ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ભારતના જેન-ઝી આંદોલનનું શું થયું, યુવાનોને એકઠા કરવા કેમ મુશ્કેલ બની રહ્યું છે?

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ભારતનું જેન-ઝી આંદોલન અનિશ્ચિતતામાં સરી પડ્યું છે?
    • લેેખક, અઝાદેહ મોશિરી
    • પદ, દક્ષિણ એશિયા સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ, દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

જ્યારે જેન-ઝીના વિરોધ-પ્રદર્શનના કારણે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પડી હોવાના સમાચાર આવ્યા હતા, ત્યારે જુલાઈમાં દિલ્હીના જંતર-મંતર પર ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

એક પ્રદર્શનકારી મારી તરફ ફરીને બોલ્યો: "આ યુવાનોનો વિજય છે."

ત્રણ મહિનાથી પણ વધારે સમય પછી માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ હવે એકઠા થવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. ગયા મહિને મતદાનના અધિકારોને લઈને જેન-ઝીની આગેવાની હેઠળની 'કૉક્રોચ જનતા પાર્ટી' (સીજેપી) દ્વારા કરવામાં આવેલાં પ્રદર્શનો પર કડક પ્રતિબંધો મૂકવામાં આવ્યાં હતાં અને હજારો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.

ઉનાળામાં ભારતમાં અસંમતિનો નવો માહોલ જોવા મળ્યો હતો, જે યુવાનોમાં ઊંડી હતાશા અને અપમાનજનક ઑનલાઇન વ્યંગ્યથી શરૂ થયો હતો.

આ આંદોલન દેશભરમાં ફેલાઈ ગયું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે એક મજબૂત છબી ધરાવતા નેતા છે અને ખુલ્લેઆમ ટીકા કે મજાક સહન કરવા ટેવાયેલા નથી, તેમને પણ આ આંદોલન રોકવામાં મુશ્કેલી પડી હતી. પરંતુ સરકારની વધતી જતી કડક સુરક્ષા કાર્યવાહી દર્શાવે છે કે સરકારે પ્રદર્શનકારીઓને ક્યારેક આપવામાં આવતી છૂટછાટોમાંથી બોધપાઠ લીધો છે અને હવે તે વિરોધને દબાવવા માટે 'જાહેર વ્યવસ્થા' (કાયદો અને વ્યવસ્થા)નો સહારો લઈ રહી છે.

શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ ઝફર ઇસ્લામે કડકાઈના આરોપોને નકારી કાઢ્યા અને બીબીસીને જણાવ્યું: "બંધારણ દ્વારા વિરોધ કરવાનો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે, પરંતુ તે કાયદાની મર્યાદામાં રહીને થવું જોઈએ. જાહેર સુરક્ષાના ભોગે તે અન્ય લોકોના અધિકારો છીનવી શકે નહીં."

મોદી સરકારે મોટા પાયે વિરોધ પ્રદર્શનોનો સામનો કર્યો હોય તેવી આ પહેલી ઘટના નથી.

પરંતુ સેન્ટર ફૉર પોલિસી રિસર્ચનાં પૂર્વ પ્રમુખ અને બ્રાઉન યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર યામિની અય્યરના મતે, આ આંદોલનનો વ્યાપ ભાજપ માટે એક મોટો પડકાર છે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ભારતનું જેન-ઝી આંદોલન અનિશ્ચિતતામાં સરી પડ્યું છે?
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અય્યરે કહ્યું, "આ આંદોલન કોઈ જાતિ, લિંગ કે આર્થિક વર્ગ પૂરતું મર્યાદિત નથી. ભાજપના મુખ્ય મતદારો ગણાતા, આગળ વધવા માંગતા નીચલા-મધ્યમ વર્ગના લોકો પણ આ આંદોલન તરફ આકર્ષાયા હતા."

યુવાનોની ઑનલાઇન હાજરીને કારણે પણ યુવા વિરોધ-પ્રદર્શનોની અસર વધી છે. પ્રદર્શનકારીઓએ વડા પ્રધાનની ખુલ્લેઆમ મજાક ઉડાવીને, લાંબા સમયથી ચાલતી એક રાજકીય મર્યાદાને તોડી નાખી છે.

દિલ્હી યુનિવર્સિટીના એક ડાબેરી વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલા સાખી નામના વિદ્યાર્થી પ્રદર્શનકારીએ (જેઓ 'ધે/ધેમ' સર્વનામનો ઉપયોગ કરે છે) કહ્યું, "આ માત્ર હાસ્ય પૂરતું સીમિત નથી."

"અગાઉની પેઢીઓમાં પરિણામોનો જે ડર હતો, તે અમારી પેઢીમાં એટલો નથી. સત્તાને પડકારવા માટે કૉમેડી (હાસ્ય) એ એક નવી ભાષા છે."

અય્યરના મતે, અગાઉનાં આંદોલનોએ મોદી સામે ગંભીર પડકારો ઊભા કર્યા હતા, પરંતુ તેમને સમાજના કોઈ ચોક્કસ વર્ગના ગણાવીને કે "ઍન્ટી નૅશનલ" કહીને ફગાવી દેવાં સરળ હતાં.

2020માં, વિવાદાસ્પદ કૃષિ સુધારાઓ સામે વિરોધ કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતાં અટકાવવામાં આવ્યા હતા, જેના કારણે મહિનાઓ સુધી પ્રદર્શનો ચાલ્યાં અને રાજધાનીની સરહદો પર અથડામણો પણ થઈ. એક વર્ષના વિરોધ બાદ સરકારે તે કાયદાઓ પાછા ખેંચ્યા હતા.

2019 અને 2020માં વિવાદાસ્પદ નાગરિકતા કાયદા સામે થયેલાં વિરોધ પ્રદર્શનો એ વાતની યાદ અપાવે છે કે જો કોઈને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માનવામાં આવે તો ન્યાયતંત્ર અને કાયદાની શક્તિ કેવી હોઈ શકે છે.

દિલ્હીમાં થયેલી હિંસક અથડામણમાં 53 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના મુસ્લિમો હતા, ત્યારબાદ વિદ્યાર્થી કાર્યકર ઉમર ખાલિદની આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર "મુખ્ય કાવતરૂં રચનાર" હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હવે તે છ વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા છે અને તેમનો કેસ શરૂ થયો નથી.

તેમનાં જીવનસાથી બનજ્યોત્સ્ના લાહિરીએ બીબીસીને જણાવ્યું કે તેમને કોઈ અફસોસ નથી, પરંતુ પરિસ્થિતિએ "એક પ્રકારનો ભય પેદા કર્યો જે પ્રવર્તી રહ્યો છે".

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ભારતનું જેન-ઝી આંદોલન અનિશ્ચિતતામાં સરી પડ્યું છે?
ઇમેજ કૅપ્શન, શરૂઆતના દિવસોમાં સીજેપીએ શિક્ષણ, નોકરી અને અર્થવ્યવસ્થાની સ્થિતિથી નિરાશ થયેલા ભારતીય યુવાનોને એક કરવાનું કામ કર્યું હતું.

લાહિરીએ કહ્યું, "અમે બસ ખાલી જગ્યાના એક અંધકારમય જાળ તરફ જોઈ રહ્યા છીએ, કારણ કે અમને ખબર નથી કે આનો અંત ક્યારે આવશે." ખાલિદની નવી અરજી આ મહિને જ દાખલ કરવામાં આવી છે.

અય્યરનું માનવું છે કે વિરોધીઓ આજે પણ આંદોલનોને "ગેરકાયદેસર ઠેરવવા" માટે જૂની રીતો અપનાવી રહ્યા છે, પરંતુ હવે તેની પહેલાં જેવી અસર થઈ રહી નથી.

તેમ છતાં, યુવા વિરોધ પ્રદર્શનો આ ઉનાળામાં જે થયું તેવો વેગ ફરી પકડવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

સીજેપી પ્રવક્તા સૌરવ દાસ સહિત સીજેપી નેતાઓને વારંવાર અટકાયત અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. જંતર-મંતરમાં અતિક્રમણના આરોપ બાદ દાસ અને સાથી નેતા આશુતોષ રાંકાએ દિલ્હીની તિહાર જેલમાં એક અઠવાડિયું વિતાવ્યું હતું.

ત્યારથી, તેમની ઉનાળાની જીતના સ્થળ (જંતર-મંતર) ને અધિકૃત વિરોધ સ્થળોની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે, જે નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

ડાબેરી સંગઠન 'ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિએશન' (એઆઈએસએ) સહિત અન્ય જૂથોના પ્રદર્શનકારીઓને પણ આદેશોનો ભંગ કરવાના આરોપમાં પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.

દાસે કહ્યું, "અમને કોઈ પ્રકારની કડક કાર્યવાહીની અપેક્ષા હતી જ." તેમણે ઉમેર્યું કે ઉનાળા પછી "સરકાર ઘણું શીખી ગઈ છે."

કાનૂની નિષ્ણાતો ચેતવણી આપે છે કે કાનૂની પ્રક્રિયા પોતે જ ડરામણી અસર ઊભી કરી શકે છે.

લોયડ લૉ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર અલી ખાને કહ્યું, "ઘણા કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટી શકે છે, પરંતુ તેમાં વર્ષો લાગી શકે છે. આ પ્રક્રિયા પોતે જ એક સજા બની જાય છે અને તે પ્રદર્શનકારીઓને રોકી શકે છે."

સીજેપીને સલાહ આપતી બંધારણીય બાબતોનાં નિષ્ણાત વકીલ વૃંદા ગ્રોવરના મતે, પ્રદર્શનો પરનાં નિયંત્રણો કઠોર બની ગયાં છે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ભારતનું જેન-ઝી આંદોલન અનિશ્ચિતતામાં સરી પડ્યું છે?

તેમણે દલીલ કરી કે "જેઓ વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે તેમણે વારંવાર ભારપૂર્વક જણાવ્યું છે કે આ અહિંસક છે. કાયદો અને વ્યવસ્થાના નામે અધિકારોને કાપવામાં આવી રહ્યા છે."

ભાજપે શાંતિપૂર્ણ વિરોધને દબાવવાના આક્ષેપોને ફગાવી દીધા છે.

ઇસ્લામે બીબીસીને જણાવ્યું હતું કે "મુઠ્ઠીભર લોકો વિરોધ કરવા માંગે છે અને હિંસા માટે જવાબદાર બને છે તેથી પ્રદર્શનો અન્ય નાગરિકોના અધિકારોને ઓવરરાઇડ કરી શકતા નથી".

ઑનલાઇન અસંમતિ વ્યક્ત કરવી પણ જોખમી છે. સાખીની વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર ટાર્ગેટ કરીને અપશબ્દો અને ટ્રાન્સફોબિક (ટ્રાન્સજેન્ડર્સ સામે નફરત અને ભય ફેલાવતા) હુમલાઓ થયા છે. બીબીસીએ એવી પોસ્ટ્સ જોઈ છે જેમાં તેમને હિંસા અને બળાત્કારની ધમકી આપવામાં આવી છે.

ક્યારેક આ બાબત સાખીને વિરોધ કરતા અટકાવે છે અથવા તો પહેરવેશ બદલવા માટે પણ મજબૂર કરી શકે છે.

સાખીએ કહ્યું કે, "લોકોને હસાવવાની વાત તમને 'દેશદ્રોહી' ગણાવવા સુધી લઈ જઈ શકે છે."

તેમણે ઉમેર્યું કે, "તેઓ ઇચ્છે છે કે મને નુકસાન થાય."

તેમનો દાવો છે કે લાખો વ્યૂઝ મળ્યા બાદ તેમની કેટલીક પોસ્ટ્સ હટાવી દેવામાં આવી હતી.

ભારતના ઇન્ફોર્મેશન ટેકનૉલૉજી (આઈટી) કાયદા હેઠળ, સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના આધારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સને કન્ટેન્ટ બ્લૉક કરવાનો આદેશ આપી શકે છે. ઍક્સ અને ઇન્સ્ટાગ્રામ પરની નોટિસો દર્શાવે છે કે ભારતમાં ઘણાં ઍકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યાં છે.

સીજેપી નેતાઓએ આ કાર્યવાહીને 1975ની કટોકટી સાથે સરખાવી છે, જ્યારે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ નાગરિક સ્વતંત્રતાઓ સ્થગિત કરી હતી અને રાજકીય વિરોધીઓને જેલમાં ધકેલી દીધા હતા.

તેમ છતાં, વિરોધનો અવાજ સંપૂર્ણપણે દબાયો નથી. વિપક્ષી પાર્ટીઓએ આ ખાલી જગ્યાને અમુક અંશે ભરી છે. એક નવેમ્બરના રોજ કૉંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી ગઠબંધન 'INDIA બ્લૉક' દ્વારા આયોજિત અને સત્તાવાળાઓ દ્વારા મંજૂર કરાયેલી રેલીમાં દિલ્હીમાં હજારો લોકો એકઠા થયા હતા.

આ દરમિયાન, CJP ના નેતાઓ ભારપૂર્વક કહે છે કે આ આંદોલન તેમના સંગઠન કરતાં ઘણું મોટું છે.

21 ઑક્ટોબરે જ્યારે દાસ દિલ્હીની તિહાડ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તસવીરોમાં તેઓ હસતા જોવા મળ્યા હતા.

દાસે અમને કહ્યું, "હું બસ એટલું જ કહીશ કે રાહ જુઓ અને જુઓ. સમય અમારી સાથે છે. અમે એક ખૂબ જ યુવા પેઢી છીએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન