ટ્રમ્પ, પુતિન અને જિનપિંગે બેઠક બાદ જાહેર કરેલા 'શાંતિ ઘોષણાપત્ર'માં શું છે? – ન્યૂઝ અપડેટ

ટ્રમ્પ, પુતિન અને જિનપિંગે બેઠક બાદ જાહેર કરેલા 'શાંતિ ઘોષણાપત્ર'માં શું છે? – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, એપેક સમિટના ફોટોશૂટમાં જિનપિંગ, પુતિન અને ટ્રમ્પ.
પ્રકાશિત
વાંચવાનો સમય: 9 મિનિટ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગે એક ઐતિહાસિક બેઠક બાદ સંયુક્ત ' ઘોષણાપત્ર' જાહેર કર્યું છે.

એશિયા-પ્રશાંત આર્થિક સહકાર (APEC) શિખર પરિષદ દરમિયાન ચીનના શેનઝેનસ્થિત કાઉલૂન વિલામાં તેમની મુલાકાત થઈ હતી. ત્રણેય નેતાઓ વચ્ચેની આ પહેલી ત્રિપક્ષીય બેઠક હતી. આ બેઠક આશરે એક કલાક અને 20 મિનિટ ચાલી હતી.

ઘોષણાપત્રમાં જણાવાયું છે કે, પરમાણુ યુદ્ધ ન તો જીતી શકાય છે અને ન તો તેને ક્યારેય લડવું જોઈએ. ત્રણેય દેશોએ પેટ્રોલિયમના ઉત્પાદન અને પુરવઠામાં વધારો કરવાની યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ નિવેદનમાં સરકારી અધિકારીઓને મળતી છૂટછાટનો (મુક્તિનો) મુદ્દો પણ ઉઠાવાયો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાયાલય (ICC) અને તેના જેવી અન્ય સંસ્થાઓએ પોતાના અધિકારક્ષેત્રનો દુરુપયોગ ન કરવો જોઈએ.

બેઠક પહેલાં ટ્રમ્પે પુતિન સાથે પણ મુલાકાત કરી હતી. ઑગસ્ટ 2025 પછી બંને નેતાઓ વચ્ચેની આ પહેલી મુલાકાત હતી. ટ્રમ્પે પુતિનને પોતાના મિત્ર ગણાવ્યા હતા.

બીજી તરફ, જિનપિંગ સાથેની અલગ વાતચીતમાં તેમણે બંને દેશોના સંબંધોને 'ખૂબ જ ખાસ' ગણાવ્યા હતા.

ત્રણેય નેતાઓ વચ્ચે વાતચીતનું વાતાવરણ મૈત્રીપૂર્ણ રહ્યું હતું, પરંતુ બેઠક અંગે તેમના હેતુઓ અલગ અલગ હતા.

બેઠકના પ્રારંભે જિનપિંગે કહ્યું કે, વિશ્વની મહાસત્તાઓ વચ્ચે સકારાત્મક વાતચીત એ કોઈ વિકલ્પ નથી, પરંતુ જરૂરિયાત છે.

ત્યારબાદ પુતિને જણાવ્યું કે, રશિયા અને ચીનને યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં સમાન રસ છે. તેમણે ખાદ્ય અને ઊર્જા સુરક્ષા પર પણ ચર્ચા થઈ હોવાની વાત કહી હતી.

ચીન અગાઉ પણ આ યુદ્ધમાં પોતાને તટસ્થ ગણાવતું આવ્યું છે. તેણે રશિયાના આક્રમણની ટીકા કરવાનું ટાળ્યું છે. ચીન સતત વાતચીત દ્વારા રાજકીય ઉકેલ લાવવાની અપીલ કરતું રહ્યું છે.

ટ્રમ્પે કહ્યું કે, વિશ્વના ત્રણ સૌથી મોટા દેશોના પ્રમુખોની એ વિશેષ જવાબદારી છે કે તેઓ વાતચીત ચાલુ રાખે. તેમણે ઉમેર્યું કે, અગાઉ ઘણા નેતાઓ એવા દેશો સાથે વાત કરવાનું ટાળતા હતા જેમની સાથે તેમના મતભેદો હોય, પરંતુ તેમનો દૃષ્ટિકોણ આનાથી અલગ છે.

ટ્રમ્પે ત્રણેય દેશોની પરમાણુ શક્તિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ વિશ્વમાં પરમાણુ શસ્ત્રોની સંખ્યા ઘટાડવા અંગે ચર્ચા કરવાની વિશેષ સ્થિતિમાં છે.

તેમણે અન્ય દેશોમાં પરમાણુ શસ્ત્રોના પ્રસારને રોકવા માટે પરસ્પર સહયોગને આવશ્યક ગણાવ્યો હતો.

આ દરમિયાન તેમણે ઇરાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "અમે ઇરાનને પરમાણુ શસ્ત્રો ધરાવવા નહીં દઈએ."

ICJએ મ્યાનમારને રોહિંગ્યા સમુદાયના જનસંહાર માટે દોષિત ઠેરવ્યું

ICJએ મ્યાનમારને રોહિંગ્યા સમુદાયના જનસંહાર માટે દોષિત ઠેરવ્યું
ઇમેજ કૅપ્શન, ICJએ મ્યાનમારને રોહિંગ્યા સમુદાયના જનસંહાર માટે દોષિત ઠેરવ્યું (ફાઇલ તસવીર)
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ)એ મ્યાનમારને રોહિંગ્યા લઘુમતી સમુદાયના જનસંહાર માટે દોષિત ઠેરવ્યું છે.

વિશ્વના અલગ અલગ દેશોના 15 ન્યાયાધીશોની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ઇતિહાસમાં આ પહેલી જ વાર બન્યું છે કે, કોઈ દેશને વંશસંહાર માટે દોષિત ઠેરવવામાં આવ્યો હોય.

ચુકાદાનો સાર જણાવતાં ન્યાયાધીશ યુજી ઇવાસાવાએ કહ્યું કે, મ્યાનમારનો ઇરાદો રોહિંગ્યા વસ્તીના એક મોટા હિસ્સાનો નાશ કરવાનો હતો.

તેમણે જણાવ્યું હતું કે, મ્યાનમારમાં જનસંહાર સાથે જોડાયેલા પુરાવાઓને મોટા પાયે નષ્ટ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, જનસંહારના ગુનાઓમાં સંકળાયેલા લોકો વિરુદ્ધ તપાસ કરવા, તેમના પર કેસ ચલાવવા અને તેમને સજા અપાવવા માટે જરૂરી પગલાં પણ લેવામાં આવ્યાં નહોતાં.

ઉલ્લેખનીય છે કે, 2017માં મ્યાનમારની સેનાની કાર્યવાહીમાં હજારો રોહિંગ્યા લોકો માર્યા ગયા હતા.

આ કાર્યવાહી બાદ સાત લાખથી વધુ રોહિંગ્યા લોકોને મ્યાનમાર છોડીને પડોશી દેશ બાંગ્લાદેશ પલાયન કરવાની ફરજ પડી હતી. મ્યાનમારમાં બૌદ્ધ ધર્મનું પાલન કરતી વસ્તી બહુમતીમાં છે.

આ મામલો ગેમ્બિયાએ આંતરરાષ્ટ્રીય ન્યાયાલય સમક્ષ રજૂ કર્યો હતો. મ્યાનમારે તેના પર લાદવામાં આવેલા આરોપોને ફગાવ્યા હતા. મ્યાનમારનો દાવો હતો કે, તેની સેના સશસ્ત્ર જૂથોના હુમલાનો જવાબ આપી રહી હતી.

અદાલતે એવો ચુકાદો પણ આપ્યો હતો કે, જનસંહાર રોકવાની પોતાની ફરજનું ઉલ્લંઘન કરવા બદલ મ્યાનમાર રોહિંગ્યા સમુદાય અને તેના સભ્યોને વળતર આપવા માટે જવાબદાર છે.

અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે, રોહિંગ્યા સમુદાયને આપવામાં આવનારી વળતરની રકમ, તે ચૂકવવાની પદ્ધતિ અને અન્ય પ્રકારની ભરપાઈ અંગે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ) નિર્ણય કરશે.

બાંગ્લાદેશમાં શેખ હસીનાના સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ, મોહમ્મદ યુનુસના પૈતૃક ઘરને આગ લગાડાઈ

બાંગ્લાદેશમાં શેખ હસીનાના સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ, મોહમ્મદ યુનુસના પૈતૃક ઘરને આગ લગાડાઈ – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, ગોપાલગંજના મુકસુદપુર પોલીસ સ્ટેશનમાં લાગેલી આગ.

બાંગ્લાદેશમાં હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે.

બાંગ્લાદેશમાં પ્રતિબંધિત પાર્ટી અવામી લીગ દ્વારા જાહેર કરાયેલાં દેશવ્યાપી લૉકડાઉન અને વિરોધપ્રદર્શનો વચ્ચે ભારે હોબાળો જોવા મળ્યો. ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાના સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ પણ થઈ.

ડિસેમ્બરમાં શેખ હસીનાની સંભવિત વાપસીને લઈને રાજકીય તણાવ, અવામી લીગના સમર્થકોના દેખાવો અને ધરપકડોની સંખ્યા વધી રહી છે.

નોબલ પુરસ્કાર વિજેતા અને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર રહી ચૂકેલા પ્રોફેસર મોહમ્મદ યુનુસના પૈતૃક ઘરને બુધવારે રાત્રે આગ લગાડી દેવામાં આવી. આ ઘર ચટગાંવના પાંચલાઇશ વિસ્તારમાં આવેલું છે.

પાંચલાઇશ પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી મોઝમ્મેલ હકે બીબીસીને આ ઘટનાની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે બુધવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે ઘરમાં આગ લગાડવામાં આવી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ઘટના સમયે ઘરની સુરક્ષા માટે પોલીસના ત્રણ જવાનો પહેલેથી જ તહેનાત હતા. અધિકારીના જણાવ્યા અનુસાર, આ મોટા ઘરના એક ભાગમાં મોહમ્મદ યુનુસના પરિવારના સભ્યો રહે છે, જ્યારે બીજો ભાગ ખાલી પડ્યો છે. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ખાલી ભાગના ગ્રાઉન્ડ ફ્લૉર પર કેરોસિન અથવા પેટ્રોલ નાખીને આગ લગાડવામાં આવી હતી.

ઢાકા મેટ્રોપોલિટન પોલીસે (DMP) છેલ્લા 24 કલાક દરમિયાન 537 લોકોની ધરપકડ કરી છે. તેમાં ભૂતપૂર્વ શિક્ષણમંત્રી નુરુલ ઇસ્લામ નાહિદ અને પ્રતિબંધિત સંગઠન અવામી લીગના 107 સભ્યોનો સમાવેશ થાય છે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઢાકા, ચટગાંવ, નારાયણગંજ, ગાઝીપુર, ગોપાલગંજ, મૈમનસિંહ અને ફરીદપુરમાં બૉર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ની 96 પ્લાટૂન તહેનાત કરવામાં આવી છે.

પ્રતિબંધિત અવામી લીગના સતત ચાલી રહેલા કાર્યક્રમો વચ્ચે આજે મુકસુદપુર પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરોએ પોલીસ સ્ટેશનમાં આગ લગાડી દીધી. આ ઘટના સવારે 11થી 12 વાગ્યાની વચ્ચે બની.

મુકસુદપુર સર્કલના સહાયક પોલીસ અધિક્ષક સુબીર કુમાર સાહાએ બીબીસી બાંગ્લાને તેની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે હુમલા દરમિયાન અનેક વાહનોને પણ આગ લગાડવામાં આવી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

સાહાના જણાવ્યા અનુસાર, હુમલા પહેલાં પોલીસ સ્ટેશનમાં લગભગ 95 પોલીસકર્મીઓ હાજર હતા. તેમણે હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ હુમલાખોરોની સંખ્યા વધુ હતી. આવી સ્થિતિમાં પોલીસકર્મીઓને ત્યાંથી પાછળ હટવું પડ્યું.

હુમલાખોરોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસ CCTV અને વીડિયો ફૂટેજની તપાસ કરી રહી છે.

આ દરમિયાન વડા પ્રધાન તારિક રહેમાને કહ્યું કે અવામી લીગના લોકો ભાગી ગયા પછી પણ આગચંપી અને હિંસા કરી રહ્યા છે. તેમણે ગુરુવારે દેશના અલગ-અલગ વિસ્તારોમાં થયેલી તોડફોડ અને હુમલાઓ અંગે આ વાત કહી.

લાલમોનિરહાટ સદરના મહેન્દ્રનગરમાં એક નહેરના પુનર્નિર્માણ કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું.

'મને લાગે છે કે પુતિન પણ યુક્રેન યુદ્ધનો અંત લાવવાની તરફેણમાં છે', ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું

એશિયા-પ્રશાંત આર્થિક સહકાર (APEC) પરિષદમાં ટ્રમ્પ સામેલ થયા
ઇમેજ કૅપ્શન, એશિયા-પ્રશાંત આર્થિક સહકાર (APEC) પરિષદમાં ટ્રમ્પ સામેલ થયા

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા, અમેરિકા અને ચીનની બેઠકના પ્રારંભે સંક્ષિપ્ત વક્તવ્ય આપ્યું હતું.

હવે તેમના વક્તવ્યની કેટલીક વધુ બાબતો સામે આવી છે. ટ્રમ્પે ત્રણેય દેશોની પરમાણુ શક્તિનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, ત્રણેય દેશો વિશ્વમાં પરમાણુ શસ્ત્રોની સંખ્યા ઘટાડવા અંગે ચર્ચા કરવાની સ્થિતિમાં છે.

તેમણે કહ્યું કે, વિશ્વના અન્ય દેશોમાં પરમાણુ શસ્ત્રોના વિસ્તરણના જોખમનો સામનો કરવા માટે ત્રણેય દેશોએ મળીને કામ કરવું અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, "અમે ઇરાનના મામલે પણ આવું જ કરી રહ્યા છીએ."

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે, "અમે ઇરાનને પરમાણુ શસ્ત્રો બનાવવાની મંજૂરી નહીં આપીએ."

ત્યારબાદ ટ્રમ્પે યુક્રેનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ સંઘર્ષ અંગે તેમની અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે અગાઉથી જ લાંબી ચર્ચા થઈ ચૂકી છે.

ટ્રમ્પે કહ્યું કે, તેમને લાગે છે કે પુતિન અને યુક્રેન બંને આ યુદ્ધનો અંત લાવવા માગે છે.

ચીનના શેનઝેનમાં એશિયા-પ્રશાંત આર્થિક સહકાર (APEC) શિખર પરિષદ યોજાઈ રહી છે. તેમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભાગ લઈ રહ્યા છે.

GTA 5થી GTA 6 સુધી ભારતમાં કેટલો બદલાવ આવ્યો? પીએમ મોદીએ ગ્રાફિક્સમાં શું બતાવ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

લગભગ 13 વર્ષ બાદ GTA 6ના લૉન્ચ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગેમની શૈલીમાં ભારતમાં થયેલા બદલાવોને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ગ્રાફિક્સ શેર કરતાં લખ્યું, ''ભારત હવે એકદમ નવી રમત રમી રહ્યું છે.''

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ પોસ્ટ પર કૉંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે.

પીએમ મોદીની સોશિયલ મીડિયા પોસ્ટમાં GTA 5 અને GTA 6 વચ્ચેના સમયગાળાને ભારતની 'પહેલાં' અને 'હવે'ની સ્થિતિ સાથે જોડવામાં આવ્યો છે.

આ ગ્રાફિક્સમાં અર્થવ્યવસ્થા, ઇન્ટરનેટની કિંમત, રેલવે, સૌર ઊર્જા, રક્ષા નિકાસ અને ગરીબી સહિતના અનેક મુદ્દાઓ પર તુલના કરવામાં આવી છે.

GTAની શૈલીમાં બનાવાયેલા આ ગ્રાફિકમાં વિમાન, ટ્રેન, રૉકેટ, ડિજિટલ પેમેન્ટ, માર્ગ અને ઊર્જા ક્ષેત્રને દર્શાવવામાં આવ્યા છે. તેની વચ્ચે લખવામાં આવ્યું છે, ''GTA 5 અને GTA 6 વચ્ચે ભારત આ રીતે અપગ્રેડ થયું.''

કૉંગ્રેસના નેતા જયરામ રમેશે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે વડા પ્રધાને યુવાનો સુધી પહોંચવાની ઉતાવળભરી કોશિશમાં સોશિયલ મીડિયા પર GTA 5 અને GTA 6ની તસવીરોનો સહારો લીધો છે.

રમેશે આગળ કહ્યું, "યાદ રાખો કે આ વીડિયો ગેમની વાર્તા ગુનેગારોની એક જોડીની આસપાસ ફરે છે. તો પછી આ કેટલું યોગ્ય છે?"

ગુજરાતમાં કોળી સમાજના સીએમ મુદ્દે કુંવરજીભાઈ બાવળિયાએ શું કહ્યું?

કુંવરજી બાવળિયા, ભૂપેન્દ્ર પટેલ, કોળી સમાજ, પાટીદાર સમાજ, વિધાનસભા ચૂંટણી 2027, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ગુજરાતની ભાજપ સરકારમાં કૅબિનેટ મંત્રી અને કોળી સમાજના અગ્રણી કુંવરજીભાઈ બાવળિયાએ 'ગુજરાતમાં આગામી મુખ્ય મંત્રી કોળી સમાજનો હોવો જોઈએ' નિવેદન મુદ્દે પ્રતિક્રિયા આપી છે.

બુધવારે સાંજે રાજકોટમાં તળપદા કોળી સમાજનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. એ પછી પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ સમાજનો કાર્યક્રમ હતો અને તેમાં 'સમાજ સિવાય કોઈ વાત થઈ ન હતી.'

તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું, "અમારો સમાજ ભલે મોટો હોય, પણ સૌ સમાજને સાથે રાખીને હાઇકમાનમાંથી બધા નિર્ણયો થતા હોય છે. કોઈ એક વ્યક્તિ કે એક સમાજ એનો નિર્ણય કરી શકતા નથી."

આ સિવાય પત્રકારોના કોઈપણ સવાલનો જવાબ આપવાનું બાવળિયાએ ટાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે તાજેતરમાં નિવેદન કર્યું હતું કે 'સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતમાં કોળી સમાજ બીજા ક્રમે છે. આગામી મુખ્ય મંત્રી કોળી સમાજનો હોવો જોઈએ.'

જેના પગલે કોળી તથા પાટીદાર સમાજના અલગ-અલગ અગ્રણીઓએ નિવેદન આપ્યાં હતાં અને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

આ પહેલાં વર્ષ 2024માં પણ બાવળિયાને મુખ્ય મંત્રી બનાવવાની માગ ઊઠી હતી.

રાહુલ ગાંધીએ ચૂંટણીપંચની 'અંદરની માહિતી' વિશે શિકાગોમાં શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

રાહુલ ગાંધી, ચૂંટણી પંચ, ભારતમાં લોકશાહી, રાહુલ ગાંધીનું શિકાગો યુનિવર્સિટીમાં ભાષણ, રાહુલ ગાંધી અમેરિકામાં, બીબીસી ન્યૂઝ ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં ભારતના ચૂંટણીપંચ વિશે ટિપ્પણી કરી હતી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ ચૂંટણીનો બહિષ્કાર કરવા નથી ઇચ્છતું, કારણ કે જો એમ કરશે, તો ભારતની જનતાની નજરમાં ચૂંટણીપ્રક્રિયાની પ્રમાણિકતા ખતમ થઈ જશે.

રાહુલ ગાંધીએ કહ્યું, "અમારા માટે લોકશાહી પવિત્ર છે. અમે ભારતની લોકશાહીના માળખાને નષ્ટ કરવા નથી માગતા."

રાહુલ ગાંધીએ જણાવ્યું કે જે કંઈ બની રહ્યું છે તેને લોકોની વચ્ચે લાવવાની તથા વાટાઘાટો ચાલુ રાખવાની તેમની વ્યૂહરચના છે.

તેમણે કહ્યું, "અમે ચૂંટણીપ્રક્રિયામાં સામેલ નહીં થઈએ, તો ભારતની લોકશાહી એ ઘડીએ જ ખતમ થઈ જશે."

કૉંગ્રેસના નેતાના જણાવ્યા મુજબ, તેમણે અને સમગ્ર વિપક્ષે ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આમ છતાં તેઓ જાણી જોઈને ચૂંટણીપ્રક્રિયાથી દૂર રહેવાનું પગલું નથી ભરી રહ્યા.

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે તેમને ચૂંટણીપંચની અંદરથી માહિતી મળે છે.

તેમણે દાવો કર્યો કે ઇલેક્શન કમિશનના વરિષ્ઠ અધિકારી પણ હવે કહી રહ્યા છે, "જુઓ, હવે અમે આ રીતે કામ કરી શકીએ એમ નથી."

રાહુલ ગાંધીએ પોતાના ઉદ્બોધનમાં ઉમેર્યું હતું કે, 'અમારા માટે ભારતની લોકશાહી પવિત્ર છે. જ્યાં સુધી મારી પાસે 100 ટકા પુરાવા ન હોય, ત્યાર સુધી હું કહી ન શકું કે ભારતના લોકતંત્રમાં કોઈ ખામી છે.'

ભારત-ન્યૂઝીલૅન્ડ પહેલી ટેસ્ટ: ભારતે બૉલિંગ પસંદ કરી

જસપ્રીત બુમરાહ, વેલિંગ્ટન ટેસ્ટ, ભારત અને ન્યૂઝી લેન્ડ પહેલી ટેસ્ટ મેચ
ઇમેજ કૅપ્શન, વૅલિંગ્ટન ક્રિકેટમાં જસપ્રીત બુમરાહે બે વિકેટ લીધી છે.

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે વૅલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન ખાતે પહેલી ટેસ્ટ મૅચ રમાઈ રહી છે. જેમાં ભારતના બૉલરોએ સારી શરૂઆત કરી છે.

ક્રિકઇન્ફોની માહિતી મુજબ, પહેલા દિવસે લંચના સમય સુધી ન્યૂઝીલૅન્ડે 26 ઓવરમાં ચાર વિકેટના ભોગે 66 રન બનાવ્યા છે.

ભારતની ટીમના કૅપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા સેશનમાં ભારતના ફાસ્ટ બૉલરોએ ન્યૂઝીલૅન્ડના ટોચના ચાર બૅટ્સમૅનને પેવોલિયન ભેગા કરી દીધા હતા.

જસપ્રીત બુમરાહે સાત ઓવરમાં 17 રન આપીને બે વિકેટ લીધી. આકાશદીપ તથા અંશુલ કંબોજને એક-એક વિકેટ મળી હતી.

હકીમ જેફ્રીઝ અમેરિકાની કૉંગ્રેસના પહેલા બ્લૅક સ્પીકર બને તેવી શક્યતા

હકીમ જેફ્રીઝ, અમેરિકાની કોંગ્રેસ, ડેમોક્રેકિટક પાર્ટી,

અમેરિકન કૉંગ્રેસમાં (પ્રતિનિધિ સભા) ડેમોક્રેટિક પાર્ટીના સંસદસભ્યોએ સત્તાવાર રીતે હકીમ જેફ્રીઝને સ્પીકરપદ માટે નામિત કર્યા છે.

આ સાથે જ તેઓ પ્રતિનિધિસભાનું નેતૃત્વ કરનારા પ્રથમ કાળા સંસદસભ્ય બનશે તથા આને માટેનો રસ્તો લગભગ અબાધિત છે.

તા. ત્રીજી જાન્યુઆરીના રોજ નવો કાર્યકાળ શરૂ થશે, ત્યારે પ્રતિનિધિસભા પોતાના નવા સ્પીકરની પસંદગી કરશે. તે સમયે ડેમોક્રેટિક પાર્ટી પાસે બહુમત હશે.

બુધવાર સુધી જે આંકડા સાર્વજનિક થયા છે, તે મુજબ આવતા વર્ષે અમેરિકાની કૉંગ્રેસમાં ડેમોક્રેટ્સ પાસે ઓછામાં ઓછી 257 બેઠક હશે. હજુ સાત બેઠક ઉપરના પરિણામ આવવાના બાકી છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના વહીવટીતંત્રની વ્યવસ્થા મુજબ ઉત્તરાધિકારના ક્રમમાં ઉપરાષ્ટ્રપતિ પછીનું સ્થાન સ્પીકરને મળેલું હોય છે.

બુધવારે બંધ બારણે મતદાન થયું હતું. જેમાં જેફ્રીઝને 251 મત મળ્યા હતા, જ્યારે તેમના વિરોધમાં 11 મત પડ્યા હતા. તેમને ફરી પાર્ટીના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા છે.

વર્ષ 2023થી પ્રતિનિધિ સભામાં તેઓ ડેમોક્રેટિક પાર્ટીના અલ્પમત નેતા તરીકે કામ કરી રહ્યા છે. ભારે સમર્થન હોવા છતાં પાર્ટીના ડાબેરી સમૂહને કેટલાક સભ્યોએ તેમનું સમર્થન નહોતું કર્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન