You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડનગર : કોણ છે ઉર્વીલ પટેલ જેણે IPLમાં માત્ર 13 બૉલમાં ફિફ્ટી ફટકારીને યશસ્વી જયસ્વાલના રેકૉર્ડની બરોબરી કરી?
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026ની મૅચ નંબર 53માં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો લખનઉ સુપર જાયન્ટ્સ સામે થયો જેમાં ચેન્નાઈની ટીમે લખનઉ સામે પાંચ વિકેટે જીત મેળવી લીધી છે. લખનઉએ ચેન્નાઈને જીત માટે 204 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જેને ચાર બૉલ બાકી હતા ત્યારે જ ચેન્નાઈની ટીમે હાંસલ કરી લીધું હતું. આ હાર સાથે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાયેલી ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મૅચમાં ગુજરાતી બૅટ્સમૅન ઉર્વીલ પટેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
લખનઉ દ્વારા આપવામાં આવેલા 204 રનના લક્ષ્યાંક સામે બૅટિંગમાં ઉતરેલા ચેન્નાઈના ખેલાડીઓએ શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ સંજુ સેમસન 14 બૉલમાં 28 રન બનાવીને આઉટ થઈ ગયા.
સંજુના આઉટ થયા બાદ આવેલા ગુજરાતી ખેલાડી ઉર્વીલ પટેલે ચારે તરફ ચોક્કા-છક્કા ફટકાર્યા. તેમણે માત્ર 13 બૉલમાં તેની અર્ધસદી પૂર્ણ કરી. જે સમયે તેમણે તેમની ફિફ્ટી પૂરી કરી તે સમયે તેઓ સાત છક્કા અને એક ચોક્કા લગાવી ચૂક્યા હતા.
અગાઉ આઈપીએલમાં કોઈ પણ બૅટ્સમૅન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી અર્ધસદીનો રેકૉર્ડ યશસ્વી જયસ્વાલના નામે હતો. તેણે પણ 13 બૉલમાં ફિફ્ટી ફટકારી હતી. ઉર્વીલે હવે તેના રેકૉર્ડની બરોબરી કરી હતી.
જોકે, ઉર્વીલ પટેલ 23 બૉલમાં 65 રન ફટકારીને શાહબાઝ અહમદની બૉલિંગમાં આવેશ ખાનના હાથે કૅચ આઉટ થઈ ગયા હતા. આ ઇનિંગમાં તેમણે બે ચોક્કા અને 8 છક્કા ફટકાર્યા હતા.
અગાઉ જ્યારે આઈપીએલ 2025 સિઝનમાં ઉર્વીલ પટેલે કોલકાતા નાઇટ રાઇડર્સની સામેની મૅચમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે પણ તેમની ઇનિંગ ધમાકેદાર રહી હતી. તેમણે માત્ર 11 બૉલમાં 31 રન બનાવ્યા હતા.
બૅટિંગ ઉપરાંત વિકેટકીપિંગ કરતા ઉર્વીલ કોણ છે?
17મી ઑક્ટોબર, 1998ના રોજ મહેસાણામાં જન્મેલા પરંતુ મૂળ વડનગરના ઉર્વીલ એક સમયે ગુજરાતમાંથી રમવું કે બરોડાની ટીમમાંથી તે વિશે દ્વીધામાં હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય ક્રિકેટ બોર્ડનાં વિવિધ ઍસોસિયેશનમાં ગુજરાત અને બરોડા (ઉપરાંત સૌરાષ્ટ્ર) છે પરંતુ ગુજરાતના નકશામાં આ ત્રણેય ટીમ આવરી લેવાય છે.
ઉર્વીલનો જન્મ મહેસાણામાં હોવાને કારણે તેઓ મૂળ બરોડા ક્રિકેટ ઍસોસિયેશન માટે રમવા લાયકાત ધરાવતા હતા. જ્યારે તેમનું મૂળ વતન વડનગર એટલે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન માટે પણ તેઓ રમી શકે તેમ હતા.
જોકે, ઉર્વીલે આ બંને ઍસોસિયેશન માટે પદાર્પણ કર્યું. તેઓ શરૂઆતમાં ભારતીય ક્રિકેટ બોર્ડની ટી20 અને લિસ્ટ-એ મૅચો બરોડામાંથી રમ્યા પરંતુ 2018-19માં તેઓ ગુજરાતની ટીમમાં આવી ગયા હતા.
વડનગરના કહીપુર ગામના વતની ઉર્વીલનાં માતાપિતા વ્યવસાયે શિક્ષણક્ષેત્રે સંકળાયેલાં છે. ઉર્વીલે માત્ર છ વર્ષની વયે ક્રિકેટક્ષેત્રે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.
2023માં તેને ઘડવાની શરૂઆત કરી હતી. 2023માં ઉર્વીલને ગુજરાત ટાઇટન્સની ટીમે ખરીદ્યા ત્યારે ઉત્તર ગુજરાતમાંથી કોઈ ક્રિકેટર આવી રીતે ચમક્યા હોય તેવો પ્રથમ પ્રસંગ હતો.
ઉર્વીલે અગાઉ જુનિયર ક્રિકેટમાં પણ કમાલ કરેલી છે. 2018માં આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં પણ તેમની પસંદગી થઈ હતી.
આ ઉપરાંત બરોડામાં યોજાતી કિરણ મોરે ટી20 લીગમાં ઉર્વીલે એક વાર માત્ર 66 બૉલમાં 188 રન ફટકારી દીધા હતા, પરંતુ આ ટુર્નામેન્ટ બીસીસીઆઈની નહીં હોવાથી તેમનો આ રેકૉર્ડ સત્તાવાર યાદીમાં સામેલ થઈ શક્યો નથી.
પોતાની બેટિંગ વિશે ઉર્વીલે એક વખત કહ્યું હતું, "હું મૅચની પરિસ્થિતિ મુજબ બેટિંગ કરું છું. ભારત માટે રમવાનું મારું સ્વપ્ન છે, પરંતુ તેના માટે મહેનત અત્યંત જરૂરી હોય છે અને હાલમાં હું તે માટે આકરો પરિશ્રમ કરી રહ્યો છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન