'તમારા વડા પ્રધાન અઘરા સવાલોના જવાબ ક્યારે આપશે', ભારતે આ જવાબ આપ્યો

ઇમેજ સ્રોત, X/@Narendramodi
નૉર્વેમાં ભારતીય વિદેશ મંત્રાલયની પ્રેસ કૉન્ફરન્સમાં એક પત્રકાર હેલા લેંગ અને મંત્રાલયના સચિવ સીબી જ્યૉર્જ અને પ્રવક્તા રણધીર જયસ્વાલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
અગાઉ, નૉર્વેના વડા પ્રધાન જોનાસ સ્ટોર સાથે મુલાકાત કર્યા પછી હેલા લેંગે પીએમ નરેન્દ્ર મોદીને એક પ્રશ્ન પૂછ્યો, ત્યારે પીએમ જવાબ આપ્યા વિના જ જતા રહ્યા હતા. આ બંને ઘટનાની ભારતમાં ખૂબ ચર્ચા થઈ રહી છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રા સહિત ઘણાં લોકોએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
પત્રકારપરિષદમાં પત્રકાર હેલા લેંગે ભારતીય વિદેશ મંત્રાલયને દેશમાં 'માનવાધિકાર ઉલ્લંઘન'ના આરોપો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'અઘરા પ્રશ્નોનો સામનો ન કરવા' સંબંધિત પ્રશ્નો પૂછ્યા.
ભારતના વિદેશ મંત્રાલયે ભારતને "મહાન દેશ" અને "પ્રાચીન સભ્યતા ધરાવતો દેશ" ગણાવીને પ્રતિક્રિયા આપી અને કહ્યું કે કોરોના રોગચાળા દરમિયાન ભારતે "ઘણા દેશોને રસી પૂરી પાડી હતી" અને આવા પ્રયાસોને કારણે "આખી દુનિયા ભારત પર વિશ્વાસ રાખે છે."
'તમારા વડા પ્રધાન ક્યારે અઘરા પ્રશ્નોના જવાબ આપવાનું શરૂ કરશે?'
ઓસ્લોમાં ભારતીય વિદેશ મંત્રાલયની એક પ્રેસ કૉન્ફરન્સમાં નૉર્વેનાં પત્રકાર હેલા લેંગે પૂછ્યું, "ભારત અને નૉર્વે એક મજબૂત ભાગીદારી બનાવી રહ્યા છે, પરંતુ અમે તમારા પર વિશ્વાસ કેમ મૂકીએ? શું તમે તમારા દેશમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનોને રોકવાનું વચન આપો છો? તમારા વડા પ્રધાન ક્યારે અઘરા પ્રશ્નોના જવાબ આપવાનું શરૂ કરશે?"

જ્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે તમારો પ્રશ્ન સાંભળ્યો છે અને તેનો જવાબ આપીશું, ત્યારે નૉર્વેજિયન પત્રકારે કહ્યું કે મને આનો તાત્કાલિક જવાબ જોઈએ છે.
પાછળથી એ જ પ્રેસ કૉન્ફરન્સમાં ભારતના વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સીબી જ્યૉર્જે આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, "ભારત એક ખૂબ જ પ્રાચીન સભ્યતા છે. લગભગ પાંચ હજાર વર્ષ જૂની સભ્યતા. અમે શૂન્યની શોધ કરી. અમે યોગની શોધ કરી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્યારે સીબી જ્યૉર્જ આ કહી રહ્યા હતા, ત્યારે પત્રકારે તેમને ફરીથી અટકાવ્યા અને કહ્યું કે તમારે મારા પ્રશ્નનો સીધો જવાબ આપવો જોઈએ.
આ અંગે સીબી જ્યૉર્જે કહ્યું, "આ મારી પ્રેસ કૉન્ફરન્સ છે. તમે પ્રશ્ન પૂછ્યો છે. હવે તમારે મારો જવાબ સાંભળવાની ધીરજ રાખવી જોઈએ."
ત્યાર પછી પત્રકારે ફરી કહ્યું કે તમારે યોગ વગેરે વિશે વાત કરવાને બદલે તમારે સીધો પ્રશ્નનો જવાબ આપવો જોઈએ.
સીબી જ્યૉર્જે પછી કહ્યું, "હું વિશ્વાસ વિશે જ વાત કરી રહ્યો છું. જ્યારે આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું હતું, ત્યારે અમે દુનિયાના 150થી વધુ દેશોને રસી અને દવાઓ પૂરી પાડી હતી. અમે સમગ્ર વિશ્વને કટોકટીમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી. દુનિયાએ અમારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો. આ હોય છે વિશ્વાસ."
પત્રકાર તેમને ફરી અટકાવ્યા અને માનવ અધિકાર ઉલ્લંઘન અંગેના તેમના પ્રશ્નનો સીધો જવાબ માગ્યો.
જવાબમાં સીબી જ્યૉર્જે ભારતમાં યોજાયેલી જી20 સમિટનો ઉલ્લેખ કરતા કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધની મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભારતના યજમાનીએ બધા દેશોને એક પ્લૅટફૉર્મ પર એકસાથે લાવ્યા. ભારતે બધાને એક કર્યા અને પ્રથમ વખત આફ્રિકન યુનિયનને જી20નો કાયમી સભ્ય બનાવવામાં સફળ થયા.
તેમણે કહ્યું, "ભારતે આફ્રિકન દેશોની ચિંતાઓને નિવારણ માટે એક પ્લૅટફૉર્મ પૂરું પાડ્યું. આ છે વિશ્વાસ."
સીબી જ્યૉર્જ જવાબ આપી રહ્યા હતા ત્યારે મહિલા પત્રકાર પ્રેસ કૉન્ફરન્સ છોડીને ચાલ્યાં ગયાં.
નૉર્વનાં પત્રકારનો પીએમ મોદીને સવાલ

ઇમેજ સ્રોત, HelleLyngSvends
અગાઉ, નૉર્વેના વડા પ્રધાન જોનાસ સ્ટોર સાથેની મુલાકાત પછી હેલા લેંગ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્નો પૂછ્યા હતા, પણ એ સમયે વડા પ્રધાન ત્યાંથી જતા રહ્યા હતા.
આ વીડિયોમાં પત્રકાર હેલા લેંગને એમ કહેતાં સાંભળી શકાય છે કે "વડા પ્રધાન મોદી, તમે વિશ્વના સૌથી સ્વતંત્ર પ્રેસના પ્રશ્નો કેમ નથી સાંભળતા?"
બાદમાં વીડિયો શૅર કરતી વખતે હેલા લેંગે લખ્યું , "ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મારા પ્રશ્નનો જવાબ આપ્યો નહીં. મને આવી અપેક્ષા નહોતી. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં નૉર્વે પ્રથમ સ્થાને છે અને ભારત 157મા સ્થાને છે."
પછી તેમની પોસ્ટનો જવાબ આપતા નૉર્વેમાં ભારતીય દૂતાવાસે ઍક્સ પર પોસ્ટ કરી કે દૂતાવાસ એક પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે જેમાં તેઓ આવીને પોતાના પ્રશ્નો પૂછી શકે છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વીડિયોનો ઉલ્લેખ કર્યો અને વડા પ્રધાન પર "ડરીને સ્થળ છોડીને જવાનો" આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું , "જ્યારે છુપાવવા જેવું કંઈ ન હોય, ત્યારે ડરવાની જરૂર નથી હોતી. જ્યારે દુનિયા એક સમાધાન કરી ચૂકેલા વડા પ્રધાનને કેટલાક પ્રશ્નોથી ગભરાતાં જુએ છે, ત્યારે તેની ભારતની છબી પર શું અસર પડે છે?"

ઇમેજ સ્રોત, Anindito Mukherjee/Bloomberg via Getty Images
તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રાએ ઍક્સ પર પોસ્ટ કરી, "પ્રિય હેલા લેંગ! ભારતના વિપક્ષ અને લાખો ભારતીયો વતી આભાર. તમે એ કર્યું જે અમારું પોતાનું મીડિયા આ કરવામાં સતત નિષ્ફળ રહ્યું છે, સત્તાને સવાલ પૂછવો અને ઉત્તરદાયિત્વની માગ કરવી. પ્રેસ બ્રીફિંગ કે પ્રેસ કૉન્ફરન્સ-નામમાં જ ફરક છે. ન તો જવાબ મળે કે ન તો સત્ય."
હેલા લેંગે પાછળથી ઍક્સ પર બીજી પોસ્ટ કરીને કહ્યું, "પત્રકારત્વ ક્યારેક સંઘર્ષાત્મક હોય છે. અમે પ્રશ્નોના જવાબો ઇચ્છીએ છીએ. જો કોઈ ઇન્ટરવ્યૂ આપવાવાળા ખાસ કરીને સત્તામાં રહેલી વ્યક્તિ, મારા પ્રશ્નનો જવાબ ન આપે, તો હું તેને અટકાવવાનો અને સ્પષ્ટ અને વધુ સીધો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશ. તે મારું કામ અને જવાબદારી છે. મને જવાબો જોઈએ છે, ફક્ત તૈયાર પૉઇન્ટ્સ નહીં."
અગાઉ બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે , "મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે આ લખવું પડશે, પરંતુ હું કોઈ વિદેશી સરકાર દ્વારા મોકલવામાં આવેલી વિદેશી જાસૂસ નથી. મારું કામ પત્રકારત્વ છે અને હું હવે મુખ્યત્વે નૉર્વેમાં કામ કરું છું."
હેલે લેંગ હાલમાં નૉર્વેના પ્રતિષ્ઠિત અખબાર ડગસાવીસનનાં પત્રકાર છે. તેઓ અગાઉ અમેરિકન સંવાદદાતા તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
એમ 24 અનુસાર, તેમણે એમ્સ્ટરડેમ યુનિવર્સિટીમાંથી પૉલિટિકલ કૉમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી તેમજ અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.
ઉલ્લેખનીય છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોની સત્તાવાર મુલાકાતે છે. તેઓ યુએઇ, નેધરલૅન્ડ્સ અને સ્વીડનની મુલાકાત લીધા બાદ નૉર્વે પહોંચ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























