ગુજરાત : પાઇપલાઇનમાંથી ક્રૂડઑઇલ ચોરીને વેચતી 'ગૅંગ'નો પર્દાફાશ, જાણો કેવી રીતે પકડાયો 'કાળો કારોબાર'?

ઇમેજ સ્રોત, Gujarat ATS
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
થોડા દિવસ પહેલાં ગુજરાત ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ)એ રાજ્યમાં ક્રૂડ ઑઇલ ચોરી કરીને વેચવાના રૅકેટનો પર્દાફાશ કરી કેટલાક આરોપીઓની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો હતો.
એટીએસે તાજેતરની કાર્યવાહી દરમિયાન 'ગુજરાતનો ક્રૂડ ઑઇલ માફિયા' ઉસ્માન ટીકડીના 'ખાસ' ગફ્ફાર રંગરેજ સહિત પાંચની પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી હોવાનું જણાવ્યું છે.
આરોપ છે કે, આ તમામ આરોપીઓ 'ચોરીનું ક્રૂડઑઇલ લાવી વેચી' રહ્યા હતા.
એટીએસે તમામ છ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે.
કેવી રીતે પકડાયા આરોપી?

ઇમેજ સ્રોત, Gujarat ATS
પ્રાપ્ત થયેલી માહિતી આધારે, ઑગસ્ટ માસમાં ગુજરાત એટીએસે સૌરાષ્ટ્રમાં ચોરીનું ક્રૂડઑઇલ વેચવાના આરોપમાં જયરાજસિંહ નામના એક આરોપીની ધરપકડ કરી હતી.
એટીએસના ડીવાયએસપી અને તપાસ અધિકારી એસએલ ચૌધરીએ આ અંગે વાત કરતાં કહ્યું કે, "આ ધરપકડ પછી અમે તાત્કાલિક રાજસ્થાન પોલીસની મદદથી એક ઉત્તર પ્રદેશ, એક રાજસ્થાન, અને અન્ય સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતના એમ કુલ આઠ લોકોની ધરપકડ કરી હતી."
પોલીસે જણાવ્યું હતું કે આ આઠ જણ પર આરોપ હતો કે, આ ગૅંગ દર અઠવાડિયે 20 ટન ક્રૂડઑઇલ રાજસ્થાનની અવાવરું જગ્યાએથી ક્રૂડઑઇલ પાઇપમાંથી ચોરીને વેચતા હતા. આઠ જણની ધરપકડ થઈ એ સમયે ઉસ્માન ટીકડી ભાગેડુ હતો, અને પોલીસે જ્યારે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં ત્યારે માહિતી મળી કે ગુજરાતમાં હજુ પણ ચોરીનું ક્રૂડઑઇલ વેચાઈ રહ્યું હતું.
આ બાતમી સદર્ભે પોલીસે તાજેતરની કાર્યવાહીમાં ઉસ્માનના 'ખાસ માણસ' અને આ કેસના આરોપી ગફ્ફાર રંગરેજ સહિત કુલ છની ધરપકડ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડીવાયએસપી ચૌધરી કહે છે, "આઠ લોકોની ધરપકડ બાદ અમે ફરાર આરોપીને શોધી રહ્યા હતા ત્યારે અમને બાતમી મળી હતી કે હજુ પણ ઉસ્માન ઉર્ફે ટીકડીની ગૅંગ ક્રૂડઑઇલ વેચી રહી છે. અમને પાકી બાતમી મળી હતી કે, અમદાવાદના વિંઝોલ ગામાં હેપ્પી ભરવાડના પાર્કિંગ પ્લૉટમાં ચોરીનું ક્રૂડઑઇલ આવી રહ્યું છે, આ બાતમી મળતાં અમે દરોડો પાડીને ગફ્ફાર રંગરેજ સહિત પાંચની ધરપકડ કરી હતી."
તેમણે કહ્યું હતું કે, "પાઇપલાઇનમાંથી ક્રૂડઑઇલ કાઢવું જોખમી હોય છે. તેનાથી આગ લાગી શકે. એટલે ગુનાની ગંભીરતાને જોતાં બીએનએસની કલમ 125, 303 (2), 287, 61 (2) અને 316 (5) હેઠળ ગુનો દાખલ કર્યો છે."
"પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું છે કે, સારસાના ઓએનજીસીની અવાવરું જગ્યાએ 26 નંબરના ઑઇલ કૂવામાંથી 8,000 લીટર ક્રૂડઑઇલ વેચવા ટૅન્કરમાં લાવ્યા હતા. આ ગૅંગે ગુજરાતમાં અને ગુજરાત બહાર કોને કોને ચોરીનું ક્રૂડઑઇલ વેચ્યું છે એની તપાસ કરી રહ્યા છીએ."
કેવી રીતે કરાય છે ચોરી અને કોને વેચાય છે ચોરીનું ક્રૂડઑઇલ?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
ડીજીપી વિજિલન્સ સ્ક્વૉડમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત એસીપી દીપક વ્યાસે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમદાવાદ, ખેડા, મહેસાણા, અને ભરૂચમાંથી ક્રૂડઑઇલની ભૂગર્ભ પાઇપ દૂર સુધી ખેતર અને અંતરિયાળ વિસ્તારમાંથી જાય છે. તેથી આ લોકો અવાવરું જગ્યાએથી ચોરી કરે છે."
"નાની ફૅક્ટરી તથા બૉઇલર ધરાવતા લોકો ગરમી માટે ફર્નિશ ઑઇલ કે ડીઝલ વાપરે છે, એ લોકો સસ્તામાં ચોરીનું ક્રૂડઑઇલ ખરીદે છે. અમે જોયું છે કે ઘણા લોકો ગેરકાયદે રિફાઇન ફૅક્ટરી બનાવી એમાં ક્રૂડ ઓઇલ ગરમ કરી હલકી ગુણવત્તાનું ડીઝલ અને સૉલ્વન્ટ અલગ કરીને સસ્તામાં વેચે છે. બાયૉ-ડીઝલ અને ડામરમાં ભેળસેળ કરવા વપરાતું હોવાના કારણે ચોરીના ક્રૂડઑઇલની માગ વધુ છે."
તેઓ જોખમો અંગે વાત કરતાં કહે છે કે, "આવી ચોરી ખૂબ જોખમી છે, આ પ્રકારે ચોરી કરવાના પ્રયાસમાં ક્યારેક જીવલેણ આગ લાગી શકે છે. જો પાઇપલાઇન લીકેજ રહી જાય તો ખેતરનો ઊભો પાક પણ ખરાબ થઈ જાય છે, તેમજ જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે."

ઇમેજ સ્રોત, Gujarat ATS
શું કહે છે આરોપીના પરિવારજનો ?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા 61 વર્ષીય ગફ્ફાર રંગરેજના કૌટુંબિક સગા અને દાણીલીમડાના સામાજિક કાર્યકર ઇમરાન રંગરેજે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું,"ગફ્ફાર નાનો ધંધો કરતો હતો, પણ ઉસ્માન ટીકડી સાથે સંપર્કમાં આવ્યા પછી એની પાસે પૈસા દેખાતા હતા. એ કાયમ ટ્રક ડ્રાઇવરના સંપર્ક માં રહેતો હતો અને એના જ બીજા કૌટુંબિક સગાં જાવેદ અને મોહસિનને પોતાના ધંધામાં લીધા હતા. અન્ય આરોપી નસીરુદ્દીન મલેક સરકારી નોકરી કરતો હતો અને સરખેજમાં રહેતો હતો છતાં એ અહીં આવતો. આ લોકો ડ્રાઇવિંગના જાણકાર લોકોને દાવત આપતા હતા, પણ હવે અમને ખબર પડી કે એ લોકો ગેરકાયદે કામમાં જોડાયેલા હતા. આ અમારા માટે પણ આઘાતજનક છે."
તેમજ અન્ય આરોપી રાયસંગ ઠાકોર અને ભીખા ચૌહાણ ખેડાના મહીજ ગામના રહેવાસી છે.
1,300ની વસ્તીવાળા આ નાનકડા ગામના મધુભાઈ ઠાકોરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ લોકો પહેલાં ખેતમજૂરી કરતા હતા, પણ બાદમાં ટ્રક ડ્રાઇવિંગ શીખ્યા પછી વારંવાર બહારગામ રહેતા હતા. આ લોકો આવા કામમાં સંકળાયેલા હશે એની ગામમાં કોઈને કલ્પના નહોતી."
આ મામલે અન્ય આરોપીઓના પક્ષ જાણવાની બીબીસી ગુજરાતીએ કોશિશ કરી છે પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. જ્યારે અન્ય આરોપીના વકીલ કે તેમના સંબંધીનો પક્ષ મળશે ત્યારે અહીં ઉમેરો કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























