'પાણીમાં ઊતરું તો લાગે છે એક દિવસ તેને મળીશ', પત્નીની શોધમાં છેલ્લાં 13 વર્ષથી દરિયો ખૂંદતા પતિની કહાણી

બીબીસી ગુજરાતી પત્નીની શોધમાં છેલ્લા 13 વર્ષથી દરિયો ખૂંદતા પતિની કહાણી જાપાન દરિયો સુનામી
ઇમેજ કૅપ્શન, યાસુઓ તાકામાત્સુ પત્નીને શોધવા માટે 50 વર્ષની ઉંમરે ડાઇવિંગ શીખ્યા
    • લેેખક, બેક્કા જૉન્સ
    • પદ, બીબીસી રિપોર્ટર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

યાસુઓ તાકામાત્સુ મહિનામાં બે વખત જાપાનના પૂર્વોત્તર મિયાગી પ્રાંતમાં આવેલા ઓનાગાવા બંદરથી માછલી પકડવાની એક નાનકડી હોડીમાં બેસીને કેટલાક કિલોમીટર દૂર સમુદ્રમાં રવાના થાય છે.

ફેસ માસ્ક, ઍર ટૅન્ક અને વેટ બેલ્ટ પહેરીને ઊંડા દરિયામાં જવું એ છેલ્લાં 13 વર્ષથી તેમની આદત બની ગઈ છે.

તેઓ જે હોડીમાં મુસાફરી કરે છે તે થોડું અંતર કાપે પછી તેઓ ઠંડા સમુદ્રના પાણીમાં કૂદી જાય છે.

તેઓ વારંવાર એ દરિયામાં કૂદે છે જે તેમનાં પત્ની યુકોને ગળી ગયો હતો.

2011માં સુનામીએ જાપાનના ઉત્તરપૂર્વ કિનારાને તબાહ કરી નાખ્યો હતો. યુકો તે વખતે બૅન્કની ઇમારતની છત પર હતાં જ્યારે એક પ્રચંડ મોજું કિનારાતરફ આવ્યું અને લગભગ 10 કિલોમીટર સુધી અંદર ઘૂસી ગયું હતું.

બીબીસી ગુજરાતી પત્નીની શોધમાં છેલ્લા 13 વર્ષથી દરિયો ખૂંદતા પતિની કહાણી જાપાન દરિયો સુનામી
ઇમેજ કૅપ્શન, જાપાનના ઉત્તરપૂર્વ કિનારે 9.0થી 9.1ની તીવ્રતાના ભૂકંપના કારણે સુનામી આવી હતી

યાસુઓએ તે દિવસે સવારે યુકોને બૅન્ક પાસે ઉતાર્યાં હતાં. રસ્તામાં તેમણે રાતે જમવામાં શું બનાવવું છે તેની વાત કરી હતી.

ચેતવણી જારી થયા પછી યુકો અને તેમના 12 સહકર્મચારીઓ ઇમારતના સૌથી ઊંચા માળ પર પહોંચી ગયાં હતાં.

ત્યાંથી તેમણે મૅસેજ મોકલ્યો, "તમે સાવધાન છો ને? મારે ઘરે આવવું છે."

યાસુઓએ આ મૅસેજ વાંચ્યો અને તેમને લાગ્યું કે તેમનાં પત્ની સુરક્ષિત છે. પરંતુ તેઓ મ્યુનિસિપલ હૉસ્પિટલે પહોંચ્યા જ્યાં સુનામીમાં બચી ગયેલા લોકોને રાખવામાં આવ્યા હતા, ત્યારે ત્યાં પત્નીનો પતો ન મળ્યો.

ડાઇવિંગ શીખવાનું મન કેમ થયું?

બીબીસી ગુજરાતી પત્નીની શોધમાં છેલ્લા 13 વર્ષથી દરિયો ખૂંદતા પતિની કહાણી જાપાન દરિયો સુનામી
ઇમેજ કૅપ્શન, યાસુઓના પરિવારની તસવીર જેમાં પત્ની યુકો અને બાળકો પણ જોવા મળે છે. બંને બાળકો શાળામાં હોવાથી બચી ગયાં હતાં.

તેઓ કહે છે, "તેમણે મને કહ્યું કે મારી પત્ની સુનામીમાં તણાઈ ગઈ છે. મેં આ સાંભળ્યું ત્યારે હું ફસડાઈ ગયો. મારામાં શક્તિ ન રહી. મને લાગ્યું કે જાણે હું પણ પાણીમાં તણાઈ ગયો છું."

પાણી ઊતર્યાં પછી જાપાનના દરિયાકિનારેથી કેટલાંય અઠવાડિયાં દરમિયાન હજારો મૃતદેહો મળી આવ્યા હતા.

પરંતુ યુકો જેવા લોકોનો હજુ સુધી કોઈ પતો નથી મળ્યો.

ત્યાર પછી બે વર્ષ સુધી યાસુઓએ જાપાની કોસ્ટ ગાર્ડના ડાઇવર્સને સમુદ્રમાં મૃતદેહો અને ચીજવસ્તુઓને કાઢવા જતા જોયા.

ત્યાર પછી તેમણે એક નિર્ણય લીધો.

તેઓ કહે છે, "મારે પણ ડાઇવિંગ શીખવું હતું. મને લાગ્યું કે હું પાણીમાં ડાઇવિંગ કર્યા કરીશ તો એક દિવસ હું તેને મળી શકીશ."

યાસુઓ 50 અને 60 વર્ષની આયુ દરમિયાન કૂદતા રહ્યા. તેમણે અત્યાર સુધીમાં 760 વખત ડાઇવિંગ કર્યું છે.

અમિટ નિશાન

બીબીસી ગુજરાતી પત્નીની શોધમાં છેલ્લા 13 વર્ષથી દરિયો ખૂંદતા પતિની કહાણી જાપાન દરિયો સુનામી
ઇમેજ કૅપ્શન, યાસુઓ 2014માં ડાઇવિંગ શીખ્યા ત્યારની તસવીર

જાપાનના લોકો પોતાના દૈનિક જીવનમાં મૃતકોને યાદ કરે છે અને તેમને પોતાના જીવનનો હિસ્સો માને છે.

બૌદ્ધ ધર્મની કુયો પ્રથા મુજબ મૃતકોની આત્માને શાંતિ પ્રદાન કરવા કબર પર ફૂલ ચઢાવાય છે અને પ્રાર્થના કરવામાં આવે છે.

જોકે, યુકોનો મૃતદેહ ન મળવાના કારણે યાસુઓ આવા કોઈ પ્રકારનો સમારોહ યોજી શક્યા નથી.

તેમની શોધમાં જે શરૂ થયું હતું તે હવે એક અનુષ્ઠાન, એક સ્મરણોત્સવ અને એક આયોજન બની ગયું છે.

યાસુઓ કહે છે, "હું પાણીમાં ડુબકી લગાવું ત્યારે મને લાગે છે જાણે તે મારી નજીક છે. તે કોઈ કબર પર જવા કરતા કંઈક અલગ છે. કારણ કે તે કબરમાં નથી. એવું લાગે છે જાણે હું તેને મળવા જાઉં છું."

આ આફતે યાસુઓના વિશ્વાસની પરીક્ષા લીધી છે.

તેઓ જ્યારે ઊંડા સમુદ્રમાં જાય છે ત્યારે તેઓ પાછલાં કેટલાંય વર્ષોમાં કુદરતી આફતોના કારણે થયેલી તબાહીને જોઈને દુ:ખી થાય છે.

તેઓ કહે છે, "ત્યાંના ખંડેરોને જોઈને મને લાગે છે કે તેના માટે તેમાંથી બહાર નીકળવું અશક્ય છે. હું તેના વિશે વિચારું ત્યારે મારી આંખોમાં આંસુ આવી જાય છે."

પત્ની મળશે ત્યારે કેવો સવાલ કરશે?

બીબીસી ગુજરાતી પત્નીની શોધમાં છેલ્લા 13 વર્ષથી દરિયો ખૂંદતા પતિની કહાણી જાપાન દરિયો સુનામી
ઇમેજ કૅપ્શન, યાસુઓએ 2014માં ડાઇવિંગની તાલીમ લીધી હતી

પરંતુ યાસુઓના મનમાં સમુદ્ર માટે કોઈ નફરત નથી. સમયની સાથે તેમણે સ્વીકારવું પડ્યું કે કુદરતી આફતો ટાળી શકાતી નથી અને તે માનવીના નિયંત્રણની બહાર છે.

તેઓ કહે છે, "મને તેના પ્રત્યે કોઈ નફરત નથી. એક સમયે સુનામીએ તબાહી મચાવી હતી. પરંતુ બીજી તરફ ત્યાં જોવા જેવી અદ્ભુત ચીજો અને સુંદર દૃશ્યો છે."

આ રીતે યાસુઓ વારંવાર કુદરતી આફતોનો સામનો કરતા લોકોની માનસિકતાનું પ્રતીક બની ગયા.

તેઓ પેસિફિક કિનારે ટોહોકુમાં વસે છે જ્યાં સુનામી અને ધરતીકંપ એ સામાન્ય બાબત છે. કિનારા પર બધે મંદિરો અને આફતોના અવશેષો જોઈ શકાય છે, જે આપણને પ્રકૃતિની શક્તિ અને એ તથ્યની યાદ અપાવે છે કે મનુષ્ય તેનો એક અભિન્ન હિસ્સો છે.

ડાઇવિંગ અગાઉ કે ડાઇવિંગ પછી યાસુઓ હંમેશાં સ્મિત કરતા રહે છે, તેઓ હસમુખ અને મિલનસાર છે.

તેઓ જ્યારે યુકો વિશે બોલે છે ત્યારે રમૂજવૃત્તિ સાથે વાત કરે છે અને પોતાના દુ:ખને ઘટાડીને દેખાડે છે.

તેઓ કહે છે, "અમે ફરીથી મળીશું તો તે કદાચ મને સૌથી પહેલાં કહેશે કે 'તમે બહુ વૃદ્ધ થઈ ગયા છો.'"

સમુદ્રના તળિયે શું જોવા મળે છે?

બીબીસી ગુજરાતી પત્નીની શોધમાં છેલ્લા 13 વર્ષથી દરિયો ખૂંદતા પતિની કહાણી જાપાન દરિયો સુનામી
ઇમેજ કૅપ્શન, 2026માં ડાઇવિંગ પર જતા પહેલાં લેવાયેલી યાસુઆની તસવીર

પરંતુ તેમના માટે દરિયામાં ડાઇવિંગ કરવું એ આત્મનિરીક્ષણનો અવસર છે. તેઓ સપાટીથી 50 મીટર નીચે, કાટમાળથી ક્ષતિગ્રસ્ત સમુદ્રના તળિયાની ઉપર તરે છે.

તેઓ કહે છે, "સમુદ્રના તળિયે ઘણી જાતની ભૂવૈજ્ઞાનિક સંરચનાઓ જોવા મળે છે. તેમાંથી કેટલીક પહાડ જેવી છે જેને ઊંચાઈએથી જોતા એવું લાગે જાણે તમે તેના પર તરી રહ્યા છો. તેથી ત્યાં એવું લાગે છે જાણે આપણે આકાશમાં તરી રહ્યા હોઈએ."

યુકોને મળતા પહેલાં યાસુઓ આ દરિયાકિનારે જ ઊછર્યાં અને મોટાં થયાં હતાં. આ પાણીમાં જ તેઓ તરવાનું અને માછલી પકડવાનું શીખ્યાં હતાં. સમુદ્રએ તેમના જીવનને આકાર આપ્યો હતો.

બીબીસી ગુજરાતી પત્નીની શોધમાં છેલ્લા 13 વર્ષથી દરિયો ખૂંદતા પતિની કહાણી જાપાન દરિયો સુનામી
ઇમેજ કૅપ્શન, યાસુઓ અને યુકોનાં લગ્ન સમયની તસવીર

હવે સમુદ્રમાં ડૂબેલાં જહાજોને જોઈને તેમને લાગે છે કે તેઓ પ્રકૃતિમાં નિરંતર ચાલતા પરિવર્તનોનો હિસ્સો છે.

તેઓ કહે છે, "ત્યાં એવી ગાડીઓ છે જેના ભુક્કા બોલી ગયા છે. કેટલીક ચીજો કૃત્રિમ કોરલ રીફમાં ફેરવાઈ ગઈ છે અને માછલીઓ ત્યાં આવીને ઈંડાં મૂકે છે."

15 વર્ષ પછી પણ તેમના હૃદયમાં પીડા ઘટી નથી. આટલાં વર્ષોમાં દરિયો પણ તેમના જીવનથી દૂર નથી ગયો.

હવે તેઓ 763મી ડાઇવ લગાવવાની તૈયારીમાં છે. તેઓ થોડી જ વારમાં યુકોની નજીક જવા માટે ફરીથી પાણીમાં ઊતરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન