતા બેનરજી) પાસે કેન્દ્રમાં બિન-ભાજપી સરકારનું નેતૃત્વ કરવાની તક છે."
પણ જ્યારે તેમણે પાર્ટી છોડી એ પછી કહ્યું હતું, "મમતા બેનરજીએ નંદીગ્રામ અને જંગલમહલ વિસ્તારના વિકાસ માટે કંઈ કર્યું નથી. જો હું તેમને નંદીગ્રામમાં કમસે કમ પચાસ હજાર મતોના માર્જિનથી ન હરાવું તો રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લઈશ."
પોતાની રેલીમાં કોઈનું નામ લીધા વિના સુવેંદુએ કહ્યું, તેઓ અને તેમનો પરિવાર "પ્રથમ ભારતીય અને પછી બંગાળી છે. ભારતના કોઈ પણ ખૂણેથી બંગાળમાં આવનારાઓને બહારના ન કહી શકાય."
ઉલ્લેખનીય છે કે મમતા બેનરજી ભાજપના નેતાઓને બહારના કહેતા રહ્યાં છે.
નંદીગ્રામ ચળવળના શિલ્પી
સુવેંદુની રાજકીય કારકિર્દી ભલે 1990ના દાયકામાં શરૂ થઈ, પરંતુ 2007માં નંદીગ્રામમાં સંપાદન વિરોધી ચળવળ દરમિયાન તેઓ એક કદાવર નેતા તરીકે ઊભરી આવ્યા હતા.
એક લો પ્રોફાઇલ સાંસદ રહેલા સુવેંદુ તેમની સંગઠનાત્મક કુશળતાને કારણે બહુ ઝડપથી ટીએમસીમાં સત્તાનું વૈકલ્પિક કેન્દ્ર બની ગયા હતા.
બંગાળની પૂર્વ મેદિનીપુર જિલ્લાની 16 બેઠકો ઉપરાંત, અધિકારી પરિવાર પશ્ચિમ મેદિનીપુર (18), બાંકુરા (12), પુરુલિયા (9), મુર્શિદાબાદ (22) અને માલદા (12) જિલ્લાઓની મોટા ભાગની બેઠકો પર પણ પ્રભુત્વ ધરાવે છે.
મુર્શિદાબાદ અને માલદા જિલ્લામાં પાર્ટી નિરીક્ષક તરીકે સુવેંદુએ કૉંગ્રેસના અનેક અગ્રણી નેતાઓને તૃણમૂલ કૉંગ્રેસમાં સામેલ કરીને અનેક નગરપાલિકાઓ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
સુવેંદુ નંદીગ્રામ ચળવળના મુખ્ય શિલ્પી હતા, જેમણે તૃણમૂલ કૉંગ્રેસને સત્તામાં લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
2007માં કાંથી દક્ષિણના ધારાસભ્ય તરીકે તેમણે તત્કાલીન ડાબેરી મોરચાની સરકાર સામે 'ભૂમિ ઉછેર પ્રતિરોધ સમિતિ'ના બૅનર હેઠળ સ્થાનિક લોકોને એક કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન