ધોરણ 12 સાયન્સ, કૉમર્સ કે આર્ટ્સ પછી કયા 5 કોર્સ કર્યા બાદ સારી નોકરી અને પગાર મળે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડના ધોરણ 12નાં પરિણામ આવી ગયાં છે, જેમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા રિઝલ્ટ આવ્યું છે. આટલાં ઊંચાં પરિણામ પછી ઘણા વિદ્યાર્થીઓને હવે કયા કોર્સમાં આગળ વધવું તેની મૂંઝવણ સતાવતી હશે.
ધોરણ 12 સાયન્સ પાસ કરનારા વિદ્યાર્થીઓ મોટા ભાગે ડૉક્ટર અથવા એન્જિનિયર બનવાનો વિચાર કરતા હોય છે. પરંતુ આ સિવાયના પણ વિકલ્પો હાજર છે. જેના વિશે ઘણી વખત વિદ્યાર્થીઓને જાણકારી નથી હોતી.
બીબીસીએ કૅરિયર કાઉન્સિલર ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાય સાથે વાત કરીને ધોરણ 12 પછી સાયન્સ ઉપરાંત કૉમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પણ કેવા વિકલ્પો છે તેની જાણકારી મેળવી.
A ગ્રૂપના વિદ્યાર્થીઓ માટે વિકલ્પો

ઇમેજ સ્રોત, Getty Images
NDA (નૅશનલ ડિફેન્સ ઍકેડેમી)
ગણિત સાથે ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓ મોટા ભાગે એન્જિનિયરિંગનો વિકલ્પ અપનાવે છે અથવા BSc કરતા હોય છે. પરંતુ ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાય કહે છે કે ધોરણ 12માં A ગ્રૂપ રાખ્યું હોય તેવા વિદ્યાર્થીઓ NDA (નૅશનલ ડિફેન્સ ઍકેડેમી)માં પ્રવેશ લેવાનું વિચારી શકે છે. આના માટે એક પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે. તેને પાસ કર્યા પછી તમે સરકારી ખર્ચે BE/BTech કરી શકો છે. એનડીએમાં તમને સરકાર તરફથી યુનિફૉર્મથી લઈને રહેવા-જમવાની સુવિધા આપવામાં આવે છે. એનડીએમાં બીઈ/બીટેક કર્યા પછી ઉમેદવારને ઍરફોર્સ અથવા નેવીમાં નોકરી મળી જાય છે, આ ઉપરાંત આગળ ભણવાની સગવડ પણ મળે છે.
આ કેન્દ્ર સરકારની જોબ છે તેથી તેની પરીક્ષા મુશ્કેલ હોય છે અને ભારે હરીફાઇ જોવા મળે છે, પરંતુ તેમાં પાસ થઈ જાવ તો ભવિષ્ય સુરક્ષિત થઈ જાય છે.
એનડીએમાં 45 વર્ષે નિવૃત થવાની સુવિધા છે, આ ઉપરાંત વન રૅન્ક-વન પ્રમોશન (OROP) આવી ગયું તેથી તે નાણાકીય રીતે વધુ ફાયદાકારક છે.
ડૉ. ઉપાધ્યાય કહે છે કે એનડીએમાં પ્રવેશ મુશ્કેલ છે, પરંતુ JEE કરતાં તેનું રિઝલ્ટ લગભગ બમણું આવે છે, તેથી તેની ભલામણ કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
CPL (કૉમર્શિયલ પાઇલટ લાઇસન્સ)
A ગ્રૂપના વિદ્યાર્થીઓ માટે CPL (કૉમર્શિયલ પાઇલટ લાઇસન્સ) પણ એક સારો વિકલ્પ છે. તેમાં તમારે DGCAની એક પરીક્ષા આપવી પડે જેમાં 6 પેપર હોય છે અને 70 ટકાએ પાસ થવાનું હોય છે. આના કૉચિંગ માટે લગભગ અઢી લાખ રૂપિયા જેટલી ફી હોય છે. છ પેપર પાસ કર્યા પછી તમારે 200 કલાકનું ફ્લાઇંગ ઍક્સપિરિયન્સ મેળવવો પડે, જેના માટે 40થી 50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યાર બાદ તમે કૉ-પાઇલટ તરીકે જૉબ શરૂ કરી શકો જેમાં એકથી દોઢ લાખ રૂપિયાનો માસિક પગાર મળી શકે છે.
ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાય કહે છે કે આ કોર્સનો ફાયદો એ છે કે તેમાં BE/BTech વગેરે કંઈ કરવાની જરૂર રહેતી નથી. ઘણા પાઇલટ માત્ર ધોરણ 12 સાયન્સ પાસ કરીને CPL મેળવતા હોય છે. DGCAની પરીક્ષા દર ત્રણ મહિને લેવાય છે. આ ઉપરાંત તમે એક-એક વિષયની પણ પરીક્ષા પણ આપી શકો છો. તમે દર મહિને પરીક્ષા આપવા માંગતા હોવ તો ઑન-ડિમાન્ડ ઍક્ઝામ પણ આપી શકાય છે, જેનાં કેન્દ્રો તરીકે દિલ્હી અને મુંબઈ છે.
આ કોર્સનો ફાયદો એ છે કે ધોરણ 12 પછી એક જ વર્ષમાં સારો પગાર મેળવી શકો છો. તમારો જે ખર્ચ થયો હોય તે ત્રણ-સાડા ત્રણ વર્ષમાં સરભર થઈ જાય છે. આ કોર્સ કરવા માટે બૅન્કમાંથી ઍજ્યુકેશન લોન મળી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઍક્ચ્યુરિયલ સાયન્સ
ગણિત સાથે ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ઍક્ચ્યુરિયલ સાયન્સ (actuarial science) એ પણ સારો કોર્સ છે. જેમાં ઇન્શ્યૉરન્સ, પેન્શન, ફાઇનાન્સ વગેરેમાં ફાઇનાન્સિયલ રિસ્ક મૅનેજમેન્ટ શીખવામાં આવે છે. વિદેશમાં બૅન્કિંગ અને હેલ્થકૅર જેવાં સેક્ટરમાં આ કોર્સ કરનારાઓને બહુ સારું વેતન મળી શકે છે. ખાસ કરીને યુકેમાં આવા પ્રૉફેશનલોની ઘણી ડિમાન્ડ છે.
ડૉ. ઉપાધ્યાય કહે છે કે "ઍક્ચ્યુરિયલ સાયન્સના 13 પેપરની ઍક્ઝામ આપવી પડે છે. ભારતમાં અત્યારે ઍક્ચ્યુરિયલ સાયન્સના પ્રૉફેશનલોની ભારે અછત છે. તેના છ પેપર પાસ કરો તો પણ એક લાખની આસપાસ પગાર મળી શકે છે. ભારતમાં તેના કોચિંગની પણ સુવિધા ઓછી છે. આમ તો ઍક્ચ્યુરિયલ સાયન્સનો બેઝ કૉમર્સ છે. પરંતુ તેની ગણતરીઓ બહુ મુશ્કેલ હોય છે તેથી મૅથ્સના જાણકારો માટે તે વધુ યોગ્ય છે."
B.Sc. ઇન ફોરેન્સિક સાયન્સ
B.Sc. ઇન ફોરેન્સિક સાયન્સ પણ બહુ સારો કોર્સ છે. ગુજરાતમાં ગાંધીનગરમાં નૅશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) છે જેમાં ક્રિમિનલ સાયકોલૉજી, ફોરન્સિક એકાઉન્ટિંગ વગેરે શીખવવામાં આવે છે. દુનિયામાં આ પ્રકારની એકમાત્ર યુનિવર્સિટી છે અને તે 'ઇન્સ્ટિટ્યૂશન ઑફ નૅશનલ ઇમ્પોર્ટન્સ'નો દરજ્જો ધરાવે છે.
B.Tech ઇન મરીન એન્જિનિયરિંગ
B.Tech ઇન મરીન એન્જિનિયરિંગમાં પણ નોકરી મળવાની સંભાવના બહુ સારી છે. આપણે ત્યાં મેરીટાઇમ બોર્ડ છે, પરંતુ મરીન યુનિવર્સિટી નથી. જોકે, ગણપત યુનિવર્સિટીમાં સ્ટીમ્યુલસ રાખીને મરીન એન્જિનિયરિંગનો કોર્સ કરાવાય છે અને હાલના સમયમાં આ કોર્સ કરવા જેવો છે.
B ગ્રૂપના વિદ્યાર્થીઓ માટે વિકલ્પો

ઇમેજ સ્રોત, Getty Images
આયુર્વેદ
ધોરણ 12માં બાયૉલૉજી રાખ્યું હોય તેવા વિદ્યાર્થીઓને NEETની કસોટીમાં સારા ગુણ મળે તો સ્વભાવિક રીતે પ્રથમ પસંદગી મેડિકલમાં પ્રવેશ મેળવવાની હોય છે. આ ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ આયુર્વેદ કૉલેજમાં ઍડમિશન મેળવતા હોય છે. B ગ્રૂપના વિદ્યાર્થીઓ માટે બીજા વિકલ્પો પણ છે.
ફાર્મસી
ફાર્મસીમાં D. Pharm, B. Pharm અને M. Pharm જેવા કોર્સ હોય છે, આ ઉપરાંત એક કોર્સ Pharm. D છે, જે ડૉક્ટરેટ પ્રકારનો છ વર્ષનો કોર્સ છે. તેમાં વિદેશમાં જોબ મળવાની શક્યતા ઘણી સારી છે. આ કોર્સને A ગ્રૂપમાં પણ મૂકી શકાય છે.
સાત પ્રકારના એન્જિનિયરિંગ કોર્સ
બાયૉલૉજી ભણ્યા હોવા છતાં B ગ્રૂપના વિદ્યાર્થીઓ પણ સાત પ્રકારના એન્જિનિયરિંગ કોર્સ કરી શકે છે, જેમાં બાયૉટૅક એન્જિનિયરિંગ સામેલ છે. તેમાં ફાર્મ ટૅક્નૉલૉજી, ઍગ્રોટૅક્નૉલૉજી ટૅક, ડેરી ટૅક્નૉલૉજી વગેરેનો સમાવેશ થાય છે.
B.Sc ફૉરેસ્ટ્રી
તેવી જ રીતે B.Sc ફૉરેસ્ટ્રી પણ સારો કોર્સ છે, જેની વિદેશમાં ઘણી સારી ડિમાન્ડ છે.
BAP એટલે કે બૅચરલ ઇન આયુર્વેદિક ફાર્મસી
BAP એટલે કે બૅચરલ ઇન આયુર્વેદિક ફાર્મસીના કોર્સની પણ ડૉ. ઉપાધ્યાય ભલામણ કરે છે. તેઓ કહે છે કે, સામાન્ય રીતે આપણે ઍલૉપથીને ફાર્મસી ગણીએ છીએ, પરંતુ હવે આયુર્વેદમાં પણ ઇન્જેક્ટેબલ આવી ગયા છે તેથી બીએપીના કોર્સની ડિમાન્ડ છે.
કૉમર્સના વિદ્યાર્થીઓ માટેના સારા કોર્સ

ઇમેજ સ્રોત, Getty Images
ગ્લોબલ CA
ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાય કહે છે કે "કોમર્સના વિદ્યાર્થીઓ માટે CA અને CS બહુ આકર્ષક કોર્સ છે, પરંતુ તેમાં પાસ થનારાઓનું પ્રમાણ બહુ ઓછું છે. હવે ગ્લોબલ CAના કોર્સ આવ્યા છે, જેને ACCA (ઍસોસિયેશન ઑફ ચાર્ટર્ડ સર્ટિફાઇડ એકાઉન્ટન્ટ્સ) પણ કહેવામાં આવે છે. વિદેશ જઈને નાની-મોટી નોકરી કરવી તેના કરતાં ભારતથી જ ACCAની ડિગ્રી મેળવીને જાવ તો ઘણું ઉપયોગી બને છે. આ કોર્સ યુકે ઉપરાંત લગભગ 28 દેશોમાં સ્વીકાર્ય છે."
સીપીએ, સીએફએ અને સીએફપી
આ ઉપરાંત સીપીએ, સીએફએ, સીએફપી જેવા અમેરિકાના એકાઉન્ટિંગ કોર્સ છે, જે કૅનેડા સહિત બે ડઝન દેશોમાં ચાલે છે. ભારતની CA કરતાં આ પરીક્ષાઓમાં વધુ સારા રિઝલ્ટ આવે છે, તથા આર્ટિકલશિપ પણ હોતી નથી.
બૅચલર ઑફ લાઇબ્રેરી સાયન્સ
કૉમર્સના વિદ્યાર્થીઓ B.Lib એટલે કે બૅચલર ઑફ લાઇબ્રેરી સાયન્સ પણ કરી શકે છે.
CIMA અને CMA
ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજેમેન્ટ એકાઉન્ટન્ટ્સ (CIMA) પણ સારો કોર્સ છે. આપણે ત્યાં યુએસ CMA (સર્ટિફાઇડ મૅનેજમેન્ટ એકાઉન્ટ) શરૂ થયું છે, જે ભણવામાં સહેલું છે.
CFA
કેટલીક યુનિવર્સિટીઓ બીકોમ વિથ CFA (સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ ઍનાલિસ્ટ), બીકોમ વીથ ACCA, BBA વિથ CFP (સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર) જેવા કોર્સ શરૂ કર્યા છે, તેનો ફાયદો એ છે કે તેમાં એક જ સંસ્થામાંથી બધો અભ્યાસ પૂરો કરી શકાય છે.
ધોરણ 12 આર્ટ્સ પછી શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
BA અને B.Ed
કૅરિયર કાઉન્સેલર ડૉ. ઉપાધ્યાય કહે છે કે, "ધોરણ 12 આર્ટ્સ પછી તમે BA અને B.Ed બંને કરો તો ત્રણ વત્તા બે એમ કુલ પાંચ વર્ષ થાય. તેની જગ્યાએ BA B.Edનો ઇન્ટીગ્રેટેડ કોર્સ કરો તો તે ચાર વર્ષમાં થઈ જાય છે. "
BA LLB
તેવી જ રીતે BA LLBનો પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સ પણ કરી શકાય છે. તમે ત્રણ વર્ષના બીએ/બીકોમ/બીએસસી પછી LLB કરો તો કુલ છ વર્ષ થઈ જાય છે. તેના બદલે CLATની ઍક્ઝામ આપીને સારો સ્કોર મેળવો તો GNLU (ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી)માં પ્રવેશ મળી શકે. ઓછા ગુણ હોય તો બીજી ખાનગી યુનિવર્સિટીમાં પણ પ્રવેશ મળી શકે છે.
તેનો ફાયદો એ છે કે આ કોર્સમાં પહેલા વર્ષથી જ કાયદો ભણાવાય છે, હાઇકોર્ટની વિઝિટ કરવામાં આવે છે અને મોક-કોર્ટ રાખવામાં આવે છે, તેથી તેમાં કાયદાનું સારું ઍક્સપોઝર મળે છે. આ કોર્સ પાંચ વર્ષમાં થાય છે. તેની એક જ સમસ્યા એ છે કે વચ્ચેથી ઍક્ઝિટ નથી મળતી. એટલે કે ત્રણ વર્ષ પછી એક ડિગ્રી લઇને નીકળી શકાતું નથી.
ફોરેન્સિક સાયકોલૉજી
આ ઉપરાંત આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે BSc ઇન ફોરેન્સિક સાયકોલૉજી એક બહુ સારો કોર્સ છે, જે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ચલાવાય છે. સામાન્ય રીતે લોકો ચાઇલ્ડ સાયકોલૉજી અથવા ક્લિનિકલ સાયકોલૉજી કરતા હોય છે. પરંતુ હવે ફોરેન્સિક સાયકોલૉજીની માંગ વધી છે.
BA વિથ સાયકોલૉજી
તેવી જ રીતે BA વિથ સાયકોલૉજીની પણ સારી ડિમાન્ડ છે, કારણ કે લોકોમાં સ્ટ્રેસ વધતો જાય છે.
GNM અને ANM
GNM (જનરલ નર્સિંગ ઍન્ડ મિડવાઇફરી) અને ANM (ઑક્ઝિલરી નર્સ મિડવાઇફરી) નર્સિંગ પણ કરાવી શકાય. તે BSc નર્સિંગ જેટલો સારો કોર્સ નથી, છતાં તેની ભલામણ કરવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















