કૉંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરનું નિધન, લાંબી માંદગી બાદ અમરેલીમાં નિવાસસ્થાને લીધા અંતિમ શ્વાસ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Faruk Qadri
કૉંગ્રેસના પીઢ નેતા અને કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અને સાંસદ વીરજી ઠુમ્મરનું બુધવારે 67 વર્ષની વયે કૅન્સરની માંદગીને કારણે અમરેલી ખાતેના તેમના નિવાસસ્થાને મૃત્યુ થયું હતું.
અમરેલીના રાજકારણમાં વીરજી ઠુમ્મરના પરિવારનો 'સારો એવો દબદબો' રહ્યો છે. તેઓ કૉંગ્રેસના એવા ખૂબ જ ઓછા સ્થાનિક નેતાઓ પૈકી એક હતા, જેમણે ક્યારેય 'પક્ષનો સાથ નથી છોડ્યો.'
વીરજી ઠુમ્મર ગુજરાતમાં કૉંગ્રેસના 'કદાવર નેતા' મનાતા હતા. કૉંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે બીબીસી ગુજરાતીના અમરેલી ખાતેના સહયોગી ફારુક કાદરી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "વીરજીભાઈ 1989થી 1991 સુધી જિલ્લા પંચાયતના સભ્ય રહ્યા હતા."
"1990-98 સુધી કૉંગ્રેસમાંથી રાજ્યના ધારાસભ્ય, એ બાદ 2004માં લોકસભાની ચૂંટણીમાં તેઓ કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર જીત્યા હતા.એ બાદ બે લોકસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડેલો, જોકે, 2017માં ફરી એક વાર તેઓ કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા."
વીરજી ઠુમ્મરે પોતાની લાંબી રાજકીય કારકિર્દીમાં કૉંગ્રેસ પક્ષમાંથી ઘણી વાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી હતી, પાછલાં બેએક વર્ષથી તેઓ કૅન્સરથી પીડિત હતા. તેમનાં પુત્રી જેનીબહેન ઠુમ્મર પણ કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર અમરેલી બેઠક પરથી ગત લોકસભાની ચૂંટણી લડ્યાં હતાં, જોકે, તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
સીજેપીના સૌરવ દાસે કહ્યું, 'જ્ઞાનેશકુમાર રાજીનામું આપશે, તો જ યુવાનો હટશે'

ઇમેજ સ્રોત, ANI
કૉક્રોચ જનતા પાર્ટીના સહ-સંયોજક સૌરવ દાસે દિલ્હી પોલીસને 10 ઑક્ટોબરે જંતર-મંતર પર યોજાનાર વિરોધપ્રદર્શન વિશે સૂચના આપી છે.
તેમણે કહ્યું, "દેશના તમામ યુવાનો એટલે કે બધા સાથીઓ, 10 ઑક્ટોબરે જંતર-મંતર પહોંચવાના છે. અમે આ અંગે દિલ્હી પોલીસને ઔપચારિક રીતે જાણ કરી છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમના સહયોગ કરવા અનુરોધ કર્યો છે."
સૌરવ દાસે કહ્યું, "અમે બધી જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરી લીધી છે અને અન્ડરટેકિંગ પણ આપી દીધું છે. દેશના યુવાનો ફરી એક વાર રસ્તા પર ઊતરી રહ્યા છે અને આ વખતે યુવાનો જ્ઞાનેશકુમાર રાજીનામું ન આપે ત્યાં સુધી પાછળ હટશે નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હું ફરી એક વાર કહેવા માગું છું કે આ ફક્ત સીજેપી આંદોલન નહીં પણ જેન ઝી અને યુવાનોનું પ્રદર્શન છે. જો મત ચોરી થઈ રહ્યા છે, જો ચૂંટણીઓ છીનવાઈ રહી છે, તો આ દરેક નાગરિક માટે એક મુદ્દો છે. તેથી દેશના તમામ યુવાનોએ આમાં જોડાવું જોઈએ."
તેમણે કહ્યું, "અમારું સૂત્ર છે, 'ચલો દિલ્હી'. બધા કૉક્રોચ ભેગા થાઓ. અમને અપેક્ષા છે કે મોટી સંખ્યામાં લોકો આવશે અને તે મુજબ અમે પોલીસને જાણ કરી છે."
રિઝર્વ બૅન્કે રેપો રેટમાં વધારો કર્યો, મોંઘવારી વધવાનું પણ અનુમાન

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રિઝર્વ બૅન્કે રેપો રેટમાં 25 બેસિક પૉઇન્ટનો વધારો કર્યો છે અને તેને 5.5% કરવામાં આવ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે આ નિર્ણય નાણાકીય નીતિ સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે સમિતિએ સર્વાનુમતે રેપો રેટ વધારવાનો નિર્ણય લીધો.
કૉમર્શિયલ બૅન્ક રિઝર્વ બૅન્ક પાસેથી લીધેલાં ઉછીનાં નાણાં પર જે વ્યાજદર ચૂકવે છે તે રેપો રેટ છે.
રેપો રેટમાં વધારો બૅન્કો પર દબાણ લાવે છે, જેના કારણે તેને વ્યાજદર વધારવાની ફરજ પડે છે. પરિણામે, બૅન્કો પાસેથી લોન લેનારા ગ્રાહકોને ઊંચા વ્યાજદર ચૂકવવા પડે છે.
આરબીઆઈએ નાણાકીય વર્ષ 2027 માટે મોંઘવારીનો અંદાજ પણ થોડો વધારીને 5.1 ટકા કર્યો, જે અગાઉ 5 ટકા હતો.
આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ઘણી ચીજવસ્તુઓના ભાવ પર દબાણ હવે વધુને વધુ દેખાઈ રહ્યું છે.
આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે નબળા ચોમાસા સાથે મજબૂત અલ-નીનો આગામી રવી સિઝનને અસર કરી શકે છે.
આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, "આરબીઆઇએ નાણાકીય વર્ષ 2027 માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 40 બેસિસ પૉઇન્ટ વધારીને 7.1 ટકા કર્યો છે."
ભાવનગરના ત્રાપજ પાસે સર્જાયેલા અકસ્માતમાં સાત લોકોનાં મોત

ઇમેજ સ્રોત, alpesh dabhi
ભાવનગરના રિલાયન્સ પેટ્રોલપંપ પાસે એક હેવી ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાઈ હોવાથી એક અકસ્માત સર્જાયો.
બીબીસી સહયોગી અલ્પેશ ડાભી જણાવે છે કે આ અકસ્માતમાં છ લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં છે અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે.
ભાવનગર સિટીના ડીવાયએસપી આર.આર. સિંઘાલે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું કે અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતનો દુખદ બનાવ બન્યો છે.
તેઓ જણાવે છે કે ભાવનગર-તળાજા હાઈવે પર ત્યાં ત્રાપજના પાટિયા ખાતે ગમખ્વાર અકસ્માત થયેલો છે, જેમાં સાત લોકોનાં મોત થયાં છે.
તેમણે કહ્યું, "આ વિસ્તારમાં એક હેવી ટ્રક સર્વિસ રોડ પર પાર્ક હતો, દરમિયાન ભાવનગરથી અલંગ જતી એક કાર (જેમાં સાત લોકો હતા) ટ્રક સાથે અથડાઈ હતી અને સ્થળ પર છ લોકોનાં મોત થયાં અને ત્યાર બાદ સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું છે."
તેમના જણાવ્યા અનુસાર, સાત મૃતકોમાં વિજયભાઈ વોરા, હિતેશકુમાર મહેતા, પીયૂષભાઈ શાહ, પ્રિતેશભાઈ ભાયાણી, ભાર્ગવભાઈ ગોસાઈ, યોગી નજમેરા અને જયેશભાઈ છે, જેઓ ભાવનગરના રહેવાસી છે અને અલંગ જવા માટે નીકળ્યા હતા, જ્યાં તેઓ કામ કરતા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકો રોજ ભાવનગરથી અપ-ડાઉન કરતા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























