ટ્વિશા શર્મા કેસ : નિવૃત્ત જજ સાસુ પર 'દહેજ' માગવાનો અને 'હત્યા'નો આરોપ, આ ચોંકાવનારો મામલો શું છે?

 ટ્વિશા શર્મા કેસ : નિવૃત્ત જજ સાસુ પર 'દહેજ' માગવાનો અને 'હત્યા'નો આરોપ, આ ચોંકાવનારો મામલો શું છે? બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર દિલ્હી મધ્ય પ્રદેશ ભોપાલ કાયદો હેરાનગતિ પ્રતાડના પીડિતા

ઇમેજ સ્રોત, Photo credit Twisha's family

ઇમેજ કૅપ્શન, ટ્વિશા શર્માના લગ્ન ભોપાલમાં એક નિવૃત્ત જજના દીકરા સાથે થયા હતા (ફાઇલ તસવીર)
    • લેેખક, વિષ્ણુકાંત તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ

"અમે એક અતિશય મોટી સિસ્ટમ સામે લડી રહ્યા છીએ."

ભોપાલમાં 33 વર્ષનાં ટ્વિશા શર્માનાં મૃત્યુ પછી તેમના પિતા નવનિધિ શર્માનો આ આરોપ હવે આ મામલાના કેન્દ્રમાં છે. ગત 12મેની રાતે કટારા હિલ્સ સ્થિત ઘરમાં ટ્વિશાનો મૃતદેહ મળ્યો હતો.

ટ્વિશાના પરિવારે 'હત્યા'નો આરોપ લગાવ્યો છે જ્યારે સાસરાપક્ષનો દાવો છે કે ટ્વિશાએ 'આત્મહત્યા' કરી છે.

પોલીસે ટ્વિશાના પતિ સમર્થસિંહ, સાસુ ગિરિબાળાસિંહ સામે દહેજ માટે સતામણી કરવી તથા દહેજ માગવા સંબંધિત ધારાઓ હેઠળ કેસ દાખલ કર્યો છે. ગિરિબાળાસિંહ નિવૃત્ત જજ છે.

ટ્વિશાની વૉટ્સઍપ ચૅટથી એ વાત સામે આવી છે કે તેમણે ઘણી વાર પોતાના પરિવારને સાસરાપક્ષ અને પતિ સમર્થસિંહ દ્વારા સતામણી થતી હોવાની ફરિયાદ કરી હતી. સાસરાપક્ષે આ તમામ આરોપોનો ઇન્કાર કર્યો છે.

(આ અહેવાલની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે)

પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં શું આવ્યું?

ટ્વિશાના પિતા નવનિધિ શર્માએ સાસુ ગિરિબાળા પર ગંભીર આરોપો લગાવ્યા છે. ટ્વિશા શર્મા કેસ : નિવૃત્ત જજ સાસુ પર 'દહેજ' માગવાનો અને 'હત્યા'નો આરોપ, આ ચોંકાવનારો મામલો શું છે? બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર દિલ્હી મધ્ય પ્રદેશ ભોપાલ કાયદો હેરાનગતિ પ્રતાડના પીડિતા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ટ્વિશાના પિતા નવનિધિ શર્માએ સાસુ ગિરિબાળા પર ગંભીર આરોપો લગાવ્યા છે.

પ્રારંભિક પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ 'ગૂંગળામણ' જણાવવામાં આવ્યું હતું, પણ શરીર પર ઈજાનાં ઘણાં નિશાન પણ મળી આવ્યાં હતાં.

આ મામલાની તપાસ કરી રહેલી એસઆઇટીના વડા એસીપી રજનીશ કશ્યપ કૌલે બીબીસીને જણાવ્યું હતું, "મૃતકનાં પરિવારજનોએ ત્રાસ ગુજારાયાના આરોપો લગાવ્યા છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં પણ શરીર ઉપર ઈજાનાં ઘણાં નિશાન નોંધાયાં છે, જેની તપાસ ચાલી રહી છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે કહ્યું હતું, "પરિવારે ઘણી વૉટ્સઍપ ચૅટ્સમાં અને અન્ય સ્થળોએ ટ્વિશા સાથેની વાતચીત દરમિયાન તેના પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાની વાતચીત અને આક્ષેપોના પુરાવા આપ્યા છે. તેમને પણ તપાસનો ભાગ બનાવવામાં આવ્યા છે."

બીજી તરફ, નિવૃત્ત જજ અને ટ્વિશાનાં સાસુ ગિરીબાલાસિંહે આ તમામ આરોપો ફગાવી દીધા છે.

તેમને આગોતરા જામીન મળી ગયા હતા, જ્યારે ટ્વિશાના પતિ સમર્થસિંહની આગોતરા જામીન અરજી નામંજૂર કરી દેવાઈ હતી. અત્યારે તે ફરાર છે.

ગિરીબાલાસિંહે સોમવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું, "કોઈપણ સામાન્ય વ્યક્તિને આવા સંજોગોમાં જામીન મળી ગયા હોત." સાથે જ તેમણે દાવો કર્યો હતો કે, ટ્વિશા 'માનસિક અને તબીબી સમસ્યાઓથી પીડાતાં' હતાં.

એસીપી રજનીશ કશ્યપ કૌલે બીબીસીને કહ્યું હતું કે, અદાલતે મુખ્ય આરોપી સમર્થસિંહની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.

પોસ્ટમૉર્ટમ રિપોર્ટ, ઈજાનાં નિશાન, વૉટ્સઍપ પરની કથિત ચૅટ્સ, પુરાવા સાથે ચેડાં કરાયાં હોવાના પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપો અને પતિ સમર્થસિંહના ફરાર થઈ જવાથી આ કેસે ઘણી ચર્ચા જગાવી છે.

ગિરીબાલાસિંહ પછી મંગળવારે ટ્વિશા શર્માના પરિવારે પત્રકાર પરિષદ યોજી હતી અને ટ્વિશાનાં સાસરિયાં સામે ઘણા ગંભીર આક્ષેપો મૂક્યા હતા. ટ્વિશાના પિતાએ ટ્વિશાનાં સાસુ ગિરીબાલા આ કેસમાં આરોપી હોવા છતાંયે તેમણે મુક્તપણે કરેલાં નિવેદનોને પગલે તેમની આલોચના કરી હતી.

ભાઈ મેજર હર્ષિત શર્મા તથા પિતાએ ઉઠાવ્યા સવાલો

સેવાનિવૃત્ત જજ ગિરિબાળાસિંહ ટ્વિશા શર્મા કેસ : નિવૃત્ત જજ સાસુ પર 'દહેજ' માગવાનો અને 'હત્યા'નો આરોપ, આ ચોંકાવનારો મામલો શું છે? બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર દિલ્હી મધ્ય પ્રદેશ ભોપાલ કાયદો હેરાનગતિ પ્રતાડના પીડિતા

ઇમેજ સ્રોત, Vishnukant Tiwari/BBC

ઇમેજ કૅપ્શન, સેવાનિવૃત્ત જજ ગિરિબાળાસિંહ

ટ્વિશાના ભાઈ મેજર હર્ષિત શર્માએ કહ્યું હતું, "અમે અહીં પ્રક્રિયા સામે સવાલ ઉઠાવવા આવ્યા છીએ. પોલીસને જાણ અમે કરી હતી, તેમણે નહીં. તે લોકો એવો બચાવ કરે છે કે, તેઓ ટ્વિશાને બચાવવાની ઉતાવળમાં હતાં. સપાટી પર આવેલા વીડિયોમાં ગિરીબાલાસિંહને શાંતિથી સીડી ચઢતાં-ઊતરતાં જોઈ શકાય છે. તેમની પાસે ન્યાયિક પ્રક્રિયાની તમામ જાણકારી હતી. તેઓ પોલીસને ફોન કરી શક્યાં હોત. તેમણે પોલીસને ફોન શા માટે ન કર્યો?"

"અમને અહીં સુધી પહોંચીને એફઆઇઆર દાખલ કરતાં ત્રણ દિવસ લાગ્યા હતા. અમારી એફઆઇઆર 15મી મેના રોજ મધરાત પછી 2.30 વાગ્યે એફઆઇઆર દાખલ થઈ છે. તેની પહેલાં જ તેમની આગોતરા જામીનની અરજી આવી ગઈ હતી," આરોપ લગાવતા હર્ષિત શર્માએ કહ્યું.

હર્ષિત શર્માએ વધુમાં કહ્યું હતું, "તેઓ 63 વર્ષનાં આદરપાત્ર મહિલા છે, એ આધાર પર જામીન મળવા અને તેમનાથી કોઈને જોખમ નથી, એમ માની લેવું તેમનાં એ કાર્યોને ઉચિત નથી ઠેરવતું, જે તેમની ઉપસાવાઈ રહેલી છબિ કરતાં સાવ વિપરિત છે."

"કહેવાતાં 'બિન-જોખમી' મહિલા અદાલતના પરિસરની અંદર મારા 61 વર્ષના પિતાને ધમકાવવા માટે લોકો મોકલી રહ્યાં છે. આ 'બિન-જોખમી' મહિલા મારા પરિવારને ડરાવવા-ધમકાવવા માટે લોકો મોકલી રહ્યાં છે અને કહે છે કે, 30 લોકો અમારી મારપીટ કરશે," તેમણે કહ્યું.

આગળ તેમણે વધુમાં કહ્યું હતું, "મારી સ્વર્ગીય બહેન વિશે આવી ટિપ્પણી કરવાનો અધિકાર તેમને કોણે આપ્યો? એવો સવાલ શા માટે નથી પૂછી રહ્યા કે, સમર્થસિંહ ક્યાં છે? તે શા માટે ફરાર છે? આ સવાલો શા માટે નથી પૂછાઈ રહ્યા? બીજા પોસ્ટમૉર્ટમની માગણી શા માટે નથી કરવામાં આવી રહી?"

ટ્વિશાના પિતા નવનિધિ શર્માએ કહ્યું હતું, "મહેરબાની કરીને ન્યાય પ્રક્રિયા પર ધ્યાન આપો. ન્યાય નથી મળી રહ્યો, કારણ કે, તેઓ ઘણા વગદાર લોકો છે. ગઈકાલે પોલીસે પણ એવી દલીલ કરી હતી કે, આ ઘણા પ્રભાવશાળી લોકો છે અને તેમને જામીન ન મળવા જોઈએ. આ આધાર પર તેમના પુત્રના જામીન રદ કરી દેવાયા છે. એક આરોપી આગોતરા જામીન પર બહાર ફરી રહ્યાં છે અને ખુલ્લેઆમ મૃતક પર આક્ષેપો કરી રહ્યાં છે, આ અપરાધ છે."

સમગ્ર મામલો શું છે અને શું બન્યું હતું?

ટ્વિશા શર્મા મૂળ નોઇડાનાં હતાં. તેમના પરિવારના જણાવ્યા પ્રમાણે, તેઓ 2024માં એક ડેટિંગ ઍપ મારફત ભોપાલના વકીલ સમર્થસિંહને મળ્યાં હતાં. બંનેએ ડિસેમ્બર, 2025માં લગ્ન કર્યાં હતાં.

એફઆઇઆર પ્રમાણે, ટ્વિશા અને તેમનાં સાસરિયાં વચ્ચેના તણાવ લગ્ન પછી તરત જ શરૂ થઈ ગયો હતો.

ટ્વિશાના પરિવારે આરોપ મૂક્યો છે કે, લગ્ન વખતે દહેજ આપ્યું હોવા છતાં તેમને સતત એવા ટોણા મારવામાં આવતા હતા કે, લગ્ન તેમના "મોભા પ્રમાણે" નહોતાં થયાં.

એફઆઇઆરમાં પરિવારે આરોપ લગાવ્યો છે કે, લગ્ન પછી ટ્વિશાને ખર્ચ કરવા માટે પૈસા આપવામાં આવતા નહોતા અને ટ્વિશાનાં માતાપિતા તેમને ઑનલાઇન પૈસા મોકલતાં હતાં.

તે જ એફઆઇઆર અનુસાર, એપ્રિલ, 2026માં ટ્વિશા ગર્ભવતી હતાં. પરિવારે આરોપ લગાવ્યો છે કે, તેમના પતિ સમર્થસિંહ અને સાસુ ગિરીબાલાસિંહે ટ્વિશાના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યો હતો.

પરિવાર કહે છે કે, કથિત દબાણ પછી ટ્વિશાને 'ગર્ભપાત કરાવવાની ફરજ' પાડવામાં આવી હતી.

ટ્વિશા અને સમર્થસિંહ એક ડેટિંગ ઍપ પર મળ્યાં હતાં, સમર્થસિંહ અત્યારે ફરાર છે.સેવાનિવૃત્ત જજ ગિરિબાળાસિંહ ટ્વિશા શર્મા કેસ : નિવૃત્ત જજ સાસુ પર 'દહેજ' માગવાનો અને 'હત્યા'નો આરોપ, આ ચોંકાવનારો મામલો શું છે? બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર દિલ્હી મધ્ય પ્રદેશ ભોપાલ કાયદો હેરાનગતિ પ્રતાડના પીડિતા

ઇમેજ સ્રોત, Twisha's family

ઇમેજ કૅપ્શન, ટ્વિશા અને સમર્થસિંહ એક ડેટિંગ ઍપ પર મળ્યાં હતાં, સમર્થસિંહ અત્યારે ફરાર છે.

પરિવારજનોના જણાવ્યા અનુસાર, ટ્વિશાએ 12મી મેના રોજ રાત્રે 9.41 વાગ્યાની આસપાસ તેમના પિતાને વૉટ્સઍપ કૉલ કર્યો હતો.

તેમના પિતા નવનિધિ શર્મા જણાવે છે કે, તેમના પત્ની ટ્વિશા સાથે વાત કરી રહ્યાં હતાં, ત્યારે પાછળથી સમર્થ સિંહનો અવાજ આવી રહ્યો હતો અને તે પછી અચાનક જ ફોન કટ થઈ ગયો.

પરિવાર કહે છે કે, તે પછી તેમણે સતત 20 મિનિટ સુધી ફોન કર્યા, પણ કોઈએ જવાબ ન આપ્યો.

પછી ગિરીબાલા સિંહે ફોન ઉઠાવીને કહ્યું, "ટ્વિશા હવે નથી રહી."

પોલીસના જણાવ્યા મુજબ, ટ્વિશાને હૉસ્પિટલ લઈ જવાયાં હતાં, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં.

પ્રારંભિક પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અનુસાર, ગૂંગળામણને કારણે મોત નીપજ્યું હતું. રિપોર્ટમાં શરીર પર ઈજાનાં ઘણાં નિશાન હોવાનું પણ નોંધવામાં આવ્યું હતું.

ભોપાલ પોલીસે આ કેસમાં છ સભ્યોની એસઆઇટીની રચના કરી છે.

પૉસ્ટમૉર્ટમ પર પણ સવાલો

ટ્વિશાના માતાપિતા સેવાનિવૃત્ત જજ ગિરિબાળાસિંહ ટ્વિશા શર્મા કેસ : નિવૃત્ત જજ સાસુ પર 'દહેજ' માગવાનો અને 'હત્યા'નો આરોપ, આ ચોંકાવનારો મામલો શું છે? બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર દિલ્હી મધ્ય પ્રદેશ ભોપાલ કાયદો હેરાનગતિ પ્રતાડના પીડિતા

ઇમેજ સ્રોત, Photo credit Twisha's family

ઇમેજ કૅપ્શન, ટ્વિશાનાં માતાપિતા

પરિવાર પોસ્ટમૉર્ટમ રિપોર્ટને લઈને પણ સતત સવાલ ઉઠાવી રહ્યો છે.

નવનિધિ શર્માએ બીબીસીને જણાવ્યું હતું, "જો આ આત્મહત્યા હતી, તો પછી શરીર ઉપર ઈજાનાં આટલાં બધાં નિશાન ક્યાંથી આવ્યાં?"

તેમણે આરોપ મૂક્યો હતો કે, પોસ્ટમૉર્ટમના રિપોર્ટમાં ટ્વિશાની ઊંચાઈ ખોટી નોંધવામાં આવી હતી અને તેમનું મોત કેવી રીતે નીપજ્યું હતું, તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો નહોતો.

33 વર્ષનાં ટ્વિશા શર્માના પરિવારના જણાવ્યા પ્રમાણે, ટ્વિશાએ એમબીએ કર્યું હતું અને માર્કેટિંગ ઍન્ડ કમ્યુનિકેશન્સમાં કામ કરતાં હતાં. તેમણે દિલ્હી અને અન્ય શહેરોમાં કૉર્પોરેટ સેક્ટરમાં કામ કર્યું હતું.

ટ્વિશાની ઓળખ માત્ર કૉર્પોરેટ જગત સુધી જ સીમિત નહોતી. તેમના પિતા કહે છે કે, ટ્વિશા મૉડલિંગ, અભિનય અને બ્યૂટી પિજન્ટ્સમાં પણ ભાગ લેતાં હતાં.

નવનિધિ શર્માએ જણાવ્યા મુજબ, "મારી દીકરી મિસ પૂણે રહી ચૂકી હતી અને ઘણી મોટી કંપનીઓ માટે તેણે જાહેરાતો કરી હતી તથા એક તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તે પછી કોવિડ બાદ તેણે મને કહ્યું, 'પપ્પા, હવે હું બહેતર અને સ્થિર જૉબ કરવા માગું છું.' તે પછી તેણે આ ક્ષેત્રમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું."

ટ્વિશાના પરિવારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, લગ્ન પછી તેમના પર "શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો." તેમણે જણાવ્યા મુજબ, ટ્વિશા નોઇડા પરત ફરવા માગતાં હતાં.

વૉટ્સઍપ પરની એક ચૅટમાં ટ્વિશાએ માતાને લખ્યું હતું, "મમ્મી, મને ઘણી ગૂંગળામણ થઈ રહી છે." બીજા એક મૅસેજમાં તેમણે લખ્યું હતું, "મારી જિંદગી નર્ક બની ગઈ છે."

પરિવાર કહે છે કે, આરોપી હવે કેસનો રૂખ બદલવા માટે ટ્વિશાનાં 'ચારિત્ર્ય અને માનસિક સ્થિતિ' વિશે આરોપો કરી રહ્યાં છે.

નવનિધિ શર્માએ કહ્યું હતું, "મારી દીકરીને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે."

સાસુ અને નિવૃત્ત જજ ગિરિબાળાસિંહે શું કહ્યું?

સાસુ ગિરિબાળાસિંહનું કહેવું છે કે ટ્વિશાની માનસિક અને ચિકિત્સકીય હાલત ઠીક નહોતી સેવાનિવૃત્ત જજ ગિરિબાળાસિંહ ટ્વિશા શર્મા કેસ : નિવૃત્ત જજ સાસુ પર 'દહેજ' માગવાનો અને 'હત્યા'નો આરોપ, આ ચોંકાવનારો મામલો શું છે? બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર દિલ્હી મધ્ય પ્રદેશ ભોપાલ કાયદો હેરાનગતિ પ્રતાડના પીડિતા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સાસુ ગિરિબાળાસિંહનું કહેવું છે કે ટ્વિશાની માનસિક હાલત ઠીક નહોતી

નિવૃત્ત જજ ગિરીબાલાસિંહે પત્રકાર પરિષદમાં તેમજ અદાલતમાં દાખલ કરવામાં આવેલી આગોતરા જામીનની અરજીમાં ટ્વિશાનાં માતાપિતાએ મૂકેલા આરોપોને નકારી કાઢ્યા છે.

તેમણે કહ્યું હતું કે, ટ્વિશા અને સમર્થસિંહે તેમની ઇચ્છાથી લગ્ન કર્યાં હતાં અને તેમના પરિવારો વચ્ચે "ઘણું અંતર" હોવા છતાં તેમણે આ સંબંધ સ્વીકારી લીધો હતો.

ગિરીબાલાસિંહે દાવો કર્યો હતો, "ટ્વિશા માનસિક અને તબીબી સમસ્યાઓથી પીડાતી હતી અને તેની સારવાર ચાલી રહી હતી."

સાસરિયાં પ્રભાવનો ઉપયોગ કરીને દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યાં હોવાના ટ્વિશાનાં માતાપિતાએ કરેલા આરોપોને નકારતાં ગિરીબાલાસિંહે કહ્યું હતું કે, તેમને જે આગોતરા જામીન મળ્યાં, તેને તેમના "ન્યાયિક બૅકગ્રાઉન્ડ" સાથે કશી લેવા-દેવા નથી.

પોલીસે શું કહ્યું?

ભોપાલ પોલીસે આ કેસની તપાસ કરવા માટે છ સભ્યોની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરી છે, જેનું વડપણ એસીપી રજનીશ કશ્યપ કૌલ સંભાળી રહ્યા છે.

પોલીસે ટ્વિશા શર્માના પતિ સમર્થસિંહ અને સાસુ ગિરીબાલાસિંહ વિરુદ્ધ દહેજ મૃત્યુ, પજવણી અને ડાઉરી પ્રોહિબિશન ઍક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.

બીબીસી સાથે વાત કરતાં એસીપી રજનીશ કશ્યપ કૌલે કહ્યું હતું, "લગ્નના સાડા પાંચ મહિનાની અંદર જ મહિલાનું મૃત્યુ થઈ જતાં દહેજ મૃત્યુને લગતી જોગવાઈઓ હેઠળ આ કેસની તપાસ ચાલી રહી છે. મૃતકના પરિવારે સતામણીના આરોપો પણ લગાવ્યા છે."

પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં નોંધાયેલાં ઈજાનાં નિશાન અંગે એસીપી રજનીશ કશ્યપ કૌલે કહ્યું હતું, "પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં શરીર પર ઈજાનાં ઘણાં નિશાન પણ જોવા મળ્યાં છે, જેની તપાસ ચાલી રહી છે."

તેમણે કહ્યું હતું કે, પોલીસે અદાલતમાં દલીલ કરી હતી કે, જો આરોપીને જામીન મળી જશે, તો પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા છે.

તેમના જણાવ્યા મુજબ, "સમર્થસિંહ મુખ્ય આરોપી છે. અમે અદાલતમાં એવી દલીલ કરી છે કે, જો આરોપીને જામીન મળશે, તો પુરાવા સાથે ચેડાં થઈ શકે છે અને તેના આધાર પર સમર્થસિંહના જામીન નામંજૂર થયા છે. તે સિવાય, આરોપીનો પક્ષ કાયદા અને પ્રક્રિયાથી સુપેરે વાકેફ હોવા છતાં ઘટના પછી તેણે પોલીસને તરત જાણ નહોતી કરી."

આ કેસની પ્રારંભિક તપાસને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. પરિવારે આરોપ મૂક્યો છે કે, પોસ્ટમૉર્ટમ દરમિયાન કથિત ફાંસો રજૂ કરવામાં આવ્યો નહોતો.

આ મામલે એસીપીએ કહ્યું હતું, "તત્કાલીન તપાસકર્તા અધિકારીએ સામગ્રી ન મોકલી, તે અંગે તપાસ ચાલી રહી છે. એફએસએલ ટીમે ઘટનાસ્થળેથી ફાંસો જપ્ત કરી લીધો હતો, પણ તે પોસ્ટમૉર્ટમ માટે કેમ ન પહોંચ્યો, તેની પણ તપાસ થઈ રહી છે."

પોલીસે સમર્થસિંહની ધરપકડ માટે 10,000 રૂપિયાના ઇનામની જાહેરાત પણ કરી છે.

પોલીસ કહે છે કે, દહેજ માટે સતામણી, શારીરિક હિંસા અને પુરાવાનો નાશ કરવા સહિત આ કેસનાં તમામ પાસાંની તપાસ કરવામાં આવી રહી છે.

ટ્વિશાના પરિવારે આ કેસમાં નવેસરથી પોસ્ટમૉર્ટમ કરવાની માગણી કરી છે. તેમણે કહ્યું છે કે, બીજું પોસ્ટમૉર્ટમ એઇમ્સ દિલ્હી ખાતે કે પછી બહારની સ્વતંત્ર સ્પેશ્યાલિસ્ટ ઇન્સ્ટિટ્યૂશન ખાતે થવું જોઈએ.

ટ્વિશાના પિતા નવનિધિ શર્માએ કહ્યું હતું, "હું હાર્ટ પેશન્ટ છું, પણ મારી દીકરી માટે ન્યાય મેળવવા દિવસ-રાત દોડી રહ્યો છું."

વધુમાં તેમણે કહ્યું હતું, "અમે અમારું સર્વસ્વ ગુમાવી દીધું છે. મારી દીકરી જીવતી હતી ત્યારે પણ તેની સાથે ખોટું થયું અને હવે મોત પછી તેને ન્યાય ન મળે, તે માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે. અમે અમારી દીકરીને ન્યાય મળે, એ સુનિશ્ચિત કરવા માટે લડી રહ્યાં છીએ અને તેને ન્યાય ન મળે, ત્યાં સુધી અમે જંપીશું નહીં."

આત્મહત્યા એક ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો તમે તણાવમાંથી પસાર થઈ રહ્યા હોવ તો ભારત સરકારની જીવન આસ્થા હૅલ્પલાઇન 18002333330ની મદદ લઈ શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન