ઉનાળામાં એસી ફાટવાના કિસ્સા કેમ બને છે, આવા અકસ્માતો ટાળવા માટે શું કરવું જોઈએ?

વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતમાં ગરમી વધી રહી છે, ઘણા વિસ્તારોમાં તાપમાન 40-45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે.

મોટાં-મોટાં શહેરોમાં, વધતી જતી વસ્તી, ટ્રાફિકનું દબાણ અને પ્રદૂષણને કારણે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે.

તેવામાં ઍર કંડિશનરનો ઉપયોગ વધ્યો છે.

પરંતુ આ સાથે, અતિશય ગરમીને લીધે એસી ફાટવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે.

આમ જે જાણવું જરૂરી છે કે એસીનો સુરક્ષિત રીતે ઉપયોગ કેવી રીતે કરવો.

ઉનાળામાં એસી કેમ ફાટે છે? તેને ફાટતા અટકાવવા માટે તમે કયાં પગલાં લઈ શકો છો?

આવા અકસ્માતો અટકાવવા માટે કેવી સાવચેતી રાખવી જોઈએ?

શું તાપમાનમાં થતો વધારો એસી ફાટવાનું કારણ છે?

ઘરો અને ઑફિસોમાં લગાવવામાં આવેલા એસીમાં બ્લાસ્ટ અને વધતા તાપમાન વચ્ચે સંબંધ છે.

પરંતુ તે પાછળનું વિજ્ઞાન કેવી રીતે કાર્ય કરે છે તે સમજવા માટે બીબીસી સંવાદદાતા અરશદ મિસાલે અગાઉ આઈઆઈટી બીએચયુના મિકેનિકલ વિભાગના પ્રોફેસર ઝહર સરકાર સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું કે કુલિંગ માટે, ઍમ્બિઅન્સ (કમ્પ્રેસરની આસપાસ)નું તાપમાન કન્ડેન્સરના તાપમાન કરતાં લગભગ 10 ડિગ્રી સેલ્સિયસ ઓછું હોવું જોઈએ.

તેમણે કહ્યું, "ભારતમાં એસી કન્ડેન્સરનું તાપમાન સામાન્ય રીતે 50 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે. જ્યારે ઍમ્બિઅન્સનું તાપમાન કન્ડેન્સર તાપમાન કરતાં વધી જતું હોય છે, ત્યારે એસી કામ કરવાનું બંધ કરી દે છે. આવી સ્થિતિમાં, એસી કન્ડેન્સર પર દબાણ વધે છે. આને કારણે, કન્ડેન્સર ફાટવાની શક્યતા વધી જાય છે."

એસી ફાટવા માટે બીજાં કયાં કારણો જવાબદાર હોઈ શકે છે?

ઊંચા તાપમાન ઉપરાંત કેટલાંક અન્ય કારણો છે જે એસી સંબંધિત અકસ્માતોનું કારણ બની શકે છે.

ગૅસ લીકેજ : નિષ્ણાતો કહે છે કે કન્ડેન્સરમાંથી ગૅસ લીકેજ થવાથી એસી સંબંધિત દુર્ઘટના પણ થઈ શકે છે. ગૅસનું દબાણ ઘટવાથી કન્ડેન્સર પર વધુ દબાણ સર્જાય છે, જેના કારણે તે વધુ ગરમ થાય છે. આનાથી આગ લાગવાનું જોખમ વધે છે.

ગંદા કૉઇલ: કન્ડેન્સર કૉઇલ એસી કૂલિંગમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે હવામાંથી ગરમી દૂર કરે છે. જ્યારે કૉઇલ ગંદકીથી ભરાઈ જાય છે, ત્યારે તે વાયુઓના સામાન્ય પ્રવાહમાં વિક્ષેપ પાડે છે, જેના કારણે કન્ડેન્સર વધુ ગરમ થાય છે અને આગ લાગવાનું જોખમ વધે છે.

વોલ્ટેજમાં વધઘટ: વારંવાર વોલ્ટેજમાં વધઘટ કમ્પ્રેસરની કામગીરીને પણ અસર કરે છે અને અકસ્માતો નોતરે છે.

એસીને ફાટવાથી કેવી રીતે બચાવવું?

  • વધારે ગરમી પડે ત્યારે એસી કમ્પ્રેસરને છાંયડો મળી રહે તે રીતે રાખવું જોઈએ. કમ્પ્રેસર અને કન્ડેન્સર યુનિટની આસપાસ યોગ્ય વૅન્ટિલેશનની હોય તે ખાતરી કરો જેથી યુનિટ વધુ ગરમ ન થાય.
  • તમારા એસીની નિયમિત સર્વિસ કરાવો જેથી કોઈપણ સમસ્યાનું સમયસર નિરાકરણ થઈ શકે.
  • ઍર ફિલ્ટર અને કૂલિંગ કૉઇલ નિયમિતપણે સાફ કરો. આનાથી કમ્પ્રેસર પરનો ભાર ઓછો થશે અને તે યોગ્ય રીતે કામ કરશે.
  • સમયાંતરે કુલિંગ ફેન તપાસો. જો કોઈ સમસ્યા હોય, તો તેને તાત્કાલિક રિપેર કરાવો.

નિષ્ણાતો કહે છે કે તાંબાના કન્ડેન્સરવાળા એસી, ઍલ્યુમિનિયમ કન્ડેન્સરવાળા એસી કરતાં વધુ મોંઘાં હોય છે, પરંતુ તાંબાવાળાં વધુ સારાં હોય છે.

તાંબુ પાણી કે હવામાં રહેલા ભેજ સાથે પ્રતિક્રિયા આપતું નથી, તેથી તે વધારે નૉન-કોરોસીવ(એટલે ભેજને કારણે ખરાબ થતાં નથી) હોય છે, તેથી તે વધુ મજબૂત હોય છે.

તેના 'લો સ્પેસિફિક હીટ પ્રોપર્ટી'ને કારણે તાંબુ ઝડપથી ગરમ થતું નથી અને ઝડપથી કુલિંગ કરે છે.

નિષ્ણાતો ઘણીવાર ઍલ્યુમિનિયમ મેટલ એસી કરતાં કૉપર એસી વધુ પસંદ કરે છે.

ભારતમાં એસીનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે

ભારત પર ગ્લોબલ વૉર્મિંગની અસરો સ્પષ્ટપણે દેખાય છે. લગભગ દર વર્ષે હવે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે.

બીબીસીના એક અહેવાલ મુજબ, ભારતનાં 30 કરોડ ઘરોમાંથી માત્ર 8% ઘરોમાં ઍર કન્ડિશનર છે, જેમાં કેટલાકમાં એક કરતાં વધુ યુનિટ છે. આમ છતાં, ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ઍર કન્ડિશનરનું બજાર છે.

ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, ભારતમાં 2025માં 1 કરોડ 40 લાખ યુનિટ્સ ઍર કંડિશનર્સ ખરીદાયાં.

ગયા વર્ષે વૈશ્વિક સ્તરે વેચાયેલાં 17 કરોડ ઍર કન્ડિશનર યુનિટમાંથી, ચીને 9 કરોડ યુનિટ ખરીદ્યાં હતાં, જ્યારે ભારતે 1 કરોડ યુનિટ ખરીદ્યાં હતાં.

પેરિસ સ્થિત ઍનર્જી થિંક ટૅન્ક, ઇન્ટરનૅશનલ ઍનર્જી એજન્સી (આઈઈએ)નો અંદાજ છે કે 2050 સુધીમાં, દેશમાં ઘરગથ્થુ ઍર કંડિશનરની માલિકી નવ ગણી વધી જશે, જે ટેલિવિઝન, રેફ્રિજરેટર અને વૉશિંગ મશીન સહિતનાં અન્ય તમામ ઘરગથ્થુ ઉપકરણોની માલિકીમાં થયેલાં વધાંરા કરતાં ઘણી વધારે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન