ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું 83.86 ટકા પરિણામ, નર્મદા જિલ્લો મોખરે

વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આજે 6 મેએ જાહેર થઈ ગયું છે. આ પરિણામ gseb.org પર જોઈ શકો છો.

ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 83.86 ટકા જાહેર કરાયું છે.

ગુજરાત બોર્ડ અનુસાર, રાજ્યના 87 ઝોનનાં 1006 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી.

કેન્દ્રના પરિણામની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્રનું સૌથી વધુ 100 ટકા પરિણામ આવ્યું છે. તો દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74 ટકા પરિણામ જાહેર થયું છે.

જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લો 90.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42 ટકા આવ્યું છે.

આ પરીક્ષામાં કુલ 769993 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 756392 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 634327 પરીક્ષાર્થીઓ સફળ થયા છે. બેઝિક મૅથ્સમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

ધોરણ 10ના છોકરાઓનું પરિણામ 80.12 ટકા અને છોકરીઓનું પરિણામ 88.28 ટકા આવ્યું છે. એટલે કે છોકરીઓએ પરીક્ષામાં મેદાન માર્યું છે.

જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેઓ આગામી જૂન-2026માં યોજાનારી પૂરક પરીક્ષા આપી શકશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB)ની ધોરણ-10 માટે વર્ષ 2026ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાઈ હતી.

જેમાં રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને વિદ્યાર્થીનો બેઠક ક્રમાંક નંબર દાખલ કરીને પરિણામ જોઈ શકાશે.

વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક WhatsApp નંબર 6357300971 પર મોકલીને પણ પોતાનું પરિણામ તરત જ મેળવી શકશે.

આ રીતે જોઈ શકાશે પરિણામ

બોર્ડની અખબારી યાદી મુજબ, ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાઓમાં મોકલવા અંગેની સૂચનાઓ હવે પછી આપવામાં આવશે.

જો કોઈ વિદ્યાર્થીને પરિણામ બાદ ગુણચકાસણી કરાવવી હોય તો તેના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ ઉપરાંત, નામ સુધારા કે પૂરક પરીક્ષા 2026 માટેના ફોર્મ ભરવા અંગેની વિગતો પણ ટૂંક સમયમાં બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક WhatsApp નંબર 6357300971 પર મોકલીને પણ પોતાનું પરિણામ તરત જ મેળવી શકશે.

ધોરણ 10 અને 12નું પરિણામ કેવી રીતે જોવું?

ગુજરાત બોર્ડના 10ના વિદ્યાર્થીઓ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની વેબસાઇટ gseb.org પર જઈને પોતાના સીટ નંબર એન્ટર કરીને પરિણામ જાણી શકે છે.

તેના માટે આ મુજબની પ્રક્રિયા કરવાની રહેશેઃ

  • સૌથી પહેલાં gseb.org પર જાવ
  • અહીં SSC Result 2026 પર ક્લિક કરો
  • અહીં તમારા સીટ નંબર દાખલ કરો
  • સબમિટ પર ક્લિક કરો
  • તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે
  • તમે પરિણામનો સ્ક્રીનશૉટ લઈ શકો અને ડાઉનલોડ પણ કરી શકો છો

ધોરણ 10 અને 12 માટે વિદ્યાર્થીઓના 6 આંકડાના સીટ નંબર હોય છે.

ધોરણ 10નું 2025માં કેવું પરિણામ આવ્યું હતું?

2025ની ધોરણ 10ની પરીક્ષાનું 8 મે, ગુરુવારે પરિણામ જાહેર કરાયું હતું. જે 83.08 ટકા હતું.

મહેસાણા જિલ્લાના કાંસા અને ભાવનગર જિલ્લાના ભોળાદ કેન્દ્ર 99.11 ટકા પરિણામ સાથે રાજ્યમાં મોખરે રહ્યા હતા.

ત્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા અને વિદ્યાર્થિનીઓનું પરિણામ 87.27 ટકા રહ્યું હતું. જે 2024ના વર્ષ કરતાં આ વખતે 0.52 ટકા પરિણામ વધુ આવ્યું હતું.

2025માં કુલ 7.06 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે નોંધાયા હતા જેમાંથી 6.99 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

2024માં પણ 7.06 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજિસ્ટર થયા હતા જેમાંથી 6.99 લાખે પરીક્ષા આપી હતી અને 5.77 લાખ વિદ્યાર્થીઓ તેમાં પાસ થયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન