અફઘાનિસ્તાનમાં છુપાયો છે એટલો ખજાનો કે દેશને 300 વર્ષ સુધી કોઈની મદદની જરૂર નહીં પડે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અહમદશફી
- પદ, બીબીસી ફેક્ટ ચૅક
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
અફઘાનિસ્તાનમાં રહેલાં ઑઇલ, ગૅસ, ધાતુઓ, કાચા માલસામાન અને અન્ય કુદરતી ખનીજ સંસાધનોની કિંમત 3 ટ્રિલિયન ડૉલર એટલે કે 280 લાખ કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે.
અફઘાનિસ્તાન લાંબા સમયથી એવા દેશ તરીકે જાણીતો છે, જે કુદરતી સંસાધનોથી સમૃદ્ધ છે, પરંતુ તેનું અર્થતંત્ર નબળું છે.
આ સંસાધનોનો મોટો હિસ્સો હજી પણ જમીનની નીચે છે અને તેને બહાર કાઢવાનું કામ શરૂ થયું નથી.
આ કુદરતી સંસાધનોના ભંડારોની વાસ્તવિક માત્રા અને કિંમત અંગે પણ અલગ-અલગ અંદાજો રજૂ કરવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાનના ખનીજ ભંડારો અને કુદરતી સંસાધનોની કિંમતને સરળ શબ્દોમાં એ રીતે સમજી શકાય કે, દેશ પાસે 3 ટ્રિલિયન ડૉલરનાં સંસાધનો હોય અને સરકારનું વાર્ષિક સામાન્ય અને વિકાસલક્ષી બજેટ લગભગ 10 અબજ ડૉલર હોય, તો તેને લગભગ 300 વર્ષ સુધી કોઈ વિદેશી આર્થિક સહાયની જરૂર નહીં પડે.
કયા પ્રાંતમાં કયાં સંસાધનો છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ અહેવાલનો હેતુ અફઘાનિસ્તાનના ખનીજ ભંડારો અને કુદરતી સંસાધનોનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરવાનો છે.
આમાં એ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, કયા પ્રાંતમાં કયાં સંસાધનો છે, તેમની માત્રા કેટલી છે અને સરકારે સત્તાવાર રીતે તેમની કેટલી કિંમત દર્શાવી છે.
બીબીસી 'ફેક્ટ ચેક'ના આ અહેવાલમાં અલગ-અલગ પ્રાંતોમાં રહેલા ખનીજ ભંડારો અને ખાણોની સ્થિતિની તપાસ કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનો હેતુ એ જાણવાનો છે કે, આ ભંડારો ક્યાં આવેલા છે, તેમની હાલની સ્થિતિ કેવી છે અને પ્રાપ્ત અંદાજો મુજબ તેમની કિંમત કેટલી છે.
અફઘાનિસ્તાનના ખનીજ ભંડારો અંગે મોટા પાયે સંશોધન સૌપ્રથમ વાર ભૂતપૂર્વ સોવિયેત સંઘના સમયમાં કરવામાં આવ્યું હતું.
આ સંશોધન અભિયાનો દરમિયાન દેશના અલગ-અલગ વિસ્તારોનો ભૂસ્તરશાસ્ત્રીય નકશો તૈયાર કરવામાં આવ્યો હતો.
ખડકો અને જમીનની નીચે આવેલા સ્તરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, હવાઈ સર્વેક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા અને ખનીજ ભંડારોની શોધ કરવામાં આવી હતી.
આમાંથી કેટલાક સંશોધન દસ્તાવેજો અફઘાનિસ્તાનના ખાણકામ મંત્રાલયના પુસ્તકાલયમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
સોવિયેત સંઘના વિઘટન પછી કેટલાક અન્ય દસ્તાવેજો રશિયા લઈ જવામાં આવ્યા હતા.
એ પછી પણ અફઘાનિસ્તાનના કુદરતી સંસાધનો અંગે સંશોધન અને શોધખોળની પ્રક્રિયા ચાલુ રહી હતી.
અફઘાનિસ્તાનનાં કુદરતી સંસાધનોના ચાર વિભાગ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉદાહરણ તરીકે, વર્ષ 2007માં એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2011માં અફઘાનિસ્તાનના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ વિભાગ અને અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ વિભાગે પણ અભ્યાસ કર્યો હતો.
આ તપાસોના આધારે અફઘાનિસ્તાનમાં સોનું, તાંબું, લોખંડ, ઍલ્યુમિનિયમ, સીસું, જસત, ટિન, ટંગસ્ટન અને પારાના ભંડારોની ઓળખ કરવામાં આવી છે. આ ઉપરાંત દેશમાં ઑઇલ અને ગૅસના ભંડારો પણ છે.
આ અહેવાલ તૈયાર કરવા માટે અફઘાનિસ્તાનના ખાણકામ મંત્રાલયના રેકૉર્ડમાં રહેલા દસ્તાવેજો અને માહિતીની સમીક્ષા કરવામાં આવી છે.
ભૂસ્તરશાસ્ત્ર અને ખનીજ સંસાધનોના ક્ષેત્રમાં કાર્યરત સત્તાવાર અને નિષ્ણાત સંસ્થાઓના અહેવાલો, સર્વેક્ષણો અને આંકડાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે.
જ્યાં અલગ-અલગ સંસ્થાઓના આંકડાઓ અને અંદાજોમાં તફાવત જોવા મળ્યો, ત્યાં દરેક અંદાજના સ્રોત અને આધારને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આનાથી પ્રમાણિત ભંડારો અને સંભવિત ખનીજ સંસાધનોના અંદાજો વચ્ચેનો તફાવત સ્પષ્ટ રાખી શકાય.
અહેવાલમાં અફઘાનિસ્તાનના કુદરતી સંસાધનોને 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે:
ધાતુઓ: સોનું, તાંબું, લોખંડ, ઍલ્યુમિનિયમ, જસત, સીસું અને અન્ય ધાતુઓ.
કિંમતી પથ્થરો: લૅપિસ લાઝુલી, પન્ના, માણેક અને અન્ય પથ્થરો.
દુર્લભ તત્ત્વો: લિથિયમ, યુરેનિયમ અને અન્ય તત્ત્વો.
ઑઇલ, ગૅસ અને કોલસો.
પહેલો વિભાગ: ધાતુ ખનીજો

ઇમેજ સ્રોત, Getty Images
આ વિભાગમાં સોનું, લોખંડ, તાંબું, ઍલ્યુમિનિયમ, સીસું અને જસત સહિત અન્ય મૂળભૂત ધાતુઓના ભંડારોની તપાસ કરવામાં આવી છે. તેમની કિંમત 1 ટ્રિલિયન ડૉલરથી વધુ હોવાનો અંદાજ છે.
સોનું
અફઘાનિસ્તાનમાં સોનાની મોટા ભાગની ખાણો બદખ્શાં અને તખારના વિસ્તારોમાં આવેલી છે.
આ ઉપરાંત ઝાબુલ અને ગઝનીમાં 2,700 કિલોગ્રામ શુદ્ધ સોનાના ભંડારની ઓળખ કરવામાં આવી છે.
એક અનુમાન મુજબ, અફઘાનિસ્તાનમાં સોનાનો કુલ ભંડાર લગભગ 682 ટન છે.
દેશમાં તાંબાની કેટલીક એવી ખાણો પણ છે, જેમાં સોનું રહેલું છે. સોનાની હાલની વૈશ્વિક કિંમતના આધારે પ્રમાણિત ભંડારનું મૂલ્ય લગભગ 107 અબજ ડૉલર છે.
હાલમાં સોનાનું ખોદકામ મુખ્યત્વે અફઘાનિસ્તાનના બદખ્શાં પ્રાંતમાં થઈ રહ્યું છે.
થોડા સમય પહેલાં તાલિબાન સરકારના જળ અને ઊર્જામંત્રી મહમદયુનુસ અખુંદઝાદાએ કહ્યું હતું કે, તેમની સરકાર બદખ્શાંમાંથી દર મહિને અનેક ટન સોનું કાઢી રહી છે.
તખાર પ્રાંતમાં 'ચા આબ' નામની સોનાની ખાણ આવેલી છે. તેમાં 31 ટન સોનાનો ભંડાર હોવાનો અંદાજ છે.
આ ખાણનો 5 વર્ષ માટેનો કૉન્ટ્રેક્ટ બે કંપનીઓ — ચાઇના અફઘાનિસ્તાન અને જરવાર અફઘાનિસ્તાનને આપવામાં આવ્યો છે.
આ કૉન્ટ્રેક્ટ 31 કરોડ ડૉલરનો છે. ખોદકામ મંત્રાલયે ખાણમાંથી મળતી રોયલ્ટીમાં સરકારનો હિસ્સો 56 ટકા નક્કી કર્યો છે.
સ્ટીલ કે લોખંડ
અફઘાનિસ્તાન પાસે આ ક્ષેત્રનો સૌથી મોટો લોખંડનો ભંડાર છે. અંદાજ મુજબ આ ભંડાર લગભગ 3 અબજ ટન છે.
જોકે, આ આંકડાઓ અંતિમ નથી અને વધુ તપાસ પછી તેમાં વધારો થઈ શકે છે.
અત્યાર સુધી અફઘાનિસ્તાનના બામિયાન, પંજશીર, પરવાન, હેરાત, કંદહાર, બદખ્શાં અને કાબુલ પ્રાંતોમાં લોખંડના ભંડારોની ઓળખ કરવામાં આવી છે.
સંશોધકોએ સમગ્ર દેશમાં લોખંડના અયસ્કની 72 ખાણો અને ખનીજ ભંડારોનો રેકૉર્ડ પણ તૈયાર કર્યો છે.
સૌથી મહત્ત્વપૂર્ણ ખાણોમાં બામિયાનની હાજીગક, પંજશીરની તાલ અને નુગરા ખાના, પરવાનની જબલ અલ-સિરાજ, હેરાતની પલંગસૂર, કંદહારની હાજી આલમ, બદખ્શાંની સયાજિર અને કાબુલના પગમાન વિસ્તારની ખાણોનો સમાવેશ થાય છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં તાલિબાન સરકારના ખાણકામ મંત્રાલયે હેરાત પ્રાંતના ઘોરયાન વિસ્તારમાં લોખંડના ભંડારના 4 બ્લૉકના કૉન્ટ્રેક્ટ આપ્યા છે.
કહેવામાં આવે છે કે, આ ભંડારોમાં લગભગ 1.8 અબજ ટન લોખંડ રહેલું છે.
આ કૉન્ટ્રાક્ટોની કુલ કિંમત 2.5 અબજ ડૉલર છે.
વૈશ્વિક બજારમાં લોખંડના અયસ્કની કિંમત લગભગ 100 ડૉલર પ્રતિ ટન છે. આ હિસાબે અફઘાનિસ્તાનમાં લોખંડના ભંડારની અંદાજિત કિંમત 300 અબજ ડૉલરથી વધુ છે.

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાન પાસે આ ક્ષેત્રનો સૌથી મોટો તાંબાનો ભંડાર છે.
જૂના અંદાજોમાં દેશમાં તાંબાનો ભંડાર લગભગ 3 કરોડ ટન હોવાનું જણાવવામાં આવ્યું હતું. નવા અહેવાલોમાં તેને 6 કરોડ ટન ગણાવવામાં આવ્યો છે.
વૈશ્વિક બજારમાં 1 ટન તાંબાની કિંમત 10,000થી 12,000 ડૉલરની વચ્ચે છે.
આ હિસાબે અફઘાનિસ્તાનના તાંબાના ભંડારની અંદાજિત કિંમત 720 અબજ ડૉલર સુધી હોઈ શકે છે.
અફઘાનિસ્તાનના લોગર, હેરાત, ઝાબુલ, ગઝની, સરપુલ અને બાદગીસ પ્રાંતોમાં તાંબાના ભંડારોની ઓળખ કરવામાં આવી છે.
આમાં સૌથી મહત્ત્વપૂર્ણ તાંબાની ખાણ લોગરના મહમદઆગા જિલ્લામાં આવેલી 'અયનાક' ખાણ છે.
અયનાકને અફઘાનિસ્તાનની સૌથી મોટી તાંબાની ખાણ અને એશિયાના સૌથી મોટા તાંબાના ભંડારોમાંની એક માનવામાં આવે છે.
1970 અને 1980ના દાયકામાં થયેલા સર્વેક્ષણોમાં આ ખાણમાં તાંબાનો ભંડાર લગભગ 24 કરોડ ટન હોવાનું જણાવવામાં આવ્યું હતું.
અફઘાનિસ્તાનના ખાણકામ મંત્રાલયે એવું પણ કહ્યું હતું કે, આ ખાણમાંથી 1.15 કરોડ ટન તાંબું કાઢી શકાય છે, જેની કિંમત લગભગ 50 અબજ ડૉલર હતી.
વર્ષ 2008માં ખાણમાંથી તાંબું કાઢવા માટે એક ચીની કંપની એમસીસી સાથે 2.9 અબજ ડૉલરનો કરાર કરવામાં આવ્યો હતો.
તાલિબાન ફરી સત્તામાં આવ્યા પછી 245 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી બીજી અયનાક તાંબાની ખાણ 30 વર્ષ માટે એક ખાનગી કંપની ટેવરને લીઝ પર આપવામાં આવી હતી.
કંપનીએ આ પ્રોજેક્ટમાં 41.1 કરોડ ડૉલરનું રોકાણ કરવાનું અને સરકારને 12 ટકા રોયલ્ટી આપવાનું વચન આપ્યું છે.
ઍલ્યુમિનિયમ
અફઘાનિસ્તાનમાં ઍલ્યુમિનિયમના સૌથી મહત્ત્વપૂર્ણ ભંડારો ઝાબુલ પ્રાંતમાં છે. આ ભંડારોની સંભવિત માત્રા લગભગ 1.1 કરોડ ટન હોવાનો અંદાજ છે.
લોખંડ પછી ઍલ્યુમિનિયમ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ધાતુ છે. બાંધકામ, પરિવહન અને ટૅક્નોલોજીના ક્ષેત્રમાં તેનું ખૂબ મહત્ત્વ છે.
વૈશ્વિક બજારમાં ઍલ્યુમિનિયમની સરેરાશ કિંમત 3,000થી 4,000 ડૉલર પ્રતિ ટનની વચ્ચે છે.
ઝાબુલ, કંદહાર અને બગલાનમાં કાઢી શકાય એવા ઍલ્યુમિનિયમના ભંડારોની કુલ કિંમત 30 અબજ ડૉલરથી વધુ હોવાનો અંદાજ છે.
સીસું, જસત, ટીન, ટંગસ્ટન અને પારો
અફઘાનિસ્તાનમાં સીસું, જસત, ટિન, ટંગસ્ટન અને પારાના પણ મહત્ત્વપૂર્ણ ભંડારો છે.
કંદહારમાં દેશનો સૌથી મોટો સીસા અને જસતનો ભંડાર છે. તેની માત્રા લગભગ 90 હજાર ટન હોવાનો અંદાજ છે.
કંદહારમાં ટિન અને ટંગસ્ટનના ભંડારો પણ મળી આવે છે.
તાલિબાન સરકારે બામિયાન અને ઘોરમાં સીસા અને જસતની ખાણોના કૉન્ટ્રાક્ટ પણ આપ્યા છે. ઘોર પ્રાંતની ખાણનો કૉન્ટ્રાક્ટ 50.7 કરોડ ડૉલરનો હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ ખનીજ ભંડારોની ચોક્કસ માત્રા હજી સુધી જાણી શકાઈ નથી. તેના માટે વધુ તપાસની જરૂર છે.
દક્ષિણ-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં પારાનો ભંડાર લગભગ 32 હજાર ટન હોવાનો અંદાજ છે.
બીજો વિભાગ: કિંમતી પથ્થરો

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાન લાંબા સમયથી કિંમતી પથ્થરો, ખાસ કરીને લૅપિસ લાઝુલી, પન્ના, માણેક અને ગાર્નેટના મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પ્રખ્યાત છે.
આ કિંમતી પથ્થરોની મુખ્ય ખાણો બદખ્શાં, પંજશીર, કુનાર, નૂરિસ્તાન અને કાબુલમાં આવેલી છે.
બદખ્શાંનો લૅપિસ લાઝુલી અને પંજશીરના પન્ના આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે.
જોકે, અફઘાનિસ્તાનમાં કિંમતી પથ્થરોના ભંડારોની ચોક્કસ માત્રા હજી સુધી જાણી શકાઈ નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં આ પથ્થરોની કિંમત અબજો ડૉલર સુધી હોવાનો અંદાજ છે.
આરસપહાણ
અફઘાનિસ્તાનમાં આરસપહાણના પણ ભંડારો છે.
દેશના ખાણકામ મંત્રાલયના જણાવ્યા મુજબ, અફઘાનિસ્તાનમાં 1.3 અબજ ટન આરસપહાણ હોવાનો અંદાજ છે.
ચીની નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, અફઘાનિસ્તાન માત્ર ચીનને આરસપહાણની નિકાસ કરીને વાર્ષિક 50 કરોડ ડૉલરની કમાણી કરી શકે છે.
ત્રીજો વિભાગ: એક ટ્રિલિયન ડૉલરથી વધુ કિંમતનાં દુર્લભ તત્ત્વો

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાનમાં દુર્લભ પૃથ્વી ધાતુઓ એટલે કે રૅર અર્થ મટીરિયલના ભંડારો પણ છે.
અફઘાનિસ્તાનમાં 14 લાખ ટન દુર્લભ પૃથ્વી તત્ત્વો હોવાનો અંદાજ છે.
આ ઉપરાંત હેલમંદ પ્રાંતના ખાનશીન વિસ્તારમાં યુરેનિયમ સહિત 35 લાખ ટન દુર્લભ ખનીજોના ભંડારો છે.
'રૅર અર્થ મૅટલ્સ' શબ્દનો ઉપયોગ 17 રાસાયણિક તત્ત્વો માટે કરવામાં આવે છે. આધુનિક ટૅક્નોલૉજી અને ઉદ્યોગોમાં તેનો મોટા પાયે ઉપયોગ થાય છે.
સ્માર્ટફોન, કૉમ્પ્યુટર, તબીબી ઉપકરણો અને અન્ય અનેક ઔદ્યોગિક ઉત્પાદનો બનાવવા માટે આ તત્ત્વો જરૂરી છે.
અફઘાનિસ્તાનમાં લિથિયમ, બેરાઇટ, એસ્બેસ્ટસ, સેલેસ્ટાઇટ, માટી અને પૉટાશના પણ મોટા ભંડારો છે.
આમાં લિથિયમનું વિશેષ મહત્ત્વ છે. કેટલાક અંદાજો મુજબ, અફઘાનિસ્તાનના લિથિયમના ભંડારની કિંમત 1 ટ્રિલિયન ડૉલર સુધી હોઈ શકે છે.
અફઘાનિસ્તાનના ગઝની, ફરાહ અને દાયકુંડી પ્રાંતોમાં લિથિયમના ભંડારોની સત્તાવાર રીતે ઓળખ કરવામાં આવી છે. અન્ય વિસ્તારોમાં પણ તે મળી આવવાની શક્યતા છે.
અનુમાન છે કે, અફઘાનિસ્તાનમાં લિથિયમના ભંડારોનો પટ્ટો હેરાતથી નૂરિસ્તાન સુધી ફેલાયેલો છે. અહીં દાયકાઓ સુધી ખાણકામ કરી શકાય છે.
આ બાબત અફઘાનિસ્તાનને આ મહત્ત્વપૂર્ણ ખનીજ સંસાધનના મોટા ભંડારો ધરાવતા દેશોમાં સામેલ કરી શકે છે.
આ ખનીજો ઉપરાંત અફઘાનિસ્તાન ટૅલ્કની નિકાસ પણ કરે છે.
ચોથો વિભાગ: ઑઇલ, ગૅસ અને કોલસો
અફઘાનિસ્તાનમાં ગૅસના મોટા ભંડારો પણ છે.
અનુમાન છે કે, દેશમાં લગભગ 1.6 અબજ બૅરલ ઑઇલ અને 500 અબજ ઘનમીટર કુદરતી ગૅસનો ભંડાર છે.
અફઘાનિસ્તાનના સૌથી મહત્ત્વપૂર્ણ ઑઇલ અને ગૅસના ભંડારો અમૂ દરિયા અને અફઘાન-તાજિક બેસિનમાં આવેલા છે. તે બલ્ખ, જાવઝજાન, ફરિયાદ, સરપુલ અને સમાંગન પ્રાંતોના કેટલાક ભાગો સુધી ફેલાયેલા છે.
આ ઉપરાંત પશ્ચિમ અને દક્ષિણ અફઘાનિસ્તાનમાં પણ ઑઇલ અને ગૅસના ભંડારો છે. તેમાં હેરાત-ત્રિપોલી બેસિન, હેલમંદ બેસિન અને કટવાઝ બેસિનનો સમાવેશ થાય છે.
આ કુદરતી સંસાધનો અફઘાનિસ્તાનના આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે અને દેશના ઊર્જાના મુખ્ય સ્રોતોમાં સામેલ છે.
અફઘાનિસ્તાન પર નિયંત્રણ મેળવ્યા પછી તાલિબાન સરકારે જુલાઈ, 2023માં જાહેરાત કરી હતી કે, તેણે દેશનું દૈનિક ઑઇલ ઉત્પાદન વધારીને 1,200 ટન કરી દીધું છે.
આ અફઘાનિસ્તાનની કુલ ઑઇલની જરૂરિયાતના લગભગ 10 ટકા છે. દેશમાં દરરોજ 8,000થી 10,000 ટન ઑઇલની જરૂરિયાત હોવાનો અંદાજ છે.
અફઘાનિસ્તાનને દર વર્ષે લગભગ 27 લાખ ટન ઑઇલની જરૂર પડે છે. તેનો મોટો હિસ્સો આયાત કરવામાં આવે છે.
અફઘાનિસ્તાનના ખાણકામ મંત્રાલયના 2019ના એક સત્તાવાર અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, દેશના ઑઇલના ભંડારો અને કૂવાઓમાં લગભગ 1.6 અબજ બૅરલ કાચું ઑઇલ, 1.6 ટ્રિલિયન ઘનફૂટ કુદરતી ગૅસ અને 50 કરોડ બેરલ પ્રવાહીકૃત કુદરતી ગૅસ છે.
આ અહેવાલમાં અમેરિકા અને અફઘાનિસ્તાનના એક સંયુક્ત મૂલ્યાંકનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ હિસાબે માત્ર અફઘાનિસ્તાનના કાચા ઑઇલની હાલની કિંમત લગભગ 107 અબજ ડૉલર છે.
કોલસો
અફઘાનિસ્તાનમાં કોલસાનો ભંડાર લગભગ 1 અબજ ટન હોવાનું જણાવવામાં આવે છે. આ કોલસાની ગુણવત્તા પણ સારી માનવામાં આવે છે.
અફઘાનિસ્તાનનો મુખ્ય કોલસાનો ભંડાર બદખ્શાંથી હેરાત સુધી ફેલાયેલો છે. તે તખાર, કુન્દુઝ, બગલાન, સમાંગન, બલ્ખ, સરપુલ, બામિયાન, દાયકુંડી, જાવઝજાન અને બાદગીસમાંથી પસાર થાય છે.
અત્યાર સુધી દેશમાં કોલસાની 113થી વધુ ખાણો અને ખનીજ ભંડારોની ઓળખ કરવામાં આવી છે.
તેમાંથી 18 ખાણોમાં 84.7 કરોડ ટનથી વધુ કોલસો હોવાનો અંદાજ છે.
કોલસો અફઘાનિસ્તાનના સૌથી મહત્ત્વપૂર્ણ ખનીજ સંસાધનોમાંથી એક છે. તેની પ્રખ્યાત ખાણો સમાંગન, બામિયાન, તખાર, બગલાન, હેરાત અને સરપુલમાં આવેલી છે.
તાલિબાન ફરી સત્તામાં આવ્યા પછીના શરૂઆતનાં 4 વર્ષોમાં અફઘાનિસ્તાને 1.1 અબજ ડૉલરથી વધુના કોલસાની નિકાસ કરી હતી. તે દેશ માટે આવકનો એક મોટો સ્રોત બની ગયો છે.
પાકિસ્તાન, ઈરાન, તુર્કી, ભારત અને ચીન અફઘાનિસ્તાનના કોલસાના મુખ્ય ખરીદદારો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























