ગુજરાતના દુષ્કાળ વખતે ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ જ્યારે વેશ બદલીને ગામડાં ખૂંદ્યાં અને રાહતકામ કર્યું

ઇમેજ સ્રોત, karsanbhai rajput
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
ઈ.સ 2000ના ભીષણ દુકાળ વચ્ચે બનાસકાંઠાના સરહદી રણપ્રદેશોમાં દુષ્કાળ રાહતનાં કામો પૂરજોશમાં ચાલી રહ્યાં હતાં તેવે વખતે ચુનીકાકા (ચુનીભાઈ વૈદ્ય)નો સંદેશો આવ્યો કે, "કાલે આબુરોડ સ્ટેશનેથી એક મહેમાનને લઈ રણપ્રદેશના દુકાળિયા ગામમાં મોકલી આપો. આ મહેમાન દુષ્કાળની તીવ્રતાનો જાતઅનુભવ મેળવવા આવી રહ્યા છે. તેમની કોઈ વિશેષ સગવડ કરવાની નથી. માત્ર તે ઇચ્છે તેટલી મદદ કરજો. અને હા, એ પણ ધ્યાન રહે કે આ મુલાકાત સાવ ગોપનીય રહે. મહેમાનનું નામ ગોપાલભાઈ છે."
આ વાત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દાયકાથી સેવાકાર્ય કરનાર સંવેદના ટ્રસ્ટના સ્થાપક હસમુખ બાબુભાઈ પટેલે પોતાના એક લેખમાં કરી છે.
આ એ જ હસમુખ પટેલ કે જેમને તેમના રચનાત્મક કાર્ય માટે 2025નો જમનાલાલ બજાજ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
હસમુખ પટેલ લખે છે, ચુનીકાકાએ ગોપાલભાઈ વિશે વધારે ફોડ પાડ્યો નહોતો.
આ મહેમાન એટલું બીજું કોઈ નહીં, પણ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્ર (દેવદાસ ગાંધીના પુત્ર) એવા ગોપાલકૃષ્ણ ગાંધી હતા.
એક ઝાડ નીચે ગોપાલકૃષ્ણ ગાંધીનો ઉતારો

ઇમેજ સ્રોત, karsanbhai rajput
હસમુખ પટેલ લખે છે, "છેવટે મન મનાવ્યું કે ઉત્તર ભારત બાજુના કોઈ સર્વોદય કાર્યકર હશે. અને એ રીતે આબુરોડ સ્ટેશનેથી ગોપાલભાઈને લઈને એક ઠાઠિયા જીપમાં રવાના થયા. પાક્કો ધખધખતો ઉનાળો. તેમાંય જીપ સાવ જ ઠાઠિયું. દર પંદર મિનિટે રેડિયેટરમાં પાણી નાખી જીપને ટાઢી રાખવી પડે. બપોરે એક વાગ્યે બળતી બપોરે પાકિસ્તાન સરહદ પરના રણની કાંધીને અડીને આવેલા ભારતના છેલ્લા ગામ કુંડાળિયા પહોંચ્યા તે વચ્ચેના ચાર કલાકના પ્રવાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ ગોપાલભાઈ એટલે બીજું કોઈ નહીં પણ ભારતીય વિદેશ સેવાના અધિકારી અને રાષ્ટ્રપતિના સચિવ તથા મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી છે."
ગોપાલકૃષ્ણ ગાંધીએ એ સમયે કુંડાળિયાના સંકટ નિવારણ સોસાયટી સહાયિત ઢોરવાડાના એકમાત્ર વખડાના ઝાડ નીચે રોકાણ કર્યું હતું.
નક્કી થયા પ્રમાણે આ વાતની કોઈને કશી વિશેષ જાણ કરાઈ ન હતી. પણ હસમુખભાઈએ ગામના સરપંચ અને તેમના મિત્ર કરસનભાઈને એટલું કહ્યું હતું કે "આ મારા અંગત મિત્ર છે અને બહુ મોટા માણસ છે. દુષ્કાળની અંગત અનુભૂતિ માટે આવ્યા છે એટલે તેમની દેખરેખ રાખજો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગોપાલકૃષ્ણ ગાંધી ત્યારે રાષ્ટ્રપતિના સચિવ હતા

ઇમેજ સ્રોત, Aleph Book Company
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગોપાલકૃષ્ણ ગાંધીએ તેમના 'ધ અનડાઇંગ લાઇટ' પુસ્તકમાં ગુજરાતની આ મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે.
તેઓ લખે છે, "એપ્રિલ, 2000માં દેશ એક કુદરતી આપત્તિની ઝપટમાં આવ્યો હતો, એટલે કે રાજસ્થાન અને ગુજરાતમાં ભીષણ દુકાળ પડ્યો હતો. પીવાનાં પાણી અને ઘાસચારાની અભૂતપૂર્વ અછતે સૌરાષ્ટ્રને પોતાની ઝપટમાં લઈ લીધું હતું. નાનાં ઝરણાં સુકાઈ ગયાં હતાં, કૂવા કોરા પડી ગયા હતા, તપી ગયેલાં તળાવોની જમીનમાં તિરાડો પડી ગઈ હતી."
"તે સમયે આઇએએસ અધિકારીઓનો પગાર ઓછો હતો અને અમારા માટે કોઈ નોંધપાત્ર રકમનું દાન આપવું શક્ય નહોતું. પરંતુ તપતા આકાશ હેઠળ ઝઝૂમી રહેલાં 4,000 ગામો અને આશરે 125 શહેરો વિશેના અહેવાલો વાંચ્યા પછીની મારી હકીકત એ હતી કે હું સતત પાણીના પુરવઠાની નિશ્ચિત સુવિધાઓ વચ્ચે આરામથી રહેતો હતો, મારા રહેઠાણ રાષ્ટ્રપતિ ભવનમાં પાણીના ફુવારા અવિરત ચાલી રહ્યા હતા. પણ મારા અંતરમાં ક્યાંક ઊંડે સુધી કંઈક ખૂંચ્યું."
"મેં વિચાર્યું, કદાચ મારે ચુપચાપ ખાનગી રીતે સૌરાષ્ટ્ર જવું જોઈએ અને ત્યાંની પીડાનો અનુભવ કરવો જોઈએ. આખરે, તે મારા પૂર્વજોની ધરતી છે."
ગોપાલકૃષ્ણ ગાંધી લખે છે કે, જોકે તારા (ગોપાલકૃષ્ણ ગાંધીનાં પત્ની)ને આ વિચાર ખાસ ગમ્યો નહોતો. તેને આ વિચાર આવેશપૂર્ણ અને કદાચ આત્મસંતોષ આપનારો લાગ્યો. તે સમજદાર છે. પરંતુ હું આ વિચાર છોડી શક્યો નહીં.
આ સમય દરમિયાન ગોપાલકૃષ્ણ ગાંધી ભારતના રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનના સચિવ હતા. તેમને રાષ્ટ્રપતિએ એક અઠવાડિયા માટે જવાની મંજૂરી આપી હતી.
તેઓ લખે છે, "હું મે મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કુંડાળિયા ગામ તરફ રવાના થયો. તે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલું હતું."
29 નંબરની ટુકડીમાં રાહતકાર્યમાં જોડાયા

ઇમેજ સ્રોત, karsanbhai rajput
સામાન્ય રીતે જ્યારે દુકાળ પડે ત્યારે તળાવો કે કૂવાઓ ખોદવાનું કામ થતું હોય છે અને સરકારી ધોરણે બધી પ્રક્રિયા ચાલતી હોય છે.
ગોપાલકૃષ્ણ ગાંધીને પણ એ માણસો સાથે કામ કરવાનું હતું, જેઓ દુકાળ રાહતનાં કામોમાં જોડાયેલા હતા. એટલે કે ચોકડીઓ ખોદવાની હતી, પાળા બાંધવાના હતા. ટૂંકમાં માટીકામ કરવાનું હતું.
ગોપાલકૃષ્ણ ગાંધી લખે છે, "આ માટે ફાળવવામાં આવેલી ચોકડીઓ ખોદવાની હતી, અને દરેક ચોકડી પુરુષો, મહિલાઓ તથા કેટલાક "મોટાં થઈ ગયેલાં" બાળકોના એક જૂથને સોંપવામાં આવી હતી. હું આવી જ એક 29 નંબરની ટુકડીમાં હતો."
તેઓ એ વાતને સંભારે છે, "જે વ્યક્તિએ અગાઉ ક્યારેય આવું કામ ન કર્યું હોય તેના માટે માટીના તગારા માથે ઊંચકવાનું કામ અત્યંત કષ્ટદાયક હતું. અને આવું કરતાં વખતે કોઈ થાક કે તકલીફ અનુભવાતી નથી એવો દેખાવ કરવો તો તેનાથી પણ વધુ મુશ્કેલ હતું. આવા સ્થળે જે ભાઈચારો અને સહભાગિતાની ભાવના અનુભવાય છે, તેની કલ્પના પણ કોઈ ઑફિસના ટેબલ પાછળ બેઠેલા શહેરી માણસ માટે કરવી મુશ્કેલ છે."
'ગામલોકો સાથે સાદું ભોજન લેતા, જાતે ડોલ લઈને પાણી ભરવા જતા'

ઇમેજ સ્રોત, Getty Images
કરસનભાઈને જ ગોપાલકૃષ્ણ ગાંધીની દેખરેખ રાખવાની જવાબદારી સોંપાઈ હતી અને તેઓ તેમની સાથે રહ્યા હતા.
કુંડાળિયા ગામની વસ્તી વર્ષ 2000માં 3,000 જેટલી વસ્તી હતી. એ સમયે કરસનભાઈ કુંભાભાઈ રાજપૂત ગામના સરપંચ હતા.
કરસનભાઈ કુંભાભાઈ રાજપૂતની ઉંમર હાલમાં 62 વર્ષ છે. તેઓ 1995થી 2000, 2000થી 2005 અને 2012થી 2017 સુધી સરપંચ તરીકે રહી ચૂક્યા છે.
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "મને હસમુખભાઈ પટેલે ખાલી એટલું કહ્યું હતું કે 'આ મોટી હસ્તી છે.' લોકોને તો ખ્યાલ જ નહોતો કે આ કોણ છે. એ તબક્કે તો એમને (ગોપાલકૃષ્ણ ગાંધી) જોઈને લોકોને એવું લાગતું કે આ કોઈ 'જાસૂસ' લાગે છે. પણ મેં તેમને સમજાવ્યા હતા અને આશ્વાસન પણ આપ્યું હતું."
એ સમયે દુકાળની પરિસ્થિતિ વર્ણવતાં તેઓ કહે છે, "ઢોર માટે ઘાસચારો નહોતો અને માણસોને ખાવા માટે અન્નનો દાણો પણ નહોતો. ગામમાંથી ચાર-પાંચ કિલોમીટર દૂર રણમાં અછતકામ, માટીકામ ચાલતું હતું. મને સાથે લઈને જતા અને અમે ચાલતા જતા હતા."
"તેઓ સામાન્ય લોકોની જેમ કામ કરતા હતા. લોકો જે સાદું ભોજન લેતા હોય એ જ તેઓ ખાતા, કોઈ વિશેષ જમવાનું બનાવવાનું કહીએ તો કહેતા કે 'તમે જે ખાવ છો એ જ મને આપો.' એટલું જ નહીં, પાણીની ડોલ લઈને જાતે ટાંકીએ ભરવા જતા હતા."
'ચોકડી અઘરી નથી, અમારી કિસ્મત અઘરી છે'
ગોપાલકૃષ્ણ ગાંધીને આ દરમિયાન ગામલોકો 'બાપુ' કહીને સંબોધવા લાગ્યા હતા.
તેઓ કહે છે કે "કુંડાળિયા આવ્યાના બીજા જ દિવસે લોકો મને પિતા માટે વપરાતું ગુજરાતી સંબોધન 'બાપુ' કહીને બોલાવવા લાગ્યા. બે દિવસથી દાઢી ન કરવાને કારણે મારી દાઢી વધી ગઈ હતી અને હું એ પિતૃત્વભર્યા સંબોધનને યોગ્ય લાગું એટલો ઉંમરવાન દેખાતો હતો."
"ગામલોકોને હું ગમી ગયો અને મને પણ તેઓ ગમી ગયા. ઝાડ નીચે સૂવું, ઝાડીની પાછળ ખુલ્લામાં કુદરતી હાજત માટે જવું અને હેન્ડપંપ પાસે સ્નાન કરવું, આ બધું મારા મહાનગરીય સુખસગવડભર્યા દૈનિક જીવનથી માત્ર નાના ફેરફારો જ હતા."
એક દિવસ મેં કઠિન જમીનના ટુકડા પર કામ કરતી કેટલીક મહિલાઓને પૂછ્યું, "આ ચોકડીમાં કામ કરવું બહુ અઘરું નથી શું?"
તેમાથી એક મહિલાએ જવાબ આપ્યો, "ના, બાપુ, ચોકડી અઘરી નથી, અમારી કિસ્મત અઘરી છે."
એક વડીલે મને કહ્યું, "આ જીવન તો અમારા માટે ઉપરવાળાએ લખી આપ્યું છે."
'આજે પણ હું તેમની છબિ સામે દીવાબત્તી કરું છું'

ઇમેજ સ્રોત, karsanbhai rajput
હસમુખ પટેલ લખે છે કે છેવાડાના ગામે દુકાળપીડિત માનવબંધુઓની વેદનાઓ અને પીડાઓનો સાક્ષાત્કાર કરી તેમાં અંતરથી સહભાગી થવાનો એકમાત્ર એજન્ડા ગોપાલભાઈની યાત્રાનો હતો. તંત્રની ભૂલોનાં છીંડાં શોધવાનો લેશમાત્ર ઈરાદો તેમની આ અંતરયાત્રા સાથે નહોતો.
હસમુખ પટેલ લખે છે, "સાત વર્ષ બાદ 2007માં એક વહેલી સવારે કુંડાળિયા સરપંચ કરસનભાઈના આંગણામાં બેઠો હતો ત્યારે કરસનભાઈ તેમની ઓસરીમાં ભીંત પર ટીંગાડેલા કેટલાક ફોટાને ચાંલ્લા કરી અગરબત્તી કરતા હતા તેમાં એક પાઘડીધારી ફોટાને પણ ચાંલ્લો કરી પૂજા કરી. પહેલાં તો મેં માન્યું કે વીરપુરના જલારામબાપાનો ફોટો હશે. પણ ધારીને જોયું તો પરિચિત ચહેરો લાગ્યો."
"કરસનભાઈને પૂછયું તો જાણવા મળ્યું કે ગોપાલભાઈના કુંડાળિયા નિવાસ દરમ્યાન જ ગામઠી લિબાશમાં પાડેલો એકમાત્ર ફોટો તેમણે મોટો કરાવી ચઢાવીને ભગવાનના ફોટાની સાથે લગાવ્યો છે."
બીબીસી સાથેની વાતચીતમાં કરસનભાઈ રાજપૂત કહે છે, "મેં ફોટો પણ માંડમાંડ લીધો હતો. મેં યાદગારી માટે રાખી લીધો હતો. એ દિવસથી માંડીને આજ સુધી હું દરરોજ ઘરે તેમની છબિ સામે દીવાબત્તી કરું છું."
ગોપાલકૃષ્ણ ગાંધી પોતાની સાથે એક નાનકડા થેલામાં બે જોડી કપડાં લઈને આવેલા. તેમની આ મુલાકાત દરમિયાન જુદાં જુદાં ગામોમાંથી ગોપાલભાઈને રોટલા-પાણીનાં નોંતરાં મળતાં. ગોપાલકૃષ્ણ ગાંધી ચારેય દિવસ કરસનભાઈ સાથે ઉમેદપુરા, ગોલપ, નેસડા અને લોદ્રાણી ગામોના મહેમાન થયા.
કુલ મળીને ચાર દિવસ ગોપાલકૃષ્ણ ગાંધી કુંડાળિયાના એ ઝાડ નીચે રોકાયા.
કરસનભાઈ કહે છે, "તેઓ વખડાના ઝાડની ડાળખીઓ લઈ ગયા હતા, અમારો પહેરવેશ પણ સિવડાવીને લઈ ગયા હતા."
ગોપાલકૃષ્ણ ગાંધી લખે છે, "કુંડાળિયાની મારી મુલાકાત મૂળભૂત રીતે એક આત્મસંતોષ આપતો વ્યક્તિગત અનુભવ હતો, જે ગામના આતિથ્ય અને સમય પર આધારિત હતો. આ અનુભવથી હું તો સમૃદ્ધ બન્યો, પરંતુ ગામ કદાચ તેના સમય, ધ્યાન અને મને ભોજન કરાવવાના ખર્ચને કારણે થોડું વધુ ગરીબ બન્યું. બદલામાં મેં જે આપ્યું તે અત્યંત નગણ્ય હતું."
"મને વિશ્વાસ છે કે મેં ત્યાંથી વિદાય લીધી ત્યાર પછી ગામે તેના આ વિચિત્ર મહેમાનને ખૂબ જ ઝડપથી ભુલાવી દીધો હશે."
ગોપાલકૃષ્ણ ગાંધી કોણ છે?

ગોપાલકૃષ્ણ ગાંધીનો જન્મ 22 એપ્રિલ, 1945માં થયો છે.
ગોપાલકૃષ્ણ ગાંધીએ દિલ્હીની સેંટ સ્ટીફન્સ કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક પદવી મેળવી હતી.
વર્ષ 1968માં આઇએએસ બન્યા બાદ તામિલનાડુ સરકારમાં વિવિધ વહીવટી હોદ્દા પર સેવાઓ આપી હતી. તેમજ 1985થી કેન્દ્ર સરકારમાં વહીવટી સેવાઓ આપી. તેઓ ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ આર. વેંકટરામનના સચિવ અને 1987થી ભારતના રાષ્ટ્રપ્રમુખ આર. વેંકટરામનના સંયુક્ત સચિવ તરીકે ફરજો બજાવતા હતા.
1992માં તેમણે ભારતીય વહીવટી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.
તેમજ તેમણે દક્ષિણ આફ્રિકા, લેસોથો અને શ્રીલંકામાં હાઈકમિશનર તરીકે તેમજ નૉર્વે તથા આઇસલૅન્ડમાં તેમણે ભારતના રાજદૂત તરીકે ફરજો બજાવી હતી.
તેઓ 2004થી 2009 સુધી પશ્ચિમ બંગાળ રાજ્યના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























