You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મમતા બેનરજીનાં 15 વર્ષના શાસનનો અંત, સત્તા ગુમાવ્યાનાં પાંચ મોટાં કારણ
- લેેખક, શુભજ્યોતિ ઘોષ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 7 મિનિટ
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી પહેલી વખત રાજ્યમાં સત્તા પર આવવા જઈ રહી છે, તેને બે તૃતીયાંશ કરતાં વધુ બહુમત મળ્યો છે. ભાજપ અહીં 206 બેઠકો જીત્યો છે, જ્યારે ટીએમસીએ 80 બેઠકો પર જ જીત મેળવી છે.
મુખ્ય મંત્રી મમતા બેનરજી પોતે ભવાનીપુરની બેઠક પર ભાજપના નેતા સુવેન્દુ અધિકારી સામે 15 હજાર કરતાં વધુ મતથી હારી ગયાં છે. મમતા બેનરજીએ મતગણતરી વખતે જ ભાજપ પર 'વોટ ચોરી'નો આરોપ લગાવ્યો હતો.
તેમણે પત્રકારોને કહ્યું કે "ભાજપે 100થી વધારે બેઠકોની લૂંટ કરી છે. ભાજપની જીત અનૈતિક છે. ચૂંટણીપંચે વડા પ્રધાન અને ગૃહમંત્રી સાથે મળીને જે કર્યું તે સંપૂર્ણ અનૈતિક છે."
તેમણે બળજબરીથી એસઆઇઆર કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે "તેમણે અત્યાચાર કર્યો, કાઉન્ટિંગ એજન્ટોની ધરપકડ કરી. અમે વાપસી કરીશું."
પંદર વર્ષ સુધી અવિરત સત્તામાં રહ્યા બાદ તૃણમૂલ કૉંગ્રેસ માટે આ ચૂંટણીમાં પરાજયનું કારણ શું હોઈ શકે તેની અહીં સમીક્ષા કરી છે.
પશ્ચિમ બંગાળમાં મહિલા સુરક્ષાનો મુદ્દો
પશ્ચિમ બંગાળમાં મહિલા મતદારોનો મોટો હિસ્સો છે, જે કુલ મતદારોના 50 ટકાથી વધુ છે, તે લાંબા સમયથી મમતા બેનરજીના પક્ષને સમર્થન આપતો રહ્યો છે.
'લક્ષ્મીર ભંડાર', 'કન્યાશ્રી' અને 'સબુજ સાથી' (શાળાએ જતી છોકરીઓને સાઇકલનું વિતરણ સામેલ છે) જેવી કલ્યાણકારી યોજનાઓએ તૃણમૂલ સરકારને મહિલા મતદારોમાં અત્યંત લોકપ્રિય બનાવી હતી.
જોકે, આ વખતે આ સમર્થનનો પાયો તૂટી ગયો તેમ જણાય છે. તેનું એક મોટું કારણ મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દા પર પક્ષની કથિત નિષ્ફળતા હોઈ શકે છે. બે વર્ષ પહેલાંના 'આરજી કર' વિરોધ આંદોલને આ ચૂંટણી પર પ્રત્યક્ષ રીતે પ્રભાવ પાડી હોય તેવું દેખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનું એક આશ્ચર્યજનક ઉદાહરણ પાનીહાટી છે, જે પરંપરાગત રીતે તૃણમૂલનો ગઢ રહ્યો છે; ત્યાં 'આરજી કર' પીડિતાનાં માતા ભાજપનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતાં, તેઓ 28,836 મતથી જીતી ગયાં છે.
પશ્ચિમ બંગાળના કવરેજ વખતે બીબીસી સંવાદદાતાઓના ધ્યાનમાં પણ મહિલા સુરક્ષાનો મુદ્દો આવ્યો હતો.
ચૂંટણીપ્રચાર વખતે ટીએમસી ફરી સત્તા પર આવશે તો શું થશે તેવા સવાલના જવાબમાં એક મહિલાએ કહ્યું કે, "શું હવે અમે સુરક્ષિત રહી શકીશું? આ જ વાતનો ડર છે. હું મારા આ ભાઈઓની વાત સાથે સહમત છું. મારે બીજું કંઈ નથી કહેવું. મહિલાઓની હવે કોઈ આબરુ નહીં રહે. બિલકુલ નહીં. તેઓ અમને તોડી નાખશે. નહીંતર અમે એવું શા માટે વિચારીએ કે અભયાનાં માતાને જીત પછી જ ન્યાય મળશે? શું હવે રાજ્યની હાલત એવી થઈ ગઈ છે? શું તમે વિચારી શકો છો કે તેઓ અમારી સાથે શું કરશે?"
દોઢ અઠવાડિયા અગાઉ બીબીસી સંવાદદાતા ઇશાદ્રિતાએ કોલકાતાની મહિલાઓ સાથે મહિલા સુરક્ષા મામલે વાત કરી હતી.
કોલકાતામાં એક મહિલા તરીકે કેટલી સલામત લાગે છે તે વિશે મહિલાએ કહ્યું, "આરજી કરની ઘટના પછી, હું મારી સાથે કેટલાક સુરક્ષાના ઉપાય લઈને ચાલુ છું."
અન્ય એક યુવતીએ કહ્યું, "કેટલીક જગ્યાઓ અસુરક્ષિત લાગે છે અને ખાસ કરીને રાત્રે 9 કે 10 વાગ્યા પછી."
એસઆઇઆરનું પરિબળ
પશ્ચિમ બંગાળમાં મતદારયાદીના સઘન સુધારા અથવા એસઆઇઆર (SIR)નાં પરિણામે 90 લાખથી વધુ નામો દૂર કરવામાં આવ્યાં છે. હવે તે બિલકુલ સ્પષ્ટ છે કે તૃણમૂલ કૉંગ્રેસ પર આની વધુ પ્રતિકૂળ અસર પડી છે.
આ યાદીમાંથી ઘણા કાયદેસર મતદારો પણ દૂર થયા હતા, છતાં એમાં પણ કોઈ શંકા નથી કે મોટી સંખ્યામાં નકલી અથવા મૃત મતદારોનાં નામો કાઢી નાખવામાં આવ્યાં છે.
ભાજપ સતત દલીલ કરતો રહ્યો હતો કે આવી ગેરરીતિઓએ વર્ષોથી ચૂંટણીઓમાં તૃણમૂલને ફાયદો કરાવ્યો હતો, અને હવે આ લાભ પર અંકુશ આવી જશે.
કોલકાતાની પ્રેસિડેન્સી યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર ઝેડ મેનહુડે કહ્યું કે, "ટીએમસીએ ભ્રષ્ટાચાર અને સિન્ડિકેટ સંસ્કૃતિને અમારા જીવનમાં સામાન્ય બનાવી દીધી છે. આપણે એ જોવાની જરૂર છે કે ટીએમસી વિરુદ્ધ કયાં પરિબળો કામ કરે છે."
તેઓ કહે છે કે, "પરંતુ હું ચોક્કસપણે કહીશ કે ભાજપે દેખાડી દીધું કે તે 30 ટકા વસ્તીને ચૂંટણી પ્રક્રિયામાંથી બાકાત રાખીને પણ જીતી શકે છે. પશ્ચિમ બંગાળના રાજકારણ પર આ અસર કેટલી હદ સુધી પડશે તે જોવાનું બાકી છે."
રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે પણ SIRને આ ચૂંટણીમાં ઊથલપાથલનું મુખ્ય કારણ ગણાવ્યું.
તેમણે ચૂંટણી પરિણામો સ્પષ્ટ થયાં પછી બીબીસીને કહ્યું કે, "ભાજપ પાસે વધુ બેઠકો હોય તેવું લાગે છે, પરંતુ મતોમાં ફક્ત ત્રણ ટકાનો તફાવત છે."
તેમણે કહ્યું કે, "જો વસ્તીના 4.3 ટકા લોકોને મતદાન કરવા દીધા હોત, જેમાંથી આપણે જાણીએ છીએ કે મોટા ભાગના મુસ્લિમો હતા અને જેઓ મુસ્લિમ ન હતા તેમાં પણ ઘણા ટીએમસીના મતદારો હતા, તો શું પરિણામ સરખા હોત? સ્વાભાવિક રીતે, એવું ન હોત."
ભ્રષ્ટાચારના આરોપો, વહીવટીતંત્રની નિષ્ફળતા
તૃણમૂલનાં 15 વર્ષના શાસન દરમિયાન ભ્રષ્ટાચારના આરોપો, ગેરવહીવટ, રોજિંદા જીવનમાં 'કટ-મની' પ્રથાનો પ્રસાર, 'સિન્ડિકેટ સંસ્કૃતિ'નો ઉદય અને વ્યાપક વહીવટી નિષ્ફળતાઓ એવા સ્તરે પહોંચી હતી, જે પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં કદાચ અભૂતપૂર્વ છે.
તેમ છતાં, 2016 અને 2021માં પણ પક્ષ બંગાળી અસ્મિતા, મહિલાઓ માટેની કલ્યાણકારી પહેલ અને બિનસાંપ્રદાયિકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા જેવા વિષયોનો ઉપયોગ કરીને આ ટીકાઓ પર વિજય મેળવવામાં સફળ રહ્યો હતો.
આ વખતે, મમતા બેનરજીએ એસઆઇઆર પ્રક્રિયાને કારણે ઊભી થયેલી વ્યાપક મુશ્કેલીઓને રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાંથી લાભ લેવા માટે દરેક સંભવિત પ્રયાસ કર્યા હતા.
જોકે, તે સ્પષ્ટ થઈ ગયું છે કે ભ્રષ્ટાચાર અને શાસનકાળની નિષ્ફળતાઓના આરોપો પર પડદો પાડવા માટે આ અપૂરતું હતું.
હિંદુ મતોનું ધ્રુવીકરણ
રાજકીય નિરીક્ષકો લાંબા સમયથી દલીલ કરી રહ્યા છે કે મમતા બેનરજીની સતત ચૂંટણી સફળતા પાછળનું એક મુખ્ય પરિબળ રાજ્યની મુસ્લિમ વસ્તીનું લગભગ અખંડ સમર્થન રહ્યું છે.
પશ્ચિમ બંગાળની વસ્તીમાં મુસ્લિમો અંદાજે 30 ટકા છે અને ઐતિહાસિક રીતે તેમના 85થી 90 ટકા મતો તૃણમૂલ કૉંગ્રેસને મળતા રહ્યા છે. આ વખતે, જોકે, હિન્દુ મતોનું પ્રતિકૂળ ધ્રુવીકરણ થયું હોય તેવું જણાય છે, જેનો ફાયદો ભાજપને થયો છે.
આ પરિવર્તન માલ્દા અને મુર્શિદાબાદ જેવા મુસ્લિમ-બહુલ જિલ્લાઓમાં પક્ષને મળેલી સરસાઈ પરથી સ્પષ્ટ થાય છે. મુસ્લિમ તુષ્ટીકરણના આરોપોના જવાબમાં મમતા બેનરજીએ તાજેતરમાં રાજ્યના ખર્ચે અનેક હિન્દુ મંદિરોની સ્થાપના કરાવી હતી, જે કદાચ હિન્દુત્વના 'નરમ સ્વરૂપ'ને રજૂ કરવાનો એક પ્રયાસ હતો.
જોકે, આ વ્યૂહરચના બિનઅસરકારક રહી હોય તેમ લાગે છે, કારણ કે હિન્દુ મતદારોના મોટા હિસ્સાએ તેના બદલે ભાજપના વધુ આક્રમક વૈચારિક વલણને પસંદ કર્યું છે.
કોલકાતાસ્થિત વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક સુકાંત સરકારે કહ્યું, "આ વખતે હિન્દુ મતોનું ધ્રુવીકરણ વધુ જોવા મળ્યું."
તેમણે ઉમેર્યું કે, "પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં હિન્દુ મતોનું એકત્રીકરણ ખાસ કરીને સ્પષ્ટ હતું. ટીએમસીના મતદારો પણ ભાજપ તરફ વળ્યા. આ ભાજપની જીતનું એક મુખ્ય કારણ હતું."
મમતા બેનરજીને હરાવ્યા પછી પોતાની પહેલી ટિપ્પણીમાં સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, "આ હિન્દુત્વનો વિજય છે. આ બંગાળનો વિજય છે. આ નરેન્દ્ર મોદીનો વિજય છે."
તેમણે કહ્યું કે, "સીપીએમના બધા મજબૂત સમર્થકોએ મને મત આપ્યો. ભવાનીપુરમાં સીપીએમના 13 હજાર મત હતા, અને તેમાંથી ઓછામાં ઓછા 10 હજાર મત મને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હું ત્યાંના સીપીએમ મતદારોનો પણ આભાર માનું છું. તમામ બંગાળી હિંદુઓએ મને ખુલ્લેઆમ મત આપ્યો. તેમની સાથે, ગુજરાતી, જૈન, મારવાડી, પૂર્વાંચલી અને શીખ સમુદાયોએ પણ મને ખુલ્લેઆમ મત આપ્યો."
કેન્દ્રીય દળોની મોટા પાયે તહેનાતી
પશ્ચિમ બંગાળના રાજકીય સંદર્ભમાં શાસક પક્ષને ચૂંટણી દરમિયાન પરંપરાગત રીતે કેટલાક ફાયદા મળતા હોય છે.
જોકે, આ વખતે તૃણમૂલ કૉંગ્રેસ આવા લાભોથી મોટા ભાગે વંચિત રહી હોય તેવું જણાય છે.
ચૂંટણીના સમયપત્રકની જાહેરાત થઈ તે ક્ષણથી જ ભારતના ચૂંટણીપંચે રાજ્યના વહીવટીતંત્ર પર કડક નિયંત્રણ મેળવી લીધું હતું અને મોટા પાયે જિલ્લા મૅજિસ્ટ્રેટ તથા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની બદલી કરી હતી. ઉપરાંત, મતદાન શરૂ થાય તે પહેલાં જ સમગ્ર રાજ્યમાં 2.40 લાખથી વધુ કેન્દ્રીય સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યાં હતાં, જે એક અભૂતપૂર્વ સંખ્યા છે.
અનેક નિરીક્ષકો માને છે કે આટલા વિશાળ સુરક્ષા માળખાની હાજરીએ નોંધપાત્ર રીતે શાંતિપૂર્ણ ચૂંટણી સુનિશ્ચિત કરી, જેનાથી મતદારો કોઈ પણ ડર કે ધાકધમકી વિના આત્મવિશ્વાસપૂર્વક પોતાનો મત આપી શક્યા.
છેલ્લા દોઢ મહિના દરમિયાન તૃણમૂલ કૉંગ્રેસે ચૂંટણીપંચ અને કેન્દ્રીય દળો સામે વારંવાર આરોપો કર્યા હતા. હવે આ ફરિયાદો પાછળનાં કારણો કદાચ વધુ સ્પષ્ટ થઈ રહ્યાં છે. બીજી રીતે કહીએ તો, આ ચૂંટણીમાં ચૂંટણીપંચ અને કેન્દ્રીય દળોની ભૂમિકા તૃણમૂલ કૉંગ્રેસની વિરુદ્ધમાં રહી હોય તેમ જણાય છે.
કોલકાતાસ્થિત અખબાર ટેલિગ્રાફના અહેવાલ મુજબ, "26 એપ્રિલે મમતા બેનરજીએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ કોલકાતા ઍરપૉર્ટ જતા હતા ત્યારે કેન્દ્રીય દળોએ તેમની કારની તપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો."
ટીએમસીના નેતા અભિષેક બેનરજીએ કેન્દ્રીય દળો પર રાજ્યમાં "ભય ફેલાવવાનો" આરોપ લગાવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન