ડીઆર કૉંગોમાં ઇબોલા ફાટી નીકળ્યો, WHOએ આંતરરાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

ઇમેજ સ્રોત, DOMINIQUE FAGET/AFP via Getty Images
- લેેખક, થોમસ મુખવાના
- પદ, આફ્રિકા સંવાદદાતા
- દ્વારા રિપોર્ટિંગ, નૈરોબી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોમાં ઇબોલા રોગચાળાને આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે.
એજન્સીએ જણાવ્યું હતું કે ડીઆર કૉંગોના પૂર્વીય ઇટુરી પ્રાંતમાં ફાટી નીકળ્યો છે, ઇબોલાના લગભગ 246 શંકાસ્પદ કેસ અને 80 મૃત્યુ નોંધાયાં છે, તે મહામારીની કટોકટીના માપદંડોને પૂર્ણ કરતા નથી.
પરંતુ તેમણે ચેતવણી આપી હતી કે તે તાજેતરમાં જે અહેવાલો આવી રહ્યા છે અને રિપોર્ટ કરવામાં આવી રહેલા રોગચાળા કરતા આ "ઘણો મોટો રોગચાળો" હોઈ શકે છે, જેનું સ્થાનિક અને પ્રાદેશિક સ્તરે ફેલાવાનું જોખમ પણ રહેલું છે.
સ્વાસ્થ્ય એજન્સીએ જણાવ્યું હતું કે ઇબોલાની આ વર્તમાન સ્ટ્રેન પાછળ બંડીબુગ્યો વાઇરસ એક કારણ છે, જેના માટે કોઈ માન્ય દવાઓ કે રસી ઉપલબ્ધ નથી.
શરૂઆતનાં લક્ષણોમાં તાવ, સ્નાયુઓમાં દુખાવો, થાક, માથાનો દુખાવો અને ગળામાં ખારાશનો સમાવેશ થાય છે, તેમજ ત્યાર બાદ ઝાડા, ઊલટી, ત્વચા પર ફોલ્લીઓ અને રક્તસ્રાવ થાય છે.
ડબલ્યુએચઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી વાઇરસના પ્રયોગશાળામાં આઠ પુષ્ટિ થયેલા કેસ છે, જેમાં ઇટુરી પ્રાંતની રાજધાની બુનિયા અને સોનાની ખાણોવાળા શહેર મોંગવાલુ અને રવામ્પારા સહિત ત્રણ આરોગ્ય ક્ષેત્રોમાં અન્ય શંકાસ્પદ કેસ આવ્યા અને મોત પણ થયાં છે.
રાજધાની કિન્શાસામાં પણ આ વાઇરસનો એક કેસ સામે આવ્યો છે, જે આ ઇટુરીથી પરત ફરતા દર્દીમાં થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ડબલ્યુએચઓએ જણાવ્યું હતું કે વાઇરસ ડીઆર કૉંગોની બહાર પણ ફેલાયો છે, તેના પડોશી દેશ યુગાન્ડામાં પણ બે પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે. યુગાન્ડાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે મૃત્યુ પામેલા 59 વર્ષીય વ્યક્તિનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વૈશ્વિક ઇબોલા કટોકટી કેટલી ચિંતાજનક છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુગાન્ડાની સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જે દર્દીનું મૃત્યુ થયું હતું તે કૉંગોનો નાગરિક હતો, જેનો મૃતદેહ પહેલાંથી જ ડીઆર કોંગો પરત કરવામાં આવ્યો હતો.
એએફપી ન્યૂઝ એજન્સીએ રવિવારે અહેવાલ આપ્યો હતો કે પૂર્વીય શહેર ગોમામાં એક પ્રયોગશાળાએ પણ ઇબોલા કેસની પુષ્ટિ કરી છે, જે હાલમાં એમ23 વિદ્રોહીઓ દ્વારા નિયંત્રિત છે.
બીબીસીના અમેરિકાના સહયોગીએ સીબીએસનાં સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ડીઆર કૉંગોમાં ઓછામાં ઓછા છ અમેરિકનો ઇબોલાના સંપર્કમાં આવ્યા છે, તેમજ એકમાં તેનાં લક્ષણો પણ જોવા મળ્યાં છે, પરંતુ તેમાંથી કોઈ પણ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ નથી.
સ્ટેટ ન્યૂઝના અહેવાલ મુજબ, અમેરિકાની સરકાર કથિત રીતે તેમને દેશની બહાર, કદાચ જર્મનીના સૈન્ય બેઝમાં લઈ જવાનો પ્રયાસ કરી રહી હતી.
અમેરિકન સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ જણાવ્યું હતું કે તે ડીઆર કૉંગો અને યુગાન્ડામાં વધુ સ્ટાફ મોકલવાની તૈયારી રાખે છે, જ્યારે ડીઆર કૉંગોમાં અમેરિકાની ઍમ્બેસીએ નાગરિકોને ઇટુરી પ્રાંતની મુસાફરી ન કરવાની એક ઍડવાઇઝરી જાહેર કરી હતી.
બીબીસીએ આ બાબત પર ટિપ્પણી માટે સીડીસીનો સંપર્ક કર્યો છે.
ડબલ્યુએચઓએ જણાવ્યું હતું કે ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોમાં ચાલતી અસુરક્ષાની સ્થિતિ અને માનવતા માટે સંકટની સાથે સાથે લોકોની મોટા પાયે અવરજવર, આ રોગચાળાના મુખ્ય કેન્દ્રનું શહેરી વિસ્તારમાં હોવું અને આ વિસ્તારમાં બિનસત્તાવાર હેલ્થકેર સેન્ટરની મોટી સંખ્યાના કારણે આ રોગચાળો ફેલાવવાનું જોખમ વધી ગયું છે.
ડીઆર કૉંગોની સરહદે આવેલા દેશો વેપાર અને મુસાફરીને કારણે ત્યાં જતાં હોવાથી તેમના માટે પણ જોખમ વધી ગયું છે.
રવાન્ડાએ કહ્યું છે કે તે "સાવચેતીનાં પગલા" તરીકે ડીઆર કૉંગો સાથેની તેમની સરહદ પર સ્ક્રીનિંગ ચુસ્ત કરશે.
તેના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સર્વેલન્સ સિસ્ટમ્સ મજબૂત બનાવાઈ છે અને આરોગ્ય ટીમો "વહેલી તપાસ અને જો જરૂર પડે તો ઝડપી પ્રતિભાવ સુનિશ્ચિત કરવા" માટે સતર્ક છે.

ઇમેજ સ્રોત, Reuters
ડબલ્યુએચઓએ સલાહ આપી હતી કે ડીઆર કૉંગો અને યુગાન્ડાએ સંક્રમણ-નિવારણ પગલાનું નિરીક્ષણ, ટ્રેસ અને અમલીકરણ કરવા માટે ઇમરજન્સી સંચાલન કેન્દ્રો સ્થાપિત કરવા જોઈએ.
સંક્રમણ ઘટાડવા માટે તેમાં કહેવામાં આવ્યું છે કે પુષ્ટિ થયેલા કેસોને તાત્કાલિક અલગ કરવા જોઈએ અને ઓછામાં ઓછા 48 કલાકના અંતરે લેવામાં આવેલા બે બંડીબુગ્યો વાઇરસ-વિશિષ્ટ પરીક્ષણો નકારાત્મક ન આવે ત્યાં સુધી સારવાર આપવી જોઈએ.
પુષ્ટિ થયેલા કેસ ધરાવતા પ્રદેશોની સરહદ ધરાવતા દેશો માટે સરકારોએ દેખરેખ અને આરોગ્ય સંબધિત રિપોર્ટિંગ વધારવું જોઈએ.
ડબલ્યુએચઓએ ઉમેર્યું હતું કે અસરગ્રસ્ત પ્રદેશની બહારના દેશોએ તેમની સરહદો બંધ કરવી જોઈએ નહીં કે મુસાફરી અને વેપાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ નહીં, કારણ કે "આવાં પગલાં સામાન્ય રીતે ડરના કારણે લાગુ કરવામાં આવતાં હોય છે અને તેનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કોઈ આધાર નથી"
ડબલ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ડૉ. ગેબ્રિયસસે ચેતવણી આપી હતી કે હાલમાં "ચેપગ્રસ્ત વ્યક્તિઓની સાચી સંખ્યા અને ભૌગોલિક ફેલાવા અંગે નોંધપાત્ર અનિશ્ચિતતા" છે.
ઇબોલા શું છે અને તે કેવી રીતે ફેલાય છે?
- આ રોગચાળા પાછળનું કારણ શું છે? ઇબોલા એક વાઇરસથી થતો રોગ છે, તે દુર્લભ છે, પરંતુ ગંભીર અને ઘણી વાર જીવલેણ સાબિત થતો હોય છે. હાલમાં ઇબોલા વાઇરસની કુલ ત્રણ પ્રજાતિ છે જે મુખ્યરીતે રોગ પાછળ જવાબદાર હોય છે અને આ પ્રજાતિને બંડીબુગ્યો તરીકે પણ ઓળખવામાં આવે છે
- ઇબોલા કેવી રીતે ફેલાય છે? તે સંક્રમિત શારીરિક તરલ પદાર્થો, જેમ કે લોહી અને ઊલટી દ્વારા લોકોમાં ફેલાય છે
- ઇબોલા કેટલો ઘાતક છે? બંડીબુગ્યો ઇબોલા વાઇરસ જ્યારે ગઈ વખતે ફેલાયો હતો તેમાં લગભગ 30% લોકો મૃત્યુ પામ્યા હતા.
- ઇન્ક્યુબેશન સમય કેટલો છે? ચેપ લાગ્યા પછી બેથી એકવીસ દિવસની વચ્ચે લક્ષણો દેખાય છે.
- લક્ષણો શું છે? શરૂઆતનાં લક્ષણો અચાનક દેખાય છે અને ફ્લૂ જેવાં હોય છે, જેમ કે તાવ, માથાનો દુખાવો અને થાક. જેમ જેમ બીમારી વધે છે તેમ ઝાડા-ઊલટી થાય છે અને શરીરનાં અમુક અંગો સરખી રીતે કામ કરતાં અટકે છે. કેટલાક દર્દીઓમાં આંતરિક અને બાહ્ય રક્તસ્રાવ પણ થઈ શકે છે
- ઇબોલા કેવી રીતે ફેલાય છે? આ રોગચાળો ત્યારે ફેલાય છે જ્યારે કોઈ વ્યક્તિને ચેપગ્રસ્ત પ્રાણીઓ, જેમ કે ફળ ખાવાવાળા ચામાચીડિયાના સંપર્કમાં રાખવામાં આવ્યો હોય તેનાથી ઇબોલા ફેલાય છે.
- ઇબોલાની કોઈ રસી ઉપલબ્ધ છે? ઝાયર પ્રજાતિના ઇબોલાની રસીઓ છે, પણ બંડીબુગ્યો માટે નથી

ઇમેજ સ્રોત, Getty Images
ઇબોલા સૌપ્રથમ 1976માં હાલના ડીઆર કૉંગોમાં દેખાયો હતો અને એવું માનવામાં આવે છે કે તે ચામાચીડિયામાંથી ફેલાયો હતો. આ દેશમાં આ ઘાતક વાઇરલ બીમારીનો આ 17મો પ્રકોપ છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના મતે, ઇબોલા માટે કોઈ સિદ્ધ ઉપચાર નથી અને તેનો સરેરાશ મૃત્યુદર લગભગ 50% છે.
આફ્રિકા સીડીસીએ અગાઉ કહ્યું હતું કે તે રવામ્પારા અને બુનિયાના શહેરી વિસ્તારો અને મોંગવાલુમાં ખાણકામ પ્રવૃત્તિઓને કારણે સંક્રમણ વધુ ફેલાવાનું જોખમ છે.
આરોગ્ય એજન્સીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. જીન કાસેયાએ ઉમેર્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારો અને પડોશી દેશો વચ્ચે "લોકોની મોટા પાયે અવરજવર" થઈ રહી છે, જેનો અર્થ એ પણ છે કે હવે પ્રાદેશિક સ્તરે પરસ્પર સંકલન સાધવું ખૂબ જ જરૂરી છે.
છેલ્લાં 50 વર્ષમાં આફ્રિકન દેશોમાં આ વાઇરસથી લગભગ 15 હજાર લોકો મૃત્યુ પામ્યા છે.
ડીઆર કોંગોનો સૌથી ભયંકર રોગચાળો 2018 અને 2020ની વચ્ચે ફેલાયો હતો, જે દરમિયાન લગભગ 2300 લોકો મૃત્યુ પામ્યા હતા.
ગયા વર્ષે અંતરિયાળ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યા બાદ 45 લોકો મૃત્યુ પામ્યા હતા.
જેમ્સ ગેલાઘર દ્વારા વધારાનું રિપોર્ટિંગ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















