સદાશિવ અમરાપુરકર : 'નાટક કરતો એટલે પિતાએ ઘરમાં પૂરી રાખ્યો હતો', નાના એવા ગામથી ફિલ્મોમાં ખલનાયક બનવા સુધી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ ઉદ્યોગ, બોલીવૂડ, સદાશિવ અમરાપુરકર

ઇમેજ સ્રોત, Reema Amarapurkar & VISHESH FILMS

ઇમેજ કૅપ્શન, સદાશિવ અમરાપુરકર
    • લેેખક, વિનાયક હોગાડે
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 10 મિનિટ

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના એક નાના ગામનો નાટકઘેલો છોકરો, જેણે હિન્દી ફિલ્મોમાં પ્રભાવશાળી ખલનાયકીના વિવિધ રંગો દર્શાવીને બે ફિલ્મફેર પુરસ્કાર જીત્યા.

સંત કબીરે તેમના એક દોહામાં સ્વપ્નની એક દુનિયાની કલ્પના કરી હતી. તેમણે તેનું નામ 'અમરાપુર' રાખ્યું હતું. અમરપુર એટલે એક એવું ગામ જે માણસોનું પ્રેમનગર હશે અને ત્યાં દુઃખ, પીડા અને નફરતને કોઈ સ્થાન નહીં હોય.

સદાશિવ અમરાપુરકર ફક્ત તેમણે ભજવેલી ભૂમિકા વડે જ અમર નથી, પરંતુ કબીરની કલ્પનાને વાસ્તવ બનાવવા માટે આખું જીવન જીવ્યા હતા.

શેવગાંવ તાલુકાના અમરાપુર ગામનો આ નાટકઘેલો "બંડુ" કૉલેજના દિવસોથી જ જીવનનિર્વાહ માટે નાટકનો પાગલપ્રેમી બની રહ્યો હતો.

તેમનું લક્ષ્ય ક્યારેય "ગ્લેમર" ન હતું. રાતોરાત ગ્લેમર મળવા છતાં તેઓ તેમના મૂળને ક્યારેય ભૂલ્યા ન હતા.

હકીકતમાં તેમણે જમીનના મુદ્દા માટે સતત સંઘર્ષ કર્યો હતો. નરેન્દ્ર દાભોલકરની અંધશ્રદ્ધા નાબૂદીની ચળવળ હોય કે પછી તેમનું સામાજિક કૃતજ્ઞતા ભંડોળ હોય, તેમણે સમાજને પાછું આપવાની "ભૂમિકા" ક્યારેય છોડી ન હતી.

તેમનો જન્મ 11, મેના રોજ થયો હતો. ખલનાયકના મહોરા પાછળના વાસ્તવિક માણસને, સદાશિવ અમરાપુરકર વિશે જાણીએ.

નાટકઘેલો 'બંડુ'

સદાશિવ અમરાપુરકર કૉલેજકાળથી જ નાટકના શોખીન હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૉલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે ઑલ ઇન્ડિયા રેડિયોની પરીક્ષા પાસ કરી હતી અને થોડા દિવસ આકાશવાણીના પરભણી કેન્દ્રમાં કામ કર્યું હતું.

જોકે, ત્યાંનું શુષ્ક વાતાવરણ તેમને ગમતું ન હતું અને કોઈના આદેશ હેઠળ કામ કરવાનું તેમના સ્વભાવમાં ન હતું. તેથી તેમણે ટૂંક સમયમાં એ નોકરી છોડી દીધી હતી અને નાટકના પ્રવાહમાં પૂર્ણ સમયના અભિનેતા બનવા તરફ ડગલાં માંડ્યાં હતાં.

તેમના પિતા શોખ તરીકે નાટક કરવાના વિરોધી ન હતા, પરંતુ સદાશિવ અમરાપુરકરે કૉમર્શિયલ નાટકોમાં જવાનો અને પૂર્ણકાલીન અભિનેતા બનવાનો નિર્ણય કર્યો ત્યારે તેમના પિતાએ જોરદાર વિરોધ કર્યો હતો.

આ વિરોધ અને લગ્ન પછી તેમણે સખત આર્થિક અસ્થિરતાનો સામનો કરવો પડ્યો હોવા છતાં સદાશિવ અમરાપુરકરે નાટક કરવાનું ચાલુ રાખ્યું હતું.

આ વાત સદાશિવ અમરાપુરકરે રાજ્યસભા ટીવી ચૅનલને આપેલા તેમના છેલ્લા ઇન્ટરવ્યૂમાં કહી હતી.

"એક દિવસ મારા પિતાએ મને નાટકના રિહર્સલમાં જતો અટકાવ્યો હતો અને ઘરમાં પૂરી દીધો હતો. તેમને એવું લાગતું હતું કે હું વધારે પડતા ઉત્સાહથી તેમાં ભાગ લઈ રહ્યો છું. મારાં લગ્ન થઈ ગયાં હતાં, એક દીકરી હતી તેમ છતાં હું નાટક જ કરતો હતો. તે સમયે મને સમજાયું હતું કે હું નાટક સિવાય બીજું કશું કરી શકું તેમ નથી. એ વેળાએ મેં મારા પિતાને બૂમ પાડીને કહ્યું હતું કે હું ફક્ત નાટક જ કરી શકું છું અને હું એ જ કરીશ."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ ઉદ્યોગ, બોલીવૂડ, સદાશિવ અમરાપુરકર

ઇમેજ સ્રોત, Reema Amarapurkar

ઇમેજ કૅપ્શન, કૉલેજમાં આવ્યા ત્યાં સુધી સદાશિવ અમરાપુરકર નાટકના દીવાના હતા

તેમનાં પત્ની સુનંદા એલઆઇસીમાં કામ કરતાં હતાં. તેથી તેઓ પોતાનો શોખ જાળવી શક્યા હતા.

વ્યાવસાયિક નાટક ન મળ્યાં ત્યાં સુધી તેઓ શહેરમાં નાનાં-મોટાં નાટકો કરતા રહ્યા હતા અને રાજ્ય નાટ્ય સ્પર્ધા માટે નાટકોનું મંચન કરતા રહ્યા હતા.

તેમને ફિલ્મોમાં કામ કરવાની પહેલી તક '22 જૂન, 1897' ફિલ્મથી મળી હતી. તેમાં તેમણે લોકમાન્ય ટિળકની ભૂમિકા ભજવી હતી.

એ પછી સદાશિવ અમરાપુરકરને અભિનેતા અને દિગ્દર્શક એમ બંને તરીકે ખ્યાતિ મળવી શરૂ થઈ હતી.

તેમણે વિજય તેંડુલકર સહિતના અનેક નાટ્યલેખકોના નાટકોનું દિગ્દર્શન કર્યું હતું. સ્મિતા પાટીલથી માંડીને લક્ષ્મીકાંત બેર્ડે સુધીના ઘણા કળાકારોના નાટકોનું દિગ્દર્શન પણ કર્યું હતું.

તેમનાં પત્ની સુનંદાએ "ખૂલભર દુધાચી કહાણી" નામે પોતાની આત્મકથા લખી છે.

સદાશિવ અમરાપુરકરની નાટ્યક્ષેત્રની આખી સફર વિશે વાત કરતાં તેઓ લખે છે, "અહમદનગર ઍજ્યુકેશન સોસાયટીના અમૃત મહોત્સવ કાર્યક્રમ માટે ભંડોળ એકઠું કરવા અનેક વિદ્યાર્થીઓએ નાટકો કર્યાં હતાં. આ રીતે તેમનામાં નાટ્યપ્રેમનું બીજ રોપાયું હતું."

તેઓ આગળ લખે છે, "સદાશિવ અમરાપુરકર એવા નાટકઘેલા છોકરાઓ પૈકીના એક હતા. તેમણે શક્ય હોય તે દરેક જગ્યાએથી તેમને ગમતું જ્ઞાન એકત્ર કર્યું હતું અને તેમાંથી તેઓ નાટકના તમામ પાસાઓના જાણકાર ઉત્તમ અભિનેતા બન્યા હતા."

સુનંદા અમરાપુરકરના જણાવ્યા મુજબ, સદાશિવ અમરાપુરકરે શાળાના દિવસોમાં વાર્તાકથમના ક્ષેત્રમાં પણ સૌથી વધારે પુરસ્કારો જીત્યા હતા.

તેઓ લખે છે, "હવે પાછળ જોતાં લાગે છે કે તેમને સિનેમામાં જવાની તક ન મળી હોત તો સદાશિવ અત્યંત આનંદપૂર્વક અહમદનગરમાં રહીને નાટકો કરતા રહ્યા હોત."

સદાશિવ અમરાપુરકરે પોતાની કારકિર્દીમાં 'સૂર્યાચ્ય પિલ્લે', 'છિન્ન', 'કન્યાદાન', 'છૂ મંતર', 'મી કુમાર', 'હવા અંધારા કવડસા', 'બખર એક રાજાચી', 'અકસ્માત', 'તી ફુલરાની', 'જ્યાચા ત્યાચા વિઠ્ઠા' અને 'હેન્ડ્સ અપ' જેવા કેટલાંક મહત્ત્વપૂર્ણ નાટકોમાં કામ કર્યું હતું.

'અર્ધસત્ય'એ રાતોરાત ગ્લેમર આપ્યું

1982માં હેન્ડ્સ અપ નાટકમાં પોલીસ ઇન્સપેક્ટર તરીકે તેમણે ભજવેલી ભૂમિકા ગાજી રહી હતી.

એ સમયે વિજય તેંડુલકર 'અર્ધસત્ય'ની સ્ક્રિપ્ટ લખી રહ્યા હતા. ફિલ્મનું ડિરેક્શન ગોવિંદ નિહલાણી કરવાના હતા.

તેંડુલકરે આ ફિલ્મમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા માટે સદાશિવ અમરાપુરકરનું નાટક 'હેન્ડ્સ-અપ' જોવાનું સૂચન ગોવિંદ નિહલાણીને કર્યું હતું. નાટક જોયા પછી બીજા દિવસે અમરાપુરકરને મળવા માટે નિહલાણીએ ફોન કર્યો.

આ વિશે માહિતી આપતાં સુનંદા અમરાપુરકર કહે છે, "તેમણે અર્ધસત્ય માટે સદાશિવને પસંદ કર્યા હતા, પરંતુ એ રામા શેટ્ટી નામના ખલનાયકની નાની ભૂમિકા માટે. સદાશિવને થોડું અયોગ્ય લાગ્યું, પણ તેમણે રોલ સ્વીકાર્યો. ચાલો, કરી જોઈએ, એવું વિચારીને. એ ફક્ત ત્રણ દિવસનું કામ હતું."

પણ ફિલ્મ પ્રદર્શિત થયા પછી સદાશિવ અમરાપુરકરે ભજવેલી રામા શેટ્ટીની ભૂમિકા એટલી લોકપ્રિય થઈ કે તેઓ રાતોરાત સ્ટાર બની ગયા.

એ પછી તેમને પોતાની ફિલ્મમાં લેવા માટે નિર્માતા-દિગ્દર્શકો તલપાપડ થઈ ગયા.

આ કિસ્સો જણાવતાં સુનંદા અમરાપુરકર લખે છે, "અમારી પાસે ફોન ન હતો. અમારી સામે હોડીવાલા નામનો એક પારસી પરિવાર રહેતો હતો. તેમના ફોન પર દિવસરાત ફોન આવવા લાગ્યા. એ સમય દરમિયાન સદાશિવને સેંકડો ફિલ્મોની ઑફર મળી હતી. વાતચીત કેવી રીતે કરવી, કોણ સારું છે, કોણ કેવું છે, ભૂમિકા કેવી રીતે પસંદ કરવી, કેટલા પૈસાની માગણી કરવી અને કેટલા પૈસા મળશે, એ બધાની તેમને જરાય ખબર ન હતી."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ ઉદ્યોગ, બોલીવૂડ, સદાશિવ અમરાપુરકર

ઇમેજ સ્રોત, GOVIND NIHLANI

ઇમેજ કૅપ્શન, 'અર્ધસત્ય' ફિલ્મ રિલીઝ થયા બાદ સદાશિવ અમરાપુરકરે ભજવેલું પાત્ર 'રામા શેટ્ટી' એટલું લોકપ્રિય બન્યું કે તેઓ રાતોરાત સ્ટાર બની ગયા

આખરે તેંડુલકરે સદાશિવને કહ્યું કે તારે એક સેક્રેટરી રાખવો પડશે.

ફિલ્મોની ઑફર સ્વીકારતી વખતે અનેક લોકોએ તેમને તેમનું સ્ક્રીન નામ રામા શેટ્ટી રાખવાની સલાહ આપી હતી, પરંતુ તેમણે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી અને સદાશિવ અમરાપુરકર નામ જ રાખ્યું હતું.

તેમણે ભજવેલા રામા શેટ્ટીના થોડી મિનિટોના પાત્રે તેમને ફિલ્મફેર ઍવૉર્ડ અપાવ્યો અને સદાશિવ અમરાપુરકર હિન્દી સિનેમામાં એક મહત્ત્વપૂર્ણ નામ બની ગયા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ ઉદ્યોગ, બોલીવૂડ, સદાશિવ અમરાપુરકર

ઇમેજ સ્રોત, Mehta Publishing House

ઇમેજ કૅપ્શન, સદાશિવ અમરાપુરકરનાં પત્ની સુનંદા અમરાપુરકરે - ખુલભર દૂધાચી કહાણી નામે તેમની આત્મકથા લખી હતી

બાદમાં અમરાપુરકરે તેંડુલકરને પૂછ્યું હતું કે તમે મને આ પાત્ર શા માટે આપ્યું હતું? તેના જવાબમાં તેંડુલકરે કહ્યું હતું કે તારી આંખો તકવાદી છે.

સુનંદા અમરાપુરકર લખે છે, "સદાશિવે મંત્રીઓથી માંડીને ગુંડા અને પોલીસકર્મીથી માંડીને ટ્રાન્સજેન્ડર વિલન સુધીનાં તમામ પ્રકારનાં પાત્રો ભજવ્યાં અને તે પણ અસલી લાગે તેવી રીતે. તમે બહુ ખરાબ રીતે પાત્ર ભજવ્યું છે, એવું કહીને પત્રકારોએ તેમને અનેક વાર ચીડવ્યા હતા. ફિલ્મોમાં છોકરીઓ પર બળાત્કાર કર્યા. તમને શું લાગે છે? અરે, તેને આપવામાં આવેલું કામ પૂર્ણ રીતે કરે છે, ખરાબ લોકોના કામ સારી રીતે કરે છે ત્યારે મારા મંતવ્યનો પ્રશ્ન જ ક્યાં આવે છે?"

ખલનાયકની ભૂમિકાથી મળેલી ઓળખથી માંડીને ખલનાયકની ભૂમિકાઓનો કંટાળો સદાશિવ અમરાપુરકરની આંખોમાં દેખાતો હતો. તેમનો અવાજ દમદાર હતો. તેમને પાત્રની સચોટ સમજ હતી. એ ઉપરાંત તેઓ બોલવાની "અહમદનગર શૈલી"ને રાષ્ટ્રીય સ્તરે લઈ ગયા હતા. ફિલ્મોદ્યોગમાં તેમને લોકો "તાત્યા" કહેતા હતા.

તેમણે ખલનાયકની ભૂમિકા મોટા પ્રમાણમાં ભજવી હતી, પરંતુ તેમાંય વૈવિધ્ય હતું.

'સડક' ફિલ્મમાં તેમણે ભજવેલી મહારાણીની, એક ટ્રાન્સજેન્ડર ખલનાયકની ભૂમિકા આજે પણ આપણને આકર્ષિત કરે છે.

ખલનાયકની આટલી બધી ભૂમિકા ભજવ્યા પછી તેમને વિલનનું પાત્ર ભજવવાનો કંટાળો આવે તે સ્વાભાવિક હતું.

પછીથી તેઓ કૉમેડી ભૂમિકા તરફ વળ્યા હતા. 'ઈશ્ક' ફિલ્મમાંની તેમની ભૂમિકા હોય કે પછી 'હમ સાથ સાથ હૈં'માં કરિશ્મા કપૂરના પિતાનું પાત્ર હોય, તેમણે બધે જ પોતાની આગવી છાપ છોડી હતી.

તેમણે 1979થી 2014 સુધી લગભગ 350 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમાં મરાઠી, હિન્દી, હરિયાણવી અને બંગાળી ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ ફિલ્મોમાં 'આરં આરં આબા આતા તરી થામ્બા', 'સાવરખેડ એક ગાંવ', 'દોઘી', 'વાસ્તુપુરુષ', 'અર્ધસત્ય', 'આખરી રાસ્તા', 'સડક', 'કાલચક્ર', 'ખતરોં કે ખિલાડી', 'મોહરા', 'હમ સાથ સાથ હૈં', 'કુલી નંબર વન', 'હકૂમત' 'ઐલાને જંગ', 'મેરે દો અનમોલ રતન', 'તેરી મહેરબાનિયા' અને 'બૉમ્બે ટોકીઝ'નો પણ સમાવેશ થાય છે.

તેમણે 'ભારત એક ખોજ', 'રાજ સે સ્વરાજ તક', 'ભાકરી આણી ફૂલ', 'શોભા સોમનાથ કી' જેવી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.

તેમની કારકિર્દી દરમિયાન તેમને બે ફિલ્મફેર ઍવૉર્ડ, ક્રિટિક્સ ઍવૉર્ડ, પૉપ્યુલારિટી ઍવૉર્ડ, શ્રેષ્ઠ ચરિત્ર અભિનેતા સહિતના ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સામાજિક કાર્યકર્તાઓનો મજબૂત આધારસ્તંભ

બહુ ઓછા લોકો જાણે છે કે સદાશિવ અમરાપુરકરના ખલનાયકના મહોરા પાછળ સમાજની ખેવના ધરાવતો એક સાચો કાર્યકર પણ હતો.

તેમની વૈચારિક ભૂમિકા સ્પષ્ટ હતી. તેમણે સમયાંતરે સમાજમાં રાજકીય અને સામાજિક ઘટનાઓ વિશે પણ આગવું વલણ અપનાવ્યું હતું.

માત્ર વૈચારિક ભૂમિકા માંડીને તેઓ ક્યારેય શાંત બેસી રહ્યા ન હતા. તેઓ તન-મન-ઘનથી સામાજિક ચળવળોના આધારસ્તંભ બની રહ્યા હતા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ ઉદ્યોગ, બોલીવૂડ, સદાશિવ અમરાપુરકર

ઇમેજ સ્રોત, VISHESH FILMS

ઇમેજ કૅપ્શન, ફિલ્મ સડકમાં તેમણે એક ટ્રાન્સજેન્ડર વિલન 'મહારાની'ની ભૂમિકા ભજવી હતી, જે લોકોને આજે પણ આકર્ષિત કરે છે

અભિનેતા ગિરીશ કુલકર્ણીએ તેમના વિશે સાધના સાપ્તાહિકમાં 'અભિનેતા અસૂનહી કાર્યકર્તા' શિર્ષક હેઠળ એક લેખ લખ્યો હતો. તેમાં તેમણે સદાશિવ અમરાપુરકર વિશે લખ્યું છે, "ઘણા કળાકારોને મુખ્ય મંત્રીની ભલામણથી 10 ટકાના અનામત ક્વૉટામાંથી ઘર મળે છે. આમને પણ 80ના દાયકામાં આવું ઘર મળ્યું હતું."

"બાદમાં પોતાનું ઘર થયા પછી માત્ર બે કળાકારોએ સરકારી ક્વૉટામાંથી મળેલા ઘર સરકારને પાછા આપ્યાં હતાં. એક નીલુભાઉ ફૂલે અને બીજા તાત્યા. કરોડોની કિંમતના ઘર સરકારની વિનંતી અથવા કોઈ ટીકાટિપ્પણી ન હોવા છતાં જાતે જ પરત કરનારા કળાકારો પણ હતા, એ વાત આજે કોઈ માનશે નહીં."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ ઉદ્યોગ, બોલીવૂડ, સદાશિવ અમરાપુરકર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તેમણે મોટા ભાગે વિલનની ભૂમિકાઓ કરી, પરંતુ તેમાં પણ વૈવિધ્ય હતું

ડૉ. નરેન્દ્ર દાભોળકરની અંધશ્રદ્ધા નાબૂદી ચળવળ હોય કે પછી સામાજિક આંદોલનોમાં કામ કરતા કાર્યકરો માટે નાણાંની વ્યવસ્થા કરવા 'સામાજિક કૃતજ્ઞતા ભંડોળ'નો વિચાર હોય, સદાશિવ અમરાપુરકર બધામાં મોખરે હતા.

તેમણે નીલુ ફુલે, ડૉ. શ્રીરામ લાગુ, સુહાસ જોશી, સુધીર જોશી, રીમા લાગુ, ભારતી આચરેકર જેવા કલાકારો સાથે 'લગ્નાચી બેડી' નાટકનું મંચન કર્યું અને મહારાષ્ટ્રનાં ગામડાંમાં જઈને તે નાટક રજૂ કર્યું હતું.

એ માટે કળાકારોએ એક રૂપિયો સુધ્ધાં લીધો ન હતો. તેમની સાથે અનિલ અવચટ, નરેન્દ્ર દાભોળકર અને બાબા આઢવ જેવા કાર્યકરો પણ હતા.

તેમાંથી જે લાખો રૂપિયા એકઠા થયા હતા તેના વ્યાજમાંથી આજે પણ સામાજિક આંદોલનોમાં કાર્યરત્ કાર્યકરોને માનદ આર્થિક વેતન આપવામાં આવે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ ઉદ્યોગ, બોલીવૂડ, સદાશિવ અમરાપુરકર

ઇમેજ સ્રોત, Reema Amarapurkar

ઇમેજ કૅપ્શન, નીલુ ફુલે, શ્રીરામ લાગુ અને ડૉ. નરેન્દ્ર ડાભોલકર

હાલ 'સકૃનિ'ના કાર્યવાહક સુભાષ વારેએ સદાશિવ અમરાપુરકરના યોગદાન વિશે વાત કરતાં કહ્યું હતું, "તેમણે ફક્ત નાટકોમાં કામ જ કર્યું ન હતું. એ પછી યોજાતી ટ્રસ્ટી મંડળની બેઠકોમાં પણ તેઓ હાજર રહેતા હતા. નીલુ ફુલે અને શ્રીરામ લાગુ પણ હાજર હોય. તેઓ સક્રિયપણે સૂચનો કરતા હતા. આવા કાર્યકરોની શિબિરમાં પણ અમરાપુરકર હાજર રહેતા હતા. તેમના જેવી વ્યક્તિ શિબિરમાં આવીને વાતો સાભળશે, એ વાતે કર્મશીલો ખુદ નારાજ રહેતા હતા."

તેમનાં પુત્રી રીમા અમરાપુરકરે બીબીસી મરાઠી સાથે વાત કરતાં કહ્યું હતું, "નરેન્દ્રકાકાનો ફોન આવે ત્યારે તેઓ ખુશીથી ફોન ઉપાડતા અને કહેતા કે 'આ, મને હમણાં કામે લગાડી દેશે.' તેમ છતાં તેમણે જે કહ્યું હોય એ કામ તેઓ તત્પરતાથી કરતા હતા. હકીકતમાં 'આ નરેન્દ્ર મને ક્યારે કોઈ કામ સોંપશે,' તેની રાહ જોતા હતા."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ ઉદ્યોગ, બોલીવૂડ, સદાશિવ અમરાપુરકર

ઇમેજ સ્રોત, Reema Amarapurkar

ઇમેજ કૅપ્શન, વિલન તરીકે ભૂમિકાના મુખવટા પાછળ સમાજ માટે જુસ્સો ધરાવતો એક પ્રામાણિક ઍક્ટિવિસ્ટ પણ છુપાયેલો હતો, એ વાત ખૂબ ઓછા લોકો જાણતા હતા

ગિરીશ કુલકર્ણીએ કહ્યું હતું, "આપણે વર્તમાન વ્યવસ્થાથી ભલે ગમે તેટલા ગુસ્સે હોઈએ, પરંતુ એકલા પડી જઈએ, એવી રાજકીય હારાકિરી આંદોલનમાં ચાલી શકે નહીં, એવું કહીને તાત્યા પોતાના મંતવ્ય પર અડગ રહ્યા હતા."

"અહમદનગરમાં રાજકારણનું ગુનાખોરીકરણ થઈ ગયું છે. બધા રાજકીય પક્ષોએ ગુનેગારોને રાજ્યાશ્રય આપ્યો છે. અહમદનગરમાં રાજકારણના ગુનાખોરીકરણ અને નગરવાસીઓની નિષ્ક્રિયતા વિશે તાત્યાએ ગુનેગારોના નામ લઈને આકરું નિવેદન કર્યું હતું. તેનાથી એવો સંદેશ પ્રસર્યો હતો કે અહમદનગર મર્યું નથી. તેનાથી અહમદનગરના તમામ લોકોમાં એક ચેતના ઉત્પન્ન થઈ હતી."

સદાશિવ અમરાપુરકર વિશે વાત કરતાં તેમણે ઉમેર્યું હતું, "હોળીના દિવસોમાં પાણીના દુરુપયોગ અને મહારાષ્ટ્રમાંની પાણીની અછત તથા દુષ્કાળના ભણકારાની પશ્ચાદભૂમાં તાત્યાએ મુંબઈમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરોધીઓએ ઝપાઝપી કરી. પરંપરાવાદીઓ અને સંસ્કૃતિનિષ્ઠોએ તેમને બદનામ કરવાના પ્રયાસ કર્યા. એ વખતે અમે મળ્યા ત્યારે તાત્યાએ કહ્યું હતું, આપણે આપણો મુદ્દો સમાજ સમક્ષ રજૂ કરી દીધો છે. આપણું કામ પૂર્ણ થયું."

મુખવટા પાછળનો સાચો માણસ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ ઉદ્યોગ, બોલીવૂડ, સદાશિવ અમરાપુરકર

ઇમેજ સ્રોત, Reema Amarapurkar

ઇમેજ કૅપ્શન, સુનંદા અમરાપુરકર તેમના બાળપણનાં મિત્ર હતાં. તેઓ એક ડ્રામા મારફતે મળ્યાં અને બાદમાં લગ્ન કરી લીધાં

ફિલ્મોદ્યોગ આભાસની દુનિયા છે. તેમાં લાંબો સમય રહે તે માણસ પોતાના અને દુનિયા વિશે ભ્રમણામાં જીવતો શરૂ થઈ જાય છે, એવું રિમા અમરાપુરકરે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું, "તેમણે એ આભાસથી પોતાને આયાસપૂર્વક દૂર રાખ્યા હતા. તેથી જ તેઓ ગ્રામ્ય વિસ્તારમાં શૂટિંગ કરવા જતા ત્યારે તેમની સાથે ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા ન હોય તેવા મિત્રો અને મિત્રો ન હોય તો કમસે કમ ડઝન પુસ્તકો હોય જ."

તેમને ફોટોગ્રાફી અને ચિત્રકામનો શોખ પણ હતો. તેઓ ઘણાં બધાં પુસ્તકો વાંચતા હતા. ફિલ્મના સેટ પર પણ સમય મળે ત્યારે તેઓ પુસ્તકો વાંચતા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

તેમના કહેવા મુજબ, "લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવવાને બદલે તેમને પુસ્તકો ખરીદવા તથા વાંચવા બહુ ગમતા હતા. તેઓ માનતા હતા કે પુસ્તકોમાં પણ જીવન હોય છે. તેમના કારણે અમારા ઘરમાં વૈચારિકથી માંડીને સસ્પેન્સ-થ્રિલર સુધીનાં તમામ પ્રકારનાં પુસ્તકોનો સંગ્રહ છે. અમે તેમના વાંચનના સંસ્કાર ક્યારેય છોડ્યા નથી."

સુનંદા અમરાપુરકર તેમના બાળપણના મિત્ર. નાટકો મારફત તેમનો સંબંધ જોડાયો હતો અને આખરે તેમણે તેમની બાળપણની સખી સાથે લગ્ન કર્યાં હતાં.

સુનંદા અમરાપુરકરે કહ્યું હતું, "તેઓ તેમની વયના પ્રમાણમાં વધારે પરિપક્વ હતા. તેમને દરેક બાબતમાં સરળતા અને પ્રામાણિકતા પસંદ હતી. તેમને અસલી અને નકલી વચ્ચેના ભેદની સારી રીતે ખબર હતી. તેથી તેઓ તેમના અસલી રંગને ક્યારેય ભૂલ્યા ન હતા. કશું ભૂલીને તેઓ કંઈ કરવાના પણ ન હતા. તેમની આ વિશિષ્ટતા મને બહુ ગમે છે."

તેઓ સમયપાલનના કડક આગ્રહી હતી. નિયત સમયે નિયત સ્થળે પહોંચી જવાનું એ તેમનો નિયમ હતો, એમ પણ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, "સદાશિવની એક ખાસિયત હતી. તેમને કાયમ મિત્રો સાથે રહેવાનું, ગપ્પાં મારવાનું ગમતું હતું. એટલે કે એમાં તેમને મજા આવતી હતી. તેમના સમગ્ર જીવનમાં મિત્રો બહુ મહત્ત્વના હતા."

રીમા અમરાપુરકરના કહેવા મુજબ, "મિત્રો અને પુસ્તકોને કારણે તેમનો વાસ્તવિક દુનિયા સાથેનો, વાસ્તવિક પ્રશ્નો સાથેનો અને વાસ્તવિક લોકો સાથેનો સંબંધ ક્યારેય તૂટ્યો નહીં. તેનાથી વિપરીત, એ વધુ મજબૂત થયો હતો. તેની સુક્ષ્મતાને તેઓ સમજતા હતા. તેથી કોઈ પણ ઘટના વિશે વાત કરતી વખતે તેમના વક્તવ્યમાં એક અલગ દૃષ્ટિકોણ જોવા મળતો હતો."

સદાશિવ અમરાપુરકરનું 2014માં અવસાન થયું હતું.

છેલ્લા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, "અભિનય કરવો, પાત્રો ભજવવાં એ જ મારા શ્વાસ છે."

આ વિધાન અનુસાર જ તેઓ આજીવન ભૂમિકાઓ ભજવતા રહ્યા હતા.

સંદર્ભોઃ

  • ખુલભર દુધાચી કહાણી – સુનંદા અમરાપુરકર (મહેતા પબ્લિશિંગ હાઉસ)
  • Guftagoo with Sadashiv Amrapurkar – સંસદ ટીવી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન