અમિત શાહે 'ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવા' લોકોને શું અપીલ કરી, શિક્ષકો-વાલીઓને 'જવાબદારી' લેવા કહ્યું

બીબીસી ગુજરાતી
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે તાજેતરમાં ગુજરાતની મુલાકાત વખતે જાહેરાત કરી હતી કે સરકાર ડિસેમ્બર 2028 સુધીમાં ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક રેલીને સંબોધતાં તેમણે લોકોને ગુજરાતને ડ્રગ્સમુક્ત કરવા માટે આગેવાની લેવા અપીલ કરી હતી.

અમિત શાહે કહ્યું હતું કે, "31 ડિસેમ્બર 2028 સુધીમાં ગુજરાતને અને 31 ડિસેમ્બર 2029 સુધીમાં ભારતને ડ્રગ્સ ફ્રી બનાવવાનું લક્ષ્ય છે."

આ માટે તેમણે 1 ડિસેમ્બરથી ટોલ ફ્રી નંબર 1033ની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે લોકોને ગેરકાયદે ડ્રગ્સના વેચાણ વિશે કોઈ માહિતી મળે તો આ નંબર પર તેની જાણ કરી શકાશે.

તેમણે કહ્યું હતું કે, "ડ્રગ્સથી દેશની યુવાપેઢી નબળી પડે છે અને ડ્રગ્સના ધંધામાંથી મળેલાં નાણાંનો ઉપયોગ ત્રાસવાદ ફેલાવવા માટે થાય છે."

શિક્ષકો, વાલીઓને પણ જવાબદારી સોંપાઈ

ગુજરાતને 2028ના અંત સુધીમાં ડ્રગ્સ મુક્ત કરવાનું અભિયાન શું છે, રાજ્યમાં ડ્રગ્સની સમસ્યા કેટલી ગંભીર છે?
ઇમેજ કૅપ્શન, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે એક વર્ષમાં ગુજરાતને ડિસેમ્બર 2028 સુધીમાં ડ્રગ્સ ફ્રી બનાવવાનું લક્ષ્ય છે

ગૃહમંત્રી અમિત શાહે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, "કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એકલી ડ્રગ્સ વિરોધી લડાઈ લડી ન શકે. તેથી દરેક શિક્ષકની પણ ફરજ છે કે તેઓ વિદ્યાર્થીઓની બદલાતી વર્તણૂક પર નજર રાખે."

"જેમકે, આંખો લાલ હોય, વર્ગખંડમાં ઝોલાં ખાય, અથવા ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડતી હોય. આવા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરો અને વાલીઓને જાણ કરો."

તેઓ આગળ કહે છે, "વાલીઓની પણ ફરજ છે કે તેઓ સગીર વયનાં બાળકો પર નજર રાખે. ક્યાંય ડ્રગ્સનું વેચાણ અથવા સેવન થતું હોવાનું જાણવા મળે તો 1 ડિસેમ્બરથી 1033 નંબર પર ફોન કરીને તેની જાણ કરો. તમારું નામ ગુપ્ત રખાશે અને ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે."

ગુજરાતમાં ડ્રગ્સની સમસ્યા

ગુજરાતને 2028ના અંત સુધીમાં ડ્રગ્સ મુક્ત કરવાનું અભિયાન શું છે, રાજ્યમાં ડ્રગ્સની સમસ્યા કેટલી ગંભીર છે?
ઇમેજ કૅપ્શન, ગુજરાત પોલીસે ઑક્ટોબર 2024માં દિલ્હી પોલીસ સાથે મળીને 500 કિલોથી વધારે હેરોઇન જપ્ત કર્યું હતું (ફાઇલ ફોટો)

દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાંથી વારંવાર ડ્રગ્સનો જંગી જથ્થો પકડાય છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉદાહરણ તરીકે, આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ) અને ભારતીય કોસ્ટ ગાર્ડે મળીને ભારતના એક્સક્લુઝિવ ઇકૉનૉમિક ઝોનમાંથી એક ઈરાની બોટ પકડીને તેમાંથી 526 કિલો મેથામ્ફેટામાઇન અને હેરોઇનનો જથ્થો પકડ્યો હતો, જેની કિંમત આશરે 3000 કરોડ રૂપિયા દર્શાવાઈ હતી. આ ઑપરેશનમાં પાંચ પાકિસ્તાની નાગરિકોને પણ અટકાયતમાં લેવાયા હતા.

એ સમયે રાજ્યના ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, "ગુજરાત અને ભારતને ડ્રગ્સ ફ્રી કરવા તેમની સરકાર કટિબદ્ધ છે."

લગભગ એક સપ્તાહ અગાઉ ગુજરાત એટીએસે કથિત આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકર સલીમ ઇસ્માઇલ ડોલાને કસ્ટડીમાં લીધો હોવાની જાહેરાત કરી હતી. સલીમ ડોલાને આ વર્ષે ઇન્ટરપોલ મારફત તુર્કીથી ડિપોર્ટ કરીને કસ્ટડી મેળવવામાં આવ્યો છે. ચાર વર્ષ અગાઉ લગભગ 88 કિલો મેફેડ્રોન નામના ડ્રગ્સની હેરાફેરીમાં ડોલાનું નામ આવ્યું હતું.

જૂન 2026માં નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, "છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત પોલીસે 13,600 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનું ડ્રગ્સ પકડ્યું છે અને ગુજરાત તથા બીજાં રાજ્યોના યુવાનો સુધી પહોંચતું અટકાવ્યું છે. ગુજરાત પોલીસે આ ગાળામાં ડ્રગ્સના 3700થી વધુ કેસ નોંધીને 5346 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે."

ગુજરાતનાં બંદરો પરથી સૌથી વધારે ડ્રગ્સનો જથ્થો પકડાવાનો રેકૉર્ડ રહ્યો છે. ઑગસ્ટ 2025ના એક અહેવાલ પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 11,300 કરોડના ગેરકાયદે ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. જેમાં ગુજરાતનાં બંદરો પરથી જ 65 ટકા ડ્રગ્સ પકડાયું હતું.

ઑગસ્ટ 2025માં ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, "પાંચ વર્ષમાં 5000 કિલો ગેરકાયદે ડ્રગ્સ ઝડપાયું હતું. તેમાંથી ગુજરાતનાં બંદરો પરથી 7383 કરોડ રૂ.નો ગેરકાયદે જથ્થો મળ્યો હતો. તેમાં મુંદ્રા ખાતેના અદાણી પૉર્ટ (6386 કરોડ રૂ.), પીપાવાવ પૉર્ટ (180 કરોડ રૂ.), મુંદ્રાસ્થિત કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન (377 કરોડ રૂ.) અને ગાંધીધામસ્થિત કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન (302 કરોડ રૂપિયા) પરથી સૌથી વધુ ડ્રગ્સ ઝડપાયું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે એપ્રિલ 2025માં નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2021માં ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ ગુજરાતના મુંદ્રા પૉર્ટ પરથી 2988 કિલો હેરોઇનનો જે જથ્થો પકડ્યો હતો, તેનાં નાણાંનો ઉપયોગ 'આતંકવાદી પ્રવૃતિ' માટે થવાનો હતો.

ડ્રગ્સ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી

ગુજરાતને 2028ના અંત સુધીમાં ડ્રગ્સ મુક્ત કરવાનું અભિયાન શું છે, રાજ્યમાં ડ્રગ્સની સમસ્યા કેટલી ગંભીર છે?
ઇમેજ કૅપ્શન, અમદાવાદના ઝોન 4ના ડીસીપી અતુલ બંસલ

ગુજરાતના દરિયાકિનારેથી ઘણી વખત ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે અને તે અલગ અલગ દેશોમાંથી આવતો હોવાનો દાવો કરવામાં આવે છે. તેના કારણે ગુજરાતની ગણના આ પરિપ્રેક્ષ્યમાં એક 'સંવેદનશીલ રાજ્ય' તરીકે થાય છે.

આ મામલે અમદાવાદના ઝોન 4ના ડીસીપી (નાયબ પોલીસ કમિશનર) અતુલ બંસલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "ગુજરાત એ દરિયા કાંઠે આવેલું રાજ્ય હોઈ પોલીસ માટે ડ્રગ્સ પકડવાનો પડકાર વધી જાય છે. જોકે, પોલીસ ડ્રગ્સ વિરુદ્ધ સતત કાર્યવાહી કરે છે, ગુજરાત પોલીસ અને એટીએસે સમુદ્રમાં આગળ સુધી જઈને ડ્રગ્સ પકડ્યું છે. આ ઉપરાંત યુવાનોમાં આ મામલે જાગૃતિ લાવવાનું અભિયાન પણ ચાલુ હોય છે."

તેમણે કહ્યું કે, "ડ્રગ્સનો પ્રસાર રોકવા માટે અમે નાના પેડલર અને ઑર્ગેનાઇઝ્ડ ડીલર્સ સામે પગલાં લેતા હોઈએ છીએ. તાજેતરમાં અમદાવાદના નરોડામાંથી 14 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. એ અગાઉ કોકેનનો જથ્થો પકડાયો હતો."

ડીસીપી બંસલે જણાવ્યું કે, "પોલીસના જાગૃતિ અભિયાનમાં કૉલેજના વિદ્યાર્થીઓને આ મામલે સેન્સિટાઇઝ કરવામાં આવે છે. તેનાથી આરોગ્ય પર થતા ખતરા વિશે જણાવાય છે."

યુવાનોને એક વખત ડ્રગ્સની આદત લાગી જાય પછી શું થઈ શકે તે વિશે તેમણે કહ્યું કે, "ડ્રગ્સનું બંધાણ છોડાવવા માટે ઘણાં બધાં વ્યસનમુક્તિ કેન્દ્રો છે, છતાં ડ્રગ્સની આદત જ ન પડે તે સૌથી શ્રેષ્ઠ રસ્તો છે."

તેમણે જણાવ્યું કે, "ડ્રગ્સની સાથે કોઈ વ્યક્તિ પકડાય તો તેની સામે એનડીપીએસ (નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ ઍક્ટ) હેઠળ કાર્યવાહી ચાલે છે. આ બહુ આકરો કાયદો છે અને તેમાં કડક સજા થઈ શકે છે."

રેવન્યૂ વિભાગની વેબસાઇટ મુજબ ડ્રગ્સની હેરાફેરી અને વેચાણના કેસમાં એનડીપીએસ ઍક્ટ હેઠળ દસથી 20 વર્ષ સુધીની જેલ અને બે લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ચોક્કસ જોગવાઈ હેઠળ વારંવાર ગુનો કરતા પકડાયેલી વ્યક્તિને મૃત્યુદંડની સજા પણ અપાઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન