You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'માસ્ક પહેરીને 10 મિનિટ શ્વાસ લેવાનો અને કૂતરું સંકેત આપે કે તમને કૅન્સર છે કે નહીં'
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી હિંદી માટે, બેંગલુરુથી
- વાંચવાનો સમય: 7 મિનિટ
હવેથી તમે આરોગ્ય તપાસના કોઈ કૅમ્પ કે હૉસ્પિટલમાં જાવ અને તમને 10 મિનિટ સુધી એક માસ્કની અંદર શ્વાસ લેવા માટે કહેવામાં આવે તો ખચકાયા કે ડર્યા વગર એવું કરજો.
મેડિકલ ટીમ તમને માસ્કમાં શ્વાસ લેવા માટે એટલા માટે કહે છે, જેથી તમને કૅન્સર જેવી કોઈ છૂપી બીમારી છે કે નહીં તે જાણી શકાય.
આપણે જાણીએ છીએ કે કોલોરેક્ટલ કૅન્સર જેવી કેટલીક બીમારીઓ બીજા કે ત્રીજા સ્ટેજમાં પકડાય છે. આ સ્ટેજમાં કૅન્સરના દર્દીનો જીવ બચાવવો બહુ મુશ્કેલ થઈ જાય છે.
જે મેડિકલ ટીમ તમને માસ્કમાં શ્વાસ લેવા માટે કહે છે, તે વાસ્તવમાં તમારો સૅમ્પલ લઈ રહી છે. આ સૅમ્પલ ખાસ તાલીમવાળાં કૂતરાને સૂંઘાડવામાં આવે છે, જેથી તમારા શરીરના કોઈ ભાગમાં કૅન્સરનાં નિશાન છે કે નહીં તે જાણી શકાય.
કૅન્સર જેમ ઝડપથી પકડાય, તેમ જીવ બચાવવાનું સરળ બને છે.
ઇઝરાયલ, બ્રિટન, ફ્રાન્સ, જાપાન, અમેરિકા, જર્મની, તાઇવાન સહિત ઘણા દેશો કેટલાય સમયથી કૂતરાંની મદદથી કૅન્સરની ભાળ મેળવવાના પ્રયોગ કરી રહ્યા છે. આ બહુ સારી રીતે અજમાવાયેલી રીત છે.
પરંતુ ભારતમાં પહેલી વખત કર્ણાટકની છ અલગ-અલગ હૉસ્પિટલોમાં તાલીમબદ્ધ કૂતરાંની મદદથી એક અભ્યાસ કરાયો છે.
આ અભ્યાસમાં કૂતરાંઓએ 1502 દર્દીના સૅમ્પલ સૂંઘ્યા અને 91 ટકા ચોકસાઈ સાથે દર્શાવ્યું કે કયા દર્દીને સાત ગંભીર કૅન્સર છે અને કોને નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ 1502 દર્દીમાંથી 283 એવા હતા જેમની બાયોપ્સીથી કૅન્સરની પુષ્ટિ થઈ હતી અને 1219 લોકોને કૅન્સર ન હતું.
કૅન્સર છે કે નહીં એ કૂતરું સૂંઘીને કેવી રીતે દર્શાવી શકે?
આ અભ્યાસ બૅંગલુરુની એક સ્ટાર્ટ અપ કંપની ડૉગનોસિસે કર્યો છે. શુક્રવારે જર્નલ ઑફ ક્લિનિકલ ઑન્કોલૉજીમાં તેનાં તારણ પ્રકાશિત થયાં છે. ડૉ. સંજીવ કુલગોડની આગેવાનીમાં આ અભ્યાસ કરાયો હતો, જે કર્ણાટકમાં હુબલીસ્થિત રેડ ઑન કૅન્સર સેન્ટરના સર્જિકલ ઑન્કોલૉજિસ્ટ અને ડાયરેક્ટર છે.
ડૉગનોસિસના સીઇઓ અને કો-ફાઉન્ડર આકાશ કુલગોડે બીબીસી ન્યૂઝ હિંદીને જણાવ્યું કે, "અત્યાર સુધીમાં અમે કર્ણાટકની હૉસ્પિટલો સાથે મળીને 10 હજાર સૅમ્પલ એકત્ર કરી ચૂક્યા છીએ. હવે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં જવાની યોજના છે. અહીં આગામી છથી નવ મહિનામાં લગભગ 15 હજાર લોકોની તપાસ કરવામાં આવશે."
આકાશ કુલગોડે જણાવ્યું કે "આ 10 હજાર સૅમ્પલ કૂતરાંની તાલીમ ઉપરાંત એઆઇ સિસ્ટમ બનાવવામાં પણ ઉપયોગી બનશે. આનો હેતુ આ પ્રક્રિયાને મોટા સ્તર પર લઈ જવાનો છે."
"અમારું લક્ષ્ય 30 કૂતરાંની મદદથી દર વર્ષે 10 લાખ સૅમ્પલની તપાસ કરવાની ક્ષમતા તૈયાર કરવાનું છે."
તેમની વાતોમાં એક પ્રકારની ધીરજ જોવા મળે છે તેનું એક કારણ છે. હાલના અંદાજ પ્રમાણે આ વર્ષે ભારતમાં કૅન્સરના કેસની સંખ્યા 15 લાખનો આંકડો વટાવી જશે, જે ત્રણ દાયકામાં 26 ટકાનો વધારો દર્શાવે છે.
સ્ટડીના લેખક ડૉ. સંજીવ કુલગોડે બીબીસી ન્યૂઝ હિંદીને જણાવ્યું કે, "કૅન્સરના કેસ વધવાનાં બે કારણ છે. એક તો વસતી વધી રહી છે. બીજું, કૅન્સર એ ઉંમરને લગતી બીમારી છે. લોકોની ઉંમર જેમ જેમ વધે, તેમ કૅન્સરના કેસ પણ વધે છે."
સૌથી પહેલાં 1989માં કૂતરાં પર ધ્યાન ગયું.
સંશોધકો એમિલી મોજર અને માઇકલ મેકકુલૉકે 2010માં જર્નલ ઑફ વેટનરી બિહેવિયરમાં લખ્યું કે "એક મહિલાને તેમની ત્વચા પરના એક ડાઘની તપાસ કૂતરા પાસે કરાવવા કહેવામાં આવ્યું. કૂતરું તે ડાઘની જગ્યાએ સામાન્ય કરતાં વધુ રસ દેખાડતું હતું."
"ક્લિનિકલ તપાસ પછી જાણવા મળ્યું કે તે ડાઘ મેલિગ્નેન્ટ મેલેનોમા એટલે કે એક ખતરનાક સ્કીન કૅન્સરના કારણે હતો."
આ પેપરનું શીર્ષક છે - 'કૂતરાની મદદથી માનવ કૅન્સરની ભાળ મેળવવાની ક્ષમતા, પદ્ધતિ અને સચોટતાની સમીક્ષા'.
કૂતરામાં શું ખાસ શક્તિ હોય છે?
કૂતરાંમાં સૂંઘવાની ક્ષમતા સૌથી તેજ ગણવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો કૂતરાંમાં 30 કરોડ ઓલ્ફેક્ટરી રિસેપ્ટર એટલે કે ગંધ પારખવાની કોશિકાઓ હોય છે. જ્યારે માનવીમાં તેની સંખ્યા માત્ર 50 લાખ હોય છે.
હૉંગકૉંગના ટિમોથી ક્વાન લો અને તેમની ટીમે ફ્રન્ટિયર્સ ઇન મેડિસિનમાં લખ્યું છે કે "માનવ શરીરમાંથી નીકળતા બહુ સૂક્ષ્મ પ્રમાણમાં વોલેટાઇલ ઑર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે વીઓસીને પણ કૂતરાં ઓળખી શકે છે. આ ગંધ શરીરમાં થઈ રહેલા ફેરફાર, કોઈ ચેપ અથવા કૅન્સર સાથે સંકળાયેલા હોઈ શકે છે."
મેડિકલ ટીમ દર્દીને માસ્ક પહેરાવે છે અને તેમાં 10 મિનિટ સુધી શ્વાસ લેવા કહે છે. આ માસ્ક ત્રણ મહિના અથવા તેનાથી પણ વધુ સમય સુધી પોતાની ક્ષમતા જાળવી રાખે છે. ત્યાર પછી આ માસ્કને એક નિયંત્રિત લૅબ સેટિંગમાં કૂતરાં સામે રાખવામાં આવે છે.
કૂતરાં શરીરના વીઓસીમાં થયેલા ફેરફારોને પારખી લે છે અને સાત પ્રકારના કૅન્સરને ઓળખી શકે છે. તેઓ શરૂઆતના સ્ટેજના કૅન્સરની પણ ભાળ લગાવી શકે છે.
એચસીજી કૅન્સર સેન્ટર, બૅંગલુરુના સેન્ટર ઑફ ઍકેડૅમક્સ ઍન્ડ રિસર્ચના ડીન ડૉક્ટર યુએસ વિશાલ રાવે બીબીસી ન્યૂઝ હિંદીને જણાવ્યું કે, "વોમેરોનેસલ ઑર્ગન, જેને જેકબસન ઑર્ગન પણ કહેવામાં આવે છે, તે કૂતરાંના નાકની નીચે આવેલ એક ખાસ સંરચના હોય છે. તે તેને ભેજ સાથે આવતી ગંધ અને જટિલ રાસાયણિક સંકેતોને ઓળખવામાં મદદ કરે છે."
કૂતરાંની આ ક્ષમતાને ધ્યાનમાં રાખીને પોલીસ અકાદમીએ આવાં કૂતરાંને તાલીમ આપી હતી જેમણે જુલાઈ 2024માં વાયનાડ ભૂસ્ખલન વખતે મૃતદેહોની ઓળખ કરી હતી.
માયા, મર્ફી અને એન્જલ નામનાં કૂતરાંએ માત્ર ત્રણ દિવસમાં (31 જુલાઈથી 2 ઑગસ્ટ વચ્ચે) આ વિસ્તારમાંથી 23 મૃતદેહો શોધી કાઢ્યા હતા. આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલને તબાહી મચાવી હતી. કેરળમાં આવી આફત અગાઉ ક્યારેય જોવા મળી ન હતી.
આ કૂતરાંએ કાટમાળમાં 25 ફૂટ નીચે દબાયેલા મતૃદેહો પણ ગંધના આધારે શોધી કાઢ્યા હતા. મેરઠના રિમાઉન્ટ વેટરનરી કોર સેન્ટરનાં ત્રણ કૂતરાં પણ મૃતદેહો શોધવાના કામમાં લગાવાયાં હતાં.
અકાદમીના આઇજીપી અને ડાયરેક્ટર કે. સેથુરામને બીબીસી ન્યૂઝ હિંદીને જણાવ્યું કે, "અમારા કૂતરાંને નૅશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) માટે પણ મૃતદેહ શોધવા લઈ જાય છે. હાલમાં અમે એનડીઆરએફના લોકોને કૂતરાંને તાલીમ આપવાની ટ્રેનિંગ આપીએ છીએ."
આ કૂતરાં અને તેમના ટ્રેનરોને કાલિકટ યુનિવર્સિટીના ફૉરેન્સિક વિભાગે તાલીમ આપી હતી.
કાલિકટ યુનિવર્સિટીના ફૉરેન્સિક સાયન્સ વિભાગના કોર્સ કો-ઑર્ડિનેટર સિવા પ્રસાદે બીબીસી હિંદીને જણાવ્યું કે, "અમે ગોઝ (એક પ્રકારનું પાતળું, મુલાયમ મેડિકલ કપડું) પર લોહી લગાવીને અમુક સમય માટે કોઈ છૂપી જગ્યાએ સડવા માટે રાખી દીધું. કૂતરાંને તાલીમ આપવા માટે આવા પ્રકારની બનાવટી ગંધનો ઉપયોગ કરવામાં આવે છે."
કેરળ પોલીસ અકાદમી અને ફૉરેન્સિક વિભાગ વચ્ચે થયેલા એમઓયુના કારણે હવે પોલીસ કર્મચારીઓ અને સામાન્ય લોકો માટે એક સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્સમાં કૂતરાંને માનવીમાં કૅન્સરની ઓળખ કરવાની તાલીમ આપવામાં આવશે.
સિવા પ્રસાદનું કહેવું છે કે "અમે જે હૉસ્પિટલો સાથે વાત કરી તેમણે સારો પ્રતિભાવ આપ્યો છે. આ હૉસ્પિટલોના લગભગ એક ડઝન ડૉક્ટર અમારી ફેસિલિટી જોવા ત્રિશૂર પણ આવી ગયા છે. તે કેરળ પોલીસ અકાદમીનું હેડક્વાર્ટર છે. અમારો ઇરાદો આ મેડિકલ સંસ્થાનોમાંથી સૅમ્પલ મેળવીને પહેલાં કૂતરાંને અને પછી કર્મચારીઓને તાલીમ આપવાનો છે."
કૂતરાંનો ઉપયોગ કરવાનું વધુ એક મોટું કારણ
કૅન્સરની તપાસમાં કૂતરાં એક મહત્ત્વનાં સાધન બની શકે છે. તેનું એક કારણ એ છે કે હાલની પદ્ધતિમાં દર્દીને ઘણી તકલીફો પડે છે. મેમોગ્રામ જેવા ટેસ્ટમાં દર્દીને આયોનાઇઝિંગ રેડિયેશનનો સામનો કરવો પડે છે. આ રેડિયેશન વ્યક્તિના શરીર માટે નુકસાનદાયક હોય છે. કોલોરેક્ટલ કૅન્સરની તપાસ માટે ઇનવેસિવ પ્રક્રિયા કરવી પડે છે.
ભારત જેવા દેશમાં દર્દીઓને આવા કૅન્સરની તપાસ માટે ભરોસાપાત્ર અને સરળતાથી ઉપલબ્ધ જગ્યાઓ મળે છે કે નહીં તે પણ સવાલ છે.
કૅન્સરમાં તપાસની ખામીઓને જોતા ઇઝરાયલની એલિઝાબેથ હાફ અને તેમની ટીમે 2024માં 'નેચરઃ સાયન્ટિફિક રિપોર્ટ્સ'માં એક અભ્યાસ પ્રકાશિત કર્યો હતો.
આ અભ્યાસમાં જણાવાયું હતું કે ઇઝરાયલની કંપની સ્પૉટઇટ અર્લી લિમિટેડે કૅન્સરની તપાસની નવી પદ્ધતિ વિકસાવી છે. તેમાં શરીરની અંદર કંઈ નાખવાની જરૂર નથી રહેતી તથા કોઈ ખાસ મદદની જરૂર નથી રહેતી. તેમાં માત્ર શ્વાસનો સૅમ્પલ લેવામાં આવે છે, જેના આધારે કૅન્સરની ભાળ મેળવાય છે. આ ટેકનિક કૂતરાંની સૂંઘવાની ક્ષમતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમન્વય કરે છે.
તેમના અભ્યાસમાં જણાવાયું કે શ્વાસના સૅમ્પલ ઘણી વખત યુરિનના સૅમ્પલની તુલનામાં કૅન્સરને પકડવામાં વધુ કારગર સાબિત થાય છે.
ડૉ. સંજીવ કુલગોડે જણાવ્યું કે કૂતરાંને માનવ શ્વાસમાં સૅમ્પલમાં હાજર ખાસ ગંધને પારખવા માટે તાલીમબદ્ધ કરવામાં આવે છે. આ એવું જ કામ છે જે રીતે કૂતરાંને બૉમ્બ, નશીલા પદાર્થ અને ભૂકંપમાં દટાયેલા માનવીને શોધવા માટે ટ્રેઇન કરવામાં આવે છે.
આ કામમાં કયાં પ્રકારનાં કૂતરાં વધુ સારાં હોય છે?
કેરળ પોલીસ અકાદમી અને ડૉગનોસિસે અલગ-અલગ નસલનાં કૂતરાંનો ઉપયોગ કર્યો છે. તેમાં દેશી કૂતરાં (ઇન્ડી) પણ સામેલ છે.
અકાદમીનું કહેવું છે કે તેણે દેશી કૂતરાં, લાબ્રાડોર અને એક બીગલનો ઉપયોગ કર્યો છે. જ્યારે ફૉરેન્સિક વિભાગે આઠ બેલ્જિયન મેલિનોઇસ ખરીદ્યા છે અને તેમને ટ્રેઇન કરીને સર્ટિફિકેટ કોર્સના વિદ્યાર્થીઓને પણ તાલીમ આપવામાં આવશે.
ડૉગનોસિસે ચાર બીગલ, એક લાબ્રાડોર -ઇન્ડી મિક્સ અને એક ડચ શેફર્ડ બેલ્જિયન મેલિનોઇસ મિક્સનાં કૂતરાંનો ઉપયોગ કર્યો છે. ખાસ વાત એ છે કે લાબ્રાડોર-ઇન્ડી મિક્સને ડૉગનોસિસે એક શેલ્ટરમાંથી દત્તક લીધાં હતાં.
કેરળ પોલીસ અકાદમી અને ડૉગનોસિસે આ કૂતરાંને 10 અઠવાડિયાથી વધુ સમય સુધી રિવોર્ડ બેઝ્ડ તરીકે તાલીમ આપી હતી. આ કૂતરાંને યોગ્ય રીતે ગંધ પારખવા પર ઇનામ અપાતું હતું.
સિવા પ્રસાદ મુજબ આ પ્રક્રિયામાં જે વ્યક્તિની તપાસ કરવામાં આવે છે તેને માસ્ક પહેરાવીને લગભગ 10 મિનિટ સુધી સામાન્ય રીતે શ્વાસ લેવાનું કહેવામાં આવે છે. ત્યાર પછી જરૂરી ક્લિનિકલ ટેસ્ટ કરવામાં આવે છે અને ત્યાર પછી કૂતરાંનું આકલન યોગ્ય હતું કે નહીં તેની પુષ્ટિ થાય છે.
આકાશ કુલગોડે કહ્યું કે, "જે લોકો વિશે કૂતરાં કૅન્સરની શંકા દર્શાવે છે, તેમને પછી ફુલ બૉડી પીઇટી-સિટી સ્કેન જેવી ડિટેલ તપાસ કરાવી શકાય છે."
તેમણે કહ્યું કે, "આ તપાસ શરૂઆતના સ્ટેજમાં પણ ટ્યુમર પકડી લે છે. તેનાથી મોટી સંખ્યામાં લોકોની તપાસ સરળ થઈ જાય છે અને ખર્ચ પણ ઓછો આવે છે."
સરળ શબ્દોમાં કહીએ તો શ્વાસનો ટેસ્ટ કૅન્સરના બહુ મોટા પાયે પ્રી-સ્ક્રીનિંગ માટે અસરકારક સાધન બનીને ઊભરી રહ્યું છે.
પરંતુ ડૉ. યુએસ વિશાલ રાવનું એક સૂચન છે, જેમાં તેઓ "સમુદાય સ્તર પર તેની ઓળખ માટે વધુ સ્ટાન્ડર્ડ રીત વિકસાવવા" પશુ ચિકિત્સા વિજ્ઞાન અને મેડિકલ ક્લિનિકલ પ્રોફેશનલોના સક્રિય સહયોગની વાત કરે છે.
આ પ્રકારના ઇનોવેશન વિશે તેઓ કહે છે, "ભારત માટે આ યોગ્ય સમય છે કે તે એવું કૃત્રિમ નાક વિકસાવે જે કૂતરાંની સૂંઘવાની પ્રણાલીની નકલ કરી શકે અને આ વીઓસી (વોલેટાઇલ ઑર્ગેનિક કમ્પાઉન્ડ)ને ઓળખી શકે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન