ઈરાન યુદ્ધને કારણે અબજો લોકોના ભોજન પર જોખમ તોળાઈ રહ્યું છે?

    • લેેખક, સાઇમન જેક
    • પદ, બિઝનેસ એડિટર
  • વાંચવાનો સમય: 3 મિનિટ

દુનિયાની સૌથી મોટી ખાતર ઉત્પાદક કંપનીઓ પૈકી એકના પ્રમુખના જણાવ્યાનુસાર, ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ખાતર અને તેના મુખ્ય ઘટકોના પુરવઠામાં વિક્ષેપ ઊભો થવાથી વૈશ્વિક સ્તરે દર અઠવાડિયે દસ અબજ ભાણાંની અછત સર્જાઈ શકે છે, અને તેનો સૌથી મોટો ફટકો ગરીબ દેશો પર પડશે.

યારાના ચીફ એક્ઝિક્યુટિવ સ્વેન ટોર હોલ્સેથરે બીબીસીને જણાવ્યું કે અખાતના દેશોમાં ચાલી રહેલી અથડામણોને પગલે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતાં વહાણોની મુસાફરીમાં અવરોધો ઊભા થયા છે, અને આ અવરોધો દુનિયાભરના ખાદ્ય ઉત્પાદનને જોખમમાં મૂકી રહ્યા છે.

તેમણે ચેતવણી આપી હતી કે ખાતરના ઓછા ઉપયોગને લીધે પાકની ઊપજમાં ઘટાડો થશે, અને તેના લીધે ખોરાક માટે હરાજીનું યુદ્ધ શરૂ થઈ શકે છે.

તેમણે યુરોપિયન રાષ્ટ્રોને વિનંતી કરી કે તેઓ અન્ય "સૌથી નબળા" દેશો પર આ યુદ્ધનો કેવો પ્રભાવ પડશે તે બાબતને પણ કાળજીપૂર્વક ધ્યાનમાં લે.

જોકે, યુકેને ખોરાકની અછતનો સામનો કરવો પડે તેવી સંભાવના ખૂબ જ ઓછી છે, પરંતુ ખાદ્ય ઉત્પાદકોને વધેલી કિંમતનો જે સામનો કરવો પડે છે, તેની અસર આગામી થોડા મહિનામાં લોકોનાં બિલમાં દેખાવાની શરૂ થશે.

હોલ્સેથરે કહ્યું, "હાલની પરિસ્થિતિને કારણે વિશ્વમાં પાંચ લાખ ટન નાઇટ્રોજન ખાતરનું ઉત્પાદન થઈ રહ્યું નથી."

"ખાદ્ય ઉત્પાદન માટે તેનો શું અર્થ થાય છે? તેનો મતલબ એ છે કે ખાદ્ય ઉત્પાદનની કમીને કારણે દર અઠવાડિયે લગભગ દસ અબજ જેટલા લોકો માટે ભોજન બની શકશે નહીં.

હોલ્સેથરે જણાવ્યું હતું કે, નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ ન કરવાથી પ્રથમ સિઝનમાં કેટલાક પાકોની ઉપજમાં 50% જેટલો ઘટાડો થઈ શકે છે.

"ખાતરનું બજાર ખૂબ જ વૈશ્વિક છે, તેથી આ સામગ્રી દુનિયાભરમાં વહેંચાય છે, પરંતુ મુખ્ય સ્થળો એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, આફ્રિકા, લૅટિન અમેરિકા હોય છે, જ્યાં તમને આની સૌથી ઝડપી અસર જોવા મળશે."

તેમણે ઉમેર્યું કે વિશ્વના અમુક એવા ભાગો, જ્યાં પહેલાંથી જ ખાતરનું પ્રમાણ ખૂબ ઓછું છે, જેમ કે, સહારાની નીચેના આફ્રિકાના ઘણા દેશો, ત્યાં પાકની ઊપજ પર વધુ ગંભીર અસર થઈ શકે છે. તેમણે જણાવ્યું કે આ સ્થળોએ "નોંધપાત્ર ઘટાડો" શક્ય છે.

વિશ્વભરમાં વાવેતરની ઋતુઓ અલગ અલગ હોય છે. યુકેમાં હાલ વાવણીનો સૌથી મહત્ત્વનો સમય ચાલી રહ્યો છે, જ્યારે એશિયામાં ખેડૂતો હજી શરૂઆત કરી રહ્યા છે.

વિશેષજ્ઞોના મત મુજબ, એશિયામાં ખાતરની અછતનાં પરિણામો વર્ષના અંત સુધી ખાદ્યપદાર્થોના ભાવમાં દેખાશે નહીં, જ્યારે આ વસંતમાં રોપવામાં આવતો પાક અપેક્ષા કરતાં ઓછો થશે, અથવા થશે જ નહીં.

સિંગાપોરમાં ખાદ્ય સુરક્ષાના સિનિયર ફેલો પ્રોફેસર પોલ ટેંગે જણાવ્યું હતું કે કેટલાક દેશોમાં તાત્કાલિક વાવેતરની મોસમ માટે પૂરતું ખાતર હોઈ શકે છે, "પરંતુ જો કટોકટી વધુ લાંબી ચાલે તો આગામી મહિનાઓમાં આપણને ચોખા જેવા પાક પર અસર જોવા મળશે".

હોલ્સેથરના જણાવ્યા અનુસાર, વિશ્વભરના ખેડૂતો એક પછી એક ગંભીર પડકારોનો સામનો કરી રહ્યા છે, કારણ કે, તેઓ જે ખોરાક ઉત્પન્ન કરે છે, તેના માટે તેમને જે કિંમત મળે છે, તે હજુ સુધી તેમના ઊંચા બિલને પહોંચી વળવા માટે પૂરતી નથી.

તેમણે કહ્યું, "તેમને ઊંચા ઊર્જાખર્ચનો સામનો કરવો પડે છે. ટ્રેક્ટર માટે ડીઝલ મોંઘું થઈ ગયું છે. ખેડૂતોને અન્ય ખર્ચ પણ વધી રહ્યા છે. ખાતરનો ખર્ચ વધી રહ્યો છે, પરંતુ પાકના ભાવ હજુ સુધી તેટલા વધ્યા નથી."

હરાજીનું યુદ્ધ

સંયુક્ત રાષ્ટ્રના મતે, વિશ્વના લગભગ ત્રીજા ભાગનાં ખાતરો જેમ કે, યુરિયા, પોટાશ, એમોનિયા અને ફોસ્ફેટ્સ સામાન્ય રીતે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થાય છે.

અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન સામે શરૂ થયેલા યુદ્ધ બાદ ખાતરના ભાવમાં 80% જેટલો વધારો થયો છે.

હોલ્સેથરે ઉમેર્યું કે સંઘર્ષ ચાલુ રહેશે તો સમૃદ્ધ અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે ખોરાક માટે બોલી લગાડવાનું યુદ્ધ સર્જાઈ શકે છે.

"જો ખાદ્ય પદાર્થો પર બોલી લગાવવાની લડાઈ શરૂ થાય, અને યુરોપ તેને સંભાળી શકે તેવી સ્થિતિમાં હોય તો યુરોપમાં આપણે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આવી પરિસ્થિતિમાં આપણે કોની પાસેથી ખોરાક ખરીદી રહ્યા છીએ?"

"આ એવી પરિસ્થિતિ છે જ્યાં વિકાસશીલ દેશોના સૌથી કમજોર લોકોને તેની સૌથી વધારે કિંમત ચૂકવવી પડે છે. કેમ કે, તેઓ આવી હોડમાં ઊભા રહેવાનો ખર્ચ નથી ઉપાડી શકતા."

યારા કંપનીના માલિકે કહ્યું કે, "ખોરાકની પોષણક્ષમતા, ખાદ્યપદાર્થોની અછત અને ભૂખ" પર તેની અસર પડશે.

યુકેમાં ફૂડ એન્ડ ડ્રિંક ફેડરેશન દ્વારા તાજેતરમાં આગાહી કરવામાં આવી હતી કે ડિસેમ્બર સુધીમાં ખાદ્ય ફુગાવો 10% સુધી વધી શકે છે.

આ અઠવાડિયે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે જણાવ્યું હતું કે તેમને લાગે છે કે સપ્ટેમ્બરમાં ખોરાકની કિમતનો ફુગાવો 4.6% સુધી વધી શકે છે, અને વર્ષના અંતમાં તે તેના કરતાં પણ વધારે થઈ શકે છે.

યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનો અંદાજ છે કે મધ્ય પૂર્વ સંઘર્ષનાં સંયુક્ત પરિણામો 2026માં સાડા ચાર કરોડ લોકોને ભારે ભૂખમરામાં ધકેલી શકે છે.

એશિયા અને પેસિફિક વિસ્તારમાં ખોરાકની અછત લગભગ 24% વધવાની ધારણા છે, જે કોઈ પણ પ્રદેશની સરખામણીએ વધારે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન