You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્કૉટલૅન્ડમાં સેક્સ વર્કરના હત્યાકેસમાં ભારતીય યુવાન ફસાયો, એ મૃત્યુ પામ્યો અને તેની પત્નીએ નરેન્દ્ર મોદીને પત્ર કેમ લખ્યો?
- લેેખક, પૉલ ઓ'હૅર
- પદ, બીબીસી સ્કૉટલૅન્ડ
- વાંચવાનો સમય: 6 મિનિટ
લગભગ 29 વર્ષ અગાઉ સ્કૉટલૅન્ડમાં એક સેક્સ વર્કરની હત્યા થઈ હતી, જેમાં એક ભારતીય યુવાન પર હત્યાનો ખોટો આરોપ લાગ્યો હતો. ત્યાર પછી એ યુવાનનું મૃત્યુ થયું અને હવે તેમનાં પત્નીએ આ મામલે સ્કૉટલૅન્ડ સરકાર સામે વળતરનો કેસ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મદદ માંગી છે.
ટ્રેસી વાઇલ્ડ નામની સેક્સ વર્કરની 1997માં હત્યા થઈ હતી, જેમાં સૌગત મુખરજી નામના ભારતીય પર હત્યાનો આરોપ લાગ્યો હતો. 2023માં સૌગત મુખરજીનું 44 વર્ષની વયે પશ્ચિમ બંગાળમાં મૃત્યુ થયું હતું, પરંતુ ટ્રેસીના અસલી હત્યારાને તેનાથી ચાર વર્ષ પહેલાં જ ગ્લાસગો ખાતે સજા મળી હતી.
સૌગતનાં પત્ની સપનાનું કહેવું છે કે ટ્રેસી વાઇલ્ડ હત્યા કેસમાં તેમના પતિનું નામ શકમંદ તરીકે આવવાથી તેમનું જીવન બરબાદ થઈ ગયું છે. હવે તેઓ ઇચ્છે છે કે ભારત સરકાર આ કેસની તપાસ કરે જેમાં વળતરની માંગણી મુખ્ય છે.
સ્કૉટલૅન્ડ પોલીસનું કહેવું છે કે તે કોર્ટમાં ચાલતા કેસ મામલે ટિપ્પણી નહીં કરે.
સ્કૉટલૅન્ડના પ્રોસિક્યુશને અગાઉ કહ્યું હતું કે તેઓ પોલીસ દ્વારા મોકલવામાં આવેલા સંદિગ્ધ અપરાધના કોઈ પણ રિપોર્ટ પર કાર્યવાહી કરતા પહેલાં સાવધાનીપૂર્વક વિચારણા કરશે.
ક્રાઉન ઑફિસ અને પ્રૉસિક્યુટર ફિસ્કલ સર્વિસ (COPFS)એ જણાવ્યું કે પૂરતાં પુરાવા મળે પછી જ કાર્યવાહી થશે, તથા મામલાની સતત સમીક્ષા કરવામાં આવશે.
45 વર્ષીય સપનાએ જણાવ્યું કે તેમના પતિ બહુ સફળ કારકિર્દી ધરાવતા હતા. ત્યાર પછી 2014માં તેમને ખબર પડી કે બીજા દેશમાં પોલીસ તેમને શોધી રહી છે.
ત્યાર બાદ ત્રણ બાળકોના પિતા સૌગતનું જીવન સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું. કારણ કે તેઓ બે દેશો વચ્ચે ચાલતી પ્રત્યાર્પણની એક લાંબી કાનૂની લડાઈમાં અટવાઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંતે ડીએનએ તપાસમાં સાબિત થયું કે સૌગત નિર્દોષ છે. પરંતુ તેમના પરિવારનું કહેવું છે કે તેઓ આ કલંકમાંથી ક્યારેય બહાર નીકળી ન શક્યા.
સપના હવે સ્કૉટલૅન્ડ પોલીસ અને COPFS સામે કેસ કરવા માંગે છે અને તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મદદ માટે અપીલ કરી છે.
સપનાએ બીબીસી સ્કૉટલૅન્ડને જણાવ્યું કે તેમના પતિ પર હત્યાના શકમંદનો આરોપ લાગ્યો ત્યાર પછી તેઓ ક્લિનિકલ ડિપ્રેશનનો ભોગ બન્યા હતા.
17 જાન્યુઆરી 2023ના રોજ તેમનું ગંભીર લીવર સોરાયસિસથી મૃત્યુ થયું હતું.
તેમણે કહ્યું કે, "દુનિયાએ જાણ થવી જોઈએ કે એક નિર્દોષ માણસનું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું અને તેમનો પરિવાર હજુ પણ તેનાં પરિણામો ભોગવે છે."
ટ્રેસી વાઇલ્ડની હત્યા કોણે કરી હતી?
24 નવેમ્બર 1997ના રોજ ટ્રેસીનું ગ્લાસગો ખાતે તેના ફ્લેટમાં જ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. તેઓ 21 વર્ષનાં હતાં.
ટ્રેસી એક બાળકની માતા હતાં અને સેક્સ વર્કર તરીકે કામ કરતાં હતાં. બીજા દિવસે તેમનો મૃતદેહ મળી આવ્યો.
તે વખતે સૌગતની ઉંમર 19 વર્ષ હતી અને ગ્લાસગો નોટિકલ કૉલેજમાં અભ્યાસ કરતા હતા. તેઓ એક વર્ષ અગાઉ 1996માં જ ભારતથી સ્કોટલૅન્ડ આવ્યા હતા. એક વર્ષ પછી તેમણે કૉલેજ છોડી દીધી અને ભારત જતા રહ્યા.
ભારતમાં તેમણે સપના સાથે લગ્ન કર્યાં અને ચેન્નઈની એક યુનિવર્સિટીમાં ભણવા લાગ્યા.
તેઓ સેલ્સ અને બિઝનેસ ડેવલપમેન્ટના ક્ષેત્રે કામ કરતા હતા અને કામ માટે અમેરિકા, યુએઈ તથા ગ્રીસ સહિત ઘણા દેશોનો પ્રવાસ કર્યો હતો.
ઑક્ટોબર 2014માં અચાનક ભારતીય પોલીસે સૌગતને જાણ કરી કે ગ્લાસગોમાં એક હત્યાના વણઉકેલાયેલા કેસમાં તેઓ શકમંદ છે.
જાન્યુઆરી 2015માં તેમની ધરપકડ થઈ અને મુંબઈની જેલમાં ત્રણ અઠવાડિયા સુધી રાખવામાં આવ્યા.
ત્યાર પછીના મહિને તેમને શકમંદ જાહેર કરાયા અને 'સનડે મેલ' અખબારમાં તેમના ફોટા સાથે અહેવાલ પણ છપાયો હતો.
સીસીટીવી ફૂટેજની તસવીરો પણ પ્રકાશિત થઈ જેમાં એક માણસ ટ્રેસીના ગળે હાથ વીંટાળીને શેરીમાં જતો હોય છે.
સપનાએ કહ્યું કે "આ આરોપોએ સૌગતને સાવ તોડી નાખ્યા." તેઓ સૌગતને લાચાર હાલતમાં સરી જતા જોયા.
તેમણે કહ્યું, "તેમને લાગ્યું કે તેઓ પરિવાર પર બોજ બની ગયા છે, કારણ કે હું ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતી અને ત્રણ બાળકોને ઉછેરતી હતી. તેમનો મેડિકલ ખર્ચ પણ ઉઠાવતી હતી અને આવી રીતે પાંચ વર્ષ કાઢ્યાં."
"તેમનાં માતાપિતાએ તેમને શારીરિક અને માનસિક આઘાતથી બચાવવા માટે એક એક પૈસો ખર્ચ કરી નાખ્યો."
અસલી હત્યારો કેવી રીતે પકડાયો?
2018ના ઉનાળામાં સૌગતને ગૂગલ પર એક ન્યૂઝ નોટિફિકેશન મારફત જાણવા મળ્યું કે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ થઈ છે.
ઝી મિન ચેન નામની વ્યક્તિએ ગ્લાસગોના કાઉકેડેન્સ વિસ્તારમાં કોઈના પર હુમલો કર્યો હતો. તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને તેણે પોલીસને પોતાના ડીએનએ સૅમ્પલ આપ્યા હતા.
આ સૅમ્પલ 20 વર્ષ અગાઉ ટ્રેસી વાઇલ્ડના ફ્લેટમાંથી મળેલી ફોરેન્સિક પ્રોફાઇલ સાથે બરાબર મૅચ થઈ ગયા.
ચીનમાં જન્મેલા 44 વર્ષીય ચેને એપ્રિલ 2019માં પોતાના ગુનાનો સ્વીકાર કર્યો અને તેમને ઓછામાં ઓછા 20 વર્ષની જેલની સજા થઈ.
લોર્ડ આર્થરસન નામના જજે તેને કહ્યું, "તમે એક યુવાન મહિલા પર તેના ફ્લેટમાં ઘાતકી, કાયરતાપૂર્ણ અને જીવલેણ હુમલો કર્યો હતો."
ગ્લાસગોની હાઈકોર્ટ બહાર ટ્રેસી વાઇલ્ડના બહેન બર્નાન્ડેટ મેકકેશે આ સજાને 'ચહેરા પર તમાચા' સમાન ગણાવી હતી.
તેમણે રિપોર્ટરોને કહ્યું : "મને નથી લાગતું કે આટલી સજા પૂરતી છે. એક પરિવાર તરીકે આ સજાથી અમે નિરાશ થયા છીએ.
"તે લાંબો સમય (20 વર્ષ કરતાં વધુ સમય) ભાગતો રહ્યો. તે લાંબો સમય છુપાઈ રહ્યો."
ચેને પોતાની સજા સામે અપીલ કરી અને તેની સજા ઘટાડીને 16 વર્ષ કરવામાં આવી.
સૌગતે 2019માં બીબીસી સ્કૉટલૅન્ડને જણાવ્યું કે શરૂઆતમાં તેના પર લાગેલા આરોપોએ તેમને હચમચાવી નાખ્યા હતા.
તેમણે કહ્યું કે તેમના માનવા પ્રમાણે તેઓ ગ્લાસગોને અધવચ્ચેથી છોડી ગયા તેના આધારે તથા સીસીટીવી પુરાવા પરથી તેમની સામે કેસ ઘડવામાં આવ્યો છે. તેમનો પરિવાર આ આરોપોથી સંપૂર્ણપણે 'ભાંગી પડ્યો' હતો.
તેમણે એમ પણ કહ્યું કે તેઓ વાઇલ્ડના પરિવારજનો સાથે સહાનુભૂતિ ધરાવે છે અને તેમની સાથે જે થયું તે બદલ અફસોસ છે.
એક પરિવાર બરબાદ થઈ ગયો
પહેલી મે, 2019ના રોજ ભારતના વિદેશ મંત્રાલયે સૌગતને સત્તાવાર રીતે આરોપોથી મુક્ત જાહેર કર્યા.
હવે તેમના પર શંકાનો ઓછાયો ન હતો, પરંતુ સપના કહે છે કે તેમને જે નુકસાન થયું હતું તે "ભરપાઈ થઈ શકે તેમ ન હતું."
હવે તેમણે ભારતના વડા પ્રધાન મોદીને પત્ર લખીને પોતાના પરિવારની તકલીફોથી વાકેફ કર્યા છે.
બીબીસી સ્કૉટલૅન્ડ ન્યૂઝે આ પત્ર જોયો છે. તેમાં કહેવાયું છે કે આ કેસના કારણે આ દંપતી અને તેમના ત્રણ બાળકો શ્રેષ્ઠા (21 વર્ષ), શ્લોક (18 વર્ષ) અને શ્રેયા (16 વર્ષ)એ ઘણું સહન કરવું પડ્યું હતું.
તેમણે લખ્યું છે, "હું તમને ભગ્નહૃદય અને ખાલી ઘર સાથે લખું છું તથા તત્કાળ ન્યાય માટે અરજી કરું છું. માત્ર મારા પરિવાર માટે નહીં, પરંતુ એવા તમામ ભારતીય નાગરિકો વતી જેમને વિદેશમાં પૂરતા ડિપ્લોમેટિક રક્ષણ વગર ક્રિમિનલ કેસમાં નિશાન બનાવાયા હોય."
ભાડાના ઘરમાંથી પરિવારને કાઢી મૂકાયો
સપનાએ કહ્યું કે તેમના પતિને "ભાગેડુનું બિરુદ" લગાવાયું હતું અને આરોપો જાહેર થયા પછી "રોજગાર માટે ગેરલાયક" બની ગયા હતા.
તેમણે કહ્યું કે તેમના પરિવારને ભાડાના મકાનમાંથી કાઢી મૂકવામાં આવ્યા કારણ કે પડોશીઓએ આરોપી હત્યારાની નજીક રહેવાની ના પાડી દીધી હતી. તેમનાં બાળકો સાથે બધાએ હળવામળવાનું બંધ કરી દીધું અને તેમને એકલાં પાડી દેવાયાં હતાં.
સપનાએ કહ્યું કે સૌગત નાણાકીય રીતે પોતાના માતાપિતા અને શ્વસુર પક્ષ પર નિર્ભર થઈ ગયા હતા. આ લોકોએ પણ પોતાના બધા રૂપિયા ખર્ચી નાખ્યા હતા અને હવે પોતાનું મકાન વેચી નાખવાનું વિચારતા હતા.
તેમણે કહ્યું કે તેમના પતિ શરાબ પીવા લાગ્યા હતા અને "શરમ તથા હતાશાના કારણે તીવ્ર ક્લિનિકલ ડિપ્રેશનનો ભોગ" બન્યા હતા.
આ દરમિયાન એકમાત્ર સપના જ ઘર ચલાવવા માટે કમાતાં હતાં.
તેમણે કહ્યું કે, "તેમનો કોઈ વાંક ન હોવા છતાં તેમણે બધું ગુમાવી દીધું હતું અને તેમાં જ તેમનું મૃત્યુ થયું."
સપનાએ એવો સવાલ પણ કર્યો કે "ઘટનાસ્થળે મળેલી પ્રોફાઇલ સાથે સૌગતના ડીએનએ મૅચ થતા ન હતા, છતાં તેમને નિર્દોષ જાહેર કરવામાં ચાર વર્ષ કેમ લાગી ગયાં?"
તેઓ હવે સ્કૉટલૅન્ડના સત્તાવાળાઓ પાસેથી નાણાકીય વળતર માગી રહ્યા છે અને તેના માટે ભારત સરકારની મદદની માગણી કરી છે.
સપનાની માગણી છે કે સૌગતને કેવી રીતે હત્યા કેસના શકમંદ બનાવી દેવાયા તેની ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા વિધિવત્ તપાસ કરાવવામાં આવે.
'સિસ્ટમે મારા પતિને મારી નાખ્યા'
તેઓ કહે છે, "મારા પતિ એક નિર્દોષ માણસ હતા."
"તેમણે કોઈ ગુનો કર્યો ન હતો. કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું. તેમણે સત્તાવાળાઓને સહયોગ આપ્યો. તેમણે સિસ્ટમ પર ભરોસો કર્યો હતો."
"અને સિસ્ટમે તેમને ધીમે ધીમે, પીડાદાયક રીતે અને સંપૂર્ણપણે મારી નાખ્યા."
સ્કૉટલેન્ડ પોલીસે જણાવ્યું કે તેઓ કાનૂની પ્રક્રિયા પર ટિપ્પણી નહીં કરે.
ક્રાઉન ઑફિસે જણાવ્યું કે તેમણે 2019ના પોતાના નિવેદનમાં વધુ કંઈ ઉમેરવાનું નથી. તે વખતે તેમણે કહ્યું હતું કે પોલીસને સોંપાયેલા રિપોર્ટ પર કાળજીપૂર્વક વિચારણા કરવામાં આવી હતી.
તેમણે કહ્યું હતું, "ગુના વિશે પૂરતા પુરાવા સાથે રિપોર્ટ મળશે અને તે જાહેર હિતમાં હશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે."
તેમણે કહ્યું, "કેસોની સમીક્ષા કરવી એ ક્રાઉનનું કર્તવ્ય છે અને કેસના તથ્યો અને સંજોગોનો સંપૂર્ણ વિચાર કર્યા પછી ક્રાઉન કાઉન્સેલે સૂચના આપી હતી કે સૌગત મુખર્જી સામે આગળ કોઈ કાર્યવાહી થવી ન જોઈએ."
આ મામલે ટિપ્પણી માટે ભારતીય વિદેશ મંત્રાલયનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન