You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વલસાડ: ભાજપને પણ 'પક્ષપલટાનો ડર', 13 ચૂંટાયેલા સભ્યોને ગાંધીનગર કેમ લઈ જવા પડ્યા?
- લેેખક, અપૂર્વ પારેખ
- પદ, બીબીસી માટે, વલસાડથી
- વાંચવાનો સમય: 4 મિનિટ
ગુજરાતમાં સ્થાનિક, રાજ્ય કે કેન્દ્રની ચૂંટણી પહેલાં રાજ્યના વિપક્ષના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈને 'પક્ષપલટો' કરવાના સમાચાર રાજ્યની પ્રજા માટે કોઈ નવી વાત નથી રહી.
રાજ્યમાં સત્તાધારી ભાજપ પર અન્ય પક્ષોના લોકોને 'ડરાવી-ધમકાવીને અથવા પૈસા આપીને' પક્ષમાં સામેલ કરવાના, 'રિસોર્ટ પૉલિટિક્સ' કરવાના પણ આરોપો લાગતા રહે છે.
પરંતુ તાજેતરમાં ગુજરાતના વલસાડ જિલ્લામાં કંઈક 'અજુગતું' જ જોવા મળ્યું.
ભાજપે ધરમપુર તાલુકા પંચાયતના પોતાના ચૂંટાયેલા 13 સભ્યોને ગાંધીનગર લઈ જવા પડ્યા છે. સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓની વાત માનીએ તો આવું ભાજપે 'તેના ચૂંટાયેલા સભ્યો કૉંગ્રેસમાં ચાલ્યા જવાની બીકને લીધે' કર્યું છે.
આ ઘટનાક્રમને પગલે ધરમપુરના રાજકારણ પણ ઘણાની નજર ટકી ગઈ છે.
વલસાડમાં શું થઈ રહ્યું છે?
નોંધનીય છે કે ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી છે.
તાલુકા પંચાયતની બેઠકો મામલે ભાજપને કૉંગ્રેસ કરતાં ત્રણ ગણી બેઠકો મળી છે.
જોકે, ઘટનાક્રમના જાણકારોના મતે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ભાજપ માટે 'કપરી સ્થિતિ' પેદા થઈ છે. ભાજપના અગ્રણીઓ પોતાના તાલુકા પંચાયતના 13 ચૂંટાયેલા સભ્યોને ગાંધીનગર લઈ ગયયા છે. પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર, તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી થાય ત્યાં સુધી આ સભ્યો ત્યાં જ રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વલસાડ જિલ્લામાં ભાજપે પાંચ તાલુકા પંચાયતમાં જીત હાંસલ કરી છે, પરંતુ ધરમપુર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો પૈકી તેને 13 બેઠક પર જ પાતળી સરસાઈ મળી છે.
ધરમપુરમાં દસ બેઠકો પર કૉંગ્રેસે જીત મેળવી હતી. જ્યારે એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. આ અપક્ષ સભ્ય કૉંગ્રેસ સાથે જોડાઈ જતાં કૉંગ્રેસની 11 બેઠક થઈ હતી.
ધરમપુર તાલુકા પંચાયતમાં દેખીતી રીતે ભાજપે બહુમત તો હાંસલ કર્યો છે, પરંતુ એક સમયે 'કૉંગ્રેસનો ગઢ' રહેલા ધરમપુર તાલુકામાં પોતાના જ સભ્યો પક્ષાંતર કરીને કૉંગ્રેસમાં જતા રહે અને કૉંગ્રેસ સત્તામાં આવી જાય તેમજ પોતે હાથમાં આવેલી બાજી ગુમાવી પડે એવી દહેશત તાલુકા ભાજપમાં પ્રવર્તી રહી હોવાની રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.
નોંધનીય છે કે ભાજપે રાજ્યમાં થોડા દિવસ પહેલાં સ્થાનિક સ્વરાજ્યનાં ચૂંટણીપરિણામ જાહેર થયાં તે બાદથી પોતાના વિજેતા જાહેર થયેલા 13 સભ્યોને તુરંત જ ગાંધીનગર શિફ્ટ કરી દીધા હતા. જે બાદ આ ચર્ચા ઊઠી રહી છે.
ભાજપ-કૉંગ્રેસનું શું કહેવું છે?
ધરમપુર તાલુકા પંચાયત વિજેતા જાહેર કરાયેલા સભ્યોને ગાંધીનગર લઈ જવા અંગે ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, "પરિણામ આવ્યા બાદ તમામ સભ્યોને ગાંધીનગર લાવવામાં આવ્યા હતા. હાલ તેઓ ગાંધીનગરમાં જ છે."
જોકે, તેમણે આનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, "પક્ષના આદેશ મુજબ તમામને અહીં લવાયા છે. અમે પક્ષના આદેશનું પાલન કર્યું છે."
ધરમપુર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ધરમપુર તાલુકા પંચાયતના ભાજપના 13 સભ્યો પૈકી બે સભ્યો ગેરહાજર રહે તો તાલુકા પંચાયત પર કૉંગ્રેસ પોતાનું શાસન હાંસલ કરી શકે એવી સ્થિતિમાં છે, પરંતુ આવું અમે કંઈ વિચારીએ એ પહેલાં જ ભાજપ પોતાના તમામે તમામ વિજેતા જાહેર થયેલા 13 સભ્યોને ગાંધીનગર લઈ ગયો હતો. "
ધરમપુર તાલુકા પંચાયતની ગત ટર્મમાં ભાજપે 18 બેઠકો હાંસલ કરી હતી. જ્યારે કૉંગ્રેસે પાંચ બેઠકો હાંસલ કરી હતી. અપક્ષના ફાળે એક બેઠક ગઈ હતી. એ સમયે અપક્ષ બેઠક કલ્પેશ પટેલના ફાળે ગઈ હતી.
કલ્પેશ પટેલને ધરમપુરમાં ઊભરતા નેતા તરીકે જોવામાં આવે છે. તેઓ શાસક પક્ષની વિરુદ્ધમાં આદિવાસીઓના હક માટેનાં અનેક આંદોલનમાં અગ્રેસર રહ્યા હતા. જેથી તેમને 'ભાજપવિરોધી' મનાય છે. તેઓ ગત ટર્મમાં પણ ભાજપમાં જોડાયા નહોતા.
આ વખતે કલ્પેશ પટેલનાં પત્ની સુનીતાબહેન અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યાં છે.
કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, "ગત ટર્મમાં હું કોઈ પક્ષ સાથે જોડાયો ન હતો. આ ટર્મમાં મારાં પત્ની પણ અપક્ષની ભૂમિકામાં જ રહેશે. તેઓ સત્તા પક્ષ ભાજપ સાથે જોડાશે નહીં."
તેમણે જણાવ્યું કે, "કૉંગ્રેસ પાસે હજુ એક બેઠક આવી હોત તો પરિસ્થિતિ કંઈ જુદી જ હોત. ભાજપને આટલી બેઠકો મળ્યા બાદ પણ શંકા હોવાથી તેઓ પોતાના સભ્યોને લઈ ગયા છે. જો તેઓ અહીં હોત તો કંઈ પણ થઈ શક્યું હોત."
ધરમપુર, કપરાડા કૉંગ્રેસના જૂના 'ગઢ'
આ ટર્મમાં ધરમપુર તાલુકા પંચાયતમાં પ્રમુખપદ એસટી મહિલા માટે અનામત છે. જેના માટે ત્રણ સભ્યોની દાવેદારી છે.
જેમાં ભાજપના જીતેલા ઉમેદવારો મીનાબહેન ભોયા, શકુંતલાબહેન ચૌધરી અને નયનાબહેન દલવી મુખ્ય મનાય છે.
સ્થાનિક રાજકીય નિષ્ણાતોના મતે પ્રમુખપદ મેળવવા માટે 'ભાજપમાં પણ લોબિંગ' ચાલી રહ્યું છે. આથી, ભાજપ પોતાના સંગઠન અંદર ચાલી રહેલા આ લોબિંગને કારણે પણ કોઈ જોખમ લેવા માગતો નથી. તેના કારણે ભાજપે પોતાના તમામ સભ્યોને ગાંધીનગર ખસેડવાનું નક્કી કર્યું.
વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા ધરમપુર અને કપરાડા તાલુકા કૉંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.
ગત વિધાનસભામાં અહીં ભાજપ, કૉંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. જેના કારણે કૉંગ્રેસે આ બેઠક ગુમાવવી પડી હતી.
જોકે, તાલુકા પંચાયતોની સ્થિતિ જોતાં એવું જણાય છે કે ધરમપુર તાલુકામાં હજુ પણ 'ભાજપનું એકચક્રી શાસન' ચાલી શકે એવી સ્થિતિ નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન