વિદેશી રોકાણકારો ભારતીય શૅરબજારમાંથી શા માટે બહાર નીકળી રહ્યા છે અને તેમનો વિશ્વાસ કેમ ડગી રહ્યો છે?

ભારતનું શૅરબજાર ભારતના શૅરબજારમાંથી વિદેશી રોકાણકારો કેમ ભાગી રહ્યા છે અને તેમનો અવિશ્વાસ શા માટે વધી રહ્યો છે? એનએસઈ બીએસઈ ઇન્ડેક્સ સેન્સેક્સ નિફ્ટી FII બીબીસી ગુજરાત ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાતી સમાચાર ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતનો રૂપિયો એક ડૉલરની સરખામણીએ 97 સુધી પહોંચી ગયો છે
    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

અમેરિકા અને ઇઝરાયલે ફેબ્રુઆરીમાં ઈરાન પર હુમલો કર્યો તેની સીધી અસર ભારત પર પડી. વિદેશી રોકાણકારોએ ભારતીય શૅરબજારમાંથી વિક્રમસર્જક ગતિથી રોકાણ પાછું ખેંચવાનું શરૂ કર્યું.

બીજી તરફ ક્રૂડઑઇલની કિંમતમાં ઝડપી ઉછાળાને કારણે ભારતીય ચલણ રૂપિયાના મૂલ્યમાં પણ ઐતિહાસિક ઘટાડો થયો.

ઈરાન પરના 28 ફેબ્રુઆરીના હુમલા પછી વિદેશી રોકાણકારોએ ભારતીય શૅરબજારમાંથી લગભગ 21 અબજ ડૉલર પાછા ખેંચી લીધા છે. એ પૈકીના આશરે 13 અબજ ડૉલર તો માત્ર માર્ચમાં પાછા ખેંચવામાં આવ્યા છે.

નૅશનલ સિક્યૉરિટી ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ)ના ડેટા અનુસાર, માર્ચમાં ભારતીય શૅરબજારમાંથી જેટલું વિદેશી સંસ્થાગત રોકાણ પાછું ખેંચવામાં આવ્યું હતું એટલું એક મહિનામાં અગાઉ ક્યારેય ખેંચવામાં આવ્યું નથી.

ભારતીય શૅરબજારના દરવાજા વિદેશી રોકાણ માટે 1993માં ખુલ્લા મુકવામાં આવ્યા ત્યારથી આ વર્ષને વિદેશી રોકાણના પ્રવાહ માટે સૌથી ખરાબ માનવામાં આવે છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) એવા રોકાણકારો અથવા રોકાણ ભંડોળ હોય છે, જેઓ અન્ય દેશોમાં રજિસ્ટર્ડ હોય છે. એફઆઈઆઈ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ, પેન્શન ફંડ, વીમા કંપનીઓ, હેજ ફંડ્સ અને સોવરિન વેલ્થ ફંડ્સ જેવી વિદેશી સંસ્થા છે.

એફઆઈઆઈએ ભારતમાં સિક્યૉરિટી ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ (સેબી)માં નોંધણી કરાવવી જરૂરી છે. સેબીએ 2014માં એફઆઈઆઈ સબ-એકાઉન્ટ અને ક્વૉલિફાઇડ ફોરેન ઇન્વેસ્ટર (ક્યુએફઆઈ)ને જોડીને એક નવી કૅટેગરી – ફોરેન પૉર્ટફોલિયો ઇન્વેસ્ટર (એફપીઆઈ) બનાવી હતી. જોકે, બજારની ભાષા અને મીડિયામાં હજુ પણ એફઆઈઆઈ શબ્દ વાપરવામાં આવે છે.

એફઆઈઆઈ શૅર અને બૉન્ડમાં મોટાપાયે ખરીદ-વેચાણ કરે છે. તેમના રોજના ખરીદ-વેચાણની શૅરબજાર પર વ્યાપક અસર થાય છે. એફઆઈઆઈ શૅર વેચે તો માર્કેટમાં ઘટાડો થાય છે તેવું માનવામાં આવે છે, જ્યારે શૅર ખરીદે તો એવો મૅસેજ જાય છે કે માર્કેટમાં રોકાણ નફાકારક છે.

એફઆઈઆઈ અને એફડીઆઈ વચ્ચે શું ફરક છે? એફઆઈઆઈ એક પૉર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ છે, જે સરળતાથી કાઢી શકાય છે. તેથી તેને 'હૉટ મની' પણ કહેવામાં આવે છે. બીજી તરફ સીધું વિદેશી રોકાણ (એફડીઆઈ) કોઈ વ્યવસાય અથવા ભૌતિક સંપત્તિમાં લાંબા ગાળાનું રોકાણ હોય છે.

વિદેશી રોકાણકારો કેમ ભાગી રહ્યા છે?

28 ફેબ્રુઆરીએ ઈરાન પરના હુમલા પછી વિદેશી રોકાણકારોએ ભારતના શૅરબજારમાંથી 21 અબજ ડૉલર કાઢી લીધા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 28 ફેબ્રુઆરીએ ઈરાન પરના હુમલા પછી વિદેશી રોકાણકારોએ ભારતના શૅરબજારમાંથી 21 અબજ ડૉલર કાઢી લીધા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકન ચલણ ડૉલર સામે ભારતીય રૂપિયાનો વિનિમય દર ઘટીને લગભગ 97ની આસપાસ પહોંચી ગયો છે. યુદ્ધની શરૂઆતમાં તે લગભગ 91ની આસપાસ હતો.

કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના વડા અર્થશાસ્ત્રી સુવોદીપ રક્ષિતે બ્રિટિશ અખબાર ફાઇનાન્સિઅલ ટાઇમ્સને ટાંકીને કહ્યું હતું, "યુદ્ધ શરૂ થતાંની સાથે જ પહેલી પ્રતિક્રિયા એ હતી કે ભારત વિશ્વના સૌથી મોટા ઊર્જા આયાતકારો પૈકીનું એક છે. એ સ્થિતિમાં રોકાણકારો સ્વાભાવિક રીતે એવું વિચારે કે પોતાનું રોકાણ જાળવી રાખવા માટે ભારત યોગ્ય દેશ નથી."

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઊર્જા આયાતકાર દેશ છે. ભારત તેની ઑઇલ અને ગૅસની કુલ જરૂરિયાતો પૈકીની લગભગ 90 ટકાની ખરીદી અન્ય દેશો પાસેથી કરે છે.

31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ભારતે ઊર્જા આયાત પર 174 અબજ ડૉલર ખર્ચ્યા હતા. આયાતી ક્રૂડઑઇલનો લગભગ અડધો હિસ્સો અને નેચરલ ગૅસનો લગભગ બે-તૃતિયાંશ હિસ્સો એ અખાતી દેશોમાંથી આવ્યો હતો, જેમનો ઊર્જા પુરવઠો યુદ્ધને કારણે લગભગ ખોરવાઈ ગયો છે.

ઑઇલના વધતા ભાવને કારણે ભારતીય રૂપિયો ભારે દબાણ હેઠળ છે. રૂપિયો નબળો પડતો જતો હોવાને કારણે એફઆઈઆઈ પણ ભારતીય શૅરબજારમાંથી અન્ય દેશોમાં રોકાણ કરી રહી છે.

વિદેશી મુદ્રા ભંડાર

આર્થિક વિશ્લેષક અને ભારતની આર્થિક ગતિવિધિ પર સુક્ષ્મ નજર રાખતા વિવેક કૌલ કહે છે, "એફઆઈઆઈ પર ઈરાન યુદ્ધની અસર થઈ છે, પરંતુ ઈરાનમાં યુદ્ધ શરૂ થયું એ પહેલાં પણ વિદેશી રોકાણકારો ભારતીય શૅરબજારમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા હતા. 2025માં એફઆઈઆઈના લગભગ 19 અબજ ડૉલર ભારતીય શૅરબજારમાંથી બહાર ગયા હતા. તેનો અર્થ એવો થાય કે તેઓ યુદ્ધ પહેલાં પણ રોકાણ પાછું ખેંચી રહ્યા હતા, પરંતુ હવે તેઓ કંઈક વધુ પ્રમાણમાં આવું કરી રહ્યા છે."

વિવેક કૌલના કહેવા મુજબ, "આગળ ખરાબ સમય આવી શકે છે, એવું લાગે ત્યારે જ લોકો શૅરબજારમાંથી રોકાણ કાઢી લેતા હોય છે. માર્કેટ આનાથી આગળ જશે નહીં એ બીજું કારણ હોય છે. વિદેશી રોકાણકારોને એવું લાગે છે કે માર્કેટ જેટલું આપી શકે તેમ હતું એટલું તેણે આપી દીધું છે."

તેઓ ઉમેરે છે, "માર્ચ 2020થી સપ્ટેમ્બર 2024 સુધી ભારતીય શૅરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. એ સમયગાળામાં ભારત વિશ્વનાં શ્રેષ્ઠ શૅરબજારો પૈકીનું એક હતું. એ સમયગાળામાં વિદેશી રોકાણકારો ખૂબ કમાયા હતા. હવે તેમને લાગે છે કે આ માર્કેટમાં વધુ કમાણી થાય તેવું નથી. તેથી તેમણે ગયા વર્ષથી જ રોકાણ પાછું ખેંચવાનું શરૂ કરી દીધું હતું."

વધી રહેલી અવિશ્વાસની ભાવના

ભારતનું શૅરબજાર

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. મનમોહનસિંહની સરકારના ભૂતપૂર્વ વડા આર્થિક સલાહકાર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી કૌશિક બસુ માને છે કે ભારત સરકારની ખામીયુક્ત નીતિઓને કારણે અર્થતંત્રની પરિસ્થિતિ બગડી છે.

કૌશિક બસુએ ઍક્સ પર લખ્યું હતું, "હવે રાજકારણથી આગળ વધીને વાસ્તવિક નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. ભારતીય રૂપિયો છેલ્લા એક વર્ષમાં અમેરિકન ડૉલર સામે 11.2 ટકા નબળો પડ્યો છે. તેનું કારણ માત્ર યુદ્ધ નથી. છેલ્લા 22 મહિનામાં ભારતમાં નેટ એફડીઆઈ લગભગ શૂન્યની નજીક રહ્યું છે."

"તેને નિયંત્રિત નહીં કરવામાં આવે તો તેનાથી મોંઘવારી વધશે. ભારતના અર્થતંત્ર અને તેની વૈશ્વિક પ્રતિષ્ઠાને સૌથી મોટું નુકસાન, ટીકાનો સ્વીકાર ન કરવાની સરકારની અસમર્થતા છે. કોઈનામાં ટીકા સાંભળવાનો આત્મવિશ્વાસ ન હોય અને નબળાઈઓને સુત્રોચ્ચારથી ઢાંકવાના પ્રયાસ થાય તો નક્કર પગલાં લેવામાં આવતા નથી. તેની અર્થતંત્ર પર ઊંડી નકારાત્મક અસર થાય છે."

બ્રૉકરેજ ફર્મ જેએમ ફાઇનાન્સિયરના અહેવાલ મુજબ, ભારતીય શૅરોમાં વિદેશી રોકાણકારોનો કુલ હિસ્સો હવે 14 વર્ષના નીચલા સ્તરે 14.7 ટકા પર આવી ગયો છે.

નવમી મેના રોજ પ્રકાશિત ગોલ્ડમૅન સૅક્સના રિપોર્ટ 'આઉટફ્લૉ ફેડ, બટ રી-ઍન્ટ્રી વેઇટ્સ'માં જણાવ્યા અનુસાર, વિદેશી રોકાણકારોના બહાર નીકળવાનો સૌથી ખરાબ તબક્કો કદાચ પૂરો થઈ ગયો છે. બાકી રહેલા એફઆઈઆઈ વેચાણથી સંભવિત નુકસાન લગભગ ચારથી પાંચ અબજ ડૉલર સુધી મર્યાદિત રહી શકે છે.

તેનો અર્થ એ નથી કે વિદેશી રોકાણકારો ભારતીય શૅરબજારમાં ઝડપથી પાછા ફરશે, એવી ચેતવણી પણ પ્રસ્તુત રિપોર્ટમાં આપવામાં આવી છે.

એપ્રિલની શરૂઆતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયા પછી ઑઇલના ભાવ ઘટ્યા ત્યારે પણ વિદેશી રોકાણકારોએ ભારતમાં પુનઃ રોકાણ કર્યું ન હતું. તેથી પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થશે એટલે વિદેશી રોકાણ પાછું આવશે, એવી અપેક્ષા ગેરમાર્ગે દોરનારી હશે.

વિવેક કૌલ કહે છે, "કોઈ ચોક્કસ શૅરની કંપની ભવિષ્યમાં વધુ પૈસા કમાશે, એવું રોકાણકારોને લાગે ત્યારે કોઈ શૅર વધતો હોય છે. કોઈ પણ રોકાણકાર કોઈ કંપનીની ભાવિ કમાણીની અપેક્ષાના આધારે રોકાણ કરતો હોય છે. કમાણીમાં કોઈ વધારો નહીં થાય, એવું રોકાણકારને લાગે ત્યારે તે શૅર વેચવાનું શરૂ કરી દે છે. શૅરબજારની કહાણી દરેક યુગમાં અલગ હોય છે."

'AIમાં પાછળ છે ભારત'

વિદેશી રોકાણકારોનો કુલ ભાગ ઘટીને 14 વર્ષના નિમ્નસ્તરે એટલે કે 14.7 ટકાએ પહોંચી ગયો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિદેશી રોકાણકારોનો કુલ ભાગ ઘટીને 14 વર્ષના નિમ્નસ્તરે એટલે કે 14.7 ટકાએ પહોંચી ગયો છે

વિવેક કૌલ ઉમેરે છે, "AIની સ્ટોરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. AIમાં સારું પ્રદર્શન કરતી હોય એવી અથવા તો AIના વિકાસથી લાભ મેળવતી કંપનીઓમાં રોકાણકારો રોકાણ કરી રહ્યા છે. ભારતમાં આવા સ્ટોક નથી. જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન અને ચીન પાસે આવા સ્ટોક છે. તેથી રોકાણકારો ત્યાં રોકાણ કરી રહ્યા છે."

વાત એફઆઈઆઈના બહાર નીકળવા પૂરતી મર્યાદિત નથી. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કાર્ય કરી ચૂકેલા અરુણકુમાર કહે છે, "શૅરબજારમાં વેચાણ ફક્ત વિદેશી રોકાણકારો પૂરતું મર્યાદિત નથી. માર્ચ 2025થી ભારતીય શૅરોમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો પણ 9.2 ટકા ઘટ્યો છે."

પ્રોફેસર અરુણકુમાર ઉમેરે છે, "નબળો થતો રૂપિયો પણ એફઆઈઆઈને ભારતીય શૅરબજારમાંથી રવાના કરી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદ્યો ત્યારે ભારતીય અર્થતંત્રની નબળાઈ ઘણા સ્તરે છતી થઈ હતી. તમારી આયાત તમારી નિકાસ કરતાં વધી જાય ત્યારે ચૂકવણીનું સંતુલન બગડે છે. આવી સ્થિતિમાં ડૉલરની કમી સર્જાશે અને રૂપિયો નબળો પડશે."

પ્રોફેસર અરુણકુમાર સમજાવે છે કે "રૂપિયો નબળો પડે તો રોકાણકારોને ડૉલરના સંદર્ભમાં ઓછું વળતર મળે. કોઈ રોકાણકાર ભારતીય શૅરબજારમાંથી 10 ટકા વળતરની અપેક્ષા સાથે રોકાણ કરતો હોય અને ભારતીય રૂપિયો દર વર્ષે પાંચ ટકા ઘટશે, એવી ધારણા બની જાય તો રોકાણ માત્ર પાંચ ટકા થઈ જાય. આવી સ્થિતિમાં ભારતીય શૅરબજારમાંથી એફઆઈઆઈનું રવાના થવું આશ્ચર્યજનક નથી."

વૈશ્વિક રોકાણકાર અને આર્થિક બાબતોના નિષ્ણાત રૂચિર શર્માએ અગ્રણી ભારતીય અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રેસને આ મહિને કહ્યું હતું કે "આખી દુનિયાનું ધ્યાન એઆઈ પર છે તેથી ભારતમાંથી મૂડીરોકાણ નીકળી રહ્યું છે. રોકાણકારો વૈશ્વિક એઆઈ સ્પર્ધામાં મત્ત થઈ ગયા છે અને એ સ્પર્ધામાં ભારતને નબળો ખેલાડી ગણવામાં આવે છે. હવે દુનિયા 'પિક્સ ઍન્ડ શૉવેલ્સ'ના તબક્કામાં છે. એટલે કે તેનું ધ્યાન સેમિ-કન્ડક્ટર, મૅમરી અને કમ્પ્યુટિંગ પાવર પર કેન્દ્રિત છે. આ ક્ષેત્રમાં ભારત માળખાકીય રીતે નબળું છે."

તાઇવાન બન્યું આકર્ષક

વિદેશી રોકાણકારોને તાઇવાન અને દક્ષિણ કોરિયાની બજારો વધુ આકર્ષક લાગી રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિદેશી રોકાણકારોને તાઇવાન અને દક્ષિણ કોરિયાનાં બજારો વધુ આકર્ષક લાગી રહ્યાં છે

રૂચિર શર્માએ કહ્યું હતું કે "વિદેશી રોકાણકારોએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય શૅરબજારમાંથી લગભગ 50 અબજ ડૉલર પાછા ખેંચી લીધા છે. નેટ એફડીઆઈ પણ લગભગ શૂન્ય છે. મારાં 30 વર્ષના રોકાણના અનુભવમાં મેં ભારત પ્રત્યે આટલી ઉદાસીનતા ક્યારેય જોઈ નથી. 2012ના 'ફ્રેજાઇલ ફાઇવ' સમયગાળામાં ભારત પ્રત્યે નકારાત્મકતા હતી, પરંતુ આજે પરિસ્થિતિ તેનાથી પણ વધારે ખરાબ છે. રોકાણકારોનું ધ્યાન સંપૂર્ણપણે એઆઈ પર કેન્દ્રિત છે અને ભારતની નબળાઈ હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે."

"ભારત સંશોધન પાછળ તેની જીડીપીના માત્ર 0.6 ટકા ખર્ચ કરે છે, જ્યારે દક્ષિણ કોરિયા અને તાઇવાન ચારથી પાંચ ટકા ખર્ચે છે. આ સંદર્ભમાં ઇઝરાયલ વિશ્વમાં મોખરે છે. આપણું આઈટી સેક્ટર, ઇનૉવેશન તથા નવી ટૅક્નૉલૉજી વિકસીત કરવાને બદલે લાંબા સમયથી સસ્તા શ્રમ અને આઉટસોર્સિંગ પર આધારિત મૉડેલ બની રહ્યું છે. હવે આ જ નબળાઈ એક મોટો પડકાર બનીને પાછી આવી રહી છે," એમ રૂચિર શર્માએ કહ્યું હતું.

ગોલ્ડમૅન સૅક્સ ગ્રૂપના મૂલ્યાંકન મુજબ, ફંડ મૅનેજરોએ ભારતીય માર્કેટમાં પોતાનો હિસ્સો ઘટાડતાંની સાથે જ વિદેશી રોકાણકારોએ પણ ભારતથી વધુને વધુ દૂર જવાનું શરૂ કર્યું. તેના પરિણામે ભારતીય માર્કેટમાં તેમનો હિસ્સો છેલ્લાં 14 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. વિદેશી રોકાણકારોનો હિસ્સો બે દાયકાથી વધુ સમયમાં પહેલી વાર સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો કરતાં પણ ઘટી ગયો છે.

બ્લૂમબર્ગનો એક અહેવાલ જણાવે છે કે "ભારતીય શૅરબજારમાં આ પરિવર્તન નાયકીય બની રહ્યું છે. કોવિડ રોગચાળાના સમયના નીચલા સ્તરમાંથી બહાર આવતાં સપ્ટેમ્બર 2024માં ભારતીય શૅરબજારનું કુલ મૂલ્ય 5.73 ટ્રિલિયન ડૉલરના રેકૉર્ડ સ્તરે પહોંચી ગયું હતું. એ સમયે એનએસઈ નિફટી 50 ઇન્ડેક્સને દુનિયાનો શ્રેષ્ઠ પ્રદર્શન કરતો ભાવાંક માનવામાં આવતો હતો, પરંતુ હાઈ-વૅલ્યૂએશનની વધતી ચિંતાને કારણે વિદેશી રોકાણ અસ્થિર બન્યું અને આ કથા ધીમે ધીમે નબળી પડવા લાગી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન