છોડવાઓની સેક્સ લાઇફ કેવી હોય છે, રહસ્યમય જાતીય જીવન કેવું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જેસન રિલે
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
ચોક્કસ પ્રજાતિના છોડ જે રીતે પ્રજનન કરે છે તે ચોંકાવનારું અને કંઈક અંશે જોખમી હોય છે. છોડની સેક્સ લાઈફ એટલે જાતીય જીવન વિચિત્ર હોઈ શકે છે. ખરેખર વિચિત્ર હોય છે. એ પૈકીના કેટલાકે તેમના બીજ ફેલાવવા અને તેમની પ્રજાતિના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે હજારો વર્ષોથી આશ્ચર્યજનક તકનીકો વિકસાવી છે. છોડવાઓ જે રીતે સેક્સ કરે છે તેની સાત સૌથી અસામાન્ય રીતો પર એક નજર કરીએ.
એક છોડ, જેમાં વિસ્ફોટ થાય છે
કેટલાક પ્રકારની કાકડીઓ તેમનાં બીજને ફેલાવવા માટે ખૂબ પ્રયાસો કરે છે. એક્બોલિયમ ઈલેટેરિયમ આ પરિવારનો ભૂમધ્ય પ્રદેશનો સભ્ય છે. તેને સારા કારણોસર સ્ક્વર્ટિંગ અથવા વિસ્ફોટ થતો હોય તેવી કાકડી કહેવામાં આવે છે.

ઇમેજ સ્રોત, © Vadym-Plysiuk | Getty Images
સામાન્ય કાકડીઓ તેમનાં બીજ ફેલાવવા માટે મનુષ્યો અને અન્ય પ્રાણીઓ પર આધાર રાખતી હોય છે ત્યારે આ ઉત્તેજક પ્રકારની કાકડી તેના બીજ સૂક્ષ્મ માધ્યમ મારફત ફેલાવે છે. તેમાં વિસ્ફોટ થાય છે. તેના બીજ બેલોચોરી અથવા બેલેસ્ટિક સીડ ડિસ્પર્સલ નામની પ્રક્રિયામાં છ મીટર એટલે કે 20 ફૂટ દૂર સુધી ફેંકાય છે.
આ પ્રક્રિયામાં, લટકતી કાકડી પાકતી ત્યારે તેની અંદર પ્રચંડ આંતરિક દબાણ સર્જાય છે. તે બીજ અને ચીકણા રસથી ભરાઈ જાય છે, જે 27 એટમોસ્ફિયરના દબાણ સુધી પહોંચે છે. આટલું દબાણ લગભગ 280 મીટર (915 ફૂટ) પાણીની નીચે અનુભવાય તેટલું હોય છે. દબાણ ખૂબ જ વધી જાય ત્યારે પાકેલી કાકડી નીચે પડી જાય છે અને તેમાંથી રસ બહાર નીકળી જાય છે, જે બીજને ધાર મારફત દૂર સુધી લઈ જાય છે.
છેતરામણા ઓર્કિડ

ઇમેજ સ્રોત, © Ondrej Prosicky | Getty Images
ઓર્કિડ સૌથી મોટાં અને સૌથી વૈવિધસભર ફૂલોના છોડના પરિવારમાંના એક છે. પૃથ્વીના છ ખંડોમાં તેમની 25,000 પ્રજાતિઓ જોવા મળે છે. ઓર્કિડ ખુદને દૂર દૂર સુધી ફેલાવવામાં સફળ થયાં તેનું એક સરળ કારણ છે. તેઓ ચતુરાઈથી પ્રજનન કરવામાં નિષ્ણાત છે.
તેની એક પ્રજાતિ છે ઓફ્રીસ અથવા બી ઓર્કિડ. તે દૂરના ભૂમધ્ય પર્વતોમાં જોવા મળે છે. તેનું નામ સૂચવે છે તેમ તે માદા મધમાખીને પૃષ્ઠ ભાગ જેવો આભાસ સર્જીને નર મધમાખીઓને લલચાવે છે. તેની સુગંધ પણ સમાન હોય છે.
બી ઓર્કિડની આ જાતીય છેતરપિંડીથી છેતરાયેલી નર મધમાખી જાતીય કર્મ કરવા તેના પર બેસે છે ત્યારે શાબ્દિક રીતે ઉત્તેજનાથી ગુંજતી હોય છે. મૂંઝવણ અને હતાશામાં તે પૂરતા પરાગ એકત્ર કરે છે અને બીજા ઓર્કિડ પર લઈ જાય છે. તમે મધમાખીને એક કરતાં વધુ વખત મૂર્ખ બનાવી શકો છો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લિંગ બદલતું વૃક્ષ

ઇમેજ સ્રોત, © Terry J | Getty Images
સવારના નાસ્તા પછી અને બપોરના ભોજનની વચ્ચેના સમયમાં આહાર માટે પ્રિય ગણાતું એવોકાડો અન્ય કોઈ પણ છોડથી અલગ છે. દક્ષિણ મધ્ય મેક્સિકોના કુદરતી વાતાવરણમાં, એવોકાડોનાં વૃક્ષો કલાકોમાં લિંગ બદલી શકે છે. તેમનાં ફૂલોમાં નર અને માદા બંને જાતિનાં અંગો હોય છે. તે સાથે નહીં, પરંતુ અલગ અલગ સમયે કાર્યરત્ હોય છે. તેમાં નર અને માદા "તબક્કા" હોય છે, જે સ્વયં પરાગનયનની શક્યતા ઘટાડે છે.
તેથી ફૂલ ખીલતી વખતે માદા હોય તો તેની પુષ્પયોનિ જંતુઓ દ્વારા પરાગનયન માટે તૈયાર હશે, પરંતુ તે બીજા દિવસે ફરી ખુલશે ત્યારે તેમાં નોંધપાત્ર પરિવર્તન આકાર પામ્યું હશે.
હવે તેની પુષ્પયોનિ સક્રિય નહીં હોય. તેના સ્થાને નર જાતીય અંગો અથવા પુંકેસર હશે. ફરી બંધ થતાં પહેલાં આ બીજકોશ તેના પોતાના પરાગને ફેલાવવા માટે તેનો ઉપયોગ કરે છે.
સુસ્તીભર્યું પરાગ રજક

ઇમેજ સ્રોત, © Peter Vahlersvik | Getty Images
લોકપ્રિય હેઝલનું વૃક્ષ વિચિત્ર રીતે ફળ આપે છે. એવોકાડોની જેમ આ વૃક્ષોમાં પણ નર અને માદા બંને ભાગ હોય છે. તેના નર હિસ્સા કેટકિન્સ લાંબા, ઝૂલતા બીજકોશ હોય છે, જે શિયાળો જામેલો હોય ત્યારે ફૂટે છે. આ તેના પરાગ રજક છે અને પવનના દિવસોમાં તેઓ તેમના બીજને ફેલાવે છે. નજીકનાં વૃક્ષો તેમને તેમના નાના, લાલ 'માદા' ફૂલો સાથે ઊંચકે છે.
હેઝલ વૃક્ષ સ્વ-પરાગ કરી શકતું નથી, પરંતુ તેની પરાગરજ 50 ફૂટ દૂર સુધી જઈ શકે છે. તેથી તેના માટે સ્વ-પરાગ કોઈ સમસ્યા નથી. પરાગ બીજકોશ સુધી પહોંચે તે ક્ષણે કંઈ થતું નથી. પરાગ વસંતના અંત સુધી સુષુપ્ત રહે છે અને વસંતમાં ઝાડમાં ગર્ભાધાન કરે છે અને બીજા છ સપ્તાહ પછી ફળ સંપૂર્ણપણે પાકી જાય છે.
જાતીય શિકારી

ઇમેજ સ્રોત, © Better Planet Media | Getty Images
ઓફ્રીસની આસપાસ ઉડતી મધમાખીઓને ખરાબ લાગ્યું હોય તો તેમણે જેક-ઈન-ધ-પલ્પિટ અથવા એરિસેમા ટ્રિફાયલમને મળવું જોઈએ કે કદાચ ન જ મળવું જોઈએ. ઉત્તર અમેરિકાના પૂર્વીય ભાગોમાં જોવા મળતા આ જીવલેણ જંગલી બારમાસી છોડની પ્રજનન પદ્ધતિ રસપ્રદ છે. તેના શ્વેત અને ભૂરા પટ્ટાવાળા ફૂલનો ઉપરનો ભાગ અંદરથી ઘટ્ટ હોય છે.
મધમાખીઓ અંદર ઊડે છે, જ્યાં અંધકારમાં તેઓ દિશાહીન થઈ જાય છે અને પરાગ એકત્રિત કરે છે. પરાગ એકત્રિત કરી લીધા પછી તેઓ છટકવાનો માર્ગ શોધે છે.
એ વખતે મધમાખીઓને ખબર પડે છે કે તેમને છેતરવામાં આવી છે. એ ફૂલનો માદા આધાર હોય છે અને બહાર નીકળવાનો કોઈ માર્ગ હોતો નથી. છોડના સ્ત્રીકેસરનું પરાગનયન કર્યા પછી બિચારી મધમાખીને મરવા માટે છોડી દેવામાં આવે છે.
છોડવાઓનું મિલનસ્થાન

ઇમેજ સ્રોત, © Frieda Billiet | Getty Images
દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાનામાં તમને ફિલોડેન્ડ્રોન સોલિમોસેન્સ મળશે. તે એક ફૂલ છે, જે જંતુઓ માટે નાઈટક્લબ જેવું કામ કરે છે.
લીલી જેવાં ફૂલોની માંસલ સફેદ દાંડી હોય અને તેમાં 'સંભોગ' ચેમ્બર હોય છે. તે ગરમી અને માથામાં દુખાવો થાય તેવી ગંધ પેદા કરે છે. પુષ્કળ ખોરાક અને વિરામ માટે શ્યામ તથા શાંત સ્થળનું નિર્માણ પણ કરે છે.
તે સ્કેરબ ભમરાઓના મિલન અને સંવનન માટેનું યોગ્ય સ્થળ હોય છે. ફિલોડેન્ડ્રોન માટે પણ યોગ્ય હોય છે. જંતુઓ તેમના રાત્રિ પ્રવાસ દરમિયાન તેના પરાગને ચૂંટી કાઢે છે અને પછી તેને અન્ય ફૂલોમાં ફેલાવે છે. આમ ફિલોડેન્ડ્રોનની પોતાની જાતીય સફળતાને પ્રોત્સાહિત કરે છે.
દુર્ગંધયુક્ત વિશાળકાય ફૂલ

ઇમેજ સ્રોત, © Mangiwau | Getty Images
બધાં ફૂલો સુંદર નથી હોતાં અને બધાંની સુગંધ પણ સારી હોતી નથી. આવા એક કપટી પાત્રનું ઉદાહરણ છે વિશાળ એમોર્ફોફાલસ ટાઈટેનમ (ટાઈટન એરૂમ).
તેને "કોર્પસ ફ્લાવર" તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું કારણ એ છે કે તે કેરિઓન-પ્રેમી ભમરાઓ અને માખીઓને આકર્ષવા માટે ખાસ પ્રકારની દુર્ગંધ ઉત્પન્ન કરે છે. ભમરાઓ તથા માખીઓ તેને સુંઘે છે અને તેને સડેલા માંસનું સ્વાદિષ્ટ ભોજન માની લે છે, ફૂલોની તપાસ કરે છે. તેઓ એક દુર્ગંધયુક્ત ફૂલમાંથી પરાગને બીજા ફૂલોમાં સ્થાનાંતરિત કરે છે.
લાલ અને ભૂરી પાંખડીઓવાળા, ઘણીવાર ભયાનક રીતે મોટા આ ફૂલ ખરેખર ભવ્ય દેખાય છે. તેની ઊંચાઈ ત્રણ મીટર(10 ફૂટ)થી વધુ થઈ શકે છે. તે જોવામાં કોઈ વિશાળ આંગળી કે બેગુએટ જેવા લાગે છે.
છોડવાઓની જાતીય હરકતો આપણા સૌથી ભયાનક સપના અથવા દુઃસ્વપ્નો પણ આપણે વિચારી શકીએ તેના કરતાં વધારે વૈવિધ્યસભર હોય એવું લાગે છે. આ વિચિત્ર છોડવાઓ "રસીલા" શબ્દનો સંપૂર્ણ નવો અર્થ રજૂ કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















