You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હંટાવાઇરસ: લક્ઝરી ક્રૂઝ શિપમાં ફેલાયો જીવલેણ વાઇરસ, અત્યાર સુધી ત્રણનાં મોત, કેવી રીતે ફેલાય છે?
ઓશનવાઇડ ઍક્સપિડિશન્સ ઑપરેટરે કહ્યું છે કે, ઘાતક હંટાવાઇરસ ફાટી નીકળવાની પુષ્ટિ કરાઈ છે એ ક્રૂઝ જહાજમાંથી બે ગંભીર રીતે બીમાર વ્યક્તિ સારવાર માટે નેધરલૅન્ડ્સ પહોંચી છે.
ઑપરેટરે ઉમેર્યું હતું કે, ત્રીજા એક મુસાફરની સ્થિતિ સામાન્ય છે અને તેઓ રાહત-બચાવકાર્ય માટેની ફ્લાઇટ જે મોડી પડી હતી, તેના પર સવાર છે.
પશ્ચિમ આફ્રિકન દરિયાકાંઠે આવેલા દ્વીપસમૂહ દેશ કૅપ વર્ડે નજીક ત્રણ દિવસ સુધી લાંગરી રખાયા બાદ, એમવી હોન્ડિયસ (હંટાવાઇરસ ફાટી નીકળ્યાની પુષ્ટિવાળું જહાજ) હવે સ્પેનના કેનેરી ટાપુઓ તરફ રવાના થઈ રહ્યું છે.
બહાર કઢાયેલી ત્રણ વ્યક્તિઓ બ્રિટિશ, ડચ અને જર્મન હતી. ઓશનવાઇડ ઍક્સપિડિશન્સે જણાવ્યું હતું કે 65 વર્ષીય જર્મન વ્યક્તિ 2 મેના રોજ જહાજમાં મૃત્યુ પામેલાં એક જર્મન મહિલા સાથે "ખૂબ નિકટથી જોડાયેલા" હતા.
ઘણા મીડિયા આઉટલેટ્સ દ્વારા બ્રિટિશ વ્યક્તિ 56 વર્ષીય ભૂતપૂર્વ પોલીસ અધિકારી માર્ટિન એન્સ્ટી હોવાના અહેવાલો ચલાવાયા છે, તેઓ નેધરલૅન્ડ્સમાં "સ્થિર સ્થિતિમાં" હોવાનું માનવામાં આવે છે.
આ ઉપરાંત ક્રૂઝમાંથી બહાર લવાયેલી વ્યક્તિઓમાં 41 વર્ષીય ડચ ક્રૂ મેમ્બર પણ સામેલ છે.
ડચ મીડિયાએ ગુરુવારે એક અલગ અહેવાલ આપ્યો હતો કે કેએલએમ ફ્લાઇટ એટેન્ડન્ટને હંટાવાઇરસનાં લક્ષણો સાથે એમ્સ્ટરડેમની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
એટેન્ડેન્ટ 69 વર્ષીય ડચ મહિલાના સંપર્કમાં આવ્યાં હોવાના અહેવાલ છે, જેઓ દક્ષિણ આફ્રિકામાં થોડા સમય માટે વિમાનમાં સવાર થયાં હતાં, જેમને હવાઈ મુસાફરી માટે વધુ બીમાર ઠરાવાયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
69 વર્ષીય મહિલાનું બાદમાં અવસાન થયું, અને દક્ષિણ આફ્રિકાના આરોગ્ય અધિકારીઓ દ્વારા તેમના મૃત્યુની શંકાસ્પદ હંટાવાયરસ કેસ તરીકે તપાસ કરવામાં આવી રહી છે.
અત્યાર સુધી એક મહિના પહેલાં આર્જેન્ટિનાથી રવાના થયેલા આ જહાજમાં સવાર ત્રણ લોકોનાં મોત થયાં છે.
દરમિયાન, અમેરિકાનાં બે રાજ્યો દ્વારા બીબીસીને પુષ્ટિ કરી છે કે તેઓ અગાઉ ક્રૂઝમાંથી ઊતર્યા બાદ અમેરિકા પરત ફરેલા ત્રણ મુસાફરો પર નજર રાખી રહ્યાં છે. આ તમામ મુસાફરોમાં હાલ કોઈ લક્ષણો જોવા નથી મળ્યાં.
જ્યોર્જિયાના જાહેર આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે બે રહેવાસીઓ પર નજર રાખવામાં આવી રહી છે અને તેઓ સ્વસ્થ છે, જેમાં ચેપનાં કોઈ લક્ષણો દેખાતાં નથી.
એરિઝોનાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે એક રહેવાસી પર નજર રાખવામાં આવી રહી હતી, પરંતુ તેમનામાં પણ કોઈ લક્ષણો નહોતાં.
'23 દેશના કુલ 146 લોકો જહાજ પર સવાર'
વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)એ પણ એ વાતની પુષ્ટિ કરી છે કે જહાજમાંથી ઊતર્યા પછી સ્વિટ્ઝર્લૅન્ડ પરત ફરેલી એક વ્યક્તિને હંટાવાયરસનો ચેપ હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ ઝુરિકની એક હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે એક નિવેદનમાં જણાવ્યું હતું."દર્દીએ જહાજના ઑપરેટરના ઇમેઇલનો જવાબ આપ્યો હતો, જેમાં મુસાફરોને આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી."
ઓશનવાઇડ ઍક્સપિડિશન્સે જણાવ્યું હતું, "સાવચેતીનાં કડક પગલાં" અંતર્ગત, વિવિધ 23 દેશોના કુલ 146 લોકો એમવી હોન્ડિયસ પર છે.
વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)એ તાજેતરની એક અપડેટમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જહાજ પર સવાર લોકોમાં ત્રણ કન્ફર્મ્ડ અને ત્રણ શંકાસ્પદ, આમ, હંટાવાયરસના કુલ આઠ કેસ મળી આવ્યા છે.
દક્ષિણ આફ્રિકાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે દેશના નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર કૉમ્યુનિકેબલ ડિસીઝ દ્વારા પરીક્ષણો હાથ ધરાયા બાદ બે કન્ફર્મ્ડ દર્દીઓમાં હંટાવાયરસનો એન્ડીઝ પ્રકાર મળી આવ્યો હતો. - આ વાઇરસ લૅટિન અમેરિકામાં વધુ મળી આવે છે, નોંધનીય છે કે અહીંથી જ જહાજે પોતાનો પ્રવાસ ખેડવાનું શરૂ કર્યું હતું.
નિષ્ણાતોએ અગાઉના ફાટી નીકળેલા રોગચાળામાં માણસોમાં વાઇરસનો એન્ડીઝ પ્રકાર ફેલાતો નોંધ્યો છે. દક્ષિણ આફ્રિકા અનુસાર સંપર્કમાં આવેલા બધા લોકોને ટ્રેસ કરવાના પ્રયાસ ચાલુ છે.
કેવી રીતે ફેલાય છે હંટાવાઇરસ?
અધિકારીઓએ જણાવ્યું છે કે મૃતકોમાંથી એકમાં વાઇરસ મળી આવ્યો હતો, જ્યારે અન્ય બે મૃત્યુની તપાસ ચાલી રહી છે.
ત્રણ મૃતકોમાં 69 વર્ષીય ડચ મહિલાનો પણ સમાવેશ થાય છે, જેઓ 24 એપ્રિલના રોજ એમવી હોન્ડિયસ જ્યારે સેન્ટ હેલેના ટાપુ પર રોકાઈ ત્યારે જહાજ પરથી ઊતરીને નીકળી ગયાં હતાં. તેમના પતિનું 11 એપ્રિલના રોજ જહાજમાં મૃત્યુ થયું હતું, પરંતુ એ કેસની હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી.
ડચ મહિલાએ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખેડ્યો હતો, જ્યાં તેમનું 26 એપ્રિલના રોજ અવસાન થયું હતું.
ડબ્લ્યૂએચઓનાં અધિકારી ડૉ. મારિયા વાન કેરખોવે બીબીસીને જણાવ્યું હતું કે આરોગ્ય નિષ્ણાતો તેમની ફ્લાઇટમાં સવાર લોકોમાં સંપર્ક ટ્રેસિંગની કામગીરી કરી રહ્યા હતા.
કેએલએમ ઍરલાઇન્સે બુધવારે એક માર્ગદર્શિકા જાહેર કરીને જણાવ્યું હતું કે મહિલા 25 એપ્રિલના રોજ જોહાનિસબર્ગથી ઍમ્સ્ટરડેમ જતી તેમની ફ્લાઇટમાં થોડા સમય માટે સવાર હતાં, પરંતુ ક્રૂએ તેમની તબિયતની સ્થિતિને જોતાં તેમને ઉડાણ ભરવા દીધી નહોતી.
ત્રીજી મૃત્યુ પામેલી વ્યક્તિ એક જર્મન મહિલા છે, જેમના કેસની પણ હજુ સુધી પુષ્ટિ નથી થઈ શકી. તેમનો મૃતદેહ હજુ સુધી જહાજ પર જ છે.
હજુ સુધી બુધવારે બહાર કાઢવામાં આવેલી ત્રણ વ્યક્તિઓમાંથી કોઈ પણ હંટાવાઇરસ પૉઝિટિવ નથી મળી આવી, પરંતુ બે વ્યક્તિમાં લક્ષણો જોવા મળી રહ્યાં છે.
યુકેની આરોગ્ય સુરક્ષા એજન્સીએ જણાવ્યું હતું કે વહાણ પર વાઇરસના સંભવિત સંપર્ક બાદ બે બ્રિટિશ નાગરિકો યુકેમાં ઘરે સેલ્ફ-આઇસોલેશનમાં હતા. તેમણે ક્રૂઝની મુસાફરીના પ્રારંભિક દિવસોમાં જહાજ છોડી દીધું હતું અને તેમનામાં કોઈ લક્ષણો દેખાતાં નહોતાં.
મંગળવારે ઓશનવાઇડ ઍક્સપિડિશન્સ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, વિમાનમાં 19 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર હતા, જેઓ બ્રિટિશ હતા.
તેમાં બુધવારે જહાજમાંથી બહાર કઢાયેલાં એન્સ્ટીનો પણ સમાવેશ થાય છે.
હંટાવાયરસ સામાન્ય રીતે ઉંદરો જેવાં કાતરતાં પ્રાણીઓ વડે ફેલાય છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતો માને છે કે આ કિસ્સામાં, તે નજીકના સંપર્કમાં રહેલા માણસો વચ્ચે ફેલાયો હશે.
વહાણ પરના અન્ય લોકોને વાઇરસનો ચેપ લાગ્યો છે કે કેમ તેની પુષ્ટિ કરવા માટે ટેસ્ટિંગ ચાલુ છે.
આરોગ્ય અધિકારીઓએ ભાર આપતા કહ્યું છે કે ઘણા બધા લોકોને એક સાથે આ વાઇરસનો ચેપ લાગવાનું જોખમ ઓછું છે.
કોવિડ અને ફ્લૂથી કેવી રીતે અલગ
બુધવારે કેનેરી ટાપુઓ તરફ રવાના થતાં પહેલાં જહાજ કેપ વર્ડે નજીક લાંગરાયું હતું.
સ્પેનિશ અધિકારીઓ આના માટે સંમત થયા, પરંતુ કેનેરી ટાપુઓના રાષ્ટ્રપતિએ આ યોજનાનો વિરોધ કર્યો છે.
ફર્નાન્ડો ક્લેવિજોએ સ્પેનના ઓન્ડા સેરો રેડિયોને જણાવ્યું, "હું [બોટને] કેનેરીમાં પ્રવેશવાની મંજૂરી આપી ન શકું."
"આ નિર્ણય કોઈ પણ તકનીકી માપદંડો પર આધારિત નથી અને ન તો અમને પૂરતી માહિતી આપવામાં આવી છે."
સ્પેનનાં આરોગ્યમંત્રી મોનિકા ગાર્સિયાએ જણાવ્યું હતું કે ટેનેરાઇફ પહોંચતાં જ વિમાનમાં સવાર દરેક વ્યક્તિની તબીબી તપાસ કરાશે અને જો તેઓ મુસાફરી કરવા માટે સ્વસ્થ હશે, તો વિદેશથી આવેલા લોકોને તેમના વતન પરત મોકલવામાં આવશે.
સ્પેનના લોકો ક્વૉરૅન્ટિન માટે મેડ્રિડની એક સંરક્ષણ હૉસ્પિટલમાં મોકલવામાં આવશે.
ગાર્સિયાએ જણાવ્યું હતું કે, કેનેરી ટાપુના નાગરિકો સાથે આ પ્રક્રિયામાં "સંપર્ક ટાળવામાં" આવશે અને આગામી દિવસોમાં જ્યારે તે ટેનેરાઇફ પહોંચશે ત્યારે તેમના માટે "કોઈ જોખમ" નહીં રહે.
ડૉ. વાન કેરખોવે કહ્યું કે હંટાવાઇરસની ફેલાવાની રીત "કોવિડ અને ફ્લૂ કરતા ખૂબ જ અલગ છે".
"અહીં વાત એક બીજાથી ખૂબ દૂરથી થતા ઔપચારિક સંપર્ક અંગેની નહીં, ખરેખર શારીરિક સંપર્કની છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન