મટકા કિંગ : કચ્છના કલ્યાણ ભગત અને સિંધી રતન ખત્રીએ જ્યારે મટકાનો કારોબાર મુંબઈથી શરૂ કરીને દેશભરમાં ફેલાવ્યો

નાગરાજ મંજૂલેની વેબ સિરીઝ 'મટકા કિંગ'ના પ્રમોશન વખતે અભિનેતા વિજય વર્મા Vijay Verna/Facebook મટકાની રમત, બીબીસી ગુજરાતી, મટકા કિંગ સટ્ટા કલ્યાણ ભગતના વરલી મટકા સામે રતન ખત્રીનું ન્યૂ વરલી મટકા મુંબઈ ગુજરાતી બીબીસી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Verna/Facebook

  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

સૈરાટ, ફાન્ડ્રી જેવી દરજ્જેદાર મરાઠી ફિલ્મો બનાવનારા નાગરાજ પોપટરાવ મંજૂલેની એક વેબ સિરીઝ 'મટકા કિંગ' ઓટીટી પ્લૅટફૉર્મ પર રજૂ થયા બાદ ચર્ચામાં રહી છે.

વિજય વર્મા અભિનિત તે સિરીઝ મટકા કારોબારી રતન ખત્રી પર આધારિત હોવાની ચર્ચા છે. રતન ખત્રી મુંબઈના 'મટકા કિંગ' કહેવાતા હતા.

જ્યારે પણ મટકાનો ઉલ્લેખ થાય છે ત્યારે બે વ્યક્તિઓનો ખાસ ઉલ્લેખ થાય છે. કલ્યાણ ભગત અને રતન ખત્રી.

કલ્યાણ ભગતે મટકાના બજારની શરૂઆત કરી હતી અને રતન ખત્રીએ એનું દેશભરમાં એક નૅટવર્ક ઊભું કરી દીધું હતું.

એ જમાનામાં સંદેશા વ્યવહારની પહેલી ઓળખ પોસ્ટ કાર્ડ હતાં. તે જમાનામાં મુંબઈથી શરૂ કરીને દેશનાં નાનાં ગામો સુધી મટકાનું નૅટવર્ક ફેલાવવું એ નોંધપાત્ર બાબત હતી. એ ફેલાવ્યા પછી એને રોજેરોજ ચલાવવું એ આશ્ચર્ય પમાડે એવી બાબત હતી.

કલ્યાણ ભગતનો જન્મ કચ્છના રતાડિયા ગામે ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પરિવારની અટક 'ગાલા' હતી. જેમનું ખૂન કરી નાખવામાં આવ્યું હતું તેવા મુંબઈના જાણીતા ક્રાઇમ જર્નલિસ્ટ જે.ડેએ તેમના પુસ્તક 'ખલ્લાસ – એન એ ટુ ઝી ગાઇડ ટુ અન્ડરવર્લ્ડ'માં કલ્યાણ ભગતની અટક 'શાહ' નોંધી છે.

કલ્યાણજીભાઈના પરિવારની ધર્મપરાયણતાને લીધે કચ્છના રાજા તરફથી તેમને 'ભગત'નું ટાઇટલ મળ્યું હતું. ત્યારથી તેમનો પરિવાર ભગત તરીકે ઓળખાતો હતો.

કચ્છના ખેડૂતનો એક દીકરો મુંબઈ પહોંચીને આંકડાની માયાજાળ રચીને તેનો કારોબાર ઊભો કરશે એની પાછળનું પરિબળ હતું, દુકાળ.

કચ્છ સૂકો પ્રદેશ ગણાય છે અને દુકાળની થપાટો પણ કચ્છે ખાધી છે. જેને પરિણામે વર્ષાનુવર્ષ અનેક લોકોએ ઘરપરિવાર ચલાવવા માટે કચ્છમાંથી સ્થળાંતર કર્યું છે. જેમાંના ઘણા મુંબઈ ગયા હતા. કલ્યાણજી ભગત પણ એવી જ રીતે 1941માં પેટીયું રળવા કચ્છથી મુંબઈ આવ્યા હતા.

રતન ખત્રીની વાત કરીએ તો તેઓ કરાચીના સિંધી હતા અને વિભાજન વખતે 1947માં મુંબઈ આવ્યા હતા.

કઈ રીતે મટકાની રમત શરૂ થઈ?

મટકાની રમત, બીબીસી ગુજરાતી, મટકા કિંગ સટ્ટા મટકાની રમત, બીબીસી ગુજરાતી, મટકા કિંગ સટ્ટા કલ્યાણ ભગતના વરલી મટકા સામે રતન ખત્રીનું ન્યૂ વરલી મટકા મુંબઈ ગુજરાતી બીબીસી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સટ્ટો અને મટકામાં સામ્યતા ઉપરાંત કેટલાક ભેદ છે. ક્રિકેટમાં કોણ રમશે અને કોણ નહીં રમે? ચૂંટણીમાં ક્યો ઉમેદવાર જીતશે કે હારશે? એરંડાનો ભાવ આવતી કાલે શું હશે? તેના પર સટ્ટો લાગે છે.

મટકા આ પ્રકારની કોઈ ચીજ પર લગાવાતો નથી.

મટકા એ આંકડાનો ખેલ છે, જે શૂન્યથી નવ નમ્બર સુધી લગાવાય છે. સાદી ભાષામાં કહીએ તો જેને 'આંકડા લગાવવા' કહે છે તે મટકા.

મુંબઈ આવીને સાઠના દાયકામાં મટકાના કારોબારમાંથી અઢળક રૂપિયા કમાયા તે અગાઉ કલ્યાણ ભગતે મુંબઈની ચાલીમાં દિવસો વિતાવ્યા હતા.

મસાલા વેચવાથી માંડીને મુંબઈના ઉપનગર વરલીમાં કરિયાણાની દુકાન પણ ચલાવી હતી. તે પછી તેમણે સટ્ટો લેતા બૂકી તરીકે શરૂઆત કરી હતી અને પછી મટકાનો ધંધો ઊભો કર્યો હતો.

કલ્યાણ ભગતે 1960 આસપાસ ન્યૂ યૉર્ક કૉટન ઍક્સચેન્જમાં કપાસના ખૂલતા અને બંધ થતાં ભાવ પર સટ્ટો રમાડવાનું શરૂ કરેલું.

જેમાં એ ભાવ ટેલિપ્રિન્ટર મારફતે મુંબઈનાં સ્ટૉક ઍક્સચેન્જ પર આવે અને કયો ભાવ ખૂલશે અને કયો બંધ થશે એના પર કલ્યાણ ભગત સટ્ટો રમાડતા હતા.

મુંબઈમાં વર્ષો સુધી ક્રાઇમ રિપોર્ટીંગ કરનારા પત્રકાર બલજીત પરમાર નોંધે છે કે, 1962માં ન્યુ યૉર્કના કૉટન ઍક્સચેન્જે ઓપનીંગ અને ક્લોઝીંગ રેટ ખોલવાના બંધ કરી દીધા. તેના પર મુંબઈના લોકો છેલ્લા ત્રણ આંકડા પર સટ્ટો લગાવતા હતા. વરલીના કલ્યાણ ભગતે એ સિસ્ટમમાં ફેરફાર કરીને મટકાનો ઉપયોગ કર્યો. ત્યારથી મટકાનું નામ પ્રચલિત થવા માંડ્યું હતું. જેમાં મટકાની અંદર વિવિધ આંકડાની ચિઠ્ઠી નાખવામાં આવતી હતી. પછી કોઈ અજાણ્યા માણસને બોલાવીને તેના હાથે મટકામાંથી લેવડાવવામાં આવતી અને જે આંકડા નીકળે તે વિજેતા નંબર કહેવાતા હતા અને સરક્યુલેટ થતા હતા.

કલ્યાણ ભગતના વરલી મટકા સામે રતન ખત્રીનું ન્યૂ વરલી મટકા

મટકાની રમત, બીબીસી ગુજરાતી, મટકા કિંગ સટ્ટા કલ્યાણ ભગતના વરલી મટકા સામે રતન ખત્રીનું ન્યૂ વરલી મટકા મુંબઈ ગુજરાતી બીબીસી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, કલ્યાણ ભગત

1962ના ગાળામાં કલ્યાણજીભાઈએ મુંબઈના ઉપનગર વરલીમાં મટકાની શરૂઆત કરી હતી. એવું પત્રકાર જે.ડેએ નોંધ્યું છે. વરલી મટકામાં રાણી સિવાયનાં 12 પત્તાંથી ગેઇમ રમાય છે. જેમાં પૈસાની ચૂકવણીનો ગુણોત્તર 1થી 11નો હોય છે.

કલ્યાણ ભગત વરલીથી મટકાનો કારોબાર ચલાવતા હતા તેથી તેને 'વરલી મટકા' કહેવાતું હતું.

રતન ખત્રી કલ્યાણ ભગત સાથે જ કામ કરતા હતા પછી તેમનાથી અલગ થઈને તેમણે પોતાનો મટકા કારોબાર શરૂ કર્યો હતો.

રતન ખત્રીએ 2 મે, 1964ના રોજ 'ન્યૂ વરલી મટકા' નામનો મટકા કારોબાર શરૂ કર્યો હતો. એવું પત્રકાર જે.ડે.એ નોંધ્યું છે. તેને 'રતન મટકા' પણ કહેવામાં આવતું હતું.

મુંબઈમાં બિલ્ડર્સ કે ઉદ્યોગપતિઓ અન્ડરવર્લ્ડની વિવિધ ગૅંગ પ્રોટેક્શન મની(દર મહિને ચૂકવાતો હપ્તો) તરીકે લગભગ દરેક ગૅંગને ખંડણી આપતા હતા. મટકા ઑપરેટર પણ પ્રોટેક્શન મની ચૂકવતા હતા. મટકા ઑપરેટર પોલીસથી લઈને રાજકારણીઓને પણ પૈસા ચૂકવતા હતા.

નિવૃત્ત પોલીસ અધિકારી રાકેશ મારીયા જ્યારે મુંબઈના જોઇન્ટ કમિશનર ઑફ પોલીસ હતા ત્યારે તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે, "અન્ડરવર્લ્ડની આર્થિક ધરી મટકા કારોબાર છે. મટકાનો દાવ વ્યવસ્થાને ઊંધીચત્તી કરી નાખે એવો છે."

રતન ખત્રીએ મટકામાંથી ચિઠ્ઠીને બદલે પત્તાનો ઉપયોગ શરૂ કર્યો

મટકાની રમત, બીબીસી ગુજરાતી, મટકા કિંગ સટ્ટા કલ્યાણ ભગતના વરલી મટકા સામે રતન ખત્રીનું ન્યૂ વરલી મટકા મુંબઈ ગુજરાતી બીબીસી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, રતન ખત્રી

કલ્યાણ ભગતના કારોબારમાં મટકામાંથી આંકડા લખેલી ચિઠ્ઠી કાઢવામાં આવતી હતી. રતન ખત્રીએ પણ એક તબક્કા સુધી ચિઠ્ઠીનો જ ઉપયોગ કર્યો હતો. પછી ખત્રીએ ચિઠ્ઠીને બદલે પત્તાનો ઉપયોગ શરૂ કર્યો હતો.

મટકામાંથી ત્રણ પત્તાં કાઢવામાં આવતાં જેની સંખ્યાનો સરવાળો કરવામાં આવતો. જેમકે ત્રણ પત્તાંમાં એક પત્તું ત્રણ નંબરનું અને બાકીનાં બે પત્તાં બે-બે નંબરનાં હોય તો સરવાળો ત્રણ વત્તા બે વત્તા બે એટલે કે કુલ સાત થાય. તેથી તે વિજેતા નંબર કહેવાતો હતો. સમયાંતરે તેની પદ્ધતિમાં ફેરફાર આવતા રહેતા.

જોકે, કલ્યાણ ભગતના પુત્ર વિનોદ ભગતની રાય છે કે આંકડાના આ કારોબારમાં મટકાનો ક્યારેય ઉપયોગ થયો નથી. વિનોદ ભગતે જણાવ્યું હતું કે તેમના પિતાજી કલ્યાણ ભગતે કેટલાંક લોકોને વાસણમાંથી ચિઠ્ઠી કાઢીને તેના પર દાવ લગાવતા જોયા હતા તેના પરથી આઇડિયા આવ્યો હતો.

વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ 1975માં લાદેલી કટોકટી વખતે રતન ખત્રી 19 મહિના જેલમાં રહ્યા હતા. રતન ખત્રીએ કેટલીક ફિલ્મોમાં પણ રોકાણ કર્યું હતું. 70 – 80ના દાયકામાં કેટલીક ફિલ્મોમાં જુગારીનાં પાત્રો પણ તેમનાથી પ્રભાવિત હતાં. 9 મે. 2020ના રોજ રતન ખત્રીએ મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન