ગુજરાત : ભાજપ આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાની જન્મજયંતી કેમ ધામધૂમથી ઉજવી રહ્યો છે?

ભગવાન બિરસા મુંડા જન્મજયંતી : આદિવાસી વિસ્તારોમાં ભાજપની 'રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવણી શું સૂચવે છે, કોણ હતા જનનાયક બિરસા મુંડા?
ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં 12થી 18 નવેમ્બર દરમિયાન 14 આદિવાસી જિલ્લાઓની 55 વિધાનસભા બેઠકો, 33 જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકાઓમાં સપ્તાહવ્યાપી કાર્યક્રમો યોજાશે.
    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

આજે 15 નવેમ્બરે આદિવાસી સમુદાયના લોકનાયક બિરસા મુંડાની 151મી જન્મજયંતી છે. આ દિવસ આદિવાસી સમુદાય માટે ખાસ ઉત્સવ અને સન્માનનો દિવસ ગણાય છે.

ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, તે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે 12થી 18 નવેમ્બર દરમિયાન 'રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ' ઉજવશે.

આ ઉજવણીના ભાગરૂપે યોજાયેલી પત્રકાર પરિષદમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાના અમૂલ્ય યોગદાનને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે જાહેર કરીને વડા પ્રધાને ઐતિહાસિક સન્માન આપ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે "15 નવેમ્બરના રોજ આ ઉત્સવની ઉજવણી અંતર્ગત રાજ્યમાં ₹2,300 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે."

સરકારની પ્રેસ નોટ અનુસાર, 12થી 18 નવેમ્બર દરમિયાન 14 આદિવાસી જિલ્લાઓની 55 વિધાનસભા બેઠકો, 33 જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકાઓમાં સપ્તાહવ્યાપી કાર્યક્રમો યોજાશે.

આદિજાતિ ક્ષેત્રોનાં હાટબજારોમાં 'શબરી બૂથ' પરથી આદિજાતિ વિકાસ અંગેની માહિતીનું વિતરણ કરાશે અને રાજ્યનાં 14 આદિજાતિ જિલ્લાઓમાં 'જોહર કૅફે' શરૂ કરાશે.

બીજી તરફ, રાજકીય નિષ્ણાતો અને વિપક્ષ આ કાર્યક્રમને વૉટબૅંકની રાજનીતિ ગણાવી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણીને જ્યારે એક વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે નોંધનીય છે કે, ભાજપના આ કાર્યક્રમો શું ખરેખર કોઈ રાજનીતિ છે કે આદિવાસી નેતાઓના અસંતોષને ઠંડો પાડવાના પ્રયાસો છે? એ જાણીશું આ અહેવાલમાં.

બિરસા મુંડા : આદિવાસીઓના એ 'ભગવાન' જેમણે ભારતમાં અલગ ધર્મ સ્થાપ્યો

ભગવાન બિરસા મુંડા જન્મજયંતી : આદિવાસી વિસ્તારોમાં ભાજપની 'રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવણી શું સૂચવે છે, કોણ હતા જનનાયક બિરસા મુંડા?
ઇમેજ કૅપ્શન, બિરસા મુંડાનો જન્મ ઝારખંડના ખૂંટી જિલ્લામાં થયો હતો.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બિરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા, જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે પણ બાથ ભીડી હતી.

આદિવાસીઓના ભગવાન કહેવાતા બિરસા મુંડાએ આપેલા યોગદાનને કારણે જ તેમની તસવીરને ભારતીય સંસદના સંગ્રહાલયમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ સન્માન આદિવાસી સમુદાયમાં માત્ર બિરસા મુંડાને જ મળ્યું છે.

બિરસા મુંડાનો જન્મ ઝારખંડના ખૂંટી જિલ્લામાં થયો હતો. તેમના જન્મવર્ષ અને તારીખ બાબતે વિવિધ માહિતી ઉપલબ્ધ છે. ઘણાં સ્થળોએ તેમની જન્મતારીખ 15 નવેમ્બર, 1875 હોવાનો ઉલ્લેખ છે.

ભારતીય વહીવટી સેવાના (IAS) અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા કુમાર સુરેશસિંહે બિરસા મુંડા વિશે સંશોધન પર આધારિત એક પુસ્તક લખ્યું છે. તે પુસ્તકનું શીર્ષક છે: 'બિરસા મુંડા ઔર ઉસકા આંદોલન'.

કુમાર સુરેશસિંહ છોટાનાગપુરના કમિશનર હતા અને તેમણે આદિવાસી સમાજનું વિગતવાર અધ્યયન કર્યું હતું. તેમનું 15 વર્ષ પહેલાં અવસાન થયું હતું, પરંતુ તેમણે લખેલા બિરસા મુંડા વિશેના પુસ્તકની ગણતરી પ્રમાણભૂત પુસ્તકોમાં થાય છે.

કુમાર સુરેશસિંહે લખેલા પુસ્તકમાં બિરસા મુંડાનું જન્મવર્ષ 1872 હોવાનું જણાવવામાં આવ્યું છે. એ સિવાયની ઘણી રસપ્રદ માહિતી પણ આ પુસ્તકમાં છે.

આ પુસ્તકમાં વિવિધ સ્રોતોના માધ્યમથી એવું જણાવવામાં આવ્યું છે કે બિરસા મુંડાના પરિવારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.

બિરસા મુંડાના મોટા કાકા કાનુ પૉલૂસ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂક્યા હતા. તેમના પિતા સુગના અને તેમના નાના ભાઈએ પણ એવું જ કર્યું હતું.

બિરસા મુંડાના પિતા તો ખ્રિસ્તી ધર્મના પ્રચારક સુદ્ધાં બન્યા હતા. ધર્મપરિવર્તન બાદ બિરસાનું નામ દાઉદ મુંડા અને તેમના પિતાનું નામ મસીહદાસ રાખવામાં આવ્યું હતું.

કુમાર સુરેશસિંહના પુસ્તકમાં જણાવ્યા મુજબ, બિરસા મુંડાનાં માસી જૉની તેમને ખૂબ પ્રેમ કરતાં હતાં.

જૉની પોતાનાં લગ્ન પછી બિરસાને પોતાની સાથે સાસરે ખટંગા ગામે લઈ ગયાં હતાં. ત્યાં તેમનો સંપર્ક એક ખ્રિસ્તી ધર્મપ્રચારક સાથે થયો હતો. એ પ્રચારક પોતાના પ્રવચનમાં મુંડા સમુદાયની જૂની વ્યવસ્થાની ટીકા કરતા હતા. એ બિરસા મુંડાને જરાય ગમતું નહોતું.

એ જ કારણસર બિરસા મુંડા મિશનરી સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી પોતાના આદિવાસી રીત-રિવાજો તરફ પાછા ફર્યા હતા.

જોકે, 1894માં આદિવાસીઓની જમીન તથા વનસંબંધી અધિકારોની માગ અંગેના સરદારી આંદોલનમાં સામેલ થયા બાદ બિરસા મુંડાના જીવનમાં નોંધપાત્ર વળાંક આવ્યો હતો.

એ સમયે તેમને સમજાયું હતું કે આદિવાસી કે ખ્રિસ્તી ધર્મ – એ બેમાંથી કોઈ આ આદિવાસી આંદોલનને પ્રાધાન્ય આપતું નથી.

એ પછી બિરસા મુંડાએ એક અલગ ધાર્મિક પદ્ધતિની વ્યાખ્યા કરી હતી.

એ ધાર્મિક પદ્ધતિનું અનુસરણ આજે પણ ઘણા લોકો કરે છે અને તેમને 'બિરસાઇત' કહેવામાં આવે છે.

કુમાર સુરેશસિંહે પોતાના પુસ્તકમાં લખ્યું છે, 'બિરસા મુંડાએ તેમના ધર્મના પ્રચાર માટે 1895માં 12 શિષ્યોની નિમણૂક કરી હતી. જલમઈ (ચાઇબાસા)ના રહેવાસી સોમા મુંડાને પ્રમુખ શિષ્ય જાહેર કર્યા હતા અને તેમને ધર્મપુસ્તક સોંપ્યું હતું.'

આ સંદર્ભમાં વિચારીએ તો બિરસા મુંડાએ પોતાના ધર્મની સ્થાપના 1894-95ની વચ્ચે કરી હશે.

બિરસા મુંડાને આજે પણ લાખો લોકો 'ભગવાન' માને છે.

ભાજપને બિરસા મુંડા અને આદિવાસીઓ કેમ યાદ આવ્યા?

ભગવાન બિરસા મુંડા જન્મજયંતી : આદિવાસી વિસ્તારોમાં ભાજપની 'રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવણી શું સૂચવે છે, કોણ હતા જનનાયક બિરસા મુંડા?
ઇમેજ કૅપ્શન, ગુજરાત સરકારના આયોજન પ્રમાણે, આદિજાતિ ક્ષેત્રોનાં હાટબજારોમાં 'શબરી બૂથ' પરથી આદિજાતિ વિકાસ અંગેની માહિતીનું વિતરણ કરાશે અને રાજ્યનાં 14 આદિજાતિ જિલ્લાઓમાં 'જોહર કૅફે' શરૂ કરાશે.

ભાજપે તેમના તમામ ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદોને આદિવાસી વિસ્તારોનાં ગામડાં ખૂંદવાની અને લોકસંપર્ક વધારવાની વિશેષ જવાબદારી સોંપી દીધી છે.

આ 'જનસંપર્ક ઝુંબેશ'ના ભાગરૂપે ભાજપના જનપ્રતિનિધિઓ ગામડે-ગામડે જઈને 'ખાટલાબેઠક' કરશે. પક્ષનો મુખ્ય હેતુ રાજ્યમાં નવેસરથી ઉમેરાયેલી આદિવાસી વૉટબૅન્કને સાચવી રાખવા માટે મજબૂત વ્યૂહરચના ઘડવાનો છે.

અત્રે નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપે શરૂ કરેલી આ રાજકીય કવાયત અને તેની પાછળનાં મુખ્ય કારણો અંગે બીબીસી ગુજરાતીએ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

બીબીસીના અગાઉના અહેવાલમાં પણ જાણકારોના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બર 2025થી મધ્ય અને દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં ચાલી રહેલાં કેટલાંક આંદોલનો બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ('આપ')ને મળેલા 'થોડા સારા' પ્રતિસાદ બાદ ભાજપે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં આદિવાસી મતદારોને રીઝવવા કવાયત કરવાનું નક્કી કર્યું છે.

બીબીસીના અગાઉના એક અહેવાલમાં બીબીસી સાથે વાત કરતાં રાજકીય વિશ્લેષક પ્રો. ઘનશ્યામ શાહે કહ્યું હતું કે, "2012માં ગુજરાત વિધાનસભાના નવા સીમાંકન પછી આદિવાસીઓ માટે 27 બેઠકો અનામત છે. એ પહેલાં 2007 સુધી આ સંખ્યા 26 હતી. 2002માં ભાજપને 13, કૉંગ્રેસને 11 અને જેડીયુને બે બેઠકો મળી હતી. 2007માં ભાજપના અમિત શાહ આદિવાસીઓનો મૂડ પારખી ગયા હતા, એટલે ત્યાં કૅમ્પ લગાવીને બેઠા હતા. ત્યારે ભાજપને 11, કૉંગ્રેસને 14 અને બીટીપીને એક બેઠક મળી હતી.|

"2012માં નવા સીમાંકન પછી આદિવાસીઓ માટે 27 બેઠકો અનામત રખાઈ, ભાજપ એમાંથી દસ બેઠકો પર જીત્યો હતો; જ્યારે કૉંગ્રેસ 16 અને જેડીયુ એક બેઠક પરથી જીતી હતી. એ બાદ 2017ની ચૂંટણીમાં ભાજપને નવ, કૉંગ્રેસને 15, બીટીપીને બે અને અપક્ષને એક બેઠક મળી હતી. જોકે, 2022ની ચૂંટણીમાં આખુંય ચિત્ર ફરી ગયું હતું. એ ચૂંટણીમાં ભાજપને 23, કૉંગ્રેસને ત્રણ અને આપને એક બેઠક મળી હતી."

પ્રો. ઘનશ્યામ શાહ આગળ વાત કરતાં કહે છે, "ડિસેમ્બર 2025થી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા આદિવાસી આંદોલન પછી ભાજપમાં આંતરિક અસંતોષ વધી રહ્યો છે. બીજી તરફ, કૉંગ્રેસ પોતાની ગુમાવેલી વોટબૅન્ક પાછી મેળવવા મથી રહી છે અને તેને છેલ્લા કેટલાક સમયથી આદિવાસી વિસ્તારોમાં થઈ રહેલા કાર્યક્રમોમાં સમર્થન પણ મળી રહ્યું છે. એ સંજોગોમાં આદિવાસી વિસ્તારમાં ભાજપનો આંતરિક અસંતોષ એ પક્ષ માટે ચિંતાનો વિષય છે. બીજું કે, સરદાર પટેલનું સ્ટેચ્યૂ ઑફ યુનિટી બન્યા પછી આદિવાસીઓની જમીન લેવાઈ, એ સમસ્યા વધુ તીવ્ર બની છે."

શું કહે છે રાજકીય વિશ્લેષકો?

ભગવાન બિરસા મુંડા જન્મજયંતી : આદિવાસી વિસ્તારોમાં ભાજપની 'રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવણી શું સૂચવે છે, કોણ હતા જનનાયક બિરસા મુંડા?
ઇમેજ કૅપ્શન, વિરોધપક્ષોનો આરોપ છે કે સરકાર માત્ર આદિવાસી વોટબૅન્કને ધ્યાનમાં રાખીને આ પ્રકારનાં આયોજનો કરે છે. ભાજપ વિપક્ષોના આ આરોપને ફગાવે છે.

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે, "આદિવાસી સમુદાયની વોટબૅન્ક જાળવી રાખવા દરેક રાજકીય પક્ષ આ પ્રકારના કાર્યક્રમો યોજે છે. આ ઉપરાંત ભાજપનું સંગઠન અને તેની ઇવૅન્ટ મૅનેજમેન્ટ કરવાની પદ્ધતિ પણ મજબૂત છે."

તેઓ આગળ ઉમેરે છે, "આદિવાસીઓની વોટબૅન્ક ભૂતકાળમાં કૉંગ્રેસ તરફ હતી, ત્યારબાદ ગત ચૂંટણીઓમાં 'આપ' અને હવે તે ભાજપ તરફ વળી છે. તેથી આ વોટબૅન્ક જાળવી રાખવા ભાજપ પ્રયાસો કરી રહ્યો છે. વળી, વોટબૅન્કની દ્રષ્ટિએ આદિવાસી સમુદાયની વસ્તી પણ મોટી સંખ્યામાં છે અને તેઓ વિધાનસભા ચૂંટણીમાં ઘણી બેઠકો પર અસરકારક ભૂમિકા ભજવે છે."

"આવા કાર્યક્રમો આદિવાસી વોટબૅન્કને સાધવા તેમજ સમુદાય સાથે સંપર્ક વધારવા માટે યોજાય છે. આનાથી પક્ષ આદિવાસી વિસ્તારોમાં પોતાનું સંગઠન મજબૂત કરીને છેવાડાના લોકોને પણ સાથે સાંકળી લે છે. આદિવાસી નેતાઓના અસંતોષના કારણે ભાજપને બેઠકો ગુમાવવી પડે અથવા વોટબૅન્કમાં મોટું ગાબડું પડે, તેને પૂરવાના જ આ બધા પ્રયાસો છે."

જગદીશ આચાર્યના જણાવ્યા મુજબ, "જ્યારે પણ ભાજપને એવું લાગે કે કોઈ પણ જગ્યાએ અસંતોષ કે વિરોધ છે, ત્યારે તે પોતાનો અહમ છોડીને ડૅમેજ કન્ટ્રોલ શરૂ કરી દે છે. આ ભાજપની ખૂબ આગળની તૈયારી દર્શાવે છે. આગામી ચૂંટણીઓમાં હજુ સમય છે, છતાં ભાજપે ચૂંટણીની પૂર્વતૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે."

બીજી તરફ, રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "ગુજરાતના રાજકીય ઇતિહાસ તરફ નજર કરીએ તો જોઈ શકાય છે કે ગુજરાતનો આદિવાસી પટ્ટો વર્ષોથી કૉંગ્રેસનો મજબૂત ગઢ રહ્યો હતો અને લાંબા સમય સુધી ભાજપ ત્યાં પગપેસારો કરી શક્યો નહોતો."

"ત્યારબાદ જેમ-જેમ ભાજપ શાસનમાં આવ્યો, તેમ-તેમ તે આદિવાસી વિસ્તારોમાં ઘણી બધી યોજનાઓ લાવ્યો. પરિણામે કૉંગ્રેસનો એ ગઢ ધીમે-ધીમે ભાજપના ગઢમાં પરિવર્તિત થઈ ગયો. આ મોટું પરિવર્તન છેલ્લાં 20 વર્ષમાં લોકસભા અને વિધાનસભા બંનેમાં જોવા મળ્યું છે, જે ભાજપના પ્રયાસોની સફળતા દર્શાવે છે."

તેઓ આગળ કહે છે, "બીજી તરફ, ચૈતર વસાવા અને અન્ય નવા આદિવાસી નેતાઓ ભાજપ માટે એક પડકાર છે. હાલ ચૈતર જેલમાં છે અને ભાજપે તેમને પોતાની સાથે લેવાની તૈયારી અંદરખાને કરી હોય તેમ લાગે છે. ક્યાંય ગાબડું પડતું દેખાય તો એ નુકસાન સરખું કરીને આગળ વધવાની મજબૂત નીતિ ભાજપ પાસે હંમેશાં રહી છે."

"બિરસા મુંડા જન્મજયંતીની ઉજવણી મોટા પાયે કરવાની શરૂઆત ભાજપે કરી હતી. દર વર્ષે તેના કાર્યક્રમો થાય જ છે, પરંતુ આ વખતે 151મી જન્મજયંતી હોવાથી તેની તૈયારીઓ વ્યાપક સ્તરે થઈ રહી છે. બિરસા મુંડા ખૂબ મોટું નામ છે, તેથી આ સમુદાયના આવા જનનાયકોને સન્માન આપવાથી તેનું રાજકીય પરિણામ પણ મળતું હોય છે."

કૌશિક મહેતા ઉમેરે છે કે, "આ કાર્યક્રમોનો આદિવાસી વિસ્તારોમાં ભાજપને ચોક્કસ લાભ થઈ શકે છે. આ વખતે રાજકોટમાં પણ બિરસા મુંડાની શોભાયાત્રા નીકળી છે, જે મેં આટલાં વર્ષોમાં અગાઉ ક્યારેય સાંભળ્યું નથી."

શું કહે છે રાજકીય પક્ષો?

ભગવાન બિરસા મુંડા જન્મજયંતી : આદિવાસી વિસ્તારોમાં ભાજપની 'રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવણી શું સૂચવે છે, કોણ હતા જનનાયક બિરસા મુંડા?
ઇમેજ કૅપ્શન, બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણીના ગુજરાત સરકારના એક આયોજનની તસવીર.

ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "દેશના મહાપુરુષો અને આઝાદીની ચળવળમાં ભાગ લેનારા ઐતિહાસિક તથ્ય સાથેના તમામ જનનાયકોની જન્મજયંતી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ સરકાર ઉજવી રહી છે."

તેઓ ઉમેરે છે, "નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે પણ તેમનું ફૉકસ હંમેશાં આદિવાસી વિસ્તારો પર રહ્યું હતું. તેમણે સૌપ્રથમ વખત આદિવાસી વિસ્તારોના વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી હતી, જે હજી પણ કાર્યરત છે. એ જ નીતિ પર ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ કામ કરી રહી છે."

"આવા કાર્યક્રમો થકી અમારો હેતુ શિક્ષણથી લઈને આરોગ્ય સુધીની તમામ બાબતોમાં વિકાસ કરવાનો છે. આદિવાસી સમાજમાંથી જે લોકોએ પ્રગતિ કરી છે, એવા પ્રબદ્ધ લોકો સાથે સંવાદ સાધવાનો આ પ્રયાસ છે."

બીજી તરફ, કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, "ભારતીય જનતા પાર્ટીની આદિવાસીની વિરોધી નીતિના કારણે છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં શૈક્ષણિક વ્યવસ્થામાં મોટા પાયે તકલીફ ઊભી થઈ છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોની શાળાઓની હાલત અતિ ખરાબ છે."

"આ વિસ્તારોમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની ભરતી જ કરવામાં આવતી નથી. આશ્રમશાળાઓને લાંબા સમય સુધી ગ્રાન્ટ આપવામાં આવતી નથી, તેની ફરિયાદો પણ અમારી પાસે છે. આમ, આદિવાસી સમાજનાં દીકરા-દીકરીઓ શિક્ષણથી વંચિત રહે, એવી સરકારની નીતિ રહી છે."

મનીષ દોશી આગળ આરોપ લગાવે છે કે "ભાજપની સત્તામાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ બંને પરના અત્યાચારોમાં વધારો થયો છે. નકલી કચેરીઓથી લઈને આદિવાસી સ્થળાંતર જેવા મુદ્દાઓ અંગે સરકાર ચૂપ છે. આ ઉપરાંત કુપોષણ એ આદિવાસી વિસ્તારનો સૌથી મોટો પ્રશ્ન છે. સરકાર ચૂંટણી નજીક આવે ત્યારે એકાદ યોજના બહાર પાડી દે છે. પરંતુ હવે આદિવાસી સમાજ ભાજપને ઓળખી ગયો છે અને લોકોમાં ભારોભાર આક્રોશ છે."

આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરણ બારોટ જણાવે છે કે, "ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજના નેતા છે, જેમણે પોતાની યુવાનીનો સમય સમાજની સેવામાં આપ્યો છે. ચૈતર વસાવા પર સંપૂર્ણપણે ખોટા કેસ કરીને તેમને ઝૂકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ તેઓ ઝૂક્યા નહીં. અત્યારે સુપ્રીમ કોર્ટમાં તેમનો કેસ ચાલી રહ્યો છે, તેમ છતાં તેઓ આજે પણ ઝૂકવા તૈયાર નથી."

"તેથી હવે ભાજપને ખ્યાલ આવી ગયો છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવે એવી શક્યતા નથી. આથી આદિવાસી સમાજને રીઝવવા માટે ભારતીય જનતા પાર્ટી આવા પ્રયાસો કરી રહી છે. પરંતુ હવે આદિવાસી સમાજ ભાજપની રાજનીતિ સમજી ગયો છે કે પક્ષના નેતાઓ તેમનો ઉપયોગ ફક્ત 'વોટબૅન્ક' તરીકે કરી રહ્યા છે."

બીબીસીએ ભાજપના આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતભાઈ વસાવા સાથે પણ વાત કરી હતી. તેમણે કૉંગ્રેસ અને આપના આરોપોને નકારી કાઢ્યા હતા.

તેમણે બીબીસીને કહ્યું કે, "આ કાર્યક્રમ કોઈ રાજકીય આયોજન નથી. આ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીનો કાર્યક્રમ છે અને આઝાદીની લડાઈમાં આદિવાસી સમાજે ખૂબ મોટું યોગદાન આપ્યું છે."

"આદિવાસી સમાજનો જે ભવ્ય અને ઉજળો ઇતિહાસ છે, ભૂતકાળની સરકારોએ જાણીજોઈને તેને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. એ ભવ્ય ઇતિહાસને ઉજાગર કરવાનું કામ પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું છે. 15 નવેમ્બરને નરેન્દ્રભાઈ મોદીએ 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે જાહેર કરીને સમગ્ર દેશના 11 કરોડ આદિવાસીઓને માન-સન્માન આપ્યું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન