'એક ઇમામે પોતાની અલૌકિક શક્તિઓ વિશે વાત કહીને મારા પર બળાત્કાર કર્યો'

- લેેખક, કૅથરીન વૉએટ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
આ રિપોર્ટમાં જાતીય સતામણી અને બળાત્કારનું વર્ણન વાચકને વિચલિત કરી શકે છે.
જ્યારે "આરિયા" (નામ બદલાવ્યું છે) 13 વર્ષનાં હતાં ત્યારે એક ઇમામે તેમનું જાતીય શોષણ કર્યું. ઇમામે તેમને કહ્યું હતું કે તેઓ તેમને 'ઠીક' કરી રહ્યા છે.
પૂર્વ લંડનની એક મસ્જિદમાં એક સન્માનિત ધાર્મિક નેતા અબ્દુલ હલીમ ખાન, યુવાન છોકરીઓ અને તેમનાં માતાપિતાને કહેતા હતા કે તેમને 'ખરાબ આત્માઓ'થી બચવા 'સારવાર' કરાવવાની જરૂર છે.
તેમણે છોકરીઓને ચેતવણી આપી હતી કે જો કોઈને પણ આ વિશે કંઈ કહ્યું તો તથાકથિત ઇલાજ બેકાર થઈ જશે.
તેમની સાથે ખોટું થઈ શકે છે અથવા કાળા જાદુથી તેમને અને તેમના પરિવારને નુકસાન થશે.
આરિયા કહે છે કે, "મને ખરેખર વિશ્વાસ હતો કે તેમની પાસે અલૌકિક શક્તિઓ છે.'
આરિયા કહે છે કે ખાને તેમને કહ્યું હતું કે જો તેમણે ક્યારેય આ દુર્વ્યવહાર વિશે વાત કરી તો "મારી અને મારા પરિવાર સાથે કંઈક બહુ ખરાબ થશે". અને તેઓ એકલાં નહોતાં.
ખાને 11 વર્ષોમાં સાત મહિલાઓ અને છોકરીઓનું આ રીતે 'જાતીય શોષણ' કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, MET POLICE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખાને જે મહિલાઓ અને છોકરીઓ સાથે આ પ્રકારનો દુર્વ્યવહાર કર્યો, તેમાંથી સૌથી ઓછી ઉંમરની છોકરી માત્ર 12 વર્ષની હતી.
ખાન તેમને કોઈ શાંત જગ્યા પર મળવા માટે મનાવી લેતા હતા, જેમકે કોઈ ફ્લૅટ અથવા કારમાં.
ત્યાં તેઓ જિન્ન હોવાનું નાટક કરતા તેમનો 'બળાત્કાર કે જાતીય શોષણ' કરતા હતા.
ખાને રંગીન બારીઓવાળી ગાડી પસંદ કરી. એક સર્વાઇવરને ફોન આપ્યો જેથી તે તેમનો સંપર્ક કરી શકે.
અને બીજાં સર્વાઇવરને પોતાના બેડરૂમની બારીમાંથી નીકળીને મળવા માટે તૈયાર કર્યાં.
આરિયાની સ્કૂલમાં મુશ્કેલીઓ શરૂ થયા બાદ, તેમનાં માતા જ તેમને ખાનને મળવા લઈ ગયાં હતાં.
તેમણે આરિયાને જણાવ્યું કે ઇમામ તેમને સલાહ આપશે.
જ્યારે તેમની મુલાકાત થઈ, તો ખાને તેમને પોતાની કારમાં બેસવા માટે કહ્યું.
આરિયા કહે છે કે, "ત્યારે તેણે મને ખોટી રીતે અડી."
"મારી આંખો બંધ હતી અને તેમણે કહ્યું કે કારની બારી પર ખખડાવવાના અવાજો આવશે અને મેં સાચે જ એ અવાજો સાંભળ્યા. પણ જાહેર છે કે હું 13 વર્ષની હતી, હું બહુ ડરી ગઈ હતી."
54 વર્ષના ખાનને હવે આ ભયાનક હુમલા માટે આજીવન કારાવાસની સજા ફટકારાઈ છે, જેમાં ઓછાંમાં ઓછાં 20 વર્ષની કેદ છે.
તેના પર બળાત્કારના નવ મામલાની સાથે-સાથે સ્થાનિક મુસ્લિમ સમુદાયનાં સાત સર્વાઇવર સાથે જાતીય સતામણી અને બાળ શોષણના અન્ય કેસ પણ છે.
ખાને 2004થી 2015ની વચ્ચે આ બાળકીઓ અને મહિલાઓ પર જાતીય હુમલા કર્યા, જેમાં તેમણે પોતાની 'શક્તિ અને પ્રભાવ'નો ઉપયોગ કરીને સર્વાઇવરને ચૂપ રહેવા માટે મજબૂર કર્યા.
પોલીસને 2018માં તેમના ગુના વિશે ખબર પડી જ્યારે સૌથી નાની ઉમરનાં સર્વાઇવરે પોતાની શાળાના થેરાપિસ્ટને દુર્વ્યવહાર વિશે જણાવ્યું હતું.
તેની પર આરોપ નક્કી થવામાં પાંચ વર્ષ વધુ લાગી ગયાં.
બીબીસીએ ખાનનાં બે સર્વાઇવર સાથે તેમના અનુભવો વિશે વાત કરી હતી.
'મારા પરિવારે મારી વાત પર ભરોસો ન કર્યો'

ઇમેજ સ્રોત, Julia Quenzler/BBC
ફરાહ (અસલી નામ નહીં)ની મુલાકાત ખાન સાથે બાળપણમાં થઈ હતી. ઇમામે ફરાહનાં માતાને ભરોસો અપાવ્યો કે તેમની દીકરીને ઇલાજની જરૂર છે.
તેમણે કહ્યું ખાને તેમના પરિવારનો ફાયદો ઉઠાવ્યો.
તે કાલ્પનિક કહાણી સંભળાવતો, કહેતો કે "હું જોઈ શકું છું કે કેટલીક વસ્તુઓ તમારી તરફથી આવી રહી છે, તમને સુરક્ષાની જરૂર છે, મારે તમારી દીકરીને સુરક્ષા કરવી છે."
ખાને ફરાહનું 'જાતીય ઉત્પીડન' કર્યું અને કહ્યું કે આ "ઇલાજ"નો હિસ્સો હતો.
તેઓ કહે છે કે ખાનનો દુર્વ્યવહાર તેમને સમજાયો નહીં.
તેઓ કહે છે કે, "મેં ખુદાને કહ્યું, 'આ ખોટું છે. તમને ખબર છે કે આ રીતે ન અડવું જોઈએ. હું બહુ મૂંઝવણમાં હતી, પણ હું પોતાના પરિવાર પાસે પાછી ન જઈ શકી કારણ કે તેઓ મારી વાત પર ભરોસો નહોતા કરતા."
આખરે જ્યારે ફરાહ કિશોરાવસ્થામાં પહોંચ્યાં તો તેમણે પોતાનાં માતાપિતાને બધું જણાવ્યું. પણ તેઓ કહે છે કે તેમની પર તેમણે ભરોસો ન કર્યો અને પછી તેઓ ઘર છોડીને ચાલ્યાં ગયાં.
તેઓ કહે છે કે, "મારા પરિવારે મારી પર ભરોસો ન કર્યો. જે લોકો પાસેથી મને ટેકા અને સુરક્ષાની અપેક્ષા કરી, તમેણે જ મોં ફેરવી લીધું, મને જ દોષી ઠેરવી અને આજે પણ એવું જ કરે છે.''
તેમણે કહ્યું કે, ''મને એવું લાગે છે કે હું ખોવાઈ ગઈ છું. હું મારી ઓળખ પર સવાલ ઉઠાવું છું કે હું કોણ છું? હું ક્યાંની છું?
જાતીય સતામણી બાદ ધમકી આપી અને બ્રેઇનવૉશ કર્યું
ક્રાઉન પ્રૉસિક્યૂશન સર્વિસ માટે આ મામલા પર કામ કરતાં વિશેષજ્ઞ પ્રૉસિક્યૂટર મેલિસા ગાર્નર કહે છે કે તેમણે ખાન તરફથી યુવાન છોકરીઓ અને મહિલાઓ સાથે થતા દુર્વ્યવહાર જેવું પહેલાં ક્યારેય કંઈ જોયું નથી.
તેઓ કહે છે કે તેમણે સર્વાઇવર્સને ધમકી આપી અને તેમને એવી રીતે બ્રેઇનવૉશ કર્યાં કે તેઓ માનવા લાગ્યાં કે તેમની પર 'ભૂત-પ્રેતની અસર' છે.
તેમણે કહ્યું કે "આ બહુ ચોંકાવનારું હતું, અને જ્યારે તમે સર્વાઇવરનાં નિવેદન જુઓ તો તે બહુ પરેશાન કરનારાં છે."
બ્રિસ્ટલ વિશ્વવિદ્યાલયમાં અપરાધ વિજ્ઞાનનાં પ્રોફેસર અને આ મામલાની ધાર્મિક પૃષ્ઠભૂમિ પર જુબાની આપનારાં નિષ્ણાત અને પ્રૉસિક્યૂશનનાં સાક્ષી આયશા કે. ગિલે કહ્યું કે જોકે રૂઢિવાદી ઇસ્લામી શિક્ષણ કાળા જાદુને ટેકો નથી આપતું, તો પણ તેની "મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક અસર" રહેલી છે.
પ્રોફેસર ગિલ આગળ કહે છે કે, "સર્વાઇવરને ભરોસો અપાવવામાં આવ્યો હતો કે માત્ર ખાન જ તેમને અને તેમના પરિવારને ભયાનક અલૌકિક નુકસાનથી બચાવી શકે છે અને તેના નિયંત્રણમાંથી બહાર નીકળશે તો તેઓ વિનાશકારી પરિણામનો શિકાર બની જશે."
તેમનું કહેવું છે કે મુસ્લિમ મહિલાઓ માટે જાતીય હિંસા વિશે જાણ કરવી ગંભીર રીતે જોખમ ભરેલું હોઈ શકે છે.
તેઓ કહે છે કે, "કેટલીક મહિલાઓને આ રીતે સામાજિક રૂપથી તૈયાર કરાય છે કે તેઓ ખાનગી મામલાઓ પર બહાર ચર્ચા ન કરે અને તેઓ આ શરમને અંદર સમાહિત કરી લે છે જે ખરેખર તો અપરાધીની હોય છે."
સર્વાઇવર્સનાં જીવન પર ઊંડી અસર
ફરાહ કહે છે કે તેમણે સામાન્ય બાળપણ નથી વિતાવ્યું. તેઓ કહે છે કે તેના બદલે તેમણે સહન કરવાનું શીખ્યું.
તેઓ કહે છે કે "જીવિત રહેવું નબળાઈ નથી, આ તમારી તાકાત દર્શાવે છે."
જોકે જ્યારે આરિયા પર હુમલો થયો હતો ત્યારે તેઓ કિશોરાવસ્થામાં હતાં. પણ જ્યારે તેઓ 20 વર્ષનાં થયાં ત્યારે તેઓ ભાંગી પડ્યાં અને તેમણે પોતાનાં માતાને આ વિશે જણાવ્યું.
તેઓ કહે છે કે આ હુમલાની તેમના પર ઊંડી અસર પડી છે.
તેઓ કહે છે કે, "ક્યારેક- ક્યારેક મનમાં આ સવાલ ઊભો થાય છે કે જો મારી સાથે આ ઘટના ન ઘટી હોત તો હું કેવી વ્યક્તિ હોત?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























