ગુજરાત : કચ્છમાં જમીનો પર કબજો કરી લેનાર ગાંડા બાવળમાંથી જહાજો માટે ઈંધણ કેવી રીતે બનશે

ગુજરાત અને ભારતનાં અન્ય કેટલાંય રાજ્યોમાં વિદેશથી આવેલો ગાંડો બાવળ એક સમસ્યા થઈ ગયો છે.

નિષ્ણાતો કહે છે કે ખૂબ ઝડપથી ફેલાતો ગાંડો બાવળ વૃક્ષો અને ઘાસની સ્થાનિક પ્રજાતિઓને દબાવી દે છે અને જૈવ વિવિધતા પર પ્રતિકૂળ અસર કરે છે.

ગુજરાતામાં કચ્છ જિલ્લામાં ગાંડા બાવળનાં મોટાં મોટાં જંગલો આવેલાં છે અને સ્થાનિક લોકો ચૂલા સળગાવવા ગાંડા બાવળનાં લાકડાંને બળતણ તરીકે વાપરે છે.

તે ઉપરાંત, ગાંડા બાવળનાં લાકડાંમાંથી વ્યાપારિક ધોરણે કોલસો બનાવાય છે.

પરંતુ હવે આ ગાંડા બાવળમાંથી બાયો-મિથેનોલ નામનું જ્વલનશીલ પ્રવાહી બનાવી તે પ્રવાહીને જહાજોના ઍન્જિન ચલાવવા માટેનું બળતણ બનાવવા માટેનો એક પ્લાન્ટ સ્થાપવાની તૈયારી ચાલી રહી છે.

આ પ્લાન્ટની સ્થાપના કેન્દ્ર સરકારના વહાણવટા મંત્રાલયના નેજા હેઠળ કામ કરતા દીનદયાલ પૉર્ટ ઑથૉરિટી(ટૂંકમાં, ડીપીએ) કરાવશે.

ડીપીએએ મહારાષ્ટ્ર રાજ્યના પૂણે શહેરમાં વડુ મથક ધરાવતી એક પ્રાઇવેટ કંપનીને મિથેનોલનું ઉત્પાદન કરવાનો એક પ્લાન્ટ કંડલામાં સ્થાપવા માટેનો કૉન્ટ્રાકટ આપી દીધો છે.

અધિકારીઓ કહે છે કે આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં આ પ્લાન્ટ કાર્યરત થઈ જશે અને બાયો-મિથેનોલનું ઉત્પાદન શરૂ થઈ જશે.

ગાંડા બાવળમાંથી મિથેનોલ કઈ રીતે બનાવવામાં આવશે?

ડીપીએના ચૅરમૅન સુશીલકુમાર સિંહ કહે છે કે થાર્મોકેમિકલ રિઍક્શન એટલે કે ગરમી અને રાસાયણિક પ્રક્રિયાથી ગાંડા બાવળ અને ખેતી પાકોના અવશેષોનું બાયો-મિથેનોલમાં રૂપાંતર કરવામાં આવશે.

તેના માટે કંડલામાં સ્થાપાનાર પ્લાન્ટમાં એક ગેસીફાયર પ્લાન્ટ હશે.

આ પદ્ધતિથી બાયોમિથેનનું ઉત્પાદન કરવા માટે ગેસીફાયરમાં ગાંડા બાવળના ઝાડના ભાગો કે ખેતીના પાકોના અવશેષોને ઑક્સિજનની ગેરહાજરીમાં અપૂર્ણ દહન કરી તેમાંથી ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે.

આ ગૅસ સિન્થેટિક ગૅસ કે સીન ગૅસ તરીકે ઓળખાય છે. તે ગૅસમાં કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ હોય છે. ત્યાર પછી સીન ગૅસમાંથી કાર્બન ડાયોક્સાઇડ, રાખ, મેષ વગેરે જેવી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે.

ત્યાર બાદ રાસાયણિક પ્રક્રિયા દ્વારા તે ગૅસનું પ્રવાહીમાં રૂપાંતર કરવામાં આવે છે. આવા પ્રવાહી પર વધારે પ્રક્રિયા કરી તેમાંથી પાણી દૂર કરવામાં આવતા મિથેનોલ બને છે.

આવા મિથેનોલના અણુમાં કાર્બનનો એક અણુ-હાઇડ્રોજનના ત્રણ અણુ-ઑક્સિજનનો એક અણુ-અને પછી હાઇડ્રોજનનો એક અણુ તે પ્રકારની રચના થાચ છે.

આવા મિથેનોલને સામાન્ય વાતાવરણમાં પ્રવાહી સ્વરૂપે સંગ્રહી શકાય છે અને તેનું દહન કરતા જ્વાળા દેખાતી નથી. બાયોલૉજિકલ એટલે કે જૈવિક ઘટકોમાંથી બનેલો હોવાથી આવા મિથેનોલને બાયો-મિથેનોલ કે જૈવિક મિથેનોલ તરીકે ઓળખવામાં આવે છે.

ડીપીએના ચૅરમૅને બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "બાયો મિથેનોલ ઉત્પાદન કરવા માટેના પ્લાન્ટ સ્થાપવા માટે પૂણેની થર્મેક્સ નામની પ્રાઇવેટ કંપનીને કૉન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો છે."

"હાલ આ પ્લાન્ટની ડિઝાઇનને મંજૂરી આપવાની પ્રકિયા ચાલી રહી છે. બે મહિના પછી પ્લાન્ટનું બાંધકામ ચાલુ થશે."

"જાન્યુઆરી 2027માં પ્લાન્ટ ચાલુ કરી બાયો મિથેનોલનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ પ્લાન્ટ દૈનિક ધોરણે પાંચ મેટ્રિક ટન બાયોમિથેનોલનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતો હશે."

કંડલા બંદરે જહાજોનું કેટલું ઈંધણ વેચાય છે?

કંડલા બંદરનું સંચાલન ડીપીએ કરે છે. ભારતમાં સરકાર હસ્તકનાં બંદરોમાં કાર્ગો એટલે કે વિવિધ પ્રકારના માલ-સામાનની હેરફેરની બાબતમાં કંડલા ટોચ પર આવે છે.

કંડલા બંદરમાં કંડલા નજીક આવેલા તુણા બંદર, તુણા નજીક આવેલા તુણા ટેકરા ટર્મિનલ અને દેવભૂમિ દ્વારકાના વાડીનાર ખાતે આવેલા ઑઇલ જેટીનો સમાવેશ થાય છે.

1 એપ્રિલ, 2026ની એક અખબારી યાદી અનુસાર કંડલા પૉર્ટે 2025-26ના વર્ષમાં 16 કરોડ મેટ્રિક ટન કાર્ગોનું હૅન્ડલિંગ એટલે કે હેરફેર કરી હતી.

ડીપીએના સત્તાવાર આંકડા અનુસાર વર્ષ 2024-25માં કંડલા બંદરે 3732 જહાજો આવ્યાં હતાં. આમ, દરરોજ સરેરાશ 10 કરતા પણ વધારે જહાજો કંડલા બંદર હૅન્ડલ કરે છે. જહાજો બંદરમાં આવે ત્યારે બંકર ઑઇલ ભરાવી લેતાં હોય છે.

બંકર ઑઇલ એટલે જહાજોના ઍન્જિન ચલાવવા માટેનું ઈંધણ. કાચા ખનીજ તેલમાંથી નિસ્યંદન કરી પેટ્રોલ, નેપ્થા, કેરોસીન, ડીઝલ અને ઊંઝણ માટેના લ્યુબ્રિકન્ટ્સ છૂટા પડ્યા બાદ જે ઘટ્ટ પ્રવાહી બળતણ છૂટું પડે છે તે ફ્યુઅલ ઑઇલ કે હેવી ફ્લ્યુઅલ ઑઇલ કે બંકર ઑઇલ તરીકે ઓળખાય છે.

બંકર ઑઇલ મરિન ફ્યુઅલ તરીકે પણ ઓળખાય છે. ડીપીએના ચૅરમૅન સુશીલકુમાર સિંહે કહ્યું કે કંડલા પૉર્ટ દર મહિને 50,000 મેટ્રિક ટન જેટલું બંકર ઑઇલ જહાજોને પૂરું પાડે છે.

કંડલા બંદર પરંપરાગત ઈંધણના બદલે મિથેનોલ કેમ વેચવા માંગે છે?

ખનીજ તેલમાંથી મેળવાતું પરંપરાગત બંકર ઑઇલ ઘાટું અને ચીકણું હોય છે. નિસ્યંદન દરમિયાન તેના પછી માત્ર ડામર વધે છે.

તેમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોવાથી તે વધારે તાકાતવાળું બળતણ હોય છે. પરંતુ તેનું દહન થતા કાર્બન ડાયોક્સાઇડ, મેશ અને અન્ય પ્રદૂષણ ફેલાવતા તત્ત્વોનું ઉત્સર્જન થાય છે અને વાતાવરણમાં ભળે છે.

તેની સરખામણીએ મિથેનોલના દહનથી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય પ્રદૂષકોનું ઉત્સર્જન ઓછું થાય છે. તેથી મિથેનોલ ગ્રીન ફ્લ્યુઅલ એટલે કે સ્વચ્છ ઈંધણ તરીકે ઓળખાય છે.

વળી, ગાંડા બાવળ અને ખેતી પાકો વાતાવરણમાં રહેલો કાર્બન શોષે છે. તેથી, બાયો-મિથેનોલનો ઉપયોગ એકંદરે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ઘટાડે છે.

માત્ર પુનઃપ્રાપ્ય વીજળીની મદદથી ગ્રીન હાઇડ્રોજન અને કૅપ્ચર્ડ એટલે કે પકડી લેવાયેલા કાર્બન ડાયોક્સાઇડમાંથી મિથેનોલનું ઉત્પાદન કરવામાં આવે તો તેવા મિથેનોલને ઇલેક્ટ્રો-મિથાનોલ(ટૂંકમાં ઈ-મિથેનોલ) કહેવાય છે.

ઈ-મિથેનોલના ઉત્પાદનમાં વાપરવામાં આવતી વીજળી પણ સૌર ઊર્જા, પવન ઊર્જા કે પાણીના પ્રવાહથી ઉત્પન્ન થતી હોય તો તેવો મિથેનોલ બાયો મિથેનોલ કરતા પણ વધારે ચોખ્ખું ઈંધણ કહેવાય છે કારણ કે તેના ઉત્પાદન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું બહુ ઉત્સર્જન થતું નથી.

2024ના વર્ષથી યુરોપિયન યુનિયને પ્રદૂષણ ઘટાડવાના હેતુથી શિપિંગ એટલે કે વહાણવટા ઉદ્યોગ માટે પણ પ્રદૂષણની મર્યાદાઓ નક્કી કરી છે.

જો કોઈ જહાજ તે મર્યાદા વટાવે અને તેને યુરોપિયન યુનિયનના 27 દેશોનાં બંદરો પૈકી કોઈ પણ બંદર પર માલ ઉતારવા કે ભરવા જવાનું ચાલુ રાખવું હોય તો જહાજ ચલાવનાર શિપિંગ કંપનીઓને તેના માટે એક પ્રકારનો દંડ ભરવો પડે છે. આ દંડ તે જહાજ કેટલું બંકર ઑઇલ વાપરે છે તેના આધારે નક્કી થાય છે.

ડીપીએના ચૅરમૅન કહે છે કે દુનિયામાં કાર્બન અને બીજા ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડી આબોહવા પરિવર્તનની ગતિને ધીમી પાડવાના પ્રયાસો અને યુરોપિયન યુનિયનના નિર્ણયના કારણે ભવિષ્યમાં શિપિંગ કંપનીઓ તરફથી ગ્રીન મિથેનોલની માંગ વધશે.

સુશીલકુમાર સિંહે કહ્યું કે હાલ અમુક જહાજોએ ખનીજતેલ-આધારિત પરંપરાગત બંકર ઑઇલ ઉપરાંત ગ્રીન ફ્લ્યુઅલથી પણ ચાલી શકે તેવા ડ્યુઅલ ફ્યુઅલ મરિન ઍન્જિન તેમનાં જહાજોમાં ફિટ કરાવી દીધાં છે અને અન્ય સેંકડો જહાજો નજીકના ભવિષ્યમાં આવવાનાં છે.

સુશીલકુમાર સિંહે કહ્યું છે કે જહાજોના ઈંધણમાં થઈ રહેલા આ પરિવર્તનને ધ્યાને રાખીને કંડલા પૉર્ટે ગાંડા બાવળ અને ખેતી પાકોના કચરામાંથી બાયો-મિથેનોલનું તેમ જ ઈ-મિથેનોલનું ઉત્પાદન કરવાનું આયોજન કર્યું છે.

તેમણે ઉમેર્યું કે દૈનિક ધોરણે 150 ટન જેટલા ઈ-મિથેનોલના ઉત્પાદન માટે ડીપીએએ આ વર્ષે જાન્યુઆરીમાં આસામ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ નામની કંપની સાથે કરાર કર્યા છે.

ગાંડા બાવળમાંથી મિથેનોલ બનાવવાના શું ફાયદા છે?

સુશીલકુમાર સિંહ કહે છે કે ડીપીએની પોતાની જમીનમાં ગાંડા બાવળ છે પરંતુ બાયો-મિથેનના ઉત્પાદન માટે તે પૂરતા નથી. તેમણે કહ્યું કે પ્લાન્ટ માટે ગાંડા બાવળ બહારથી લાવવામાં આવશે.

કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે આવેલા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલૉજી નામની સંસ્થાના ડાઈરેક્ટર ડૉ. વી. વિજય કુમારે બીબીસીને જણાવ્યું કે કચ્છમાં મિથેનોલના ઉત્પાદન માટે પૂરતા પ્રમાણમાં ગાંડો બાવળ ઉપલબ્ધ છે.

તેમણે કહ્યું, "સ્ટેટ ઑફ ફૉરેસ્ટ રિપોર્ટ અનુસાર, 2023માં કચ્છમાં આશરે 1.7 કરોડ અને નજીકના પાટણ જિલ્લામાં આશરે એક 1.3 કરોડ ગંડા બાવળનાં ઝાડ રક્ષિત વન વિસ્તારોની બહાર છે."

"આવા ઝાડને કાપી શકાય છે. ગાંડા બાવળમાંથી ઈંધણ બનાવવાની ભલામણો છેક 2009-10ના વર્ષમાં થઈ હતી અને બે પાવર પ્લાન્ટ નાખવાની યોજનાઓ પણ ઘડાઈ હતી."

"પરંતુ જમીન મેળવવાના મુદ્દે તે પ્લાન્ટ સ્થાપી શકાયા ન હતા. ગાંડા બાવળમાં ઊર્જાનું પ્રમાણ વધારે હોય છે તેથી બાયો મિથેનોલ બનાવવા માટે તે ઉત્તમ ફીડસ્ટૉક (કાચો માલ) સાબિત થઈ શકે છે."

કચ્છના વન્યજીવ અને જૈવિવિધતાનો અભ્યાસ કરનાર ડૉ. ભરત જેઠવા પણ કહે છે કે ગાંડા બાવળની વિવિકેપૂર્ણ કાપણી ચોખ્ખું ઈંધણ ઉપલબ્ધ કરાવવા ઉપરાંત વન્યજીવો અને જૈવિક વિવિધતા માટે પણ ફાયદાકારક સાબિત થશે.

તેમણે બીબીસીને જણાવ્યું, "ગાંડો બાવળ વિદેશથી આવેલી આક્રમણકારી પ્રજાતિ છે. તે બીજાં સ્થાનિક ઝાડ અને ઘાસને થવા દેતો નથી."

"તેના કારણે જૈવિવિધતા માટે જોખમ ઊભું થાય છે. તેથી જો તેને કાપી નાખવામાં આવે તો વૃક્ષોની સ્થાનિક પ્રજાતિઓ અને ઘાસને ઊગવાની તક મળશે અને તેના કારણે વન્યજીવો અને જૈવિવિધતા ફૂલશે-ફાલશે."

"પરંતુ કચ્છ અને પાટણના અમુક વિસ્તારોમાં ગાંડા બાવળ વરુને આશરો અને છાંયો આપે છે. તેવા વિસ્તારોમાં ગાંડા બાવળનું છેદન ન કરવું જોઈએ."

"જો ગાંડા બાવળનું વિવેકપૂર્ણ રીતે છેદન કરવામાં આવે તો તે વન્યજીવો અને જૈવવિવિધતાની જાળવણીની દૃષ્ટિએ પણ ફાયદાકારક જ રહેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન