You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પશ્ચિમ બંગાળ, આસામ ચૂંટણીનાં પરિણામોમાં એસઆઇઆરની ભૂમિકા કેટલી રહી?
- લેેખક, યોગેન્દ્ર યાદવ
- પદ, ચૂંટણી વિશ્લેષક
- વાંચવાનો સમય: 4 મિનિટ
પાંચ વિધાનસભા ચૂંટણીનાં પરિણામોનાં વલણોથી અત્યાર સુધી સ્પષ્ટ થઈ ગયું છે કે ક્યાં કોની સરકાર બનશે.
ડેટાનેટ પ્રમાણે, પશ્ચિમ બંગાળમાં ભાજપ 200 કરતાં વધુ બેઠકો આગળ છે. તેમજ તામિલનાડુનાં ચૂંટણી પરિણામોનાં વલણોએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.
પ્રથમ વખત ચૂંટણીમાં ઊતરેલી વિજયની ટીવીકે પાર્ટી 108 બેઠકો પર આગળ છે. તેમજ કેરળમાં યુડીએફ સત્તામાં પરત ફરતી દેખાઈ રહી છે.
બીજી તરફ આસામ અને પુડુચેરીમાં ભાજપ ગઠબંધન પોતાની સરકાર જાળવી રાખતાં દેખાઈ રહ્યાં છે.
ચૂંટણી જનમતનો દિવસ હોય છે, જે તામિલનાડુ, કેરળ અને અમુક હદ સુધી આસામમાં થયું છે એ જનતાની અભિવ્યક્તિ છે, આપણને એ પસંદ હોય કે નાપસંદ, આપણે તેનું સન્માન કરવું જોઈએ.
પરંતુ બંગાળમાં જે થયું છે એ માત્ર જનમતની રમત નથી, આ જનમત બદલવાની જે કોશિશ થઈ છે, તેની આમાં એક નિર્ણાયક ભૂમિકા રહી છે.
તેથી ચૂંટણી પરિણામની જે ઘડી સામાન્યપણે જનમતના ઉત્સવની ઘડી હોવી જોઈતી હતી, એ હવે ખૂબ મોટા સવાલ ઉઠાવવાની ઘડી બની ગઈ છે.
હવે એ વાતની શંકા પેદા થઈ ગઈ છે કે શું લોકશાહીની જે અંતિમ લઘુતમ રેખા હોય છે, શું આપણે એ પણ પાર કરી ચૂક્યા છીએ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મતદાનની ટકાવારી કેવી રીતે વધી?
પશ્ચિમ બંગળામાં ચૂંટણી દરમિયાન ચૂંટણીપંચનું કહેવું હતું કે બંને તબક્કામાં ઐતિહાસિક મતદાન જોવા મળ્યું છે. એ દરમિયાન લગભગ 92 ટકા મતદાન થયું હતું.
તેમજ ભાજપે એસઆઇઆરની પ્રક્રિયા અંગે કહ્યું હતું કે તેમાં એ જ લોકો હઠ્યા જે મતદાન માટે આવતા જ નહોતા. તેમનું એવું પણ કહેવું હતું કે આ પ્રક્રિયાએ એ લોકોને મત આપવા માટે સશક્ત બનાવ્યા જે કદાચ પહેલાં ડરના કારણે મતદાન નહોતા કરી શકતા.
આ વાતો અંગે મને લાગે છે કે આપણે તેને ખૂબ ધ્યાનથી અને બારીકાઈથી સમજવી જોઈએ, કારણ કે એ લોકશાહીના ભવિષ્યનો સવાલ છે.
સૌપ્રથમ કેરળની વાત કરીએ તો ત્યાં જે થયું, એ સામાન્ય રાજકીય બદલાવ હતો, જે પહેલાં પણ થતા રહ્યા છે, હું એના માટે ન કોઈ પક્ષને શ્રેય આપીશ ન કહીશ કે ચૂંટણીપંચના હોવા છતાં આવું થયું.
મત કપાવા અને મતદાન વધવાની વાત અંગે કહેવા માગીશ કે આ એક સાધારણ ગણિત છે. ખબર નહીં લોકો ધોરણ છનું ગણિત પણ કેમ ભૂલી જાય છે. 81 ભાગ્યા 100, 81 ટકા થાય છે. પરંતુ 81 ભાગ્યા 89 કરાય તો એ 92 ટકા બની જાય છે.
જો તમે કુલ મતદારોની સંખ્યા ઘટાડી દો, તો ટકાવારી આપમેળે ઘટી જશે. તેમાં શ્રેય લેવા જેવી કઈ વાત છે, એ મને નથી સમજાતું.
જ્યારે તમે વિભાજક ઘટાડો છો, તો ટકાવારી સ્વાભાવિકપણે વધી જાય છે, એવું જ થયું છે. તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી અને ન કોઈ મોટા શ્રેયની વાત છે.
એસઆઇઆરે ચૂંટણી પરિણામો પર કેટલી અસર કરી?
હું એવું બિલકુલ નથી કહેતો કે એસઆઇઆરના કારણે ચારેય રાજ્યોનાં પરિણામ આવ્યાં, એ સામાન્ય સત્તાપરિવર્તન હતું. એના માટે ન કોઈને દોષ મળશે, ન શ્રેય.
હું એવું પણ નથી માનતો કે કૉંગ્રેસ કે યુડીએફને બહુ મોટું શ્રેય મળવું જોઈએ.
એલડીએફને એકને સ્થાને બે કાર્યકાળ મળી ગયા હતા, જે કેરળના ઇતિહાસમાં અસામાન્ય વાત હતી. હવે રાજકારણ સામાન્ય સ્થિતિમાં પરત ફર્યું છે.
તામિલનાડુમાં જે થયું છે, એ ખૂબ મોટું પરિવર્તન છે. ત્યાંના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. પરંતુ તેમાં ચૂંટણીપંચની કોઈ ભૂમિકા નથી, અને એવું હોવું પણ ન જોઈએ.
તામિલનાડુમાં એસઆઇઆર દરમિયાન મત કપાયા, પરંતુ એ વાતનો કોઈ પુરાવો નથી કે તેનાથી ડીએમકેને નુકસાન થયું કે ભાજપ-એઆઇએડીએમકેને લાભ થયો.
જનતા બદલાવ ઇચ્છતી હતી, પરંતુ તે એઆઇએડીએમકેની તરફ જવામાં ખચકાટ અનુભવી રહી હતી, તેથી તેણે એક નવા ચહેરા પર મહોર મારી. તામિલનાડુમાં આવું પહેલાં પણ થયું છે. અન્નાદુરઈ અન એમજીઆર આવું કરી ચૂક્યા છે.
લોકો બદલાવ માટે નવા ચહેરાને પસંદ કરે છે, પરંતુ એ દ્રવિડ રાજકારણના માળખાની અંદર થવો જોઈએ. તેઓ તેનાથી બહાર નથી. તેઓ પેરિયાર, આંબેડકર અને કામરાજને પોતાના નાયક ગણાવે છે. તેઓ તામિલ રાષ્ટ્રવદાની વાત કરે છે. એટલે કે બધી વાતો દ્રવિડ રાજકારણની જ છે.
તો ડીએમકેના વિકલ્પ તરીકે લોકોએ એક નવો ચહેરો પસંદ કર્યો. તેમાં ચૂંટણીપંચની કોઈ ભૂમિકા નથી.
આસામમાં જે થયું, તેમાં ચૂંટણીપંચની ભૂમિકા જરૂર છે. ત્યાં મુદ્દો એસઆઇઆરનો નહીં, પરંતુ સીમાંકનનો હતો. ચૂંટણીક્ષેત્રોને એવી રીતે બનાવવામાં આવ્યા, જેનાથી ભાજપને લાભ થાય.
પરંતુ તેમ છતાં હું એવું કહીશ કે આનાથી વધુમાં વધુ દસ બેઠકો પર ભાજપને લાભ થયો હશે. આસામનાં પરિણામ માત્ર એ આધારે ન સમજી શકાય.
આખરે ત્યાંની સત્તાધારી પાર્ટી ભાજપ સત્તામાં જળવાઈ રહી.
તેમાં કૉંગ્રેસ અને વિપક્ષની કમજોરી પણ હતી. ભાજપે સાંપ્રદાયિક ધ્રુવીકરણ પણ હતું. તો પરિણામ સાંપ્રદાયિક ધ્રુવીકરણ, સીમાંકન અને વિપક્ષની કમજોરી- આ બધાનું મિશ્રણ હતું.
પરંતુ અંતે કહીશું કે આ લોકપ્રિયતાના કારણે થયું.
શું પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામ અલગ છે?
હવે બંગાળની વાત કરીએ તો ત્યાં ખૂબ અભૂતપૂર્વ સ્થિતિ રહી.
તેમાં કોઈ શંકા નથી કે 15 વર્ષ જૂની ટીએમસી સરકાર વિરુદ્ધ જનતામાં અસંતોષ હતો અને એ સ્વાભાવિક છે.
એ વાત પણ સત્ય છે કે ભાજપે ઘણી મહેનત કરી, જ્યારે કૉંગ્રેસ અને અન્ય દળ એટલી મહેનત ન કરી શક્યા.
પરંતુ આ સિવાય ત્રણ વધુ ત્રણ વાતો છે, જેના પર ધ્યાન આપવું પડશે.
પ્રથમ, જેવી રીતે હિંદુ-મુસ્લિમનું ધ્રુવીકરણ કરાયું અને ચૂંટણીપંચ બેઠાંબેઠાં જોતું રહ્યું. વિશ્વના કયા દેશમાં આવું થઈ શકે?
સોમવારની સવારે પણ ભાજપ નેતા સુવેંદુ અધિકારી એક ઇન્ટરવ્યૂમાં દસ મિનિટમાં 15 વખત 'હિંદુ-મુસ્લિમ' કહી રહ્યા હતા.
બીજો, કેન્દ્ર સરકારે બંગાળની ટીએમસી સરકારના દરેક કામમાં અડચણ ઊભી કરી અને સંસાધન પૂરાં ન પાડ્યાં.
અન્ય રાજ્યોમાં ચૂંટણી પહેલાં દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાનું ચલણ બની ગયું છે. ટીએમસી એવું ન કરી શકી, કારણ કે તેની પાસે પૈસા જ નહોતા.
કેન્દ્ર સરકાર પૈસા નહોતા આપી રહી. જો આપ્યા હોત, તો પરિણામ બદલી શકાયું હોત.
ત્રીજો અને સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો હતો એસઆઇઆર.
હું એવું નથી કહી રહ્યો કે એસઆઇઆમાં જેટલા મત કપાયા છે એ બધા ટીએમસી સમર્થક હતા.
પ્રથમ તબક્કામાં જે 27 લાખ મત કપાયા, આવું ક્યાંય અન્ય કોઈ રાજ્યમાં નહોતું થયું.
હવે સ્પષ્ટ છે કે આ મતો ટાર્ગેટેડ રીતે કાપવામાં આવ્યા. એપલેટ ટ્રિબ્યુનલના નિર્ણયોથી પણ એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે એ ખોટી રીતે હઠાવાયા હતા.
એટલે કે ચૂંટણી પહેલાં 27 લાખ લોકોનાં નામ કમી કરાયાં, જે 4.3 ટકા છે.
અને હાલ જે આંકડા આવ્યા છે, તેમાં ભાજપ બેઠકોમાં આગળ દેખાઈ રહ્યો છે, પરંતુ વોટ શૅરમાં માત્ર ત્રણ ટકા જ આગળ છે.
હવે તમે જ જણાવો, જો એ 4.3 ટકા લોકોને મત આપવા દેવાયા હોત, જેમાં મોટા ભાગના મુસ્લિમ હતા અને બાકી અન્ય મોટા પાયે ટીએમસીના સમર્થક હતા તો શું આવું જ પરિણામ આવ્યું હોત? ન આવત. આ જ સૌથી મોટી ચિંતાનો વિષય છે.
બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિત સાથે થયેલી વાતચીત પર આધારિત
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન