અમદાવાદ પ્લેન ક્રૅશ બાદ ચર્ચામાં આવેલી બૉઇંગ 787ની 'ફ્યૂઅલ સ્વિચ' વિશે સરકારે સંસદને શું જણાવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે લંડન-બૅંગ્લુરુ ફ્લાઇટ ચલાવતા પહેલાં એક પાઇલટે શંકાસ્પદ ખામીની જાણ કર્યા બાદ આ વર્ષની શરૂઆતમાં ગ્રાઉન્ડેડ કરાયેલા ઍર ઇન્ડિયાનાં બૉઇંગ 787ની ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચના નિરીક્ષણમાં કોઈ 'ખામી' જોવા મળી નથી.
કેન્દ્ર સરકારે સંસદમાં એક નિવેદનમાં જણાવ્યું છે કે વિમાનની ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચની લૉકિંગ વ્યવસ્થામાં કોઈ 'ગરબડ' જણાઈ આવી નથી.
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે "સિએટલમાં ઑરિજિનલ ઇક્વિપમેન્ટ મૅન્યુફૅક્ચરર (OEM)ની સુવિધામાં કરવામાં આવેલા નિરીક્ષણમાં ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચમાં કોઈ ખામી જોવા મળી નથી."
ફ્યૂઅલ સ્વિચની ચર્ચા અમદાવાદથી લંડન જઈ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટના અકસ્માત બાદ શરૂ થઈ હતી. જે અમદાવાદમાં AI 171 ક્રૅશ પછી તપાસ હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં વિમાન દુર્ઘટનાઓની તપાસ કરતી એજન્સી ઍરક્રાફ્ટ ઍક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) અમદાવાદ ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે 12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતું વિમાન બૉઇંગ 787 ડ્રીમલાઇનર ક્રૅશ થયું તેની પાછળનાં ચોક્કસ કારણો ઘણી અટકળોનો વિષય રહ્યાં છે.
આ ઍરપ્લેન ક્રૅશમાં 260 લોકો માર્યા ગયા હતા.
ત્યારે ભારત સરકારે જણાવ્યું છે કે બૉઇંગ દ્વારા હાથ ધરવામાં આવેલી વિગતવાર તપાસમાં જાણવા મળ્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં લંડન-બૅંગ્લુરુ ફ્લાઇટમાં ઍર ઇન્ડિયા બૉઇંગ 787ની ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચમાં કોઈ 'સમસ્યા' નહોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
સોમવારે સંસદમાં એક લેખિત પ્રશ્નના જવાબમાં ડેપ્યુટી સિવિલ ઍવિએશન મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે બૉઇંગ સર્વિસ સેન્ટરમાં તેના સંપૂર્ણ થ્રસ્ટ કંટ્રોલ મૉડ્યુલનું આગળનું નિરીક્ષણ ચાલી રહ્યું છે.
આ ઘટનાએ બૉઇંગની સ્વિચ પર ફરીથી ચર્ચા જગાવી હતી.
જોકે, સંસદમાં આપવામાં આવેલો આ જવાબ 1 ફેબ્રુઆરી, 2026ના રોજ લંડનથી બૅંગ્લુરુ જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ 132 સાથે સંબંધિત છે. આ ફ્લાઇટ પ્રસ્થાન થાય તે પહેલાં પાઇલટે અહેવાલ આપ્યો હતો કે વિમાનના ડાબા ઍન્જિનની ફ્યૂઅલ સ્વિચ 'RUN'ની સ્થિતિમાં સકારાત્મક બંધ થઈ નહોતી.
સરકારના જણાવ્યા પ્રમાણે, ત્યાર પછી જે પ્રયાસ કરવામાં આવ્યો તેમાં આ સ્વિચ યોગ્ય રીતે બંધ થઈ હતી. જેના બાદ ફ્લાઇટ બૅંગ્લુરુ માટે રવાના થઈ હતી. પરંતુ પછી ઍર ઇન્ડિયાએ આ ફ્લાઇટ વધુ તપાસ માટે ગ્રાઉન્ડેડ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ઍર ઇન્ડિયાની ક્રૅશ થયેલી ફ્લાઇટની તપાસમાં ફ્યૂઅલ સ્વિચો જ્યારે કેન્દ્રમાં છે ત્યારે સરકારનો આ પ્રતિભાવ મહત્ત્વનો બની જાય છે.
ફ્યૂઅલ સ્વિચ પર અમદાવાદ પ્લેન ક્રૅશનો પ્રાથમિક રિપોર્ટ શું કહે છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદમાં ઍર ઇન્ડિયાના પ્લેન ક્રૅશ થવાની દુર્ઘટના મામલે ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ તેનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરી દીધો હતો.
આ રિપોર્ટ પ્રમાણે વિમાનની બંને ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચ, વિમાનના ટેક ઑફ થતાંની સાથે જ કટ ઑફ પોઝિશનમાં જતી રહી હતી.
કૉકપિટના વૉઇસ રેકૉર્ડિંગમાં એક પાઇલટ બીજા પાઇલટને પૂછી રહ્યા છે કે, "વ્હાય ડિડ યુ કટ ઑફ?" એટલે કે તમે (ફ્યૂઅલ સ્વિચ) કેમ બંધ કરી દીધું?
રિપોર્ટમાં જણાવાયું છે કે બંને ઍન્જિનની ફ્યૂઅલ કટ ઑફ સ્વિચ વિલંબ પછી બંધ થઈ ગઈ હતી.
રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, "ઍરક્રાફ્ટે મહત્તમ 180 નૉટ્સ આઇએએસની સ્પીડ હાંસલ કરી હતી અને એ પછી તરત જ બંને ઍન્જિનની ફ્યૂઅલ કટ ઑફ સ્વિચ એ RUN મોડમાંથી કટ ઑફ પોઝિશનમાં ચાલી ગઈ હતી. બંને ઍન્જિનની સ્વિચ કટ ઑફ થઈ એ વચ્ચેનો સમયગાળો એક સેકન્ડનો હતો."
"ઍન્જિન N1 અને N2 ધીમેધીમે તેમની ટેક ઑફ વૅલ્યૂઝથી નીચે આવવાં લાગ્યાં હતાં કારણ કે ઍન્જિન સુધી ઇંધણનો પુરવઠો બંધ થઈ ગયો હતો."
રિપોર્ટ પ્રમાણે, "કૉકપિટના વૉઇસ રેકૉર્ડિંગમાં એક પાઇલટ બીજા પાઇલટને પૂછે છે કે તમે કેમ કટ ઑફ કર્યું? બીજો પાઇલટ જવાબ આપે છે કે તેણે નથી કર્યું."
રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી કે તેમાં કયો અવાજ કયા પાઇલટનો છે.
અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ વિશે એએઆઈબીએ હવે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
એઆઈઆઈબીને ઇન્ટરનૅશનલ ઍવિએશન નિયમો અનુસાર પ્લેન ક્રૅશની વરસી પર એક અપડેટ આપવાનું હતું.
જૂન 2026માં આઘટનાને એક વર્ષ થયું ત્યારે ઍર ઇન્ડિયા ક્રૅશમાં 260 લોકોનાં મોતનાં કારણોની તપાસ કરી રહેલા તપાસકર્તાઓનું કહેવું હતું કે તેઓ હાલ ફાઇનલ રિપોર્ટ જાહેર કરે તે માટે તૈયાર નથી.
ભારતમાં વિમાન દુર્ઘટનાઓની તપાસ કરતી એજન્સી ઍરક્રાફ્ટ ઍક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) અમદાવાદ ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહી હતી.
ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઈબી)એ જૂન 2026માં એક દુર્ઘટનાને એક વર્ષ થયું ત્યારે એક અપડેટ બહાર પાડ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે વિમાન દુર્ઘટના સંબંધિત પુરાવાઓના વિશ્લેષણમાં કેટલીક "નોંધપાત્ર પ્રગતિ" થઈ છે પરંતુ તપાસ પ્રક્રિયા હજુ ચાલુ છે.
આ અપડેટમાં કેટલીક વિગતો આપવામાં આવી હતી જેમાં ફાઇનલ રિપોર્ટ ક્યારે જાહેર થઈ શકે તે બાબત પણ સામેલ હતી.
એએઆઈબીએ તેના જૂનના નિવેદનમાં જણાવ્યું હતું, "છેલ્લા એક વર્ષમાં તપાસ ટીમે અકસ્માત સાથે સંકળાયેલાં તમામ સંબંધિત ટૅક્નિકલ, ઑપરેશનલ, ઑર્ગેનાઇઝેશનલ અને હ્યુમન ફૅક્ટર્સની ઊંડી તપાસ કરી છે."
"ઍરક્રાફ્ટ સિસ્ટમ્સ, ફ્લાઇટ રેકૉર્ડર ડેટા, ઍન્જિન સાથે જોડાયેલા પાર્ટસ, મેન્ટેનેન્સ ઍન્ડ ઑપરેશનલ રેકૉર્ડ્સ અને તપાસ સાથે સંબંધિત અન્ય પુરાવાઓના વિશ્લેષણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે."
એએઆઈબી ત્યારે કહ્યું હતું, "બધી તપાસ પ્રક્રિયાઓ અને જરૂરી આંતરરાષ્ટ્રીય રિવ્યૂ અને પરામર્શ પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી જ અંતિમ અહેવાલ જાહેર કરવામાં આવશે."
બીજે મેડિકલ કૉલેજની હૉસ્ટેલ પર ક્રૅશ થયું હતું વિમાન

ઇમેજ સ્રોત, Getty Images
2025ની 12મી જૂને અમદાવાદથી લંડન ગેટવિક જનારી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 ઍરપૉર્ટથી ઉડાણ ભર્યા બાદ એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં બી જે મેડિકલ કૉલેજના કૅમ્પસમાં આવેલી હૉસ્ટેલની ઇમારત પર ક્રૅશ થઈ ગઈ હતી.
આ ફ્લાઇટ બૉઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં અમદાવાદથી લંડનના ગૅટવિક ઍરપૉર્ટ તરફ જઈ રહી હતી.
આ વિમાનના મુખ્ય પાઇલટ કૅપ્ટન સુમિત સભરવાલ અને તેમની સાથે ફર્સ્ટ ઑફિસર તરીકે ક્લાઇવ કુંદર હતા. બંને પાઇલટ મુંબઈના હતા. તેઓ એક દિવસ પહેલાં અમદાવાદ પહોંચ્યા હતા.
જે પાઇલટે દુર્ઘટના પહેલાં ઍર ટ્રાફિક કંટ્રોલને 'મેડે મેડે મેડે' સંકેત આપ્યો હતો, ત્યારબાદ તે મેડિકલ કૉલેજ અને સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોની હૉસ્ટેલ તરીકે ઉપયોગમાં લેવાતી ઇમારત સાથે અથડાયું હતું.
જેમાં વિમાનમાં બેઠેલા 241 મુસાફરો, પાઇલટ અને ક્રૂ મેમ્બર્સ અને જમીન પર રહેલા 19 જેટલી વ્યક્તિઓ સહિત કુલ 260 લોકો મૃત્યુ પામ્યા હતા અને એક બ્રિટિશ નાગરિકનો ચમત્કારિક બચાવ થયો હતો.
વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 7 પોર્ટુગીઝ નાગરિકો, 1 કૅનેડિયન અને 12 ક્રૂ સભ્યો સવાર હતા.
ઍર ઇન્ડિયાની એ ફ્લાઇટમાં લંડન જઈ રહેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું પણ આ ક્રૅશમાં મૃત્યુ થયું હતું.
ઍર ઇન્ડિયા ક્રૅશના એક મહિના પછી પ્રાથમિક તપાસમાં શું જાણવા મળ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
વિમાન દુર્ઘટનાઓની તપાસ માટે નિર્ધારિત થયેલા આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર દુર્ઘટનાનાં એક મહિના બાદ પ્રાથમિક તપાસનો રિપોર્ટ આપવાનો હોય છે. આ ઉપરાંત દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં તપાસનો વિગતવાર ફાઇનલ રિપોર્ટ આપવાનો રહે છે.
જો તપાસ એક વર્ષમાં પૂર્ણ ન થઈ શકે તેમ હોય તો જ્યાં સુધી અંતિમ રિપોર્ટ તૈયાર ન થાય ત્યાં સુધી એ દુર્ઘટના થવાની તારીખ સુધીમાં દર વર્ષે એ તપાસનો રિપોર્ટ જાહેર કરવાનો હોય છે.
એએઆઈબી દ્વારા આ દુર્ઘટનાના એક મહિના બાદ પ્રારંભિક તપાસનો રિપોર્ટ 12 જુલાઈ 2025ના દિવસે જાહેર કરવામાં આવ્યો હતો.
એ રિપોર્ટમાં વિમાનના બંને પાઇલટો વચ્ચે થયેલી વાતચીત પણ સામે આવી હતી. એ વાતચીત કૉકપિટ વૉઇસ રેકૉર્ડર દ્વારા થયેલા રેકૉર્ડિંગમાંથી મેળવવામાં આવી હતી.
આ વાતચીત દરમિયાન બંને પાઇલટો શું વાતચીત કરી રહ્યા હતા તે રિપોર્ટમાં વિગતવાર બતાવવામાં આવ્યું હતું.
દુર્ઘટનાનો ભોગ બનેલા ઍર ઇન્ડિયાના વિમાનના એન્જિનનો ઇંધણનો પુરવઠો (ફ્યુઅલ સપ્લાય) ટેક-ઑફ (ઉડાણ ભર્યા)ની થોડી જ ક્ષણો બાદ બંધ થઈ ગયો હતો, તેવું એક પ્રાથમિક તપાસ અહેવાલમાં બહાર આવ્યું હતું.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દુર્ઘટના સ્થળેથી શોધી કાઢવામાં આવેલા કૉકપિટ વૉઇસ રેકૉર્ડિંગમાં, એક પાઇલટને એમ પૂછતા સાંભળી શકાય છે કે તમે કેમ બંધ કરી દીધું? - જેના જવાબમાં બીજા પાઇલટે જવાબ આપ્યો હતો કે તેમણે એવું (બંધ) કર્યું નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























