You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય ઝંડાવાળાં જહાજો પર થયેલા હુમલા બાદ ભારત પાસે હવે કયા વિકલ્પો છે?
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 7 મિનિટ
હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ભરેલી સ્થિતિ વચ્ચે બે ભારતીય જહાજો પર ગોળીબારની ઘટનાએ ભારત માટે જટિલ સ્થિતિ ઊભી કરી દીધી છે.
ભારતે આ ઘટનાક્રમ પછી દિલ્હીમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફથાલીને બોલાવ્યા અને ગંભીર ચિંતા વ્યક્ત કરી.
ભારતના વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ઈરાની રાજદૂત સાથેની બેઠક દરમિયાન સમુદ્રી સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતાના મહત્ત્વ પર ભાર મૂક્યો.
ભારતે ઈરાનને અપીલ પણ કરી છે કે ભારત આવી રહેલાં જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષિત અને અવરોધ વગરની આવનજાવનની સ્થિતિ પુનઃ સ્થાપિત કરવામાં આવે.
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત પોતાનાં જહાજોને સુરક્ષિત પાછાં લાવવા માટે ઈરાન અને અન્ય દેશોના સંપર્કમાં છે.
બીજી તરફ, ભારતમાં ઈરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિ ડૉ. અબ્દુલ મજીદ ઇલાહીએ ન્યૂઝ એજન્સી એએનઆઇને કહ્યું, "ઈરાન અને ભારતના સંબંધ ખૂબ મજબૂત છે અને મને આ ઘટના વિશે ખબર નથી. અમે આશા રાખીએ છીએ કે બધું બરાબર થઈ જશે અને આ મામલો ઉકેલાઈ જશે."
શનિવારે વ્હાઇટ હાઉસમાં જ્યારે બીબીસીની સહયોગી સીબીસી ન્યૂઝે આ ઘટનાક્રમ વિશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ પૂછ્યો તો તેમણે જવાબ ન આપ્યો.
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં શું થયું?
શનિવારે ટૅન્કરોના આવાગમન પર દેખરેખ રાખનારી વેબસાઇટ ટૅન્કર ટ્રૅકર્સે દાવો કર્યો હતો કે આઇઆરજીસીની નૌસેનાએ બે ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પાછાં હટવા માટે મજબૂર કર્યાં હતાં. એવો દાવો પણ કરાયો કે આ ઘટનાક્રમ દરમિયાન 'ગોળીબારો' પણ થયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, એવા કશા સંકેત નથી મળ્યા કે જહોજોને, ખાસ કરીને ભારતીય હોવાને કારણે નિશાન બનાવવામાં આવ્યાં.
જ્યારે બીબીસી વેરિફાઈના એક રિપોર્ટ અનુસાર, જ્યારે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવામાં આવી રહ્યું હતું ત્યારે, ભારતીય ઝંડાવાળાં બે જહાજો કાર્ગો શિપ 'જગ અર્નવ' અને તેલ ટૅન્કર 'સનમાર હેરાલ્ડ'ને ઈરાનની આઇઆરજીસીએ તેના નિર્ધારિત માર્ગ પરથી હટી જવાનો આદેશ આપ્યો હતો.
યુકે મેરીટાઇમ ટ્રેડ ઑપરેશન્સ અનુસાર, આઇઆરજીસીએ એક જહાજ પર ગોળીબાર પણ કર્યા.
મેરીટાઇમ ટ્રાફિકના રિપોર્ટ કરનારી વેબસાઇટ્સ અનુસાર, આ ઘટના પછી ભારતીય જહાજ હોર્મુઝ સ્ટ્રેટથી પાછળની તરફ ખસી ગયાં.
તેલ ટૅન્કર 'સનમાર હેરાલ્ડ' ભારત માટે તેલ લઈને આવતું હતું.
આ ઘટના બન્યાના એક દિવસ પહેલાં જ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ માહિતી આપી હતી કે સ્ટ્રેટને ટ્રાફિક માટે ખોલી દેવામાં આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેનું સ્વાગત કર્યું હતું.
જોકે, અમેરિકા દ્વારા હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી ચાલુ રહી. ત્યાર પછી ઈરાને સ્ટ્રેટને ફરીથી બંધ કરવાની જાહેરાત કરી દીધી.
સંકટ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહોજો પસાર થઈ ચૂક્યાં છે
ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા–ઇઝરાયલના ઈરાન પરના હુમલા પછી શરૂ થયેલા હોર્મુઝ સંકટ વચ્ચે અત્યાર સુધીમાં ઓછામાં ઓછાં 10 ભારતીય જહાજ હોર્મુઝ પાર કરી ચૂક્યાં છે.
ભારતીય મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે પણ ભારતીય ઝંડાવાળું એક ઑઇલ ટૅન્કર હોર્મુઝમાંથી પસાર થવામાં સફળ રહ્યું હતું.
એનડીટીવીના એક રિપોર્ટ અનુસાર, ચાલકદળના 31 સભ્યો સાથેનું તેલ ટૅન્કર દેશ ગરિમા હોર્મુઝમાંથી નીકળીને મુંબઈની દિશામાં આગળ વધી રહ્યું છે.
શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા અનુસાર, આ સંકટ દરમિયાન હોર્મુઝમાંથી પસાર થનારું આ દસમું ભારતીય જહાજ છે.
જોકે, આ જહાજો થોડા-થોડા દિવસોના અંતરે હોર્મુઝમાંથી પસાર થઈ શક્યાં છે અને આ મહત્ત્વના સમુદ્રી માર્ગ પર ઈરાનની કડક નાકાબંધી છે.
ભારત પોતાની કુલ તેલ જરૂરિયાતના લગભગ 85 ટકા આયાત કરે છે અને તેમાંથી 55-60 ટકા સુધીનું કાચું તેલ ખાડી દેશોમાંથી આવે છે, જેનો મુખ્ય માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ જ છે.
હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી મહત્ત્વપૂર્ણ સમુદ્રી ચેકપૉઇન્ટ્સમાંથી એક છે અને દુનિયાનું 20 ટકા કાચું તેલ આ જ માર્ગેથી પસાર થાય છે.
એને જોતાં, હોર્મુઝની સ્થિતિની સીધી અસર ભારત પર પડે છે.
ભારત પાસે ભવિષ્યમાં કયા વિકલ્પ છે
ભારતે શનિવારની ઘટના પછી ઈરાની રાજદૂતને બોલાવીને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ એ સવાલ ઊભો છે કે આવી સ્થિતિમાં ભારત પાસે બીજા કયા વિકલ્પ હોઈ શકે છે.
વિશ્લેષક માની રહ્યા છે કે ભારતે વિચારણાપૂર્વકની રણનીતિ હેઠળ ઈરાનની કાર્યવાહી પછી સંતુલિત અને માપસરની પ્રતિક્રિયા આપી છે. વિશ્લેષકો અનુસાર, અત્યારના સમયે ભારતની પ્રાથમિકતા ઊર્જા સુરક્ષા છે અને ભારત પાસે સીમિત વિકલ્પ છે.
આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર હર્ષ વી. પંત આ સ્થિતિની વાસ્તવિકતા તરફ ઇશારો કરતાં કહે છે, "હોર્મુઝ સ્ટ્રેટની વર્તમાન સ્થિતિમાં માત્ર ભારત જ નહીં, પરંતુ દુનિયાના કોઈ પણ દેશ પાસે ખૂબ સીમિત વિકલ્પ છે. અમેરિકા અને ઈરાનને બાદ કરતાં દુનિયાના અન્ય દેશ અહીં ખાસ કશું કરી શકવાની સ્થિતિમાં નથી."
વિશ્લેષકો માની રહ્યા છે કે વર્તમાન સંઘર્ષમાં ઘણું બધું અમેરિકા અને ઈરાનના હાથમાં છે અને ભારત સહિત દુનિયાના બાકીના દેશ ન તો તેના પ્રભાવને ઓછો કરવાની સ્થિતિમાં છે અને ન તો તેને નિયંત્રિત કરવાની.
સંરક્ષણ વિશ્લેષક ઉદય ભાસ્કર માને છે કે વર્તમાન સ્થિતિમાં ભારતની પાસે કૂટનીતિ જ સૌથી વધારે સંભાવનાઓ ધરાવતો વિકલ્પ છે.
ઉદય ભાસ્કર કહે છે, "ભારતની પાસે સૌથી વધુ સારો વિકલ્પ કૂટનીતિનો છે. વર્તમાન સૈન્ય સ્થિતિમાં વાતચીત જ ભારત માટે એકમાત્ર રસ્તો દેખાય છે."
હોર્મુઝના વિના અવરોધ ઉપયોગની માગ
હોર્મુઝ સંકટ વચ્ચે ભારતે ઈરાન સાથે વાતચીત કરવાના સતત પ્રયાસ કર્યા છે અને ફ્રીડમ ઑફ નેવિગેશનનો સિદ્ધાંત ટાંકીને ઈરાન સમક્ષ હોર્મુઝના ઉપયોગની માગ કરી છે.
ફ્રીડમ ઑફ નેવિગેશન સમુદ્રી કાયદાનો એક મૌલિક સિદ્ધાંત છે, જેનો અર્થ એ છે કે કોઈ સ્વતંત્ર દેશનું જહાજ બીજા દેશોના હસ્તક્ષેપ વગર સમુદ્રમાં પ્રવાસ કરી શકે છે.
આ સિદ્ધાંત 'યુનાઇટેડ નૅશન્સ કન્વેન્શન ઑન ધ લૉ ઑફ ધ સી' (યુએનસીએલઓએસ-1982) પર આધારિત છે.
યુએનસીએલઓએસ હેઠળ સમુદ્રને અલગ-અલગ ભાગોમાં વહેંચવામાં આવ્યો છે.
સમુદ્રી નેવિગેશનનો સૌથી મોટો ભાગ છે હાઈ સીઝ એટલે કે ખુલ્લો સમુદ્ર. તે કોઈ પણ દેશની સીમાથી બહાર હોય છે અને તેમાંથી બધા દેશોને પોતાનાં જહાજો લાવવાં-લઈ જવાની મંજૂરી હોય છે.
ત્યાર પછી ઍક્સ્લૂઝિવ ઇકૉનૉમિક ઝોન એટલે કે ઈઈઝેડ આવે છે.
તે દેશના તટીય વિસ્તારના સમુદ્રમાં 200 નૉટિકલ માઇલ સુધી હોય છે. આ ક્ષેત્રમાં તટીય દેશને માછીમારી, તેલ–ગૅસ જેવાં સંસાધનો કાઢવાની સ્વતંત્રતા હોય છે.
ત્યાર પછી ટેરિટોરિયલ વૉટર્સ હોય છે. તે સમુદ્રમાં એવો વિસ્તાર છે, જે તટથી 12 નૉટિકલ માઇલ સુધી હોય છે. તેના પર અધિકાર તો તટીય દેશનો હોય છે પરંતુ ત્યાંથી વિદેશી જહાજોને પસાર થવાનો અધિકાર હોય છે, જેને 'ઇનોસન્ટ પૅસેજ' કહેવામાં આવે છે.
તેનો મતલબ એ છે કે જહાજ અહીંથી શાંતિથી એટલે કે તટીય દેશની સ્વતંત્રતા કે સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડ્યા વગર પસાર થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય સામુદ્રધુની, જેવી કે હોર્મુઝ સ્ટ્રેટ, માટે નિયમ જુદા છે. બે ઈઈઝેડને જોડતા સ્ટ્રેટમાં ટ્રાન્ઝિટ પૅસેજ લાગુ થાય છે. એટલે કે બધાં જહાજોને અહીં સતત અને ઝડપથી પસાર થવાનો અધિકાર હોય છે.
આ કાયદા અંતર્ગત હોર્મુઝ સ્ટ્રેટની બાબતમાં ઈરાન કે ઓમાનને કોઈ પણ જહાજને અટકાવવાનો કે પરિવહનને સ્થગિત કરવાનો કે અવરોધવાનો અધિકાર નથી.
હોમુઝ સ્ટ્રેટના મામલામાં ઇન્ટરનૅશનલ મેરીટાઇમ ઑર્ગેનાઇઝેશને પણ આ જ કહ્યું છે. પરંતુ ઈરાને યુદ્ધ શરૂ થયા પછીથી હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી દીધું છે અને આ પગલાંની અસર આંતરરાષ્ટ્રીય ઊર્જાબજાર પર થઈ છે.
વિશ્લેષકો માને છે કે ભારત જો આંતરરાષ્ટ્રીય કાયદો લાગુ કરવાની માંગણી કરે તોપણ એ સવાલ ઊભો થશે કે તેને લાગુ કોણ કરશે?
ઉદય ભાસ્કર કહે છે, "જો આંતરરાષ્ટ્રીય કાયદો લાગુ કરાવવાનો માર્ગ અપનાવવામાં આવે, તો તેનું કોઈ પરિણામ નહીં મળે; કારણકે, ઈરાન સાથેના યુદ્ધની બાબતમાં અમેરિકા અને ઇઝરાયલે ખુલ્લેઆમ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આ સ્થિતિમાં ઈરાન પાસેથી આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન થવાની અપેક્ષા કઈ રીતે રાખી શકાય? એક સવાલ એ પણ છે કે આ સમયે આંતરરાષ્ટ્રીય કાયદાને લાગુ કરશે કોણ?
બીજી તરફ, વિશ્લેષકો એવું પણ માની રહ્યા છે કે અમેરિકા–ઈરાનની વચ્ચે ચાલી રહેલા તણાવમાં દુનિયાના બાકીના દેશોની ભૂમિકા ખૂબ સીમિત થઈ ગઈ છે.
હર્ષ વી. પંત કહે છે કે આ સંકટમાં માત્ર ભારત જ નહીં, પરંતુ દુનિયાના બાકીના દેશો પણ ઘણું બધું નથી કરી શકતા.
પંત કહે છે, "અમેરિકા અને ઈરાનની વચ્ચેના વર્તમાન સંઘર્ષમાં દુનિયાના અન્ય દેશોની ભૂમિકા ખાસ કંઈ વધારે જોવા નથી મળતી. જ્યાં સુધી અમેરિકા અને ઈરાન આ સમસ્યાનું સમાધાન નહીં કરે, અન્ય દેશો માટે પરિસ્થિતિઓ આવી જ જટિલ બની રહેશે."
જોકે, ઉદય ભાસ્કર માને છે કે ભારત ઈરાનની સાથે કૂટનીતિને વધુ આગળ કરીને પણ કંઈક ને કંઈક પરિણામ મેળવી શકે છે.
ભાસ્કર કહે છે, "ભારતની પાસે હજુ પણ ઘણી શક્યતાઓ છે. ભારત ઈરાનની સાથે દ્વિપક્ષીય વાર્તાલાપને પ્રોત્સાહિત કરી શકે છે, બ્રિક્સ જેવા પ્લૅટફૉર્મનો ઉપયોગ તણાવ ઘટાડવા માટે કરી શકે છે. ભારતે કૂટનીતિના માર્ગે જ આગળ વધવું જોઈએ."
શું ભારત જહાજોને એસ્કૉર્ટ કરી શકે છે?
ભારતે હોર્મુઝ સંકટ વચ્ચે ચાલુ વર્ષે માર્ચમાં ઑપરેશન ઊર્જા સુરક્ષા શરૂ કર્યું હતું. આ ઑપરેશન હેઠળ ભારતનાં અગ્રિમ હરોળનાં પાંચથી વધુ યુદ્ધજહાજ ઓમાનની ખાડી અને પર્શિયન ખાડીમાં છે.
ભારતે ઈરાની એજન્સીઓની સાથે સંકલન સાધીને એલપીજી ભરેલાં જહાજોને ભારતીય નૌસેનાની સુરક્ષા હેઠળ હોર્મુઝમાંથી બહાર કાઢ્યાં છે. શું ભારત વર્તમાન સંકટની પરિસ્થિતિમાં હોર્મુઝમાં ભારતીય નૌસેનાનાં જહાજોને મોકલી શકે છે? વિશ્લેષકો અનુસાર તેનો સીધો જવાબ છે, ના.
ઉદય ભાસ્કર કહે છે, "સૈન્યની રીતે હોર્મુઝમાંથી જહાજોને બહાર કાઢવાનું શક્ય નથી. એવી શક્યતા જરૂર છે કે હોર્મુઝમાંથી બહાર નીકળ્યા પછી ભારતીય નૌસેના પોતાની સુરક્ષામાં જહાજોને ભારત લઈ આવે."
ભાસ્કર કહે છે, "સૈન્ય વિકલ્પ માત્ર ખૂબ સીમિત છે, એટલું જ નહીં પરંતુ ઘણો વધારે જોખમ ભરેલો પણ છે. જો એવું કોઈ પગલું ભરવામાં આવશે, તો તેનાં પરિણામો નકારાત્મક જ હશે."
ભાસ્કર કહે છે, "અહીં સમુદ્રી માઇન પણ પાથરવામાં આવી છે. એ સ્થિતિમાં આ વિસ્તાર માત્ર માલવાહક જહાજો માટે જ નહીં, પરંતુ યુદ્ધજહાજો માટે પણ ખૂબ ખતરનાક છે."
જ્યારે હર્ષ વી. પંતનું માનવું છે કે આ સમયે હોર્મુઝ પર ઈરાનની પકડ એટલી મજબૂત છે કે દુનિયાની કોઈ પણ નૌસેના માટે તેને તોડીને બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે.
પંત કહે છે, "ઈરાનની પકડ એટલી સ્ટ્રૉન્ગ છે કે તમારી ગમે તેટલી ક્ષમતાઓ હોય, ત્યાં તેની સીમાઓ સામે આવી જાય છે… કોઈ પણ દેશ ત્યાં સ્વતંત્ર ઑપરેશન ચલાવી નથી શકતો."
તેનું એક કારણ હોર્મુઝની ભૌગોલિક સ્થિતિ પણ છે. પંત કહે છે, "ત્યાંની ભૌગોલિક સ્થિતિ અને મૅપિંગ જ એવાં છે કે ત્યાં સરળતાથી કોઈ બાહ્ય હસ્તક્ષેપ શક્ય નથી."
હર્ષ પંત માને છે કે જ્યાં સુધી અમેરિકા–ઈરાન વચ્ચે કોઈ સમજૂતી નહીં થાય, ત્યાં સુધી પરિસ્થિતિ આવી જ રહેશે.
પંત કહે છે, "જ્યાં સુધી અમેરિકા અને ઈરાનની વચ્ચે સહમતી ન થાય, ત્યાં સુધી ઈરાનને પોતાની પકડ ઢીલી કરવાથી કશો લાભ નથી."
વર્તમાન સ્થિતિમાં સુધારાની આશા પણ ઓછી જણાય છે.
ઉદય ભાસ્કર કહે છે, "જો ઈરાનને સાઇડમાં કરી દેવામાં આવશે, એકલો-અટૂલો પાડી દેવામાં આવશે, તો ભવિષ્યમાં આવી બીજી ઘટનાઓ પણ બની શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન