You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
NEET 2026 પરીક્ષા રદ થઈ, નૅશનલ ટેસ્ટિંગ એજન્સીએ શું કારણ આપ્યું? - ન્યૂઝ અપડેટ
મેડિકલમાં પ્રવેશ માટે તાજેતરમાં લેવાયેલી NEET 2026 પરીક્ષા રદ કરવામાં આવી છે. નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ ત્રીજી મેએ પરીક્ષા લીધી હતી, પરંતુ પેપરલીક થયું હોવાની ચર્ચા ચાલે છે ત્યારે આ પરીક્ષા રદ કરવામાં આવી છે. એનટીએએ કહ્યું કે કેન્દ્ર સરકારની મંજૂરી પછી નીટ રદ કરાઈ છે.
એનટીએએ કહ્યું કે હવે આ પરીક્ષા ફરીથી લેવાશે. પરીક્ષાની નવી તારીખ અને ઍડમિટ કાર્ડનું શિડ્યુલ ટૂંક સમયમાં સત્તાવાર ચૅનલો પર જારી કરવામાં આવશે.
એનટીએએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ભારત સરકારે આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાનો નિર્ણય લીધો છે. એનટીએ આ તપાસમાં સહયોગ આપશે અને તમામ જરૂરી ડૉક્યુમેન્ટ તથા માહિતી ઉપલબ્ધ કરાવશે."
NTAએ કહ્યું કે "ફરીથી પરીક્ષા આપવા માટે નવેસરથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં રહે અને કોઈ વધારાની ફી લેવામાં નહીં આવે. અગાઉ જમા કરવામાં આવેલી ફી વિદ્યાર્થીઓને પરત કરવામાં આવશે અને એનટીએનાં પોતાનાં સંસાધનોમાંથી પરીક્ષા લેવાશે."
કૉંગ્રેસના સાંસદ અને વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે NEETની પરીક્ષા વિશે સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે ઍક્સ પર લખ્યું હતું કે, "મેં નીટ 2026નું પેપરલીક થયાના સમાચાર સાંભળ્યા છે. હવે આ કોઈ પરીક્ષા નથી રહી. NEET એક લીલામી બની ગઈ છે. પરીક્ષાના 42 કલાક પહેલાંથી વૉટ્સઍપ પર કેટલાય સવાલો વેચાતા હતા."
આસામઃ હિમંતા બિસ્વા સરમાએ મુખ્ય મંત્રીપદે શપથ લીધા
હિમંતા બિસ્વા સરમાએ આસામના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ સળંગ બીજી વખત રાજ્યના મુખ્ય મંત્રી બન્યા છે.
હિમંતાની સાથે ચાર ધારાસભ્યો પણ મંત્રીપદે શપથ લઈ રહ્યા છે. તેમાં રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નેઓગ સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિમંતા બિસ્વાના શપથગ્રહણ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપ-એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ સામેલ થયા છે. સાથે જ કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ પહોંચ્યા છે.
આસામની વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ બે તૃતીયાંશ બહુમત મેળવ્યો છે. ભાજપે 82 બેઠકો જીતી છે જ્યારે તેના સહયોગી આસામ ગણ પરિષદ (એજીપી) અને બોડોલૅન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ)ને 10-10 બેઠકો મળી છે.
ભારત પાસે કેટલા દિવસ ચાલે તેટલું પેટ્રોલ-ડીઝલ છે? સરકારે આંકડા આપ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સોનું ન ખરીદવા અને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવાની સલાહ આપ્યા પછી પેટ્રોલિયમ મંત્રાલયે એક પત્રકારપરિષદ ભરીને ભારત પાસે ઈંધણનો કેટલો પુરવઠો છે તેની માહિતી આપી હતી.
પેટ્રોલિયમ મંત્રાલયના જૉઇન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે આપણી રિફાઇનરીઓ વધુ સારી ક્ષમતા પર કામ કરી રહી છે.
તેમણે ભરોસો આપ્યો કે પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને ઘરેલુ જરૂરિયાત માટે એલપીજીનો સપ્લાય સતત ચાલુ છે.
આ ઉપરાંત સોમવારે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આંતર-મંત્રાલયી બેઠક પછી કહ્યું કે દેશમાં ઈંધણનો પૂરતો જથ્થો છે.
સુજાતા શર્માએ કહ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં 1.20 કરોડ બુકિંગ સામે 1.14 કરોડ એલપીજી સિલિન્ડર ડિલિવર કરવામાં આવ્યા છે. આ દરમિયાન 17 હજા ટનથી વધારે કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરનું વેચાણ થયું છે અને 762 ટનથી વધારે ઓટો એલપીજી પણ વેચવામાં આવ્યું છે.
સોમવારે મળેલા બેઠકમાં જણાવાયું કે ભારત પાસે 60 દિવસ સુધી ચાલે તેટલું ક્રૂડઑઇલ અને નૅચરલ ગૅસ છે જ્યારે 45 દિવસ સુધી ચાલે તેટલો એલપીજીનો જથ્થો છે.
હિમંતા બિસ્વા સરમા આજે આસામના મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે
આસામના નવા મુખ્ય મંત્રી તરીકે આજે હિમંતા બિસ્વા સરમા શપથ લેશે. તેમની આ સળંગ બીજી ટર્મ હશે. તેઓ આસામના પહેલા બિનકૉંગ્રેસી મુખ્ય મંત્રી હશે, જેઓ સળંગ બીજી ટર્મ માટે શપથ લેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ શપથગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભાજપના બીજા વરિષ્ઠ નેતાઓ પણ શપથવિધિમાં હાજર રહેશે જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહનો સમાવેશ થાય છે.
આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યે રવિવારે સરમાને સત્તાવાર રીતે મુખ્ય મંત્રી તરીકે જાહેર કર્યા હતા.
હિમંતા બિસ્વા સરમા 2021માં પહેલી વખત રાજ્યના મુખ્ય મંત્રી બન્યા હતા.
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ કેટલા સમય સુધી ટકશે? ડોનાલ્ડ ટ્રમ્પે જવાબ આપ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહિનાથી ચાલતું યુદ્ધવિરામ 'લાઇફ સપોર્ટ' પર છે.
વ્હાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં સોમવારે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે યુદ્ધવિરામ હજુ ચાલુ છે, પરંતુ બહુ 'નબળી સ્થિતિમાં' છે.
ટ્રમ્પના આ નિવેદન પછી ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિબાફે ઍક્સ પર લખ્યું કે, "ઈરાનની સેના કોઈ પણ હુમલાનો જવાબ આપવા અને પાઠ ભણાવવા માટે તૈયાર છે."
વાસ્તવમાં રવિવારે ઈરાને અમેરિકાને એક પ્રસ્તાવ મોકલ્યો હતો જેમાં યુદ્ધ સમાપ્ત કરવા અને હોર્મુઝ સામુદ્રધુનીને ફરીથી ખોલવાની શરતો રાખવામાં આવી હતી. ટ્રમ્પે આ પ્રસ્તાવને સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય ગણાવીને કહ્યું કે તેમને તે પસંદ નથી પડ્યો.
ઈરાને પોતાના પ્રસ્તાવમાં લેબનોન પર ઇઝરાયલના હુમલા પણ અટકાવવાની વાત કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન