19 વર્ષના નસીરુદ્દીન શાહે જ્યારે પોતાનાં કરતાં 15 વર્ષ મોટાં પરવીન સાથે લગ્ન કર્યાં

નસીરુદ્દીન શાહ પોતાનાં સ્પષ્ટ નિર્ભિક નિવેદનો માટે પ્રખ્યાત છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નસીરુદ્દીન શાહ પોતાનાં સ્પષ્ટ નિર્ભિક નિવેદનો માટે પ્રખ્યાત છે
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિંદી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ

ભારતીય ફિલ્મ દુનિયામાં નસીરુદ્દીન શાહની ઓળખ એક ઘડાયેલા અભિનેતાની છે. અભિનય સિવાય સમાજ, રાજકારણ અને સિનેમા પરનાં નિવેદનોના કારણે તેઓ સમાચારોમાં છવાયેલા રહે છે.

જે ફિલ્મી દુનિયામાં લોકો વિચારી-વિચારીને બોલે છે અથવા તો ચૂપ જ રહે છે, ત્યાં સ્પષ્ટ રીતે પોતાની વાત કહેનાર નસીરુદ્દીન શાહ 20 જુલાઈ, 2026ના દિવસે 76 વર્ષના થઈ જશે.

તેમાંથી 50 વર્ષ તેમણે સિનેમાજગતને આપ્યાં છે. 1975માં જ્યારે નસીરુદ્દીન શાહની પહેલી ફિલ્મ 'નિશાંત' રિલીઝ થઈ ત્યારે તેઓ ખુશ થવાના બદલે દુઃખી હતા.

ત્યારે દૂરદર્શને તેમને અંગ્રેજી અને હિંદી સમાચારવાચક તરીકે રિજેક્ટ કરી દીધા હતા. એ જ દિવસોમાં તેમનાં એક સહ-અભિનેત્રી સ્મિતા પાટિલ દૂરદર્શન પર મરાઠી સમાચાર વાંચીને પ્રતિષ્ઠા મેળવી રહ્યાં હતાં.

બારાબંકીમાં જન્મેલા નસીરુદ્દીન શાહને તેમના પિતા સાથે ક્યારેય બન્યું નહીં. બીજા પિતાઓની જેમ તેમના પિતા પણ ઇચ્છતા હતા કે નસીર એક સારી, પારંપરિક કૅરિયર પસંદ કરે.

પોતાની આત્મકથા 'ઍન્ડ ધૅન વન-ડે'માં નસીરુદ્દીન શાહે લખ્યું છે, "મારા પિતા અંગ્રેજોની જેમ રહેતા હતા. સરધના જેવા કસબામાં પણ તેઓ હૅટ વગર બહાર નીકળતા નહોતા."

"તેઓ અમને પૈસા દ્વારા ખરીદી શકાય તેવું સૌથી સારું શિક્ષણ અપાવવા ઇચ્છતા હતા. તેઓ પશ્તો અને ફારસીની સાથે-સાથે સારી અંગ્રેજી પણ બોલતા હતા, પરંતુ તેમણે ક્યારેય અમને પશ્તો કે ફારસી શીખવવાની જરૂરિયાત ન સમજી."

નસીરુદ્દીને માતા પ્રત્યેના પ્રેમ વિશે શું લખ્યું છે?

નસીરુદ્દીન શાહે પોતાની આત્મકથામાં માતા સાથેની પોતાની ભાવુક પળોને યાદ કરી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નસીરુદ્દીન શાહે પોતાની આત્મકથામાં માતા સાથેની પોતાની ભાવુક પળોને યાદ કરી છે

પોતાના પિતાની સરખામણીએ નસીર પોતાનાં માતાને વધારે માનતા હતા.

તેમનો ગુસ્સો જાણીતો હતો, જેની સામે તેમના પિતા પણ ટકી શકતા નહોતા. નસીરે પોતાનાં માતા વિશે લખ્યું છે, "જ્યારે મારા પિતા સાથે મારી વાતચીત બિલકુલ બંધ થઈ ગઈ, મારાં માતા જ મને સહારો આપતાં હતાં."

માની સાથે પોતાના સંબંધ વિશે જણાવતાં તેમણે લખ્યું છે, "જ્યારે મને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો, ત્યારે હું તેમને મારી સાથે રાષ્ટ્રપતિ ભવન લઈ ગયો હતો."

"મારા કબાટમાં હજુ સુધી તેમનો એક દુપટ્ટો રાખેલો છે, જેમાં તેમની સુગંધ ભરેલી છે."

"મારી જિંદગીમાં સૌથી આનંદદાયક પળ ત્યારે રહેતી જ્યારે તેઓ પોતાના દુપટ્ટાના એક છેડાને પોતાના શ્વાસથી ગરમ કરીને મારી આંખો પર મૂકતાં હતાં."

પરવીન મોરાદ સાથે જ્યારે નસીરુદ્દીનનાં લગ્ન થયાં

પોતાનાં બીજાં પત્ની રત્ના પાઠક શાહ સાથે નસીરુદ્દીન શાહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોતાનાં બીજાં પત્ની રત્ના પાઠક શાહ સાથે નસીરુદ્દીન શાહ

અલીગઢ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત મેડિકલનો અભ્યાસ કરતાં પાકિસ્તાની નાગરિક પરવીન મોરાદની સાથે થઈ હતી.

તે સમયે તેમની ઉંમર 19 વર્ષની હતી, તેમ છતાં તેમણે પોતાનાથી લગભગ 15 વર્ષ મોટાં પરવીનની સામે માત્ર લગ્નનો પ્રસ્તાવ રજૂ કર્યો એટલું જ નહીં, બલકે બંનેએ લગ્ન પણ કર્યાં.

નસીર લખે છે, "તેઓ દેખાવમાં ખૂબ સુંદર નહોતાં, પરંતુ તેમનો પહેરવેશ મને આકર્ષિત કરતો હતો. તેઓ ખૂબ જ હસતાં હતાં. અલીગઢના લોકોને બીજાની બાબતોમાં દખલગીરી કરવામાં ઘણી મજા આવતી હતી."

"જ્યારે પણ અમે એકબીજાંનો હાથ પકડીને નીકળતાં હતાં, લોકોમાં અંદરોઅંદર ખણખોદ શરૂ થઈ જતી હતી."

"1 નવેમ્બર 1969એ અમે ગુપચુપ લગ્ન કરી લીધાં. ઘણા દિવસો પછી મારા પિતાને તે અંગે ખબર પડતાં તેમણે પત્ર લખીને મને 'ભોળા બેવકૂફ' કહ્યું."

પરવીનનાં સાવકાં મોટાં બહેન સુરેખા નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ભણીને આવ્યાં હતાં. પાછળથી તેમણે ઘણી ફિલ્મો અને 'બાલિકા વધૂ' જેવી ટીવી સિરિયલમાં કામ કરીને ઘણી નામના મેળવી.

અલકાઝી જ્યારે બન્યા નસીરના ગુરુ

એનએસડીના પૂર્વ ડાયરેક્ટર અલકાઝી, જેઓ નસીરુદ્દીન શાહના ગુરુ બન્યા

ઇમેજ સ્રોત, X

ઇમેજ કૅપ્શન, એનએસડીના પૂર્વ ડાયરેક્ટર અલકાઝી, જેઓ નસીરુદ્દીન શાહના ગુરુ બન્યા

આ દરમિયાન નસીરુદ્દીન શાહે દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ઍડ્‌મિશન લીધું.

ત્યાં તેઓ સ્કૂલના ડાયરેક્ટર અલકાઝીના સંપર્કમાં આવ્યા. અલકાઝીને એ નહોતું ગમતું કે નસીર અભિનયનો અભ્યાસ કરે. તેઓ ઇચ્છતા હતા કે તેઓ દિગ્દર્શનની દિશામાં આગળ વધે.

અલકાઝીના વ્યક્તિત્વનાં ઘણાં પાસાંએ નસીર પર ખૂબ અસર કરી.

નસીરે લખ્યું, "નાનામાં નાની બાબતો પર તેમની નજર રહેતી હતી. ડાયરેક્ટર હોવા છતાં પણ તેમનું ધ્યાન શૌચાલયોની સફાઈ પર રહેતું હતું. ઘણી વાર તેઓ પોતે શૌચાલયની સફાઈ કરતા જોવા મળતા હતા."

આ દરમિયાન નસીરને એક પુત્રી જન્મી, હિબા. નસીર પોતાની આત્મકથામાં સ્વીકારે છે કે તેમને પોતાની પુત્રીથી જ ઇર્ષા થવા લાગી.

તેમને એ વાત ખટકવા લાગી કે હવે તેઓ પોતાનાં પત્ની પરવીનના જીવનમાં સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ નથી રહ્યા. પરવીન માટે તેમનું આકર્ષણ ઓછું થતું ગયું.

દિલ્હીથી અલીગઢની તેમની સાપ્તાહિક યાત્રાઓ પહેલાં માસિક યાત્રાઓમાં બદલાઈ અને પછી ધીમે-ધીમે બંધ થઈ ગઈ.

પરવીને પહેલાં ઇંગ્લૅન્ડ અને પછી ઈરાનમાં રહેવાનો નિર્ણય કરી લીધો.

ગિરીશ કર્નાડની ભલામણથી નસીરુદ્દીન શાહને મળી પહેલી ફિલ્મ

નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા પછી નસીરે પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં અભિનયનો અભ્યાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો.

તેમના ભાઈ ઝહીર અને ઝમીર તેમના અભ્યાસ માટે પૈસા મોકલવામાં પાછા ન પડ્યા.

જોકે, તે બંને દર મહિને માત્ર 600 રૂપિયા કમાતા હતા, પરંતુ પરિણીત હોવા છતાં નિયમિત રીતે 100 રૂપિયા નસીરને મોકલતા હતા.

તેમના મોટા ભાઈ ઝમીરુદ્દીન શાહ સેનામાં ઘણા ઊંચા પદ પર પહોંચ્યા અને નાયબ સેનાધ્યક્ષ પદ પર રિટાયર થયા.

શ્યામ બેનેગલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, "મેં પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને મારા મિત્ર ગિરીશ કર્નાડને એક વખત કહ્યું કે શું તેમના ધ્યાનમાં કોઈ સારો અભિનેતા છે, જે આ વર્ષે ડિગ્રી મેળવવાનો હોય?"

"કર્નાડે મને કહ્યું કે એક છોકરો છે, જેનું નામ નસીરુદ્દીન શાહ છે. આમ તો તે મને હેરાન કરતો રહે છે, પરંતુ જબરજસ્ત અભિનેતા છે. આ રીતે મેં નસીરને 'નિશાંત' માટે સાઇન કર્યા."

નસીરુદ્દીને પોતાની આત્મકથામાં જણાવ્યું છે કે આ ફિલ્મ માટે તેમને 10 હજાર રૂપિયા મળ્યા હતા.

માતા-પિતાએ નસીરની પહેલી ફિલ્મ જોઈને શું કહ્યું?

નસીરુદ્દીન શાહ

ઇમેજ સ્રોત, FACEBOOK

નસીરુદ્દીન શાહ લખે છે, "છ મહિના પછી જ્યારે ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે મસૂરીમાં મૉલની પાસે લટાર મારતા મારા પિતાએ ફિલ્મના પોસ્ટર પર મારું નામ જોયું."

"તેઓ સીધા રિયાલ્ટો ટૉકીઝમાં મારી ફિલ્મ જોવા ગયા. ઘરે પાછા આવીને તેમણે ખૂબ જ ખુશ થઈને મારાં માતાને મારા અભિનય વિશે જણાવ્યું."

"તેઓ એ વાતથી નારાજ થઈ ગયાં કે તેઓ એકલા-એકલા ફિલ્મ કેમ જોઈ આવ્યા. તેમણે કહ્યું કે તેઓ પણ આ ફિલ્મ જોશે."

"પરિણામ એ આવ્યું કે મારા બાબાએ પોતાના જીવનમાં પહેલી વાર કોઈ ફિલ્મ બીજી વખત જોઈ. તેમણે મને એક ઘણો લાંબો પત્ર લખીને જણાવ્યું કે તેઓ પડદા પર મારું નામ જોઈને બહુ ખુશ થયા."

'મંથન' અને 'માસૂમ'માં જોરદાર અભિનય

ગિરીશ કર્નાડ (જમણે) સાથે ‘મંથન’ ફિલ્મના એક દૃશ્યમાં નસીરુદ્દીન શાહ

ઇમેજ સ્રોત, SAHYADRI FILMS

ઇમેજ કૅપ્શન, ગિરીશ કર્નાડ (જમણે) સાથે 'મંથન' ફિલ્મના એક દૃશ્યમાં નસીરુદ્દીન શાહ

ત્યાર પછી નસીરની એક પછી એક ઘણી ફિલ્મોને સમીક્ષકોની પ્રશંસા મળવાનું શરૂ થઈ ગયું.

સૌથી પહેલાં 'મંથન' ફિલ્મ આવી. આ ફિલ્મ માટે ગુજરાત સહકારિતા દુગ્ધ ફૅડરેશનના પાંચ લાખ સભ્યોએ બે-બે રૂપિયા આપીને આ ફિલ્મ માટે દસ લાખ રૂપિયા જમા કર્યા.

આ ફિલ્મ પૂરાં 10 અઠવાડિયાં સુધી મુંબઈનાં સિનેમાઘરોમાં હાઉસફુલ ચાલી.

ત્યાર પછી 'ભૂમિકા', 'કથા', 'સ્પર્શ', 'અલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ', 'મંડી', 'જુનૂન', 'ઉમરાવ જાન', 'પાર', 'ખંડહર' અને 'આક્રોશ' જેવી ઘણી ફિલ્મોમાં નસીરે પોતાની અભિનયની પ્રતિભા સાબિત કરી.

વર્ષ 1983માં આવેલી ફિલ્મ 'માસૂમ'માં નસીરના અભિનયનાં ખૂબ જ વખાણ થયાં.

ફિલ્મના ડાયરેક્ટર શેખર કપૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, "ફિલ્મ નિર્માતા તરીકે મારા જીવનનું સૌથી મોટું દુઃખ એ રહ્યું કે મેં નસીરની સાથે 'માસૂમ' પછી ક્યારેય કામ ન કર્યું."

"આ ફિલ્મમાં તેમનો અભિનય એટલો તાજગીસભર છે કે લાગે છે કે ફિલ્મ કાલે જ બનાવવામાં આવી હોય. તેમાં કોઈ શંકા નથી કે તેઓ ભારતના મહાન અભિનેતાઓમાંના એક છે."

નસીરુદ્દીન શાહ પર હૉલીવુડ અભિનેતા સ્પેન્સર ટ્રેસીનો પ્રભાવ

નસીરુદ્દીન શાહ હૉલીવુડ અભિનેતા સ્પેન્સર ટ્રેસીથી ખૂબ જ પ્રભાવિત હતા (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નસીરુદ્દીન શાહ હૉલીવુડ અભિનેતા સ્પેન્સર ટ્રેસીથી ખૂબ જ પ્રભાવિત હતા (ફાઇલ ફોટો)

પોતાની કૅરિયરની શરૂઆતમાં જ નસીરુદ્દીને માની લીધું હતું કે તેમની પાસે એક ફિલ્મસ્ટાર જેવો જાદુ નથી અને ચહેરો પણ નથી. એક સામાન્ય હિંદી ફિલ્મોના અભિનેતાની જેમ તેમની નાચવાની ક્ષમતા પણ સીમિત હતી.

તેમની આરંભિક કિશોરાવસ્થા શમ્મી કપૂરની નકલ કરતાં પસાર થઈ હતી, પરંતુ તેમને ખબર હતી કે તેઓ ક્યારેય 'દિલ દે કે દેખો' જેવો ડાન્સ નહીં કરી શકે.

જ્યારે તેમણે હૅમિંગ્વેની નવલકથા પરથી બનેલી અંગ્રેજી ફિલ્મ 'ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી' જોઈ ત્યારે તેમને લાગ્યું કે જ્યારે સાધારણ ચહેરો ધરાવતા અભિનેતા સ્પેન્સર ટ્રેસી અદ્‌ભુત સ્ક્રીન પ્રેઝન્સ બતાવી શકે છે તો તેઓ શા માટે એવું ન કરી શકે.

સ્પેન્સર ટ્રેસી વિશે તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, "તેઓ ફિલ્મમાં એટલા વાસ્તવિક દેખાયા હતા કે તેમનામાંથી આવતી સમુદ્રની સુગંધ સુધ્ધાં તેઓ અનુભવી શકતા હતા. તેમનો તડકાથી દાઝેલો ચહેરો, જૂનાં ફાટેલાં કપડાં અને ખુલ્લા પગ જોતાં એવું લાગી રહ્યું હતું કે તેમણે પોતાની આખી જિંદગી હોડીઓમાં પસાર કરી છે."

નસીરુદ્દીન શાહ નિર્ભિક નિવેદનો માટે જાણીતા છે

નસીરુદ્દીન શાહ

ઇમેજ સ્રોત, hoture

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નસીરુદ્દીન શાહ પોતાની વાતને સ્પષ્ટપણે રજૂ કરવામાં ક્યારેય પાછા નથી પડ્યા.

ગયા વર્ષે જ્યારે પહલગામ ઘટના પછી અભિનેતા દિલજીત દોસાંઝના એક પાકિસ્તાની અભિનેત્રીની સાથે કામ કરવા સામે સવાલ ઉઠાવવામાં આવ્યા, ત્યારે તેમણે દિલજિત દોસાંઝનો બચાવ કરતાં પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું, "હું દિલજીત દોસાંઝની સાથે ઊભો છું. આ ફિલ્મના કાસ્ટિંગ માટે દિલજીત જવાબદાર નથી, બલકે ફિલ્મના ડાયરેક્ટર છે."

"કોઈ નથી જાણતું કે ફિલ્મના ડાયરેક્ટર કોણ છે, જ્યારે દિલજીતને બધા લોકો ઓળખે છે."

પછીથી દાવો કરવામાં આવ્યો કે તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરી નાખી, પરંતુ નસીરુદ્દીન શાહે દાવો કર્યો કે તેમની પોસ્ટ ફેસબુકે હટાવી દીધી અને તેઓ પોતાના નિવેદન પર અડગ છે.

આ પોસ્ટ હટી ગયા પછી તેમણે ક્રિપ્ટિક પોસ્ટ શૅર કરી છે.

વૈજ્ઞાનિક અને દાર્શનિક જૉર્જ ક્રિસ્ટોફ લિચેનબર્ગે લખેલી વાતોને શૅર કરતાં તેમણે લખ્યું, "કોઈની દાઢી બાળ્યા વગર ટોળાં વચ્ચેથી સત્યની મશાલ લઈ જવી લગભગ અશક્ય છે."

સીએએ–એનઆરસી વિવાદ દરમિયાન તેમણે પોતાના સહ-અભિનેતા અનુપમ ખેરને 'જોકર' કહીને બોલાવ્યા તો તેના પર પણ ખૂબ હોબાળો થઈ ગયો.

પોતાના શબ્દ પાછા ખેંચવાના બદલે તેમણે ફરીથી કહ્યું કે અનુપમ ખેરે ગંભીરતીથી ન લેવું જોઈએ.

કથિત 'લવ જેહાદ'ના મુદ્દાને નસીરુદ્દીને ખુલ્લેઆમ સમાજના ભાગલા પડાવનાર ગણાવ્યો છે.

આની પહેલાં વર્ષ 2016માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં નસીરુદ્દીન શાહે રાજેશ ખન્નાને એક ખરાબ અભિનેતા ગણાવતાં કહ્યું કે તેઓ ભારતીય સિનેમાનું સ્તર નીચે લઈ જવા માટે જવાબદાર હતા.

રાજેશ ખન્નાના પ્રશંસકો અને સાથીઓને આ ટિપ્પણીથી ખૂબ ખરાબ લાગ્યું અને શાહની આ ટિપ્પણી સામે ઘણા સવાલ ઊભા કરવામાં આવ્યા. રાજેશ ખન્નાની પુત્રી ટ્વિંકલ ખન્નાની ટીકા પછી તેમણે આ કૉમેન્ટ માટે માફી માગી લીધી હતી.

જ્યારે વર્ષ 2010માં એક ઇન્ટરવ્યૂમાં તેમણે અમિતાભ બચ્ચન પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે અમિતાભે કોઈ મહાન ફિલ્મ નથી કરી. 'શોલે'ને પણ તેમણે માત્ર મનોરંજક ફિલ્મ માની હતી.

નસીરુદ્દીન શાહે કૉમર્શિયલ ફિલ્મોમાં પણ કામ કર્યું

ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’ના એક દૃશ્યમાં વિદ્યા બાલન સાથે નસીરુદ્દીન શાહ (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, PR

ઇમેજ કૅપ્શન, ફિલ્મ 'ડર્ટી પિક્ચર'ના એક દૃશ્યમાં વિદ્યા બાલન સાથે નસીરુદ્દીન શાહ (ફાઇલ ફોટો)

એવું નથી કે નસીરે માત્ર કલાત્મક ફિલ્મોમાં જ કામ કર્યું. તેમણે વ્યાવસાયિક ફિલ્મોમાં પણ પોતાનો હાથ અજમાવ્યો.

તેમાંની એક યાદગાર ફિલ્મ હતી વર્ષ 1989માં આવેલી ફિલ્મ 'ત્રિદેવ'. જ્યારે તેમણે લાલ પાંખોવાળી ફ્લૉપી હૅટ પહેરીને 'ઓએ ઓએ' ગીત ગાયું ત્યારે ઘણા સિને-સમીક્ષકો આશ્ચર્ય પામ્યા હતા.

વર્ષ 2011માં આવેલી ફિલ્મ 'ડર્ટી પિક્ચર'માં પણ વિદ્યા બાલનની સાથે તેમણે 'ઉ લા લા' પર ડાન્સ કરીને ઘણા લોકોને ચકિત કરી દીધા હતા.

તેમણે 'ચમત્કાર, 'મોહરા', 'ચાઇના ગેટ' અને 'જિંદગી ન મિલેગી દોબારા' જેવી કૉમર્શિયલ ફિલ્મોમાં પણ કામ કર્યું.

પરંતુ કૉમર્શિયલ ફિલ્મોમાં અભિનયને વાસ્તવિક રૂપ આપવાની તેમની કોશિશને ન તો યોગ્ય માનવામાં આવી અને ન તો પસંદ કરવામાં આવી. એક ડાયરેક્ટરે તો તેમને સાફ શબ્દોમાં કહી દીધું, "નસીરજી, આ આર્ટ ફિલ્મ નથી. અહીં અભિનય કરવાનો હોય છે."

કેટલાક ફિલ્મ સમીક્ષકોએ લખ્યું છે કે નસીરુદ્દીન શાહની જે ફિલ્મે તેમને સૌથી વધારે નિરાશ કર્યા તે હતી હૉલીવુડની ફિલ્મ 'ધ લીગ ઑફ ઍક્સ્ટ્રાઑર્ડિનરી જેન્ટલમૅન'.

પછીથી તેમણે પોતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, "તે મારા અભિનય જીવનનો સૌથી ખરાબ અને બોરિંગ અનુભવ હતો. પરંતુ મને તેના માટે એટલા પૈસા મળ્યા કે મેં કશી ફરિયાદ ન કરી."

"એમાં કશી શંકા નથી કે ફિલ્મ સહનશક્તિની બહારની હતી. પરંતુ હું તેમાં મારા અભિનયને ખરાબ નહીં કહું."

"મેં એનાથી પણ ખરાબ ફિલ્મો કરી છે, જેવી કે 'ઝિંદા જલા દૂંગા' અને 'મુઝે મેરી બીવી સે બચાઓ'."

નસીરુદ્દીન શાહ માટે ફિલ્મ પુરસ્કારોનું મહત્ત્વ નથી?

નસીરુદ્દીન શાહ

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 1983માં અભિનેત્રી રત્ના પાઠક સાથે તેમની બીજી શાદી થઈ.

નસીરુદ્દીન શાહને પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

તેમને 'પાર', 'સ્પર્શ' અને 'ઇકબાલ'માં સર્વશ્રેષ્ઠ અભિનય માટે ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા.

તેમને 'આક્રોશ', 'ચક્ર' અને 'માસૂમ' ફિલ્મોમાં અભિનય માટે ત્રણ ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યા.

સ્પષ્ટવક્તા તરીકે જાણીતા નસીરુદ્દીન શાહે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું કે તેઓ 'આ પુરસ્કારોને ગંભીરતાથી નથી લેતા અને ન તો તેમને તેના પર ગર્વ છે. જ્યારે તેમણે પોતાનું ફાર્મ હાઉસ બનાવ્યું, ત્યારે ફિલ્મફેર પુરસ્કારનો તેમણે પોતાના વૉશરૂમના દરવાજાના હૅન્ડલ તરીકે ઉપયોગ કર્યો.'

'તેમનું એમ પણ કહેવું હતું કે અહીં મોટા ભાગના પુરસ્કાર ભલામણ કે લૉબિંગથી મળે છે, તેથી હું તેને એટલું મહત્ત્વ નથી આપતો.'

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન