આઈપીએલમાં વેપિંગ વિવાદ બાદ BCCI એ કેમ ચેતવણી આપી, કેમ કડક નિયમો બનાવ્યા?

વાંચવાનો સમય: 5 મિનિટ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)માં ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને ટીમ અધિકારીઓના હોટલના રૂમ્સમાં પરવાનગી વિના જતા લોકો પર પ્રતિબંધ મૂક્યો છે.

આ મામલે બીસીસીઆઈ આઈપીએલની દસેય ફ્રૅન્ચાઇઝીને કડક નિર્દેશ આપ્યા છે અને ટુર્નામેન્ટના સ્થળે વેપિંગ (ઈ-સિગારેટ) પર પણ રોક લગાવી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાંજ રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન રિયાન પરાગનો વેપિંગ કરતો વીડિયો સામે આવ્યો હતો જેને લઈને ઘણી ટીકા થઈ હતી.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર બોર્ડની ઍન્ટિ કરપ્શન યુનિટે અયોગ્ય વ્યવહાર અને નિયમ તોડવાની કેટલીક ઘટનાઓની માહિતી આપી હતી જ્યાર બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

બીબીસીઆઈએ આઠ પાનાની ઍડવાઇઝરી બહાર પાડી છે જેમાં માનક સંચાલન પ્રક્રિયાઓ (એસઓપી)ના પ્રોટોકૉલના ઉલ્લંઘન વિશે ચિંતા વ્યક્ત કરી છે.

બીસીસીઆઈએ કહ્યું છે કે એસઓપીનું ફરજિયાત રીતે પાલન કરવાનું રહેશે.

વિના પરવાનગી ખેલાડીઓ, ટીમ સભ્યો અને સપોર્ટ સ્ટાફના રૂમમાં જવા પર પ્રતિબંધ

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ 10 ફ્રૅન્ચાઇઝીના સીઈઓને એક પત્ર લખ્યો છે.

દેવજીત સૈકિયાએ પત્રમાં કહ્યું છે કે, "હાલના સત્ર દરમ્યાન કેટલીક ઘટનાઓને જોતાં સૂચનો કરવામાં આવ્યાં છે અને તેનો હેતુ આઈપીએલ સાથે સંકળાયેલા બધા હિતધારકો પાસેથી પ્રોફેશનલિઝમ, અનુશાસન, સુરક્ષા જાગરૂકતા અને પ્રોટોકૉલનું પાલન કરવાની અપેક્ષા છે જેનાથી તેના માનકોને મજબૂત બનાવી શકાય."

આ પત્રમાં સૈકિયાએ લખ્યું છે કે, "બીસીસીઆઈની જાણકારીમાં આવ્યું છે કે હાલની આઈપીએલ સિઝનમાં ખેલાડીઓ, સહયોગી સ્ટાફ અને ટીમ અધિકારીઓ દ્વારા દુર્વ્યવહાર અને પ્રોટોકૉલ ઉલ્લંઘનની કેટલીક ઘટનાઓ સામે આવી છે."

"જો આ ઘટનાઓ પર ધ્યાન નહીં અપાય તો ટુર્નામેન્ટ, સંબંધિત ફ્રૅન્ચાઇઝી અને વહીવટી એકમ તરીકે બીસીસીઆઈની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચી શકે છે."

"તેનાથી વ્યક્તિઓ અને ફ્રૅન્ચાઇઝીને ગંભીર કાયદાકીય જવાબદારીઓ અને સુરક્ષા જોખમોનો સામનો કરવો પડી શકે છે."

બીસીસીઆઈની મુખ્ય ચિંતા ખેલાડીઓના હોટલના રૂમ્સમાં 'અનધિકૃત વ્યક્તિઓ'ના આવવાને લઈને છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે, "કેટલાક ખેલાડીઓ અને સહયોગી સ્ટાફના સભ્યોએ સંબંધિત આઈપીએલ ફ્રૅન્ચાઇઝી ટીમ મૅનેજરની માહિતી અથવા અનુમતિ વિના અનધિકૃત વ્યક્તિઓને હોટલના પોતાના રૂમમાં પ્રવેશની અનુમતિ આપી છે."

"કેટલાક મામલામાં ટીમ મૅનેજરને એવા મહેમાનોની ઉપસ્થિતિ વિશે માહિતી જ નહોતી. આની પર તત્કાલ પ્રભાવથી કડક પ્રતિબંધ મૂકવામાં આવે છે."

ટીમ મૅનેજરની મંજૂરી ફરજિયાત હશે

બીસીસીઆઈએ બધા ખેલાડીઓ, સહયોગી સ્ટાફના સભ્યોને પણ નિર્દેશ આપ્યા છે જેનું પાલન ફરજિયાત કરવામાં આવ્યું છે, જે નીચે પ્રમાણે છે.

  • બીસીસીઆઈ અનુસાર કોઈ પણ વ્યક્તિને ભલે તેની ઓળખ કંઈ પણ હોય અથવા ટીમના સભ્ય સાથે તેનો કોઈ પણ સંબંધ હોય અથવા તેનો જાહેર ઉદ્દેશ્ય કંઈ પણ હોય, ટીમના મૅનેજરની પૂર્વ સૂચના અને સ્પષ્ટ લેખિત મંજૂરી વિના ખેલાડીઓ અથવા સહાયક સ્ટાફ સભ્યના હોટલના રૂમમાં પ્રવેશની અનુમતિ નહીં અપાય.
  • મહેમાનો અને આગંતુકનું સ્વાગત માત્ર હોટેલના સાર્વજનિક સ્થળ જેમકે લૉબી અથવા હોટેલ 'રિસેપ્શન લાઉન્જ'માં જ કરાશે. કોઈ પણ મહેમાનને હોટલના ખાનગી રૂમ્સમાં ત્યાર સુધી નહીં લઈ જવાય જ્યાં સુધી ટીમ મૅનેજરે તેના માટે લેખિત અનુમતિ નહીં આપી હોય.
  • બીસીસીઆઈએ ટાર્ગેટેડ જાતીય સતામણી અને 'હની ટ્રૅપિંગ'ના જોખમનો ઉલ્લેખ કરતા ફ્રૅન્ચાઇઝીને આ મામલે 'હંમેશાં સતર્ક અને સક્રિય' રહેવાનો નિર્દેશ આપ્યો છે. બીસીસીઆઈએ કહ્યું છે કે જાતીય દુર્વ્યવહાર સાથે જોડાયેલા ભારતીય કાયદા અંતર્ગત ગંભીર કાયદાકીય આરોપોને જન્મ આપનારી ઘટનાઓની સંભાવનાની અવગણના ન કરી શકાય.

ફ્રૅન્ચાઇઝી માલિકો પર કઈ બાબતે રોક લગાવાઈ

દેવજીત સૈકિયાના પત્રમાં કહેવામાં આવ્યું છે કે ફ્રૅન્ચાઇઝી માલિકો પાસેથી આ નિર્દેશોનું કડકાઈથી પાલન કરવાની અપેક્ષા કરાય છે. તેમાં એવા ટીમ માલિકોનો પણ ઉલ્લેખ છે જેમણે ખેલાડીઓ અને મૅચ અધિકારીઓની પહોંચવાળાં સ્થળોએ જઈને ઉલ્લંઘન કર્યું છે

બીસીસીઆઈએ ચિંતા વ્યક્ત કરી છે કે 'કેટલાક આઈપીએલ ફ્રૅન્ચાઇઝી માલિકોએ પીએમઓ પ્રોટોકૉલનું પાલન નથી કર્યું.'

'ખાસ કરીને એવા મામલા સામે આવ્યા છે જેમાં આઈપીએલ ફ્રૅન્ચાઇઝી માલિક મૅચ દરમ્યાન ખેલાડીઓ સાથે વાત કરવા, તેમની પાસે જવા, તેમને ગળે મળવા અથવા કોઈ અન્ય પ્રકારના શારીરિક સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે.'

'ભલે આવું વર્તન સદ્ભાવના સાથે કર્યું હોય પણ આ પ્રોટોકૉલનું સીધું ઉલ્લંઘન છે અને ટીમની કાર્યપ્રણાલી અને મૅચના સંચાલનમાં હસ્તક્ષેપ માની શકાય છે.'

આ મામલે ફ્રૅન્ચાઇઝી માલિકો માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

  • બીસીસીઆઈએ આઈપીએલ ફ્રૅન્ચાઇઝી માલિકો અને તેમના પ્રતિનિધિઓને મૅચ દરમ્યાન ડગઆઉટ, ડ્રેસિંગ રૂમ અથવા મેદાનમાં ખેલાડીઓ અથવા ટીમના અધિકારીઓ સાથે સંવાદ કરવા અથવા શારીરિક રૂપથી તેમના સુધી પહોંચવા પર કડક પ્રતિબંધ મૂક્યો છે.
  • બીસીસીઆઈ અનુસાર કોઈ પણ પ્રકારના ઉલ્લંઘનને ગંભીરતાથી લેવાશે.
  • ફ્રૅન્ચાઇઝીએ જોવું પડશે કે આઈપીએલ ફ્રૅન્ચાઇઝી માલિકો અને તેમના સહયોગીઓને દરેક મૅચના દિવસ પહેલાં લાગુ પ્રોટોકૉલ વિશે જાણકારી આપવામાં આવે.

વેપિંગને લઈને થયો હતો વિવાદ

હાલમાં આઈપીએલમાં રમતા ક્રિકેટરો વેપિંગ (ઈ-સિગરેટ) કરતા કૅમેરામાં ઝડપાયા બાદ વિવાદ ઊભો થયો હતો. હવે બીસીસીઆઈએ વેપિંગ મામલે કડક વલણ અપનાવ્યું છે.

આસામના ક્રિકેટર અને રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન રિયાન પરાગને મૅચ દરમ્યાન ડ્રેસિંગ રૂમમાં વેપિંગ (ઈ-સિગારેટ લેતા) માત્ર ફ્રૅન્ચાઇઝી નહીં પરંતુ બીસીસીઆઈની પણ ઘણી ટીકા થઈ હતી.

મુલાનપુરમાં પંજાબ કિંગ્સ સામેની મૅચમાં રિયાન પરાગ વેપિંગ કરતા કૅમેરામાં કેદ થયા હતા.

આ ઘટના બાદ રિયાન પરાગ પર મૅચ ફીના 25 ટકા જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. તમને પર ક્રિકેટની રમત પર 'લાંછન લગાવવાનો' આરોપ હતો.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર આઈપીએલએ નિવેદનમાં કહ્યું હતું રિયાને ઉલ્લંઘનનો સ્વીકાર કર્યો હતો અને મૅચ રેફરી દ્વારા તેમના પર લગાવેલા દંડને પણ માન્યો છે."

તેમણે વધુમાં કહ્યું હતું કે," બીસીસીઆઈ પણ વાંકમાં આવેલી ટીમ, તેના અધિકારીઓ અને ખેલાડીઓ સામે કડક પગલાં લેવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે જેનાથી આઈપીએલની શાખને જાળવી રાખી શકાય."

અન્ય એક ઘટનામાં પંજાબ કિંગ્સના ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ એક વીડિયોમાં વેપિંગ કરતા જોવા મળ્યા હતા.

એક વાઇરલ વીડિયોમાં હૈદરાબાદ જતાં ફ્લાઇટની અંદર ઇ-સિગરેટ પીતા જોવા મળ્યા હતા. વીડિયોમાં તેઓ આને છુપાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. જોકે, આ વાઇરલ વીડિયોની પુષ્ટિ બીબીસી નથી કરી શક્યું.

સોશિયલ મીડિયા અને વરિષ્ઠ ક્રિકેટરોએ આ મામલાની ટીકા કરી હતી.

હવે બીસીસીઆઈએ વેપિંગ મામલે પણ સૂચન કર્યાં છે.

દેવજીત સૈકિયાએ રિયાન પરાગનું નામ લીધા વિના જ કહ્યું કે, "ડ્રેસિંગ રૂમ અને ટુર્નામેન્ટ સ્થળે પ્રતિબંધિત ક્ષેત્રોમાં વેપિંગના મામલાની બીસીસીઆઈએ નોંધી લીધી છે."

"ભારતીય કાયદા હેઠળ ઈ-સિગારેટ પ્રતિબંધિત છે, તેની નોંધ લેવી જીએ. આયોજન સ્થળ પર પરિસરની અંદર આવું આચરણ કરતી વ્યક્તિ બીસીસીઆઈ અને આઈપીએલના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે, અને તે આ મામલે લાગુ કાયદા અંતર્ગત અપરાધ પણ કરી રહી છે."

તેમણે કહ્યું કે, ''એટલે આઈપીએલ ટુર્નામેન્ટ સાથે જોડાયેલાં સ્થળો (ડ્રેસિંગ રૂમ, ડગઆઉટ, ટીમ હોટલ અને પ્રૅક્ટિસ એરિયા) માં વેપિંગ, ઈ-સિગારેટ અ બધા પ્રતિબંધિત પદાર્થોના ઉપયોગ પર કડક પ્રતિબંધ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન