'હાથકડી પહેરાવીને પણ દેશ મોકલી દો', ન્યૂઝીલૅન્ડમાં સ્થાયી થવા માગતી મહિલા એક ટાપુ પર કઈ રીતે ફસાઈ?

- લેેખક, આયેશા પરેરા
- પદ, એશિયા ડિજિટલ એડિટર
- લેેખક, દિનુક હેવાવિથારાના
- પદ, બીબીસી સિંહાલા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
લગભગ એક દાયકા પહેલાં રુચિરા રણસિંઘાએ શ્રીલંકા છોડ્યું, ત્યારે તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેઓ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલા એક નાના ટાપુસમૂહ પર ફસાઈ જશે.
50 વર્ષીય રણસિંઘા આજે પણ ત્રણ વર્ષથી કુક ટાપુઓ પર ફસાયેલાં છે. તેઓ બીબીસીને જણાવે છે કે પોતે શ્રીલંકા પાછાં જવા માટે અત્યંત આતુર છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે તેઓ 'હાથકડી પહેરાવીને, બાંધીને અને મોઢું બંધ કરીને' પણ જવા તૈયાર છે.
રણસિંઘાને ન્યૂઝીલૅન્ડમાં સ્થાયી થવાની આશા હતી. ત્યાં આશ્રય માટે અરજી કર્યા પછી, તેમના કહેવા મુજબ, તેમણે એક ઇમિગ્રેશન સલાહકારની ભલામણને અનુસરીને વર્ક વિઝા માટે અરજી કરવા માટે અસ્થાયી રૂપે દેશ છોડ્યો હતો. પરંતુ કુક ટાપુઓ પર પહોંચ્યા પછી તેમની અરજી નકારી કાઢવામાં આવી. ન્યૂઝીલૅન્ડ છોડીને તેમણે આશ્રય માટેની તેમની અરજી સાથે જોડાયેલા હાલના વિઝાની શરતોનો ભંગ કર્યો હતો.
હવે ન્યૂઝીલૅન્ડ તેમને એવા ટ્રાન્ઝિટ વિઝા આપવાનો ઇનકાર કરી રહ્યું છે, જેના દ્વારા તેઓ શ્રીલંકા પરત જઈ શકે. ઑસ્ટ્રેલિયા પણ ઇનકાર કરી રહ્યું છે. કુક ટાપુઓથી તેઓ વિમાન દ્વારા જઈ શકે એવા અન્ય માત્ર બે આંતરરાષ્ટ્રીય સ્થળો તાહિતી અને હવાઈ જ છે. પણ તેના માટે વિઝાની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં તેમણે ન્યૂઝીલૅન્ડમાં બાયોમેટ્રિક માહિતી આપવી જરૂરી છે. પરિણામે, તેમની પાસે ત્યાંથી નીકળવાનો કોઈ વ્યવહારુ રસ્તો નથી.
રડતાં-રડતાં તેઓ કહે છે, "મારો પુત્ર મારું એકમાત્ર સંતાન છે, જે નવેમ્બરમાં લગ્ન કરી રહ્યો છે અને હું ખરેખર તેના લગ્નમાં હાજર રહેવા માગું છું. મારી સાથે જે બન્યું છે તેનાથી મારાં મા એટલાં ચિંતિત છે કે તેમને વારંવાર હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે."
"તેઓ મને જે કંઈ કરવા કહેશે તે બધું કરવા હું તૈયાર છું. મારે ફક્ત ઘરે પાછાં જવું છે."
ધંધામાં નુકસાન થવાને કારણે તેમને પોતાની નાની ટી-શર્ટ બનાવવાની ફૅક્ટરી બંધ કરવાની ફરજ પડી હતી અને એના કારણે રણસિંઘાએ 2018માં શ્રીલંકા છોડ્યું.
લોન ચૂકવવામાં મુશ્કેલી પડતાં તેઓ વૃદ્ધો અને બાળકોની સંભાળ રાખતી ઘરેલુ કેરગિવર તરીકે કામ કરવા હૉંગકૉંગ ગયાં. તેમના ભાઈએ બીબીસી સિંહાલાને જણાવ્યું કે તેઓ ભારે આર્થિક દબાણ હેઠળ આવી ગયાં હતાં. તેમણે વધુમાં કહ્યું કે તેમના પતિને ડ્રગ્સનું વ્યસન હતું અને લગભગ સાત વર્ષ પહેલાં તેમનું મૃત્યુ થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડિસેમ્બર 2022માં રણસિંઘા ન્યૂઝીલૅન્ડ ગયાં, જ્યાં તેમના કહેવા મુજબ તેઓ બે મહિનાના વિઝિટ વિઝા પર પોતાના એક પિતરાઈ સંબંધી સાથે રહેતાં હતાં. વિઝાની મુદત પૂરી થવાની નજીક આવી, ત્યારે તેમના કહેવા મુજબ એક ઇમિગ્રેશન દુભાષિયાએ તેમને શ્રીલંકામાં લેણદારો તરફથી ધમકીઓ મળી રહી હોવાના આધારે આશ્રય માટે અરજી કરવામાં મદદ કરી.
તેમને આશ્રય માગનારાઓ માટેનો "ઓપન વર્ક વિઝા" આપવામાં આવ્યો. તેનાથી તેઓ એક વર્ષ સુધી લગભગ કોઈ પણ નોકરીદાતા માટે કામ કરી શકતાં હતાં. તેમના કહેવા મુજબ તેમને એક રૅસ્ટોરાંમાં નોકરી મળી, જેણે આખરે તેમના રોજગાર વિઝાને સ્પૉન્સર કરવા સંમતિ આપી. તેઓ માનતાં હતાં કે તેનાથી તેમને લાંબા ગાળાની સ્થિરતા મળશે. પરંતુ નિયમાનુસાર, આશ્રય માગનારાઓની અરજીઓની પ્રક્રિયા ન્યૂઝીલૅન્ડમાં ચાલી રહી હોય, તો તેઓ સામાન્ય રીતે અન્ય વિઝા માટે અરજી કરી શકતા નથી. તેથી તેમની અરજી નકારી કાઢવામાં આવી.
ત્યારબાદ તેમણે ઇમિગ્રેશન ઍન્ડ સેક્રેટરિયલ સર્વિસિસ નામની એક કંપનીનો સંપર્ક કર્યો. રણસિંઘાનો દાવો છે કે કંપનીએ તેમને જણાવ્યું હતું કે વિદેશમાંથી રોજગાર વિઝા માટે નવી અરજી કરી શકાય છે.
બીબીસીએ જોયેલા ઈ-મેલ પત્રવ્યવહાર મુજબ, કંપનીનાં મૅનેજર સિલ્વિયાન ગૅલન્ટે જણાવ્યું હતું કે રણસિંઘા દેશ છોડે કે તરત જ તેઓ પ્રક્રિયા શરૂ કરશે. આથી તેમણે અરજી કરવામાં આવે તે દરમિયાન કુક ટાપુઓ પર થોડા સમય માટે રહેવાની વ્યવસ્થા કરી. આ નિર્ણય વિનાશક સાબિત થયો.
સ્વર્ગસમા ટાપુમાં કેદ જેવું જીવન

ઇમેજ સ્રોત, AFP via Getty Images
તેમના રોજગાર માટેના વિઝા ફરીથી નકારી કાઢવામાં આવ્યા. બીજી બાજુ, ન્યૂઝીલૅન્ડ છોડીને પહેલાં જ તેમણે પોતાના હાલના વિઝાની શરતોનો ભંગ કર્યો હતો. આથી, ન્યૂઝીલૅન્ડના અધિકારીઓએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ ભવિષ્યમાં તેમને કોઈ પણ વિઝા આપશે નહીં.
ગૅલન્ટે દાવો કર્યો કે તેમણે રણસિંઘા વતી અનેક પ્રયાસો કર્યા હતા, જેમાં ન્યૂઝીલૅન્ડના તે સમયના ઇમિગ્રેશન મંત્રી ક્રિસ પૅન્ક સહિતના રાજકારણીઓને પત્રો લખવાનો પણ સમાવેશ થતો હતો. પરંતુ આખરે, રણસિંઘાના કહેવા મુજબ, ગૅલન્ટે સ્વીકાર્યું કે આ પરિસ્થિતિ માટે તેઓ પોતે જવાબદાર હતાં અને તેમને કહ્યું કે "હવે તેઓ વધુ કંઈ કરી શકે તેમ નથી".
"તેમણે મને કહ્યું કે મારા માટે ઘરે પાછાં જવું વધુ સારું રહેશે. મને ત્યાં રોકી રાખે એવું કંઈ હતું નહીં, તેથી હું એમની વાત માની ગઈ."
પરંતુ જ્યારે તેઓ શ્રીલંકાની ઍર ન્યૂઝીલૅન્ડની ટિકિટ લઈને ઍરપૉર્ટ પર પહોંચ્યાં, ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે ન્યૂઝીલૅન્ડના ટ્રાન્ઝિટ વિઝા વિના તેઓ વિમાનમાં બેસી શકશે નહીં.
ન્યૂઝીલૅન્ડના ટ્રાન્ઝિટ વિઝા માટેની તેમની ત્રણ અરજીઓ નકારી કાઢવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું કે તેમને ખાતરી નહોતી કે તેઓ ન્યૂઝીલૅન્ડ છોડીને આગળ જશે. ઑસ્ટ્રેલિયાના ટ્રાન્ઝિટ વિઝા માટેની ચાર અરજીઓ પણ નકારી કાઢવામાં આવી.
એક અરજી નકારતી વખતે ન્યૂઝીલૅન્ડે તેમને અન્ય માર્ગો શોધવાની સલાહ આપી હતી. પરંતુ અમેરિકાના હવાઈ રાજ્ય અને ફ્રેન્ચ પૉલિનેશિયાના તાહિતી ટાપુ - બંનેએ તેમને જણાવ્યું કે કોઈ પણ વિઝાની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં તેમણે બાયોમેટ્રિક માહિતી આપવી પડશે, અને તે માત્ર ન્યૂઝીલૅન્ડમાં વ્યક્તિગત રીતે હાજર રહીને જ આપી શકાય.
ન્યૂઝીલૅન્ડમાં કરેલી તેમની તાજેતરની અરજીમાં તેમણે અજમાવેલા વૈકલ્પિક માર્ગોની તમામ વિગતો, તેમના પુત્રનાં આગામી લગ્ન અને તેમની માતાની બગડતી તબિયત વિશેની માહિતી પણ સામેલ હતી. તેમ છતાં તે અરજી પણ નકારી કાઢવામાં આવી.
તેઓ રડી પડતાં કહે છે, "મેં ટિકિટો પાછળ ઘણા પૈસા ગુમાવ્યા છે. લગભગ ચાર વર્ષથી હું એક પછી એક વિઝા માટે અરજી કરતી આવી છું, પરંતુ કંઈ કામ લાગતું નથી."
ઑકલૅન્ડથી માત્ર ચાર કલાકના અંતરે આવેલા વિસ્તૃત રેતાળ દરિયાકિનારા અને ઊંચા, ખરબચડા જ્વાળામુખી પર્વતશિખરો માટે જાણીતા ટાપુઓના સમૂહ પર રણસિંઘા પોતાની ઇચ્છા વિરુદ્ધ મહેમાન બનીને રહી ગયાં છે.
તેમના કહેવા મુજબ, તેમની જેવી પરિસ્થિતિમાં રહેલા અન્ય લોકોની સરખામણીએ તેઓ વધુ નસીબદાર છે. કારણ કે તેમની હૉટલ તેમને સ્ટાફના રહેઠાણમાં મફતમાં રહેવા દે છે અને સ્થાનિક લોકો તેમને ખોરાક અને કપડાં પૂરાં પાડે છે. તેમના કહેવા મુજબ, હૉટલના એક ડિરેક્ટરે તેમને સિલાઈ મશીન પણ આપ્યું હતું, જેના કારણે તેઓ થોડી આવક મેળવી શકે છે.
તેઓ બીબીસીને કહે છે, "મારી માતા હંમેશાં મને કહે છે કે મેં જીવનમાં કંઈક સારું કામ કર્યું હશે, એટલે જ હું એવી જગ્યાએ છું જ્યાં લોકો મારી સાથે આટલાં દયાળુ બની રહ્યાં છે." પરંતુ આ બધાથી ફસાઈ ગયાની લાગણીમાં ખાસ કોઈ રાહત મળતી નથી. રણસિંઘા કહે છે કે તણાવની અસર તેમના સ્વાસ્થ્ય પર પડી રહી છે. તેઓ કહે છે, "મને ડર લાગે છે કે મારી સાથે કંઈક થઈ જશે."
'...મારા મૃતદેહને તો વતન પરત મોકલશે'

ઑકલૅન્ડસ્થિત ઇમિગ્રેશન કાયદાના નિષ્ણાત ઍલિસ્ટર મૅકક્લાયમન્ટ કહે છે, "સાચું કહું તો મને ખબર નથી કે તેમની સમસ્યાનો ઉકેલ શું છે."
તેઓ કહે છે કે રણસિંઘાને 'અત્યંત ખરાબ સલાહ' આપવામાં આવી હતી, જે 'ચોક્કસપણે' કોઈ સાચા ઇમિગ્રેશન વકીલ તરફથી આવી ન હોઈ શકે. તેમણે એવા 'કહેવાતા ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ્સ'ના ઉદ્યોગ તરફ ધ્યાન દોર્યું, જેઓ સંકળાયેલાં જોખમોને સંપૂર્ણ રીતે સમજ્યા વિના અરજીઓ દાખલ કરવા માટે લોકો પાસેથી પૈસા વસૂલે છે.
રણસિંઘા કહે છે કે તેમણે ઇમિગ્રેશન ઍન્ડ સેક્રેટરિયલ સર્વિસિસને ફી તરીકે હજારો ન્યૂઝીલૅન્ડ ડૉલર ચૂકવ્યા છે.
બીબીસીએ ગૅલન્ટનો સંપર્ક કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.
મૅકક્લાયમન્ટનું માનવું છે કે ન્યૂઝીલૅન્ડના અધિકારીઓ ટ્રાન્ઝિટ વિઝા એટલા માટે આપતા નથી, કારણ કે તેમના મતે રણસિંઘાનો શ્રીલંકા પાછા ફરવાનો કોઈ ઇરાદો નથી, કેમ કે તેમણે અગાઉ એવો દાવો કરીને આશ્રય માગ્યો હતો કે શ્રીલંકામાં તેમના જીવનને જોખમ છે.
તેઓ કહે છે કે ન્યૂઝીલૅન્ડ તેના પાડોશી દેશ ઑસ્ટ્રેલિયા સાથે સંકલન કરીને કામ કરે છે, એટલે ઑસ્ટ્રેલિયા પણ તેમને ટ્રાન્ઝિટની મંજૂરી આપવા તૈયાર નહીં થાય. ફ્રાન્સ અને અમેરિકા પણ કદાચ આવા જ નિષ્કર્ષ પર પહોંચશે.
"ત્યાંથી નીકળવા માટે તેમને કોઈ ને કોઈ દેશમાંથી પસાર થવું જ પડશે અને કોઈ પણ દેશ આ જોખમ લેવા માગશે નહીં."
ઇમિગ્રેશન ન્યૂઝીલૅન્ડે બીબીસીને જણાવ્યું કે તેને રણસિંઘા તરફથી ટ્રાન્ઝિટ વિઝા માટે અનેક અરજીઓ મળી હતી, પરંતુ બધી નકારી કાઢવામાં આવી હતી, "કારણ કે અમને સંતોષ નહોતો કે તેમનો ખરેખર ન્યૂઝીલૅન્ડમાંથી માત્ર ટ્રાન્ઝિટ કરવાનો ઇરાદો છે."
તેમને પૂછવામાં આવ્યું કે રણસિંઘાએ હાથકડી પહેરીને અને સુરક્ષા કર્મચારીઓની દેખરેખ હેઠળ મુસાફરી કરવાની તૈયારી દર્શાવી હોવા છતાં તેમને ટ્રાન્ઝિટ વિઝા કેમ આપી શકાય નહીં, ત્યારે ઇમિગ્રેશન મંત્રીની કચેરીના એક પ્રતિનિધિએ જણાવ્યું કે આવાં પગલાં કોઈ વ્યક્તિને આશ્રય માટે અરજી કરતાં રોકી શકતાં નથી.
ઑસ્ટ્રેલિયાના ગૃહ વિભાગે જણાવ્યું કે તે વ્યક્તિગત કેસો પર ટિપ્પણી નહીં કરે. વિભાગે કહ્યું કે ઑસ્ટ્રેલિયા આવનારા તમામ બિનનાગરિકોએ "માઇગ્રેશન ઍક્ટ 1958 (ધ ઍક્ટ) અને માઇગ્રેશન રેગ્યુલેશન્સ 1994ની આવશ્યકતાઓ પૂર્ણ કરવી જરૂરી છે."
આ દરમિયાન રણસિંઘાનો પરિવાર શ્રીલંકાની સરકાર કોઈ મદદ કરી શકે છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમના ભાઈ કહે છે કે તેમણે "શક્ય હોય તે તમામ રસ્તા અજમાવ્યા છે, પરંતુ અત્યાર સુધી અમે ક્યાંય પહોંચી શક્યા નથી."
શ્રીલંકાના વિદેશ મંત્રાલયે બીબીસીને જણાવ્યું કે તે "કુક ટાપુઓથી શ્રીલંકા પરત ફરવામાં તેમને મદદ કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે. ન્યૂઝીલૅન્ડના વેલિંગ્ટનમાં આવેલી શ્રીલંકાની હાઈ કમિશનના અધિકારીઓ તેમજ ન્યૂઝીલૅન્ડના સંબંધિત અધિકારીઓ આ બાબતે વિદેશ મંત્રાલય સાથે નજીકથી કામ કરી રહ્યા છે."
પરંતુ રણસિંઘાના ભાઈ ખૂબ જ ચિંતિત છે. તેઓ બીબીસી સિંહાલાને કહે છે, "તેમની માનસિક સ્થિતિ સારી નથી."
"એક વખત અમારી વાત થઈ, ત્યારે તેમણે મને કહ્યું હતું કે તેઓ મને જીવતી ઘરે પાછી લાવવા તૈયાર ન હોય, તો કદાચ ઓછામાં ઓછું મારા મૃતદેહને તો વતન પરત મોકલશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























