જૂનાગઢ : સક્કરબાગ ઝૂમાં સિંહ અને વાઘે ખાધું ઘાસ? આ વાત કેટલી સાચી છે

જુનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહ અને વાઘના ઘાસ ખાતા દ્રશ્યો, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

"સિંહ ભૂખ્યો રહે પણ ખળ ન ખાય" આ કહેવત ખોટી પડી હોય તેવું લાગી રહ્યું છે.

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં રહેલા સિંહ અને વાઘ ઘાસ ખાતા હોય તેવા વીડિયો વાયરલ થયા હતા તેનાથી લોકો આશ્ચર્યમાં મુકાયા હતા.

આવી ઘટના પહેલીવાર નથી બની, આ અગાઉ ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે, 2019માં પણ એશિયાઈ સિંહ ઘાસ ખાતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ઘણા લોકોને અચરજ થતું હોય છે કે શું સિંહો ખરેખર ઘાસ ખાય છે, કે આ ફક્ત એક સંજોગ છે કે ખોટા સમાચાર છે? પણ એવું નથી.

સિંહ, વાઘ સહિત મોટાભાગના બિલાડી કુળનાં પ્રાણીઓ ક્યારેક ઘાસ ખાઈ શકે છે.

ત્યારે માંસાહારી તરીકે ઓળખાતા સિંહ અને વાઘ ઘાસ શા માટે ખાય છે જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક સત્ય શું છે. શું કહે છે વન્યજીવ નિષ્ણાતો જુઓ આ અહેવાલમાં.

શું ખરેખર જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહ અને વાઘે ઘાસ ખાધું?

જુનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહ અને વાઘના ઘાસ ખાતા દ્રશ્યો, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જંગલના રાજા સિંહ અને વાઘને ઘાસ ખાતા હોય એવો વીડિયો વાયરલ થયો હતો.

સામાન્ય રીતે પ્રાણીસંગ્રહાલય કે જંગલમાં જ્યારે મુલાકાતીઓ સિંહને ઘાસ ખાતો જુએ છે ત્યારે તેમને લાગે છે કે પ્રાણીઓને પૂરતો ખોરાક નથી મળતો એટલે તેઓ ઘાસ ખાવા મજબૂર બન્યા છે.

પરંતુ વન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આ વાત સંપૂર્ણપણે ખોટી છે અને પ્રાણીઓનું ઘાસ ખાવું એ એકદમ સ્વાભાવિક અને કુદરતી પ્રક્રિયા છે.

જૂનાગઢ સક્કરબાગ ઝૂ ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સિંહ, વાઘ, દીપડા અને બિલાડી કુળનાં પ્રાણીઓ 'ઑબ્લિગેટ કાર્નિવોર્સ' એટલે કે સંપૂર્ણ માંસાહારી જનીન ધરાવે છે.

"તેઓ ક્યારેય શાકાહારી ખોરાક લેતા નથી, પરંતુ તેમ છતાં તેઓ ક્યારેક ક્યારેક ઘાસ ચોક્કસ ખાય છે."

"જેમ મનુષ્યો પાચન સુધારવા માટે ઇસબગુલ, તકમરીયા કે ચિયા સીડ્સ જેવા ફાયબરયુક્ત પદાર્થોનું સેવન કરે છે, તેવી જ રીતે સિંહ અને વાઘ માટે ઘાસ એ ફાયબરનું કામ કરે છે."

"ઘાસ તે ફાયબરનું ઇન્ટેક છે. તેઓ ઘાસ નિયમિત પણે ખાતા નથી ક્યારેક તે ચોમાસામાં ખાઈ લેતા હોય છે. "

જુનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહ અને વાઘના ઘાસ ખાતા દ્રશ્યો, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

"તેના આંતરડાની હલનચલન (પેરીસ્ટાલ્ટિક મૂવમેન્ટ)ને સક્રિય કરે છે. અને પાચનક્રિયા સરળ બને છે.

"ક્યારેક ગળામાં ટિંગલિંગ થવાને કારણે કે પેટની અસ્વસ્થતા દૂર કરવા માટે તેઓ ઘાસ ખાઈને વધારાનો અપાચ્ય ખોરાક ઊલટી કરીને બહાર પણ કાઢી નાખે છે."

"એશિયાટિક સિંહ (અને અન્ય જંગલી માંસાહારી પ્રાણીઓ) ઘણીવાર ઘાસ ખાય છે. પરંતુ તેઓ આ ખોરાક કે પોષણ મેળવવા માટે નથી ખાતા."

પશુઓ મામલે નિષ્ણાતો શું કહે છે?

જુનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહ અને વાઘના ઘાસ ખાતા દ્રશ્યો, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, VIVEK AWASTHI

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સેન્ટર ઑફ ઍક્સિલેન્સ ફૉર વાઇલ્ડ લાઇફ ઍન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝના ડાયરેક્ટર નિશીથ ધારૈયા બીબીસી ગુજરાતીને જણાવે છે, કોઈ પણ માંસ ખાતું પ્રાણી પોતાના ખોરાકમાં માંસનું પ્રમાણ વધારે હોવાને કારણે ફાયબર તેના ખોરાકમાં ઓછું જતું હોય છે.

"તેથી શરીરમાં ફાયબરની ઊણપ થતાં ક્યારેક પ્રાણી એક સપ્લીમેન્ટ તરીકે ઘાસ જેવા કોઈપણ ફાયબર ખાતું હોય છે."

"એશિયાટિક સિંહ, વાઘ, લાયગર, તમામ માંસાહારી ફાયબરના સપ્લીમેન્ટ તરીકે ઘાસ ખાતા હોય છે."

"આ ઋતુમાં ખાસ કરીને સિંહો વધારે ઘાસ ખાતા હોય છે કેમ કે તેના શરીરને ફાયબરની જરૂર વધારે પડતી હોય છે તે તેમની અપચાની સમસ્યાથી રાહત અપાવે છે."

નિશીથ ધારૈયા કહે છે, "ઘણીવાર ઘાસની માત્રા વધારે લઈ લેવાથી સિંહને ડચૂરો વળે છે તેથી સિંહ ઊલટી કરી નાખતા હોય છે."

શું કૂતરું પણ ઘાસ ખાઈ શકે?

જુનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહ અને વાઘના ઘાસ ખાતા દ્રશ્યો, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

આ બાબતે સ્પષ્ટતા કરતાં વન્યજીવ વર્તન પર કામ કરતાં નિષ્ણાત વિવેક અવસ્થી બીબીસી ગુજરાતીને જણાવે છે, "દરેક કાર્નિવોર પ્રાણીઓ (જેમને જીવવા માટે માત્ર અને માત્ર માંસની જ જરૂર હોય છે જેમ કે વાઘ, સિંહ, બિલાડી) ઘાસ ખાય શકે છે."

"કૂતરો પણ ખાઈ શકે છે તેનું કારણ તે છે કે ઘાસ આ પ્રાણીઓના ગળાની અંદર સુધી જાય છે."

"તેના કારણે તે અસહજ અનુભવતા ઊલટી કરી દેતાં હોય છે. એટલે સિંહ કે વાઘ ઘાસ પેટ ખરાબ કે અપચો હોય તો જ ઘાસ ખાતા હોય છે. એવું નથી હોતું સિંહ ઘાસ ઊલટી કરવા માટે પણ ખાતા હોય છે."

"તેમના પેટમાં જે બગાડ હોય છે તે તેનાથી નીકળી જાય છે."

જુનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહ અને વાઘના ઘાસ ખાતા દ્રશ્યો, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

વન્યજીવ પ્રેમી નિમેશ નંદોલિયા બીબીસી ગુજરાતીને જણાવે છે, માંસાહારી પરની કોઈ શિકાર કરે માંસ ખાય ત્યારે તેમના શિકારના શરીર પર રહેલી ચામડી અને શિકારના શરીર પર રહેલા વાળ પણ આવી જતાં હોય છે.

"તૃણાહારી પ્રાણીઓના ખૂર પણ આવી જાય. તો એને પચાવવા માટે આ પ્રાણીઓ ઘાસ ખાતા હોય છે."

"ઘાસમાં રહેલું ફાયબર પાચનશક્તિમાં મદદ કરે છે જે રીતે મનુષ્યોને પણ રેશાવાળાં શાકભાજી ખાવાથી પાચનશક્તિમાં મદદ મળે છે."

સિંહ બાબતે જાણકારી ધરાવતા રેસ્કયુઅર ધર્મેન્દ્ર ત્રિવેદી બીબીસી ગુજરાતીને જણાવે છે, કાર્નિવોર પ્રાણીઓ ઘણીવાર કાદવવાળું ઘાસ પણ ખાતા હોય છે.

તેમનું કહેવું છે કે તેમાંથી સિંહને ક્ષાર મળે છે તેથી ફાયબર અને ક્ષાર મેળવવા માટે સિંહો ઘાસ ખાતા હોય છે .

ખરેખરમાં ઘાસથી સિંહના આંતરડામાં પેરેસાઇટ અને જીવાત હોય તે દૂર થાય અને સિંહના પેટની સફાઈ થતી હોય છે. આમ, સિંહનું ઘાસ ખાવું એ ભૂખને કારણે નહીં પરંતુ પોતાના પાચનતંત્રને સાફ અને સ્વસ્થ રાખવા માટેની એક કુદરતી જરૂરિયાત છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન