'એક હજાર વર્ષમાં પેદા થયેલો એવો પ્રથમ ભારતીય શાસક જેણે અફઘાનો પર વળતો હુમલો કર્યો', રણજિતસિંહની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વકાર મુસ્તફા
- પદ, પત્રકાર અને શોધકર્તા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
6 જુલાઈ, 1799ના રોજ 18 વર્ષના રણજિતસિંહ કેટલાક ખાસ લોકોના પત્રો લઈને લાહોર તરફ જઈ રહ્યા હતા. તે સમયે કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ જ યુવક થોડાં વર્ષો પછી એવા સામ્રાજ્યનો શાસક બનશે, જેની રાજધાની લાહોર હશે અને જે કાશ્મીરથી થારના રણ સુધી તથા ખૈબરથી સતલજ નદી સુધી વિસ્તરેલું હશે.
રણજિતસિંહનો જન્મ 13 નવેમ્બર, 1780ના રોજ લાહોર શહેરની ઉત્તરે આવેલા ગુજરાંવાલામાં થયો હતો.
મુઘલ સામ્રાજ્યના પતન સાથે જ અલગ-અલગ સ્થાનિક અને પ્રાદેશિક સત્તાઓનું વર્ચસ્વ વધવા લાગ્યું. એ સમયગાળામાં પંજાબમાં પણ 14 નાનાં રજવાડાં સ્થાપિત થયાં હતાં.
આમાંથી 12 પર શીખોનું શાસન હતું. તેમને મિસલ કહેવામાં આવતાં હતાં. આ મિસલોમાં રણજિતસિંહના પિતાનું 'સુકરચકિયા મિસલ' પણ સામેલ હતું. સુકરચકિયા મિસલના અધિકારક્ષેત્રમાં ગુજરાંવાલા શહેર અને તેની આસપાસનાં ગામો આવતાં હતાં.
1792માં જ્યારે રણજિતસિંહના પિતાનું અવસાન થયું ત્યારે તેમની ઉંમર માત્ર 12 વર્ષની હતી.
અલાબામા યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર મેથ્યુ લોકવુડના જણાવ્યા અનુસાર, "સુકરચકિયા કુળનો આ યુવાન વારસદાર કદમાં નાનો હતો, તેની ડાબી આંખમાં ખામી હતી અને તેના ચહેરા પર શીતળાના ડાઘ હતા. એવું લાગતું નહોતું કે તે એક મહાન સામ્રાજ્યની સ્થાપના કરનાર વ્યક્તિ તરીકે ઊભરી આવવાની કોઈ ખાસ ક્ષમતા ધરાવતો હોય."
'હિસ્ટરી એક્સ્ટ્રા'માં મેથ્યુ લખે છે કે, "જો રણજિતસિંહને તેમના જીવનમાં પ્રભાવશાળી મહિલા સગાંઓનું સંરક્ષણ ન મળ્યું હોત, તો શક્ય છે કે તેમના પિતાના અવસાન પછી તેમની સત્તા ખતમ થઈ ગઈ હોત."
મેથ્યુ લખે છે, "શરૂઆતમાં તેમનાં માતા રાજકોરે શાસનની વહીવટી કામગીરીમાં કાર્યકારી શાસક અને સલાહકાર તરીકે તેમને માર્ગદર્શન આપ્યું. 1796માં રણજિતસિંહે કન્હૈયા મિસલના સરદારનાં પુત્રી મહતાબકોર સાથે લગ્ન કર્યાં. તેમ છતાં તેમના જીવનમાં તેમની માતાની ભૂમિકા ચાલુ રહી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"1798માં તેમની માતાના અવસાન પછી રણજિતસિંહે તેમની સાસુ રાણી સદાકોર પાસેથી માર્ગદર્શન મેળવ્યું. તેઓ પોતે કન્હૈયા મિસલનાં શાસક હતાં અને તેમનામાં શીખ યોદ્ધાના તમામ ગુણો હતા."
આના એક વર્ષ પહેલાં રણજિતસિંહે અફઘાન દુર્રાની સામ્રાજ્યના શાસક ઝમાન શાહના હુમલાને નિષ્ફળ બનાવવા માટે સેનાનું નેતૃત્વ કર્યું હતું. 1798માં અફઘાનો સામે મળેલી જીતે પંજાબમાં એક અગ્રણી સૈન્ય કમાન્ડર તરીકેની તેમની વધતી ઓળખને વધુ મજબૂત બનાવી.
લાહોરના ત્રણ શાસકો કોણ હતા?

ઇમેજ સ્રોત, Getty Images
તે સમયે લાહોર પર લહનાસિંહ, ગુજરસિંહ અને સોભાસિંહ નામના ત્રણ શાસકોનું શાસન હતું.
સૈયદ મોહમ્મદ લતીફ તેમના પુસ્તક 'પંજાબનો ઇતિહાસ'માં લખે છે કે લાહોરના લોકો આ શાસકોના અત્યાચારોથી ત્રાસી ગયા હતા. તેમણે એક અરજી તૈયાર કરી હતી.
આ અરજી પર હકીમ હાકિમ રાય, મિયાં આશિક મોહમ્મદ, મિયાં મોહમ્મદ દીન, મોહમ્મદ બાકિર, મોહમ્મદ તાહિર, મુફ્તી મોહમ્મદ મુકર્રમ, મીર શાદી અને શહેરના અન્ય અગ્રણી નાગરિકોએ હસ્તાક્ષર કર્યા હતા.
રણજિતસિંહને લખેલા આ પત્રમાં તેમણે જણાવ્યું હતું કે લાહોરના ત્રણેય શાસકોને કારણે શહેરમાં ભારે અશાંતિ ફેલાઈ હતી.
તે પત્રમાં લખ્યું હતું, "શહેરની બહારના વિસ્તારો બરબાદ થઈ ગયા છે. શહેરની દીવાલોની અંદર પણ લગભગ અડધી વસ્તી પોતાનાં ઘર છોડીને જતી રહી છે અને ઘણી શેરીઓ તથા મહોલ્લાઓ ઉજ્જડ થઈ ગયા છે."
"શાસકો હંમેશાં દારૂ પીવા અને ભોગવિલાસમાં મગ્ન રહેવા ટેવાયેલા છે. પોતાના ભોગવિલાસના ખર્ચને પહોંચી વળવા તેઓ શહેરના લોકોને લૂંટે છે."
રણજિતસિંહને લાહોર આવવાનું આમંત્રણ કોણે આપ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સૈયદ મોહમ્મદ લતીફના જણાવ્યા અનુસાર, આ પરિસ્થિતિમાં લાહોરના લોકોએ સરદાર રણજિતસિંહને શહેરમાં આવીને વહીવટ સંભાળી લેવા આમંત્રણ આપ્યું હતું. આ હેતુથી એક પ્રતિનિધિમંડળ રસૂલનગર (રામનગર) પહોંચ્યું હતું, જ્યાં રણજિતસિંહ રહેતા હતા.
નાગરિકોએ રણજિતસિંહનાં સાસુ અને કન્હૈયા મિસલનાં શાસક સદાકોરને પણ પત્ર લખીને આ અભિયાનમાં સહકાર આપવા વિનંતી કરી હતી.
રણજિતસિંહે પોતાના પ્રતિનિધિ કાઝી અબ્દુર રહેમાનને લાહોર મોકલ્યા, જેથી તેઓ મિયાં આશિક મોહમ્મદ, મિયાં મોહમ્મદ દીન અને અન્ય પ્રભાવશાળી મુસ્લિમ નાગરિકો સાથે વાતચીત કરી શકે. પ્રારંભિક વાતચીતમાં એ સંમતિ સધાઈ કે રણજિતસિંહના શહેરમાં પ્રવેશ માટે એક દરવાજો ખોલવામાં આવશે.
ત્યાર પછી રણજિતસિંહે પોતાની સેના એકત્રિત કરી અને સદાકોરની સલાહ લેવા બટાલા પહોંચ્યા. સદાકરો પણ પોતાની સેના સાથે તેમને મળવા આવ્યાં. રણજિતસિંહના નેતૃત્વ હેઠળ સેના સૌથી પહેલાં અમૃતસર જવા રવાના થઈ. ત્યાંથી તે લાહોર તરફ આગળ વધી. તેમની સાથે લગભગ પાંચ હજાર સૈનિકો હતા. આ સૈનિકોમાં મોટી સંખ્યામાં એવા સૈનિકો હતા, જેઓ બીજી સેનાઓથી અલગ થઈને તેમની સાથે જોડાયા હતા.
સૈયદ મોહમ્મદ લતીફના જણાવ્યા અનુસાર, લાહોર પરના હુમલા દરમિયાન રણજિતસિંહે નવાબ વઝીર ખાનની બારાદરીમાં (હાલની પંજાબ પબ્લિક લાઇબ્રેરી) આરામ કર્યો હતો.
સૈયદ મોહમ્મદ લતીફના જણાવ્યા અનુસાર, રણજિતસિંહના આગમનના સમાચાર મળતાં જ લાહોરના ત્રણેય સરદારોએ શહેરનું રક્ષણ કરવાની તૈયારી કરી લીધી હતી. માત્ર દિલ્હી, લાહોરી અને રોશના દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા. બાકીના તમામ દરવાજા ઈંટોથી બંધ કરી દેવામાં આવ્યા હતા. મિયાં આશિક મોહમ્મદ અને મિયાં મહકુમુદ્દીને રણજિતસિંહને સંદેશો મોકલ્યો કે તેમના શાંતિપૂર્ણ પ્રવેશ માટે ખિઝરી અને યાકી દરવાજા વચ્ચેની દીવાલમાં એક તિરાડ પાડવામાં આવી છે. પરંતુ તેમણે આ દરખાસ્તને એક ષડ્યંત્ર સમજી અને નિયમિત દરવાજેથી જ વિજયી પ્રવેશ કરવાનો નિર્ણય લીધો.
"શરૂઆતમાં લગભગ 200 સૈનિકોને હરાવવામાં આવ્યા હતા. તેમાંના પાંચનાં મોત થયાં હતાં. પાછળથી ગુપ્ત વાતચીતમાં એવું નક્કી થયું કે રણજિતસિંહના આગમન વખતે સવારે આઠ વાગ્યે લાહોરી દરવાજો ખોલવામાં આવશે. તેથી તેઓ નક્કી કરેલા સમયે પોતાના એક હજાર પસંદગીના સૈનિકો સાથે ત્યાં પહોંચ્યા. દરવાજો ખોલવામાં આવ્યો અને તેમણે શહેરમાં પ્રવેશ કર્યો. તેમના બાકીના સૈનિકો પણ તરત જ અંદર પહોંચી ગયા અને શહેરની દીવાલ પર કબજો કરી લીધો."
ચેતસિંહનો પડકાર અને કિલ્લાની ઘેરાબંધી
સૈયદ મોહમ્મદ લતીફ લખે છે કે લાહોર પર શાસન કરતા ત્રણ સરદારોમાંથી એક ચેતસિંહે હજૂરી બાગના દરવાજે રણજિતસિંહના ઘોડેસવારોનો માર્ગ રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હુમલાખોરોએ દરવાજો બંધ કરી રહેલા ચોકીદારોને મારી નાખ્યા અને કિલ્લામાં પ્રવેશ કરી લીધો.
ચેતસિંહ કિલ્લામાં ઘેરાઈ ગયા, જ્યારે લાહોરના બાકીના બે સરદારો શહેર છોડીને ભાગી ગયા. રણજિતસિંહે કિલ્લા પર તોપમારો શરૂ કર્યો, જેનો જવાબ કિલ્લાની અંદરથી આપવામાં આવ્યો. આ લડાઈ 20 કલાક સુધી ચાલી.
રણજિતસિંહે કિલ્લાની ઘેરાબંધી કરવાની યોજના બનાવી હતી, પરંતુ સદાકોરે તેમને સલાહ આપી કે કિલ્લામાં ઘેરાયેલી સેનાની પાસે ખોરાક નથી અને તે બહારની દુનિયાથી કપાઈ ગઈ છે. તેથી તેના સૈનિકો ટૂંક સમયમાં શરણાગતિ સ્વીકારી લેશે. તેમનું અનુમાન સાચું સાબિત થયું.
સૈયદ મોહમ્મદ લતીફના જણાવ્યા અનુસાર, ચેતસિંહે શહેરમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવાની અને પોતાના પરિવારના ભરણપોષણ માટે ભથ્થું આપવાની શરતે શરણાગતિ સ્વીકારી હતી. રણજિતસિંહે તેમને એક વિશાળ જાગીર આપી અને પોતાની સેનાને નાગરિકો સાથે સારો વ્યવહાર કરવાનો આદેશ આપ્યો.
લતીફ લખે છે, "શરૂઆતમાં વેપારીઓએ ડરના કારણે પોતાની દુકાનો બંધ કરી દીધી હતી, પરંતુ રણજિતસિંહની ખાતરી પછી વેપાર ફરી શરૂ થયો. તેમણે લોકોને સલામતીની ખાતરી આપી હતી. સાથે જ કિલ્લામાં નકામાં પડેલાં હથિયારો અને લશ્કરી સાધનોની મરામત કરાવીને કારીગરોને રોજગારી પણ પૂરી પાડી હતી. થોડા જ દિવસોમાં શહેરની શાનશૌકત પાછી ફરી હતી."
એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા માટે ખુશવંત સિંહના સંશોધન અનુસાર, 1799માં લાહોર પર વિજય મેળવ્યા પછી અફઘાન રાજા ઝમાન શાહે રણજિતસિંહને લાહોરના ગવર્નર તરીકે નિયુક્ત કર્યા હતા. પરંતુ 1801માં રણજિતસિંહે પોતાને પંજાબના મહારાજા જાહેર કર્યા હતા. તેમણે શીખ ગુરુઓના નામે સિક્કા બહાર પાડ્યા હતા.
તે પછીના જ વર્ષે તેમણે ઉત્તર ભારતના સૌથી મહત્ત્વના વેપારી કેન્દ્ર અને શીખોના પવિત્ર નગર અમૃતસર પર વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ તેમણે પંજાબમાં પથરાયેલાં નાનાં શીખ અને અફઘાન રજવાડાંઓને પોતાના તાબા હેઠળ લેવાનું શરૂ કર્યું. 1807માં રણજિતસિંહ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યા અને મુસ્લિમોના એકમાત્ર ગઢ કસૂર પર વિજય મેળવ્યો.
જોકે, અંગ્રેજોએ પૂર્વ તરફ તેમના વિસ્તારની યોજનાને અટકાવી દીધી હતી. 1809માં રણજિતસિંહે અંગ્રેજો સાથે અમૃતસરની સંધિ પર હસ્તાક્ષર કરવા પડ્યા હતા. આ સંધિ હેઠળ સતલજ નદીને તેમના સામ્રાજ્યની પૂર્વીય સરહદ જાહેર કરવામાં આવી હતી.
રણજિતસિંહે સામ્રાજ્યનો વિસ્તાર કેવી રીતે કર્યો?

ઇમેજ સ્રોત, Getty Images
ત્યાર પછી રણજિતસિંહે પોતાનું ધ્યાન બાકીના વિસ્તારો તરફ કેન્દ્રિત કર્યું.
બ્રિટાનિકા અનુસાર, ડિસેમ્બર 1809માં તેમણે નીચલા હિમાલયના પ્રદેશમાં આવેલા કાંગડાના રાજા સંસારચંદની મદદ માટે એક સેના મોકલી હતી. ગોરખા સેનાને પરાજિત કર્યા પછી તેમણે કાંગડા પર કબજો કરી લીધો.
1813માં તેમણે કાશ્મીરમાં અફઘાન બરકઝાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. બરકઝાઈઓએ કાશ્મીર પોતાની પાસે રાખીને તેમની સાથે કરેલું વચન તોડ્યું હતું. પરંતુ રણજિતસિંહે પદભ્રષ્ટ અફઘાન રાજા ઝમાન શાહના ભાઈ શાહ શુજાને પાછા લાવીને અને સિંધુ નદી પર આવેલા અટકના કિલ્લા પર કબજો કરીને તેનો બદલો લીધો હતો. શાહ શુજાને લાહોર લાવવામાં આવ્યા હતા, જ્યાંથી કોહિનૂર હીરો મેળવવામાં આવ્યો હતો.
1818ના ઉનાળામાં રણજિતસિંહની સેનાએ મુલતાન પર વિજય મેળવ્યો અને છ મહિના પછી પેશાવરમાં પ્રવેશ કર્યો. જુલાઈ 1819માં તેમણે અફઘાનોને કાશ્મીરની ખીણમાંથી હાંકી કાઢ્યા. 1820 સુધીમાં સતલજ અને સિંધુ નદીઓ વચ્ચેનો સમગ્ર પંજાબ તેમના તાબા હેઠળ આવી ગયો હતો.
પટવંત સિંહ પોતાના પુસ્તક 'શીખોનું સામ્રાજ્ય : મહારાજા રણજિતસિંહનું જીવન અને સમય'માં લખે છે કે રણજિતસિંહ એક 'બહુજાતીય અને બહુધાર્મિક' સામ્રાજ્યના શાસક હતા, જ્યાં ધાર્મિક સહિષ્ણુતા અને સર્વસમાવેશકતાનું અસાધારણ મહત્ત્વ હતું.
પટવંત સિંહના જણાવ્યા અનુસાર, "રણજિતસિંહની વહીવટી વ્યવસ્થા પણ આ વિવિધતા દર્શાવતી હતી. વડાપ્રધાન ડોગરા રાજપૂત હતા, નાણામંત્રી બ્રાહ્મણ હતા અને વિદેશમંત્રી મુસ્લિમ હતા."
પટવંત સિંહના જણાવ્યા અનુસાર, રણજિતસિંહના 15 સભ્યોના મંત્રીમંડળમાં માત્ર સાત શીખ હતા, જ્યારે બાકીના તમામ હિંદુ અને મુસ્લિમ હતા. આ ઉપરાંત જૈન, બૌદ્ધ અને ખ્રિસ્તીઓ સહિત અન્ય ધાર્મિક સમુદાયો અને તેમના વિવિધ સંપ્રદાયોના લોકોને પણ તેમની યોગ્યતા અનુસાર જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
બ્રિટિશ લેખક સર લેપેલ ગ્રિફિને પોતાના પુસ્તક 'ભારતના શાસકો : રણજિતસિંહ'માં લખ્યું છે કે, "રણજિતસિંહ ન તો ક્રૂર હતા કે ન તો લોહી વહેવડાવનારા હતા."
ગ્રિફિન લખે છે, "કોઈ વિજય મેળવ્યા પછી અથવા કિલ્લા પર કબજો કર્યા પછી તેઓ મુઘલો સાથે અત્યંત દયાળુ અને નરમાશભર્યું વર્તન કરતા હતા, પછી ભલે તેમણે ગમે તેટલો સખત પ્રતિકાર કર્યો હોય. તેમના દરબારમાં એવા ઘણા સરદારો હતા જેમની જાગીરો જપ્ત કરી લેવામાં આવી હતી, પરંતુ તેમને યોગ્ય હોદ્દા અને રોજગાર આપવામાં આવ્યાં હતાં."
રણજિતસિંહના મૃત્યુ બાદ શીખ સામ્રાજ્યનું શું થયું?
પટવંત સિંહના જણાવ્યા અનુસાર, રણજિતસિંહે નાની ઉંમરમાં જ ગુરુમુખીનો અભ્યાસ કર્યો હતો અને શીખ ધર્મની માન્યતાઓ, નૈતિકતા તથા ઉપદેશોથી પરિચિત થયા હતા.
તેમને પંજાબી કવિતાનો શોખ હતો, પરંતુ તેમણે લાહોર દરબારની સત્તાવાર ભાષા ફારસી રાખી હતી. ફારસી ઉપરાંત તેમને ઉર્દૂ, કાશ્મીરી, સિંધી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ રસ હતો.
ખુશવંત સિંહના સંશોધન પરથી જાણવા મળે છે કે ઑક્ટોબર 1831માં રણજિતસિંહે સિંધના ભવિષ્ય અંગે બ્રિટિશ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. બ્રિટિશ સેનાએ સિંધુ નદીમાં આગળ વધવાનું શરૂ કર્યું હતું અને તેઓ આ પ્રાંત પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવા માગતા હતા. આખરે તેમણે રણજિતસિંહને પોતાની યોજના સાથે સંમત થવા માટે રાજી કરી લીધા.
ખુશવંત સિંહના જણાવ્યા અનુસાર, "જોકે, અંગ્રેજોને ઘેરવાની આ વ્યૂહરચનાથી રણજિતસિંહ અત્યંત નિરાશ થયા હતા. તેમણે અફઘાનો સાથે વાતચીત શરૂ કરી અને ડોગરા સેનાપતિ જોરાવર સિંહના નેતૃત્વ હેઠળ એક લશ્કરી અભિયાનને મંજૂરી આપી. ત્યાર બાદ 1834માં લદ્દાખ તેમના ઉત્તરીય સામ્રાજ્યનો ભાગ બની ગયું."
1838માં તેમણે બ્રિટિશ વાઇસરોય લોર્ડ ઑકલેન્ડ સાથે એક સંધિ કરી હતી, જેના અંતર્ગત શાહ શુજાને કાબુલની ગાદી પર ફરીથી સ્થાપિત કરવાના હતા. આ સંધિ હેઠળ બ્રિટિશ સેનાએ દક્ષિણ તરફથી અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો, જ્યારે રણજિતસિંહની સેનાએ ખૈબર ઘાટ પાર કર્યો અને કાબુલમાં વિજયોત્સવમાં ભાગ લીધો.
આના થોડા સમય પછી રણજિતસિંહ બીમાર પડ્યા અને જૂન 1839માં લાહોરમાં તેમનું અવસાન થયું. લાહોરમાં વિજેતા તરીકે પ્રવેશ કર્યાનાં લગભગ બરાબર 40 વર્ષ પછી તેમનું મૃત્યુ થયું હતું.
તેમના અવસાનનાં માત્ર છ વર્ષ પછી તેમણે સ્થાપેલું શીખ સામ્રાજ્ય પ્રતિસ્પર્ધી સરદારો વચ્ચેના સત્તાસંઘર્ષ અને પરસ્પરના યુદ્ધોને કારણે વિખેરાઈ ગયું. ખુશવંત સિંહના જણાવ્યા અનુસાર, રણજિતસિંહ એક હજાર વર્ષમાં એવા પ્રથમ ભારતીય શાસક હતા, જેમણે પઠાણો (અફઘાનો) પર વળતો હુમલો કર્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























