IPL 2026 : આઈપીએલ પ્રતિભાશાળી ભારતીય ક્રિકેટરોને કેવી રીતે નવો આકાર આપી રહી છે?

    • લેેખક, મોહસીન કમાલ
    • પદ, ક્રિકેટ લેખક
  • વાંચવાનો સમય: 5 મિનિટ

"જ્યાં પ્રતિભાને તક મળે છે."

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટ્રૉફી પર કોતરવામાં આવેલું આ સૂત્ર તેના વ્યાપક પ્રભાવને સુંદર રીતે પ્રદર્શિત કરે છે.

રમતના અર્થશાસ્ત્ર અને વૈશ્વિક આકર્ષણમાં પરિવર્તન ઉપરાંત, આ ટુર્નામેન્ટ ભારતમાં ઊભરતા ક્રિકેટરો માટે સૌથી મહત્ત્વપૂર્ણ માર્ગ બની ગઈ છે. તેની દરેક સિઝનમાં નવા અનકૅપ્ડ ખેલાડીઓને બહાર આવે છે, જેમાંથી ઘણા બાદમાં રાષ્ટ્રીય ટીમમાં સ્થાન પામે છે.

હાલની સિઝનનો સિલસિલો પણ અલગ નથી. નવા ઊભરેલા ખેલાડીઓ પૈકીના કાર્તિક શર્મા અને પ્રશાંત વીરનો સમાવેશ થાય છે. આ બંને યુવા ખેલાડીઓને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો બહુ ઓછો અનુભવ હતો. બંનેને 1.15 મિલિયન પાઉન્ડની ફીમાં કરારબદ્ધ કરવામાં આવ્યા અને તેઓ આઇપીએલની ઇતિહાસમાંના સૌથી મોંઘા અનકૅપ્ડ ખેલાડી બની ગયા.

કાર્તિકની સફર રાજસ્થાનના એક નાના ગામડાથી શરૂ થઈ હતી. તેમના પિતા એક સ્થાનિક ક્રિકેટર હતા અને નાનકડો બિઝનેસ ચલાવતા હતા. પિતાએ નિર્ધાર કર્યો હતો કે તેઓ જે પ્રાપ્ત કરી શક્યા નથી, એ તેમનો દીકરો હાંસલ કરશે.

કાર્તિકના પ્રારંભિક કોચ શત્રુઘ્ન તિવારી કહે છે, "કાર્તિક ગરીબ પરિવારના છે. તેમના પિતા એક સ્કૂલમાં પ્રાઇવેટ નોકરી કરતા હતા, પરંતુ કાર્તિકે રમવાનું શરૂ કર્યું એટલે તેમણે નોકરી છોડી દીધી હતી. તેઓ કાર્તિકને લઈને ગ્રાઉન્ડ પર આવતા હતા અને આખો દિવસ તેની સાથે ટ્રેનિંગ કરતા હતા."

મર્યાદિત સાધનો હોવાં છતાં કાર્તિક શરૂઆતથી જ બધાથી અલગ રહ્યા. તેમના પ્રશિક્ષકોએ કાર્તિકની ગેમને એક વિશિષ્ટ રીતે આકાર આપ્યો.

શત્રુઘ્ન કહે છે, "કાર્તિકમાં શરૂઆતથી જ છગ્ગા ફટકારવાની અનોખી ક્ષમતા હતી. તેથી અમે નક્કી કર્યું હતું કે અમે તેને સામાન્યને બદલે એક હાર્ડ-હિટર અને બૉટમ-હૅન્ડેડ ખેલાડી બનાવીશું. અમે ઇચ્છતા હતા કે કાર્તિક મેદાનમાં જઈને મોટા શૉટ ફટકારે."

19 વર્ષના કાર્તિકે તે વચન પાળી દેખાડ્યું. ડૉમેસ્ટિક ક્રિકેટમાં દમદાર હિટર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી અને આઇપીએલના સ્કાઉટ્સનું ધ્યાન ખેંચ્યું.

શત્રુઘ્ન ઉમેરે છે, "આરસીબી માટેની એક ટ્રાયલ મૅચમાં કાર્તિકે 18 સિક્સર ફટકારી હતી. તેમાં કેટલાક તો ચિન્નાસ્વામી સ્ટેડિયમની છત સુધી પહોંચ્યા હતા. સીએસકે સામેની ટ્રાયલ મૅચમાં પણ તેણે એવું જ કર્યું હતું. હરાજીમાં તેના માટે બોલી લગાવવાની સ્પર્ધા થઈ તેનું કારણ આ છે."

પ્રશાંત વીરનો પ્રવાસ પણ કંઈક આવો જ મુશ્કેલ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં ઉછરેલા પ્રશાંતના પિતા ગામમાં શિક્ષક હતા અને પુત્રના ક્રિકેટનાં સપનાંને સાકાર કરવા માટે પૈસા એકઠા કરવામાં મુશ્કેલી થઈ રહી હતી. તેમના કોચ રાજીવ ગોયલે તેમને મદદ કરી હતી.

પ્રશાંતને યુપી ટી-20 લીગમાં સફળતા મળી. યુપી ટી-20 એક રાજ્ય સ્તરીય સ્પર્ધા છે અને આ ટુર્નામેન્ટ આઇપીએલ ફ્રૅન્ચાઇઝીઓ માટે નવી પ્રતિભાઓ શોધવાનું મેદાન બની રહી છે.

રાજીવ ગોયલ કહે છે, "યુપી ટી-20 લીગમાં પ્રશાંતે બહુ સારું પ્રદર્શન કર્યું હતું. મને લાગે છે કે ત્યાંથી લોકોએ તેના વિશે વાત કરવાનું શરૂ કર્યું. આવી લીગે બહુ મોટી ભૂમિકા ભજવી છે. લીગ ખેલાડીઓને આગળ લાવવામાં અને ઓળખ અપાવવામાં મદદ કરે છે."

"સ્કાઉટ લીગ અને ડૉમેસ્ટિક ક્રિકેટમાં દરેક જગ્યાએ જતા હોય છે. તેથી ખેલાડીના મનમાં કાયમ એવું હોય છે કે કોઈ તેને જોઈ રહ્યું છે."

અગાઉ ખેલાડીઓ ઓળખ પ્રાપ્ત કરવા માટે એજ-ગ્રૂપ ક્રિકેટ અને રણજી ટ્રૉફી મારફત આગળ વધતા હતા. આઇપીએલે ઍક્સપોઝર અને નાણાકીય વળતર બંનેના સંદર્ભમાં તે માર્ગને ઝડપી બનાવી દીધો છે.

કોલકાતા નાઇટ રાઇડર્સના ટેલેન્ટ સ્કાઉટિંગ વિભાગના વડા બીજુ જ્યૉર્જ કહે છે, "અમેરિકામાં રહેતા આફ્રિકન-અમેરિકનો માટે બેઝબૉલ, બાસ્કેટબૉલ અને બૉક્સિંગ જેવી રમતો સામાજિક પ્રગતિ, નાણાકીય પ્રગતિમાં ઉપર આવવાની એક સીડી હતી તેમ ભારતમાં ક્રિકેટ છે. ક્રિકેટ તેમને સપના નિહાળવાનું કારણ આપે છે."

"યુવાઓ હાર્દિક પંડ્યાની બિસ્કિટ ખાઈને જીવવાની અને હવે મોંઘી ઘડિયાળો દેખાડવાની કહાણી સાંભળીને મોટા થાય છે. તેથી દરેક યુવા હાર્દિક પંડ્યા, સંજુ સેમસન અને ઈશાન કિશન બનવા ઇચ્છે છે. જે લોકોની અંદર આગ હોય છે, જેઓ જાણતા હોય છે કે મારા માટે આ એકમાત્ર વિકલ્પ છે, તેઓ તેમાં ખુદને અજમાવવા તૈયાર રહે છે," એમ બીજુ જ્યૉર્જ કહે છે.

આઇપીએલના પ્રભાવને કારણે સમગ્ર ભારતમાં અનેક સરકારી ટી-20 લીગ પણ શરૂ થઈ છે. તેનાથી અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ પ્રકાશમાં આવ્યા છે.

બીજુ જ્યૉર્જ કહે છે, "હાલ 18 સ્ટેટ લીગ્સ ચાલી રહી છે. દરેક લીગમાં ઓછામાં ઓછી છ ટીમ છે. છ ટીમમાં 15 ખેલાડી. વિચારો કે ટેલેન્ટ પૂલ કેટલો મોટો હશે."

"મોટા ભાગના સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશન્સમાં ખેલાડીની પસંદગીની પ્રક્રિયા પારદર્શક હોતી નથી, જે દુઃખની વાત છે. તેથી તમે જોશો કે જે ખેલાડીઓ સ્ટેટ ટીમમાં સમાવિષ્ટ ન હતા તેઓ તેમની ફ્રૅન્ચાઇઝી માટે બહુ સારું પર્ફૉર્મ કરી રહ્યા છે. તેથી સ્ટેટ ફ્રૅન્ચાઇઝી ટુર્નામેન્ટ્સ બહુ જરૂરી છે. તે અમને પ્રતિભાશાળી ખેલાડીને ઓળખવામાં મદદ કરે છે," બીજુ જ્યૉર્જ ઉમેરે છે.

આ કારણસર હવે બિન-પરંપરાગત કેન્દ્રોમાંથી વધારે ખેલાડીઓ બહાર આવી રહ્યા છે.

બીજુ જ્યૉર્જના કહેવા મુજબ, "ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી જેવી જગ્યાએ ટેલેન્ટનો ભંડાર છે. તેથી ફ્રૅન્ચાઇઝી આ લીગ પર બહુ ધ્યાન આપે છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં બહુ જ મજબૂત લીગ છે અને ત્યાં પ્રશાંત વીર તથા કાર્તિક શર્મા જેવા અનેક ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે."

"કાશ્મીર એક અન્ય પ્રદેશ છે, જેના પર અમે ફોક્સ કરીએ છીએ, કારણ કે ત્યાંથી બહુ સારા ફાસ્ટ બૉલરો અને હાર્ડ-હિટર્સ આવી રહ્યા છે."

ટેલેન્ટ પૂલ સમગ્ર ભારતમાં કેવી રીતે ફેલાયેલો છે, તે ડેટા પણ દર્શાવે છે. 2008ની પહેલી આઇપીએલમાં મોટા ભાગના ખેલાડીઓ મહારાષ્ટ્ર (21), દિલ્હી (14), તામિલનાડુ (11) અને કર્ણાટક (10) જેવાં પરંપરાગત કેન્દ્રોમાંથી આવ્યા હતા.

2026 સુધીમાં પરિદૃશ્ય વ્યાપક થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ 21 ખેલાડીઓ સાથે હવે મહારાષ્ટ્રની બરોબરી કરી રહ્યું છે, જ્યારે રાજસ્થાન (13 ખેલાડી) અને મધ્ય પ્રદેશ (10 ખેલાડી) પણ યોગદાન આપતાં મુખ્ય રાજ્યો તરીકે ઊભર્યાં છે.

દૂરદૂરના પ્રદેશોમાંથી પણ પ્રતિભાશાળી ખેલાડીઓ બહાર આવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટીમ તેના ઇતિહાસમાં પહેલી વખત હમણાં જ રણજી ટ્રૉફી ચૅમ્પિયન બની છે. 2008માં જમ્મુ અને કાશ્મીરનું પ્રતિનિધિત્વ શૂન્ય હતું, જે 2026માં વધીને છ ખેલાડીનું થઈ ગયું છે, જ્યારે બિહાર બે ખેલાડીથી છ ખેલાડી સુધી પહોંચ્યું છે.

ટેલેન્ટમાં થઈ રહેલો વધારો ટી-20 ક્રિકેટમાં ભારતને તાજેતરમાં મળેલી સફળતાને પ્રતિબિંબિત કરે છે. ભારતની ટી-20 ક્રિકેટમાં સફળતામાં સતત બે વર્લ્ડકપ ટાઇટલ્સનો સમાવેશ થાય છે.

બીજુ જ્યૉર્જ કહે છે, "ભારતનો ટેલેન્ટ પૂલ એટલો મોટો છે કે તમે ઇન્ડિયા એ તથા ઇન્ડિયા બી, એમ બે ટીમ બનાવી શકો અને એ બંને ટીમો વર્લ્ડ ટુર્નામેન્ટ પછીના તબક્કા સુધી પહોંચી જશે."

"છેલ્લા દાયકામાં લગભગ તમામ નવા ભારતીય ખેલાડીઓ આઇપીએલ ઇકૉસિસ્ટમમાંથી જ બહાર આવ્યા છે. આઇપીએલ ભારતીય ક્રિકેટ માટે આશીર્વાદ જેવી છે," બીજુ જ્યૉર્જ ઉમેરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન