You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાન અને વરસાદથી104 લોકોનાં મોત, ખરેખર હવામાનમાં શું થયું હતું?
છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશમાં આવેલી ભારે આંધી, વરસાદ તથા વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 104 લોકોનાં મોત થઈ ગયાં છે.
ઉત્તર પ્રદેશ સરકારના ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર મનોજ કુમારે બીબીસીને જણાવ્યું હતું કે, "અત્યાર સુધી વાવાઝોડાને કારણે 104 લોકોનાં મોત થયાં છે, જ્યારે 52 લોકો ઘાયલ થયા છે. લગભગ 130 પ્રાણીઓનાં મોત થયાં છે અને 98 ઘરો ધરાશાયી થયાં છે. પ્રયાગરાજમાં 21, મિર્ઝાપુરમાં 19, ફતેહપુરમાં 11 અને કાનપુર દેહાતમાં બેનાં મોત થયાં છે."
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાની નોંધ લીધી હતી અને અધિકારીઓને લોકોને પૂરતી મદદ પહોંચાડવાના આદેશ આપ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં શું બન્યું?
સમાચાર ઍજન્સી પીટીઆઈ અનુસાર, ગઈકાલે સાંજ પછી વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ શરૂ થયો હતો.
ઉત્તર પ્રદેશના પાંચ જિલ્લા પ્રયાગરાજ, ભદોહી, મિર્ઝાપુર, ફતેહપુર અને બદાયુંમાં તેની સૌથી વધુ અસર જોવા મળી હતી.
પીટીઆઈએ અધિકારીઓના હવાલેથી લખ્યું હતું કે ભદોહીમાં ઓછામાં ઓછા 16 લોકો, ફતેહપુરમાં નવ લોકો, તથા બદાયુંમાં પાંચ લોકોનાં મોત થયાં છે.
ભદોહીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વિરેન્દ્રકુમાર મૌર્યએ પીટીઆઈને જણાવ્યું હતું કે, "અનેક વિસ્તારોમાંથી ઝાડ, વીજથાંભલા ઉખડી જવાના તથા ઘરોને નુકસાન થવાના સમાચારો મળ્યા હતા. રૅસ્ક્યૂ ઑપરેશનમાં થોડી મુશ્કેલી પડી હતી કારણ કે મોબાઇલ નેટવર્ક પણ વાવાઝોડાને કારણે ખોરવાઈ ગયું હતું."
ફતેહપુરમાં પણ 11 લોકોનાં મોત થયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીટીઆઈ અનુસાર ફતેહપુરના અધિક ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અવિનાશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, "આઠ મૃતકોમાંથી પાંચ મહિલાઓ છે. તથા અન્ય એક મહિલાનું દીવાલ તૂટી પડવાથી મોત થયું છે."
આ સિવાય સિદ્ધપુર કૈથોલી ગામમાં નવ અને 10 વર્ષની બે છોકરીઓનું ઝૂંપડીની કાચી દીવાલ પડી જવાથી મોત થયું હતું.
આકાશવાણી સમાચાર પ્રમાણે ઉત્તર પ્રદેશના મખ્ય મંત્રી યોગી આદિત્યનાથે અસરગ્રસ્ત લોકોને તમામ સંભવ સહાય પૂરી પાડવા જણાવ્યું છે.
ઉત્તર પ્રદેશમાં હવામાનની પેટર્નમાં અચાનક ફેરફારના કારણે રાજ્યમાં મોટા પાયે વિનાશકારી સ્થિતિ પેદા થઈ છે.
આ ઘટનામાં ઈજા પામેલા 100થી વધુ લોકોને હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૌથી વધારે લોકો વીજળી પડવાની ઘટનાના કારણે મૃત્યુ પામ્યા છે, આ ઉપરાંત દીવાલ ધસી પડવાથી અને ઝાડ તૂટી પડવાના કારણે પણ લોકો માર્યા ગયા છે.
અલગ અલગ જિલ્લામાં વીજળીના થાંભલા અને ઝાડ ઉખડી ગયા છે જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
અનેક જગ્યાએ રસ્તા બંધ થઈ જવાથી ટ્રાફિકને અસર થઈ હતી. ઝડપી પવનની સાથે કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા છે જેથી પાકને ભારે નુકસાન થયું છે.
વીજળી પડે અથવા આંધી આવે ત્યારે શું કરવું, શું ન કરવું?
ચોમાસાની સીઝનમાં તથા અચાનક વાતાવરણ બદલાય ત્યારે વીજળી પડવાની અને આંધીની ઘટનાઓ બનતી હોય છે જેમાં ઘણી વખત જાનમાલનું નુકસાન થાય છે.
ભારતીય હવામાન વિભાગે આવી સ્થિતિમાં શું ન કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકા આપી છે.
આંધી અને વીજળી વખતે શું કરવું?
- તમે ઘરમાં અથવા કામના સ્થળે હોવ ત્યારે બારી અને બારણા બંધ રાખો. બહાર નીકળવાનું ટાળો.
- બાળકો અને પ્રાણીઓને પણ ઘરની અંદર રાખો.
- તમને વીજગર્જના સંભળાતી હોય તો તેનો અર્થ એવો થયો કે વીજળી પડી શકે તેવી જગ્યાથી તમે નજીક છો.
- ઘરના વિદ્યુત ઉપકરણોના પ્લગ કાઢી નાખો.
- વહેતા પાણીથી દૂર રહો. બાથરૂમમાં નહાવા જવાનું પણ ટાળો કારણ કે ધાતુના પાઈપ દ્વારા વીજળી વહે છે.
- બારી-દરવાજા, સ્ટવ, બાથ ટબ, અને ઈલેક્ટ્રિકલ સુવાહક ચીજવસ્તુઓથી દૂર રહો.
- વાયરવાળા ટેલિફોનનો ઉપયોગ ટાળો.
- બહાર હોવ તો ધાતુની ચીજો, થાંભલા વગેરેથી દૂર રહો. સલામત જગ્યાએ જતા રહો.
- તમે જ્યાં ઊભા રહો ત્યાં પાણી ભરાવાનું નથી તેની ખાતરી કરો.
- વીજળી પડતી હોય તેવી જગ્યાએ બંને પગ ભેગા કરીને, માથું નમાવીને ઘુંટણીયે બેસી જાવ. ટૂંકમાં તમારું કદ ઘટાડી દો. નીચે સપાટ સૂઈ ન જશો કારણ કે તેનાથી જોખમ વધી જશે.
- ફોન, વીજળી લાઇન, મૅટલની વાડ, ઝાડ, ટેકરીની ટોચથી દૂર રહો.
- ઝાડની નીચે ઊભા ન રહો, કારણ કે તે વીજળીનું સુવાહક છે.
- રબરના તળિયાવાળાં જૂતાં કે કારના ટાયર પણ વીજળી પડવા સામે રક્ષણ આપતા નથી.
- સાઇકલ, મોટરસાઇકલ ચલાવતા હોવ તો ઊતરીને સુરક્ષિત જગ્યાએ જાવ.
- વાહનમાં હોવ અને આંધી આવે તો મદદ મળે ત્યાં સુધી વાહનની અંદર જ રહો. બારી બંધ રાખો, ઝાડની નીચે અથવા વીજળીના તાર નીચે કાર પાર્ક ન કરો.
માણસ પર વીજળી પડે તો શું કરવું?
- જેના પર વીજળી પડી હોય તે વ્યક્તિને તાત્કાલિક હૉસ્પિટલે લઈ જાવ.
- શક્ય હોય તો તરત પ્રાથમિક સારવાર આપો.
- જેના પર વીજળી પડી હોય, તે વ્યક્તિમાં કોઈ વિદ્યુત કરંટ નથી હોતો. તેને સુરક્ષિત રીતે સારવાર આપી શકાય છે.
- હાડકાં તૂટી ગયાં છે કે નહીં, સાંભળી શકે છે તથા જોઈ શકે છે કે નહીં તે ચકાસો.
- જેના પર વીજળી પડી હોય તે વ્યક્તિ અલગ અલગ પ્રકારથી દાઝી ગઈ હોઈ શકે છે. તેના શરીર પર વીજળીના કારણે કઈ જગ્યાએ નિશાન પડ્યાં છે તે જુઓ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન