પાકિસ્તાનના સિંધમાં મોટા પ્રમાણમાં પુરુષોની નસબંધી કેમ થઈ રહી છે?

- લેેખક, રિયાઝ સોહેલ
- પદ, બીબીસી ન્યૂઝ ઉર્દૂ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
કરાચીના ઝીણા પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરના સ્ત્રીરોગ વિભાગની બહાર આવેલા પ્રતીક્ષાખંડમાં કેટલાક પુરુષો બેઠેલા છે. તેઓ પોતાની પત્નીઓ કે પરિવારની અન્ય મહિલાઓની રાહ જોઈ રહ્યા છે.
કેટલાક પુરુષો મહિલાઓને પ્રસૂતિ માટે અહીં લાવ્યા છે, તો કેટલાક તબીબી તપાસ માટે આવ્યા છે.
આ જ પ્રતીક્ષાખંડમાં પરિવાર નિયોજનના સામાજિક કાર્યકર રાહીલ અહમદ કેટલાક પુરુષો સાથે વાતચીત શરૂ કરે છે. તેઓ તેમને પૂછે છે કે, તેમને કેટલાં સંતાનો છે, તેમની આવક કેટલી છે અને શું તેઓ વધુ સંતાનોનો ઉછેર કરી શકે તેમ છે.
આ વાતચીત દરમિયાન તેઓ એક એવી પ્રક્રિયાનો પણ ઉલ્લેખ કરે છે, જેના વિશે ત્યાં હાજર રહેલા ઘણા પુરુષો પહેલી વાર સાંભળી રહ્યા છે. આ પ્રક્રિયા છે પુરુષ નસબંધી, જેને અંગ્રેજીમાં 'વેસેક્ટોમી' (Vasectomy) કહેવામાં આવે છે.
રાહીલ અહમદને જાહેર આરોગ્ય ક્ષેત્રે 12 વર્ષનો અનુભવ છે.
તેમના મતે, પરિવાર નિયોજન અંગે જાગૃતિ ફેલાવવામાં સૌથી મોટો અવરોધ ધાર્મિક ગેરસમજો અને સામાજિક માન્યતાઓ છે.
કેટલાક લોકો તેને 'પશ્ચિમી દેશોનું ષડયંત્ર' ગણાવે છે, જ્યારે કેટલાકનું માનવું છે કે તેમના પૂર્વજોએ પરિવાર નિયોજન અપનાવ્યું નહોતું, તો તેમને પણ તેની જરૂર નથી.
રાહીલ અહમદ કહે છે કે, તેઓ પુરુષોને સમજાવવાનો પ્રયાસ કરે છે કે જો તેમને પહેલેથી જ ઘણાં સંતાનો હોય, તો શું તેઓ પોતાની આવકમાંથી બધાંને પૂરતું ભોજન, શિક્ષણ, કપડાં અને તબીબી સારવાર આપી શકશે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનમાં પરિવાર નિયોજન

સંયુક્ત રાષ્ટ્રોના અંદાજ મુજબ, 2025માં પાકિસ્તાનની વસ્તી આશરે 25.52 કરોડ હતી.
'વર્લ્ડ ફર્ટિલિટી રિપોર્ટ 2024' અનુસાર, દેશમાં પ્રજનન દર પ્રતિ મહિલા આશરે 3.55 બાળકોનો હતો. વિશ્વ બૅન્કના ઉપલબ્ધ આંકડા મુજબ, 15થી 49 વર્ષના વયજૂથની વિવાહિત મહિલાઓમાં ગર્ભનિરોધક પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો દર 2019માં 34% હતો.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, 2023માં પાકિસ્તાનમાં ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન ઊભી થતી તબીબી મુશ્કેલીઓને કારણે 11,000થી વધુ મહિલાઓનાં મૃત્યુ થયાં હતાં. એટલે કે, દરરોજ સરેરાશ 27 મહિલાઓનાં મૃત્યુ થયાં હતાં.
નિષ્ણાતોના મતે, વસ્તીવધારાને નિયંત્રિત કરવાનો મુદ્દો હજી સુધી એક વ્યાપક સામાજિક વિચારધારા કે અભિયાનનું સ્વરૂપ ધારણ કરી શક્યો નથી.
સિંધ પ્રાંતમાં નસબંધીના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો

પાકિસ્તાનમાં પરિવાર નિયોજનની પદ્ધતિ તરીકે પુરુષ નસબંધી અંગે હજી પણ પ્રમાણમાં ઓછી ચર્ચા થાય છે, પરંતુ સિંધ પ્રાંતમાં તેનો ઉપયોગ વધતો જોવા મળી રહ્યો છે.
સિંધના વસ્તી કલ્યાણ વિભાગના આંકડા મુજબ, 2021માં પુરુષ નસબંધીના માત્ર 24 કિસ્સા નોંધાયા હતા, જ્યારે 2025માં આ સંખ્યા વધીને 4,000ને વટાવી ગઈ હતી.
સપ્ટેમ્બર 2026 સુધીમાં નસબંધીના 3,909 કિસ્સા નોંધાયા હતા. તેની સરખામણીમાં, આ જ સમયગાળા દરમિયાન પંજાબમાં 11 અને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં માત્ર એક કિસ્સો નોંધાયો હતો.
રાહીલ અહમદના અંગત નિરીક્ષણ મુજબ, તેમનો સંપર્ક કરનારા પુરુષોમાંથી આશરે 90% શહેરી વિસ્તારોના હોય છે, જ્યારે 10% ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે.
તેમના જણાવ્યા અનુસાર, મોંઘવારી, બાળકોના શિક્ષણનો ખર્ચ, ખોરાક અને તબીબી સારવાર પાછળ થતો ખર્ચ પુરુષોને એ વિચારવા પ્રેરે છે કે, શું તેઓ વધુ સંતાનોની જવાબદારી ઉપાડી શકશે?
પત્નીના સ્વાસ્થ્યને કારણે નસબંધીનો નિર્ણય

કરાચીના સદ્દર વિસ્તારના રહીશ ઇમરાન સરકારી કર્મચારી છે. તેમના લગ્નને 18 વર્ષ થયાં છે અને તેમને ચાર સંતાનો છે.
તેઓ હવે વધુ સંતાનો ઇચ્છતા નથી. તેમના મતે, તેઓ પોતાનાં વર્તમાન સંતાનોને વધુ સારું શિક્ષણ અને જીવનધોરણ પૂરું પાડવા માગે છે.
ઇમરાન નસબંધી કરાવવા માટે ઝીણા હૉસ્પિટલ આવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, ઘરમાં છેલ્લા કેટલાક દિવસોથી પરિવાર નિયોજન અંગે ચર્ચા ચાલી રહી હતી. શરૂઆતમાં તેઓ પોતાની પત્નીની નસબંધી કરાવવા માટે સિવિલ હૉસ્પિટલ ગયા હતા, પરંતુ ત્યાં એક પરિચિત વ્યક્તિ પાસેથી તેમને જાણવા મળ્યું કે પુરુષો પણ આ પ્રક્રિયા કરાવી શકે છે.
તેઓ કહે છે, "મેં મારી પત્ની સાથે વિચારવિમર્શ કર્યો. તે ખુશ થઈ અને મારી નસબંધી કરાવવાના નિર્ણય સાથે સંમત થઈ."
ઇમરાનના જણાવ્યા અનુસાર, તેમની પત્ની અવારનવાર બીમાર રહે છે. તેને નબળાઈ, રક્તસ્રાવ અને હતાશાની ફરિયાદ પણ રહે છે.
તેઓ જણાવે છે કે, પત્નીનું નબળું સ્વાસ્થ્ય પણ નસબંધી કરાવવાના તેમના નિર્ણય પાછળનું એક મહત્ત્વનું કારણ હતું.
42 હજાર રૂપિયાનો પગાર અને પાંચ સંતાનોની જવાબદારી

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કરાચીના કોરંગી વિસ્તારના 38 વર્ષના અહમદ ખાન એક ગારમેન્ટ ફૅક્ટરીમાં કામ કરે છે. તેમનો માસિક પગાર ₹42,000 છે.
તેમને કુલ છ સંતાનો હતાં, જેમાંથી એકનું અવસાન થયું છે. તેમને બે પત્નીઓ છે.
અહમદ ખાન જણાવે છે કે, મોંઘવારી વધવાની સાથે બાળકોના ખોરાક, શિક્ષણ, કપડાં અને સારવારનો ખર્ચ ઊઠાવવો મુશ્કેલ બની રહ્યો હતો.
તેઓ કહે છે, "આ પાંચ સંતાનોની જવાબદારી મારા માટે ખૂબ મોટી છે. તેમના ભોજન, શિક્ષણ અને અન્ય ખર્ચની વ્યવસ્થા મારે જ કરવાની છે. આજકાલ મોંઘવારીને કારણે દરેક વ્યક્તિ ચિંતિત છે."
તેમના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં તેઓ પોતાની બંને પત્નીઓની નસબંધી કરાવવા ઝીણા હૉસ્પિટલ ગયા હતા, પરંતુ ત્યાં તેમને જાણવા મળ્યું કે પુરુષો પણ આ શસ્ત્રક્રિયા કરાવી શકે છે.
અહમદ ખાન જણાવે છે કે, બંને પત્નીઓની નસબંધી કરાવવાનો ખર્ચ આશરે ₹1 લાખ થવાની શક્યતા હતી, જે તેમના માટે ઊઠાવવો મુશ્કેલ હતો. તેથી જરૂરી માહિતી મેળવ્યા બાદ તેમણે પોતે જ નસબંધી કરાવવાનો નિર્ણય લીધો.
તેમણે જણાવ્યું હતું કે, નસબંધીની શસ્ત્રક્રિયા કરાવ્યે આશરે દોઢ વર્ષ થઈ ગયું છે, પરંતુ તેમના પારિવારિક જીવન કે સામાન્ય દિનચર્યામાં કોઈ ફેરફાર થયો નથી. તેઓ અગાઉની જેમ જ કામ કરી રહ્યા છે.
ઝીણા હૉસ્પિટલના ડૉ. રહીમ બેગના જણાવ્યા અનુસાર, વેસેક્ટોમી એ એક ટૂંકી શસ્ત્રક્રિયા છે, જે સામાન્ય બેભાન અવસ્થામાં કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં શુક્રાણુઓનું વહન કરતી નળીઓને કાપીને અલગ કરી દેવામાં આવે છે.
તેઓ ઉમેરે છે કે, આ પ્રક્રિયા સામાન્ય રીતે 10થી 15 મિનિટમાં પૂરી થઈ જાય છે. ત્યારબાદ દર્દીને થોડો સમય નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે અને જરૂરી સૂચનાઓ આપીને ઘરે જવા દેવામાં આવે છે.
ડૉ. રહીમ બેગ જણાવે છે કે, તેઓ એક વર્ષ કરતાં વધુ સમયથી આ સુવિધા પૂરી પાડી રહ્યા છે અને અત્યાર સુધીમાં 300થી વધુ પુરુષોની નસબંધીની શસ્ત્રક્રિયા કરી ચૂક્યા છે.
તેઓ સમજાવે છે, "આ શસ્ત્રક્રિયા પછી પણ શરીરમાં શુક્રાણુઓનું નિર્માણ તો ચાલુ રહે છે, પરંતુ તેમનું વહન અટકાવી દેવામાં આવે છે. જોકે, શસ્ત્રક્રિયા પછી આશરે ત્રણ મહિના સુધી ગર્ભનિરોધકની કોઈ વૈકલ્પિક પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી રહે છે."
હાલમાં સિંધ પ્રાંતના કરાચી, મોરો અને લરકાનામાં પુરુષ નસબંધીની સુવિધા ઉપલબ્ધ છે. આરોગ્ય વિભાગ આ સુવિધાને જિલ્લા કક્ષા સુધી વિસ્તારી શકાય તે માટે વિશેષ શિબિરોનું આયોજન કરી રહ્યો છે.
સિંધમાં વેસેક્ટોમીના વધતા કિસ્સા માત્ર એક તબીબી પ્રક્રિયાના વ્યાપનું જ સૂચક નથી, પરંતુ પરિવાર નિયોજનની જવાબદારી પ્રત્યે બદલાતી સામાજિક માનસિકતાનું પણ પ્રતિબિંબ છે.
અત્યાર સુધી ગર્ભનિરોધક પદ્ધતિઓ અપનાવવાની અને તેની તબીબી અસરોની મોટા ભાગની જવાબદારી મહિલાઓએ જ વહન કરી છે. પરંતુ આ કિસ્સા દર્શાવે છે કે, હવે કેટલાક પુરુષો પણ પરિવાર નિયોજનની જવાબદારી નિભાવવા આગળ આવી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























