'મારાં કપડાં ઉતરાવી ફોટો પાડી લીધા,' - ઓનલાઇન તાંત્રિકના 'બ્લૅકમેઇલનો શિકાર' બનેલાં મહિલાની આપવીતી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 5 મિનિટ

'મેં એક દિવસ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ મૂકી અને મારા પર મૅસેજ આવ્યો - તમે પ્રેમમાં દુઃખી છો. તમારી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સંપર્ક કરો, મફત માર્ગદર્શન મળશે."

"મેં મૅસેજમાં આપેલી લિંક જોઈ તો તેમાં લોકોને સફળતા મળી હોવાના વીડિયો હતા, એટલે મેં તેમનો સંપર્ક કર્યો. તેમણે મને બે-ત્રણ મંત્ર આપ્યા અને જે વિધિ કહી એ કરી તો જેની સાથે મારા અબોલા થઈ ગયા હતા એવા મારા પ્રેમીનો મૅસેજ આવ્યો."

"મને તેમના પર વિશ્વાસ બેઠો. ફરી અબોલા થયા એટલે ફરી સંપર્ક કર્યો તો એમને વિધિના નામે થોડા પૈસા માંગ્યા. પછી પૈસા વધતા ગયા અને વિધિના નામે મારા બિભત્સ ફોટા પડી વાઇરલ કરવાની ધમકી આપી, બ્લૅકમેઇલ કરવા લાગ્યા. કિન્નર બનીને વિધિના નામે પૈસા પડાવનારી આ વ્યક્તિ અંતે પુરુષ નીકળી."

આ શબ્દો છે અમદાવાદના પ્રતિષ્ઠિત કુટુંબનાં મહિલા તોરલ પટેલના (નામ બદલ્યું છે), જેમની સાથે એક કહેવાતા 'તાંત્રિકે' કથિતપણે મોટી છેતરપિંડી કર્યાનો મામલો સામે આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

તોરલ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં શું બન્યું હતું એ અંગે જણાવ્યું હતું.

તેઓ કહે છે કે, "થોડા સમય પહેલાં હું જેને જીવથી વધુ પ્રેમ કરતી હતી એની સાથે અણબનાવ થયો અને અમારા વચ્ચે અબોલા થઈ ગયા. હું દુઃખી હતી આથી મેં ઇન્સ્ટાગ્રામ પર એક રીલ મૂકી અને એ જ દિવસે રાત્રે મારા ઇન્સ્ટાગ્રામ પર મૅસેજ આવ્યો કે, 'તમે પ્રેમમાં દુઃખી હો એવું લાગે છે. તમારી સમસ્યાનું તાંત્રિક વિધિથી મફત નિરાકરણ કરી આપવામાં આવશે.'"

તેઓ કહે છે, "તેની સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની કેટલીક લિંક હતી. હું હતાશ હતી. મેં લિંક ખોલીને જોયું તો એમાં ઘણા લોકો પોતાની સમસ્યા દૂર થR હોવાની વાત કરતા હતા. મેં સ્ક્રીન પર આપેલા નંબર પર ફોન કર્યો, તો મને કેટલાક મંત્ર અને વિધિ બતાવ્યાં. દરમિયાન, જેની સાથે મારે અબોલા હતા એનો મૅસેજ આવ્યો, એકાદ મુલાકાત થઈ."

તોરલ પટેલ કહે છે, "ફરી જૂના મુદ્દા પર વિવાદ થયો. મારી માનસિક સ્થિતિ ડામાડોળ હતી એટલે મેં ફરી પહેલાંની જેમ જ તાંત્રિકને ફોન કર્યો. એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કિન્નર લખેલું હતું, એટલે મને થતું હતું કે હું છેતરાઈશ નહીં. એમણે પહેલાં વિધિ કરવાના ત્રણ હજાર માગ્યા, મેં મોકલાવ્યા , એ પછી વિધિમાં કોઈ કચાશ રહી ગઈ હોવાનું કહી બીજી વિધિ કરાવી તાંત્રિક વિધિ કરતા એ વીડિયો કૉલ કરીને બતાવતા એટલે મારો ભરોસો વધતો ગયો હતો, પણ પરિણામ આવતું નહોતું."

"એક દિવસ વિધિ રાત્રે કરવાની હતી અને એ સમયે હું માસિકધર્મમાં હતી. 'કિન્નર પૂજા' મારા પર ગુસ્સે થઈ અને કહ્યું કે હવે શુદ્ધિકરણની વિધિ કરાવવી પડશે, એમ કહી મને વિધિના નામે નિર્વસ્ત્ર થવાનું કહ્યું. વીડિયો કૉલમાં મારી જાણ બહાર કેટલાક સ્ક્રીનશોટ લીધા અને કેટલાક વીડિયો રેકૉર્ડ કરી લીધા."

ફરિયાદીનો આરોપ છે કે એ બાદ અલગ-અલગ નંબર પરથી વૉટ્સઍપ પર તેમના આપત્તિજનક ફોટા એડિટ થઈને આવ્યા અને તેમનું બ્લૅકમેઇલિંગ કરવાનું શરૂ થયું.

તોરલ પટેલ પોતાની ફરિયાદમાં આગળ કહે છે, "મેં તેને 1.43 લાખ રૂપિયા આપી દીધા. બીજી તરફ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને ફોન નંબર બંધ થઈ ગયા. હું ડરી ગઈ હતી અને છેવટે હિંમત કરીને પોલીસ પાસે ગઈ. પોલીસે મારી તમામ બાબતો ગુપ્ત રાખવાની ખાતરી આપી. મેં ફરિયાદ નોંધાવી. પોલીસે જયારે એની ધરપકડ કરી ત્યારે મને ખબર પડી કે તાંત્રિક વિધિ કરનાર કોઈ કિન્નર નહોતો, પરંતુ પુરૂષ હતો."

પોલીસે આરોપીને કેવી રીતે પકડ્યો અને શું કહ્યું?

અમદાવાદ સાઇબર ક્રાઇમના તપાસ અધિકારી પાથવેન્દ્રસિંહ વાઘેલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારી પાસે 23 એપ્રિલે ફરિયાદ આવી ત્યારે આ મહિલા ખૂબ ડરેલાં હતાં અને માનસિક રીતે પડી ભાંગ્યાં હતાં."

તેઓ કહે છે, "જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને ફોન નંબર બંધ થઈ ગયાં હતાં તેને આઇપી ઍડ્રેસના આધારે ટૅક્નિકલ સર્વેલન્સથી પકડવા અઘરાં હતાં. બીજી તરફ બ્લૅકમૅઇલિંગના મૅસેજ આવતા હતા. એટલે આ મહિલાએ કઈ બૅંકમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા એને ટ્રેસ કરવામાં આવ્યું તો એ રાજસ્થાનના બિકાનેરની એક ખાનગી બૅંક નીકળી. બૅંકના ખાતા સાથે જોડાયેલો નંબર ચાલુ હતો. અમે સતત ટેક્નિકલ સર્વેલન્સ કર્યું , જે ફોન નંબર બૅંક સાથે જોડાયેલો હતો. તેનાથી અમે કનેક્શન મેળવી લીધું."

"કિન્નરના નામે એક જ આઇપી ઍડ્રેસ પરથી કિન્નર જ્યોતિષના બીજા ચાર સોશિયલ મીડિયા એકાઉન્ટ ચાલતાં હતાં. એટલે અમે તેને પણ ટ્રેસ કર્યું અને અમે આ કામના એક આરોપીને રાજસ્થાનથી પકડી પાડ્યો છે. બીજા બે આરોપી નાસી છૂટ્યા છે જેમની તપાસ ચાલુ છે."

અમદાવાદ સાઇબર ક્રાઇમનાં ડીસીપી લવિનાસિંહનું કહેવું છે કે, આમાં રાજસ્થાનની ત્રણ જણાની ગૅંગ હતી. એમાં મુખ્ય આરોપી રજનીશ ભાર્ગવ અને એના સાથી વિકાસ ભાર્ગવ અને રવિ ભાર્ગવ છે.

તેમણે માહિતી આપી હતી કે, "રજનીશ ભાર્ગવ બીએ ડ્રૉપઆઉટ છે. તેમના પિતાની પરચૂરણ સામાનની દુકાન છે, એમાં એ દિવસભર ધંધા પર બેસે છે, પણ મોટી આવક નથી. સાંજે રજનીશ, વિકાસ અને રવિ એકઠા થતા હતા, અને કિન્નરના નામે પોતે 'લવગુરુ' હોવાનો દાવો કરતાં સોશિયલ મીડિયાનાં એકાઉન્ટ બનાવતા હતા."

"એ લોકો અલગ અલગ એકાઉન્ટ બનાવી એવા લોકોને મૅસેજ નાખતા હતા કે જે પોતાના સોશિયલ મીડિયા પર દુઃખની વાત કરતા હોય. એમાંથી દરરોજ 25-30 લોકો એમની જાળમાં ફસાઈ જતા હતા. એ લોકોને પહેલાં નાની તાંત્રિક વિધિઓ કરાવતા જેથી ઓછા પૈસા થાય. પછી, જો માનસિક રીતે ભાંગી ગયેલો માણસ હોય તો નવી વિધિના નામે વધુ પૈસા ખંખેરતા હતા."

"કિન્નરના નામે બનાવેલાં એકાઉન્ટમાં મહિલાઓ ઝડપથી જોડાઈ જતી હતી. છેવટે શુદ્ધિકરણની તાંત્રિક વિધિના નામે ફસાવતા એનો એક લાખ ચાર્જ લેતા અને શુદ્ધિકરણના નામે મહિલાઓના આપત્તિજનક વીડિયો અને ફોટો બનાવી બ્લૅકમેઇલ કરતા હતા. ત્યાર બાદ, પકડાઈ ન જવાય એટલે તેઓ ફોનનું સિમકાર્ડ બંધ કરી દેતા હતા. આ ટોળકી છેલ્લાં અઢી વર્ષથી સોશિયલ મીડિયા પર આવા નકલી આઇડીથી લોકોને છેતરતી હતી.

પોલીસે રજનીશના ચાર દિવસના રિમાન્ડ લીધા છે અને પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે આ લોકોએ આવી રીતે લોકોને છેતરી 50 લાખથી વધુ રૂપિયા પડાવી લીધા છે.

આરોપીના પરિવારજનો શું કહે છે?

આ ત્રણેય આરોપી એકબીજાના કૌટુંબિક સગાં થાય છે, અને બિકાનેરના 'ભાર્ગવ મોહલ્લા' (જ્યોતિષ માટે જાણીતો વિસ્તાર) અને 'ગોપેશ્વર બસ્તી'માં રહે છે.

આ વિસ્તાર બિકાનેરના કોતવાલી સ્ટેશનની હદમાં આવે છે. આ કેસ ગુજરાતનો હોવાથી કોતવાલી સ્ટેશનના અધિકારી ગજેન્દ્રસિંહે કહ્યું હતું કે, "ગુજરાત પોલીસને અમે મદદ પૂરી પાડી હતી."

કોતવાલી સ્ટેશન વિસ્તારમાં શાંતિ માટે કામ કરતાં સીએલજી (કૉમ્યુનિટી લાયઝન ગ્રૂપ)ના જિજ્ઞેશપ્રસાદે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "રજનીશ, રવિ અને વિકાસ એક બીજાનાં કૌટુંબિક સગાં થાય છે. તેઓ એમના કામધંધા પરથી આવીને કિશન રેસ્ટોરાં પર બેસતા હતા. પરંતુ એ લોકો આવા કોઈ ખોટા ધંધા કરતા હોય એવી કોઈને જાણકારી નથી."

અમે જિજ્ઞેશપ્રસાદની મદદથી રજનીશના પિતા ગોવિંદલાલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, પણ એમના દીકરાની ધરપકડ અંગે કઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન