કર્ણાટક : 'મને ખૂબ તકલીફો પડી, ક્યાંય પ્રવેશ મળતો નહોતો', હિજાબ અને જનોઈ જેવાં ધાર્મિક પ્રતીકોની છૂટ

- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બીબીસી માટે, બૅંગલુરુ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ચાર વર્ષ પહેલાં કર્ણાટકમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધને કારણે જે વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાયો હતો તેમણે હવે રાહતનો શ્વાસ લીધો છે.
રાજ્ય સરકારે માથું ઢાંકતા હિજાબની મંજૂરી આપ્યા બાદ તેમણે અભ્યાસ ફરી શરૂ કરવાની નવી યોજના બનાવવાનું ચાલુ કરી દીધું છે.
આનાથી એવા લોકોને પણ રાહત મળી જેમનાં બાળકોને અમુક શિક્ષકોએ જનોઈ પહેરવાની મનાઈ ફરમાવી હતી. દક્ષિણ ભારતમાં તેને જનીવારા કહેવામાં આવે છે.
મંડ્યામાં આવેલી પોતાની કૉલેજમાં હિજાબ વિરોધીઓને 'અલ્લાહ હૂ અકબર'ના નારા દ્વારા જવાબ આપનારી મુસ્કાન ખાન 'હિજાબગર્લ' તરીકે જાણીતાં થયાં હતાં.
તેઓ હવે પોતાનો અભ્યાસ ફરી શરૂ કરવાની યોજના બનાવી રહ્યાં છે.
બીજી બાજુ સુવર્ણા તીર્થાને એવી આશા રાખે છે કે અન્ય વિદ્યાર્થીઓને એવી તકલીફ ન પડે, જેવી તેમના પુત્ર આનંદ એસ. તીર્થાને પડી.
તેમને મેડિકલ અને એન્જિનિયરિંગ કૉલેજોના પ્રવેશ માટે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતી વખતે જનોઈ કાઢવાનું કહેવામાં આવ્યું હતું.
સુવર્ણા તીર્થાએ બૅંગલુરુમાં બીબીસી હિન્દીને જણાવ્યું, "સ્પષ્ટ આદેશો હતા કે જનોઈ ઉતરાવવાની નથી, છતાં ગયા વર્ષે આવું થયું હતું અને આ વર્ષે પણ થયું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેમણે પીયુસી બોર્ડ પરીક્ષામાં 94 ટકા મેળવ્યા હતા. સારી કૉલેજમાં પ્રવેશ મેળવવામાંપીયુસી બોર્ડની પરીક્ષાના 50 ટકા અને CET પરીક્ષાના 50 ટકા ગણતરીમાં લેવામાં આવે છે."
કર્ણાટક સરકારે આ અઠવાડિયાની શરૂઆતમાં 2022માં ભાજપ સરકારે લાદેલા હિજાબ પરના પ્રતિબંધને રદ કરીને એક નવો આદેશ જાહેર કર્યો હતો.
નવા આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, "વિદ્યાર્થીઓને નિર્ધારિત ડ્રેસ સાથે મર્યાદિત પરંપરાગત અને રૂઢિગત પ્રતીકો પહેરવાની મંજૂરી છે."
આ આદેશ અનુસાર, "આવાં માન્ય ધાર્મિક અને પરંપરાગત પ્રતીકોમાં પાઘડી, પવિત્ર દોરા, શિવમાળા, રુદ્રાક્ષની માળા, હિજાબ કે આવાં અન્ય સમુદાયિક અને પરંપરાગત પ્રતીકો હોઈ શકે છે, જે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે પહેરતાં હોય છે. જોકે આ પ્રતીકો અનુશાસન, સલામતી અને વિદ્યાર્થીની ઓળખમાં વિઘ્નરૂપ ન બનવાં જોઈએ."
મુસ્કાન ખાનનો અનુભવ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મુસ્કાન ખાન 8 ફેબ્રુઆરી, 2022ના રોજ તેના સ્કૂટર પર કૉલેજ પહોંચ્યાં ત્યારે બનેલી ઘટનાને યાદ કરે છે.
કૉલેજના ગેટ પર કેટલાક વિદ્યાર્થીઓ અને અજાણ્યા લોકો હતા. જેવું તેમણે સ્કૂટર પાર્ક કર્યું કે તરત જ એક ટોળું તેમની પાસે આવીને તેમને હિજાબ કાઢવાનું કહેવા લાગ્યું.
તેમણે બીબીસી હિન્દીને જણાવ્યું, "ત્યારે મેં 'અલ્લાહ-હૂ-અકબર'નો નારા પોકાર્યો હતો. મને પૂછવામાં આવ્યું કે એ નારો મેં કેમ પોકાર્યો. તમે કોઈ બીજો નારો પણ લગાવી શકો તેમ હતાં."
"પરંતુ જ્યારે મહાત્મા ગાંધીને ગોળી મારવામાં આવી ત્યારે તેમણે શું કહ્યું'તું: 'હે રામ.' એ જ રીતે કોઈ પણ વ્યક્તિ જેનામાં આસ્થા હોય તેને જ પોકારેને!"
તેમણે પોતાના વ્યાખ્યાતાઓ અને પ્રોફેસરોનો આભાર માન્યો, જેમણે તેમની મદદ કરી અને તેમને કૉલેજની અંદર લઈ ગયા. તેમણે જણાવ્યું, "તેમણે મને ખૂબ મદદ કરી."
તેમના મિત્રો પણ તેમની સાથે ઊભા રહ્યા અને આજે પણ સંપર્કમાં છે, "કેમ કે તેઓ વર્ષોથી મને હિજાબમાં જોતા આવ્યા છે."
એ ઘટના પછી શું થયું? તેઓ બી.કૉમની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા ન આપી શક્યાં, કારણ કે તે ઘટના બરોબર એ પહેલાં જ બની હતી.
તેમણે કહ્યું, "મને ખૂબ તકલીફો પડી, મને ક્યાંય પ્રવેશ મળતો નહોતો. મારી મા મને ક્યાંય બહાર નહોતી જવા દેતી, તેથી મેં એક ઑપન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લીધો."
તેમણે આગળ ઉમેર્યું, "જુઓ, હિજાબનો મુદ્દો ક્યારેય હતો જ નહીં. તેને મોટો મુદ્દો બનાવી દેવામાં આવ્યો."
તેમણે જણાવ્યું, "અનેક છોકરીઓ ભણવા માગે છે. પણ આના લીધે તેમના શિક્ષણ પર ભારે અસર થઈ છે. આજે એક આદેશ પસાર કરવામાં આવ્યો છે, અને આપણે સમજવું પડશે કે શેના માટે પસાર કરવામાં આવ્યો છે. વિવિધ સમુદાયોની ધાર્મિક પરંપરાઓને ધ્યાનમાં રાખીને આ આદેશ પસાર કરવામાં આવ્યો છે."
તેમણે દુઃખ સાથે કહ્યું કે, અમુક વ્યાવસાયિક પ્રવેશપરીક્ષામાં ઘણા છોકરાઓને CET પરીક્ષા કેન્દ્ર પર જનોઈ ઉતારવાનું કહેવામાં આવ્યું હતું.
ભવિષ્યમાં તેઓ અનુસ્નાતકનો અભ્યાસ (PG) પૂર્ણ કરીને કાયદાનો અભ્યાસ કરવા માગે છે.
તેમણે જણાવ્યું કે, "હું મારા સમુદાયની સેવા કરીશ, જેથી શિક્ષણના મહત્ત્વ પર ભાર આપી શકાય અને ભારતના વિકાસમાં સહભાગી થઈ શકાય. હું એક મોટિવેશનલ સ્પીકર બનવા માગું છું, જેથી છોકરીઓને સમજાવી શકું કે પોતાની ઓળખ જાળવીને પણ અભ્યાસ ચાલુ રાખવો શક્ય છે. ઇસ્લામ આપણને જ્ઞાન મેળવવાની મંજૂરી આપે છે."
આનંદ તીર્થાની વાત

ઇમેજ સ્રોત, Umesh Marpally/BBC
આનંદનાં માતા સુવર્ણા તીર્થાએ જણાવ્યું કે તેમનો પુત્ર 12મા ધોરણમાં ભણતો હતો અને એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રવેશ મેળવવા ખૂબ ઉત્સુક હતો.
તેમણે જણાવ્યું કે, "પરીક્ષા પછી તેણે CET (કૉમન ઍન્ટ્રન્સ ટેસ્ટ)ની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. 24મી એપ્રિલે મારા પતિ તેને પરીક્ષા કેન્દ્ર પર લઈ ગયા હતા. માતાપિતાને ગેટ પર જ રોકી દેવામાં આવ્યા હતા."
"તપાસકર્તા કર્મચારીઓ બધાની તપાસ કરી રહ્યા હતા. બધાને તેમની ચેન, ઘડિયાળ વગેરે કાઢવાનું કહી રહ્યા હતા. તેમણે જનીવારા (જનોઈ) જોઈ અને તે કાઢવા કહ્યું. તે છેલ્લાં 10 વર્ષથી જનોઈ પહેરી રહ્યો છે. તેમણે કહ્યું કે, જનીવારા (જનોઈ) પહેરીને તે અંદર નહીં જઈ શકે. તેણે તેના પિતાને ફોન કર્યો, જે પરીક્ષા કેન્દ્રની બહાર હતા."
સુવર્ણા તીર્થાએ કહ્યું કે આનંદે તેના પ્રી-યુનિવર્સિટી કોર્સમાં સારા માર્ક્સ મેળવ્યા હતા.
તેમણે જણાવ્યું, "CETમાં PUC બોર્ડ પરીક્ષાનાં પરિણામોમાંથી 50 ટકા અને CET પરીક્ષામાંથી 50 ટકા ગુણ ગણતરીમાં લેવામાં આવે છે. અમે બપોરે કૉલેજના પ્રિન્સિપાલને પણ મળ્યાં. અમને સમજાતું નથી કે, સ્પષ્ટ સૂચનાઓ (જનીવારા પહેરવાની મંજૂરી માટે) આપવામાં આવી હોવા છતાં આવું કેમ થયું? ગયા વર્ષે પણ સરકારે નિર્દેશ જાહેર કર્યા હતા. સરકારે આદેશો આપ્યા હોવા છતાં આવું થયું."
તેમણે ઉમેર્યું, "તે (આનંદ તીર્થા) ખૂબ જ દુઃખી છે. અમારે પરિણામની રાહ જોવી પડશે. બીજા પણ ચાર-પાંચ વિદ્યાર્થીઓ આવી તકલીફોનો ભોગ બન્યા હતા. તેમનું ભવિષ્ય CETના માર્ક્સ પર નિર્ભર છે."
માતાપિતાએ કરેલી ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (આઇપીસી)ની કલમ 299 (કોઈ પણ વર્ગની ધાર્મિક લાગણીઓને કે તેમના ધર્મ કે માન્યતાઓનું અપમાન કરીને ઠેસ પહોંચાડવાના હેતુથી ઇરાદાપૂર્વક અને દુર્ભાવનાથી કરવામાં આવેલું કૃત્ય) અને કલમ 302 (જાણી જોઈને કોઈ પણ વ્યક્તિની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી શબ્દો કે ઇશારાનો ઉપયોગ કરવો) હેઠળ કેસ નોંધ્યો હતો.
સુવર્ણા તીર્થાએ કહ્યું, "અમે એટલા માટે ફરિયાદ કરી કે જેથી આવી ઘટના બીજા કોઈ ઉમેદવાર સાથે ફરી ન બને."
તેમના પતિ સુધીન્દ્ર તીર્થાએ બીબીસી હિન્દીને જણાવ્યું કે, "જો તેને આશરે 97 ટકા કે તેનાથી વધારે ગુણ મળે તો કેપિટેશન ફી ચૂકવ્યા વિના પ્રતિષ્ઠિત કૉલેજોમાં પ્રવેશ મળવાની સંભાવના છે. અમે કેપિટેશન ફી ભરી શકીએ તેમ નથી."
આનંદ તીર્થાનાં માતાપિતા (સુવર્ણા અને સુધીન્દ્ર)એ આશ્ચર્યપૂર્વક કહ્યું કે, પરીક્ષામાં નકલ કરવા માટે જનોઈનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























