You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીએ CBSEના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાનો અભ્યાસ ફરજિયાત કરવા પર શું કહ્યું? – ન્યૂઝ અપડેટ
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન (CBSE)એ નવમી ક્લાસથી ત્રણ ભાષાઓનો અભ્યાસ ફરજિયાત કરી દીધો છે. આ બાબતે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ નીટ પેપર લીક અને CBSEના ધોરણ 12માં OSM સિસ્ટમને લઈને પણ સરકારની ટીકા કરી છે.
કૉંગ્રેસ નેતાએ ઍક્સ પર લખ્યું, "સૌપ્રથમ NEET પેપર લીક, જેના કારણે 22 લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા. પછી CBSEના ધોરણ 12ના વિદ્યાર્થીઓને ખરાબ OSM સિસ્ટમના કારણે અપેક્ષા કરતાં ઓછા ગુણ મળ્યા. તેના કારણે ઘણા વિદ્યાર્થીઓ કૉલેજમાં પ્રવેશ મેળવવાની પાત્રતા ગુમાવી બેઠા. હવે CBSE દ્વારા ક્લાસ 9ના લાખો વિદ્યાર્થીઓને 1 જુલાઈથી અચાનક નવી ભાષા શીખવા માટે કહેવાયું છે. જ્યારે એક તરફ શિક્ષકો નથી અને પુસ્તકો પણ ઉપલબ્ધ નથી."
તેમણે આરોપ લગાવ્યો કે "14 વર્ષનાં બાળકોને 'અસ્થાયી' રીતે ધોરણ 6નાં પુસ્તકો અપાઈ રહ્યાં છે."
રાહુલ ગાંધીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર આરોપ લગાવ્યો કે તેમણે દેશના દરેક ઉંમરના વિદ્યાર્થીઓને નિરાશ કર્યા છે. તેમણે કહ્યું કે શિક્ષણ મંત્રાલય 'વિપત્તિઓનો વિભાગ' બની ગયું છે.
ઉલ્લેખનીય છે કે, CBSEએ વર્ષ 2026-27ના શૈક્ષણિક સત્રથી ધોરણ 9માં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓ માટે ત્રીજી ભાષા (R3)નો અભ્યાસ ફરજિયાત કર્યો છે. જોકે, 10મી બોર્ડ પરીક્ષામાં ત્રીજી ભાષાના પેપરથી છૂટ આપવામાં આવી છે.
15 મેના રોજ બહાર પાડવામાં આવેલા એક હુકમનામામાં બોર્ડે કહ્યું હતું કે નૅશનલ ઍજ્યુકેશન પૉલિસી 2020 અનુસાર, આ ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતીય મૂળની હોવી જોઈએ.
કૉંગોમાં ઇબોલા રોગચાળો ફાટી નીકળ્યો, 80નાં મોત, WHOએ શું કહ્યું?
ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોના પૂર્વ ઇતૂરી પ્રાંતમાં ઇબોલા રોગચાળો ફેલાવાને કારણે ઘણાં મોત થયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર 'પબ્લિક હેલ્થ ઇમર્જન્સી' ઘોષિત કરી છે.
ડબલ્યુએચઓએ કહ્યું છે કે આ રોગચાળાને કારણે લગભગ 80 મોત થયાં છે અને તેના 246 સંદિગ્ધ મામલાઓ સામે આવ્યા છે.
જોકે, આ રોગચાળો 'વૈશ્વિક મહામારીની કટોકટી'ની કૅટેગરીમાં નથી આવતો.
ડબલ્યુએચઓએ ચેતવણી ઉચ્ચારી કે "હાલ સંક્રિમત લોકોની યોગ્ય સંખ્યા અને તેના ફેલાવાને લઈને ઘણી અનિશ્ચિતતા છે."
તેણે કહ્યું કે આ વખતે ઇબોલા બુંડીબુગ્યો વાઇરસને કારણે ફેલાયો છે. જેના માટે કોઈ રસી કે દવા નથી.
તેણે એમ પણ કહ્યું કે વાઇરસ કૉંગોની બહાર પણ ફેલાઈ ચૂક્યો છે. તે પાડોશી દેશ યુગાંડામાં પણ મળી આવ્યો છે. યુગાંડાના અધિકારીઓએ કહ્યું છે કે તેમને ત્યાં 59 વર્ષની એક વ્યક્તિનું તેને કારણે મોત થયું. જેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
આ વાઇરસથી કૉંગોના પડોશી દેશોને સૌથી વધુ જોખમ મનાય છે. કારણકે અહીં આસપાસ લોકોની અવરજવર, વ્યાપાર અને પ્રવાસ વધારે થાય છે.
રશિયાના મૉસ્કો ક્ષેત્રમાં થયેલા ડ્રૉન હુમલામાં એક ભારતીયનું મોત
રશિયામાં સ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું છે કે રવિવારે મૉસ્કો ક્ષેત્રમાં થયેલા ડ્રૉન હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે અને ત્રણ ઘાયલ થયા છે.
દૂતાવાસે સોશિયલ મીડિયા પર જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "આજે મૉસ્કો ક્ષેત્રમાં થયેલા ડ્રૉન હુમલામાં એક ભારતીય કર્મચારીનું મોત થયું છે જ્યારે કે ત્રણ ઘાયલ થયા છે. દૂતાવાસના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને ઘાયલોની હૉસ્પિટલમાં મુલાકાત લીધી છે."
ભારતીય દૂતાવાસે એમ પણ કહ્યું કે અધિકારી જરૂરી સહાય પૂરી પાડવા માટે કંપની પ્રબંધન અને સ્થાનિક અધિકારી સાથે મળીને કામ કરી રહ્યા છે.
આ પહેલાં રશિયાના અધિકારીઓએ દાવો કર્યો કે યુક્રેન તરફથી થયેલા ડ્રૉન હુમલા વ્યાપક પ્રમાણમાં હતાં અને તેમાં ત્રણ લોકોનાં મોત થયાં છે.
ક્ષેત્રીય ગવર્નર આંદ્રેઈ વોરોબ્યોવે કહ્યું કે રાજધાનીના ઉત્તરમાં સ્થિત ખિમકીમાં એક ઘરમાં એક મહિલાનું મોત થયું અને પોગોરેલકી ગામમાં એક પુરુષ અને એક મહિલાનું મોત થયું.
મૉસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને કહ્યું કે શહેરની એક ઑઇલ રિફાઇનરી પર થયેલા હુમલામાં 12 લોકો ઘાયલ થયા છે.
રશિયાની સેનાએ દાવો કર્યો કે તેમણે 556 ડ્રૉન્સને ઇન્ટરસેપ્ટ કર્યાં છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે આ હુમલો યુક્રેનનાં શહેરો પર 'રશિયાના ઘાતક હુમલાનો જવાબ' હતો.
આ સપ્તાહની શરૂઆતમાં રશિયા તરફથી મોટા પાયે કરવામાં આવેલા ડ્રૉન અને મિસાઇલ હુમલામાં રાજધાની કિએવમાં 24 લોકોનાં મોત થયાં હતાં.
દાહોદ : લીમખેડા નજીક એક કારમાંથી ₹2.56 કરોડની ચલણી નોટો મળી આવી, પોલીસે શું કહ્યું?
દાહોદમાં એક કારમાંથી મળેલાં બે પાર્સલમાં કુલ ₹2,56,80,500 ની કિંમતની ભારતીય ચલણી નોટો મળી આવી હતી.
દાહોદ જિલ્લાના લીમખેડાના ડીવાયએસપી એ. કે. કાલસવાએ મીડિયાને જણાવ્યું હતું કે, "15મી મેના રોજ લીમખેડાના પોલીસ ઇન્સ્પેકટર વાહન ચેકિંગમાં હતા, ત્યારે લીમેખડા ધાનપુર ચોકડી પાસે દાહોદ તરફથી એક કાર આવી, તેમાંથી બે પાર્સલ મળી આવ્યાં હતાં."
તેમણે જણાવ્યું, "આ પાર્સલ બાબતે ડ્રાઇવરની પૂછપરછ કરતાં યોગ્ય જવાબ મળ્યો નહીં, જેથી પોલીસને શંકા ગઈ. પછી પોલીસે જ્યારે પાર્સલ ખોલ્યાં તો તેમાં ભારતીય ચલણી નોટો મળી આવી હતી."
પોલીસના જણાવ્યા પ્રમાણે આ ચલણી નોટની કિંમત બે કરોડ 56 લાખ 80 હજાર 500 જેટલી હતી.
પોલીસે આ રકમ જપ્ત કરી છે અને ટ્રેઝરી વિભાગને તેની જાણ કરી છે.
ત્યારે બીબીસી સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મોટી રકમ દાહોદની એક આંગડિયા પેઢીમાંથી વડોદરા લઈ જવામાં આવી રહી હતી.
દક્ષેશ શાહના જણાવ્યા પ્રમાણે, "કાર ચાલક રાજુભાઈ નિનામા મોટી રકમનાં નાણાં અંગે કોઈ કાનૂની પુરાવા આપી શક્યા નથી."
નીટ પેપર લીક મામલો : આરોપી મનીષા મંધારેને 14 દિવસની સીબીઆઈ હિરાસતમાં મોકલવામાં આવ્યાં
નીટ પેપર લીકનાં વધુ એક આરોપી મનીષા મંધારેને સીબીઆઈની હિરાસતમાં મોકલવામાં આવ્યાં છે. દિલ્હીની રાઉઝ ઍવન્યૂ કોર્ટે આરોપી મનીષા મંધારેને સીબીઆઈને 14 દિવસના રિમાન્ડ આપ્યા છે.
બીબીસી મરાઠી અનુસાર, મનીષા મંધારેને નૅશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએનાં ઍક્સપર્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.
હવે સામે આવ્યું છે કે તેમનો બૉટની અને ઝૂલૉજી વિષયોનાં પ્રશ્નપત્રો સુધીનું એક્સેસ હતું.
મનીષા મંધારે પુણેની એક અગ્રણી કૉલેજમાં બૉટનીનાં સિનિયર પ્રોફેસર છે. તેમનું નામ આ મામલે સામે આવ્યા બાદ સીબીઆઈએ તપાસ કરી અને પછી દિલ્હીમાં તેમની ધરપકડ કરી.
ઉલ્લેખનીય છે કે હવે આ મામલે કુલ 9 આરોપીને દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરથી પકડી લેવામાં આવ્યા છે. તે પૈકી પાંચ આરોપીને પહેલાં જ કોર્ટમાં પેશ કરીને સાત દિવસની પોલીસ હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે.
સોના પછી હવે ચાંદી પર સરકારે લીધો આ નિર્ણય, શું અસર થશે
કેન્દ્ર સરકારે શનિવારે ચાંદીની આયાતને સીમિત કરવા માટે નવો નિર્ણય કર્યો છે.
પહેલાં ચાંદીની આયાત સરળ હતી, પણ હવે તે 'રિસ્ટ્રિક્ટેડ' કૅટેગરીમાં મૂકવામાં આવી છે.
સમાચાર સંસ્થા પીટીઆઇએ સરકારના નોટિફિકેશનને ટાંકતા કહ્યું કે શુદ્ધ ચાંદી સિવાય સોના અને પ્લેટિનમના કોટિંગવાળી ચાંદીને વિદેશથી મંગાવવા માટે સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે.
આનો અર્થ છે કે હવે આયાત માટે સરકાર પાસેથી લાઇસન્સ લેવું પડશે.
આની પહેલાં 13મી મેના જ સરકારે સોના અને ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યૂટી છ ટકા વધારીને 15 ટકા કરી દીધી હતી.
નોંધનીય છે કે વડા પ્રધાન મોદીએ વિદેશી મુદ્રા બચાવવા અને ઊર્જા સંકટને જોતાં એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અને પેટ્રોલ-ડીઝલની ખપત ઘટાડવા અને વિદેશ યાત્રાને ટાળવાની અપીલ કરી હતી.
હોર્મુઝ સામુદ્રધુની પાર કરીને ગુજરાત પહોંચ્યું જહાજ
માર્શલ દ્વીપ સમૂહના ધ્વજવાળું ટૅન્કર સિમી ગુજરાતના કંડલાના દીનદયાલ પોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. આ શિપ લગભગ 20 હજાર ટન લિક્વિડ પ્રોપેન ગૅસ અને બ્યુટેન લઈ જઈ રહ્યું હતું.
આ જહાજ 13મેના દિવસે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થયું હતું. ઈરાનમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે ઑઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદોના પરિવહન માટે મહત્ત્વપૂર્ણ મનાતી હોર્મુઝ સામુદ્રધુનીમાં જહાજોની અવરજવર પ્રભાવિત થઈ છે.
મીડિયા અહેવાલો અનુસાર જહાજમાં ચાલક દળના 21 સભ્યો સવાર છે, જેમાં આઠ યુક્રેનના અને 13 ફિલિપાઇન્સના છે.
શુક્રવારે ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મિત્ર દેશોએ કૉમર્શિયલ જહાજોની અવરજવરમાં સુરક્ષા અંગે ઈરાન પર ભરોસો કરવો જોઈએ.
તેમણે કહ્યું કે ઈરાન હોર્મુઝની સુરક્ષાની પોતાની ઐતિહાસિક જવાબદારી નિભાવતું રહેશે.
અગાઉ 13 મેના દિવસે ભારત આવતું એલીપીજી ટૅન્કર એમવી સનશાઇન હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહ્યું હતું અને તેને ભારત આવવા માટે તમામ જરૂરી મદદ આપવામાં આવી રહી હતી.
અગાઉ ગુજરાતના એક વહાણ પર હોર્મુઝની સામુદ્રધુનીમાં કથિત રીતે હુમલો થતા એક નાવિકનું મોત થયું છે અને અન્ય ચાર ઘાયલ થયા હતા.
વહાણના માલિકના કહેવા અનુસાર, વહાણ ઈરાનના અખાતમાં આવેલા દુબઈ બંદરેથી માલ-સામાન ભરીને યમન દેશના અલ મકલ્લા બંદરે જવા નીકળ્યું હતું, પરંતુ વહાણ યુદ્ધ પછી વહાણવટા માટે ખૂબ જ જોખમી બની ગયેલ હોર્મુઝની સામુદ્રધુનીમાં પહોંચ્યું ત્યારે તેના પર હુમલો થતા તેનો "ભુક્કો" બોલી ગયો હતો.
પૉક્સોમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીના પુત્રની ધરપકડ, મંત્રીએ કહ્યું 'મેં જાતે સોંપ્યો'
કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી બંદી સંજયકુમારના પુત્ર બંડી ભગીરથની તેલંગણા પોલીસે પૉક્સો કેસમાં શનિવાર રાત્રે ધરપકડ કરી હતી. જોકે મંત્રીનો દાવો છે કે તેમણે પોતાના પુત્રને જાતે જ પોલીસને સોંપ્યો હતો.
કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી બંદી સંજયકુમારે કહ્યું કે તેમણે પોતાના દીકરાને પોલીસ સામે રજૂ કર્યો અને તપાસમાં સામેલ થવાનું કહ્યું હતું.
બીજી તરફ સમાચાર સંસ્થા પીટીઆઇને એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીની ધરપકડ થઈ ગઈ છે.
કેન્દ્રીય મંત્રી બંદી સંજયકુમારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે, "કાયદો અને ન્યાયપાલિકાનું પૂર્ણ સન્માન જાળવતા, આજે મારા પુત્ર બંદી ભગીરથ તેલંગણા પોલીસની સામે તપાસ માટે ગયો છે."
"હું પહેલાં જ કહી ચૂક્યો છું કે ભલે મારો દીકરો હોય અથવા સામાન્ય વ્યક્તિ, બધા કાયદા સામે એક સમાન છે."
એક વધુ ઍક્સ પોસ્ટમાં તેમણે કહ્યું કે, "ભગીરથની ધરપકડ નથી થઈ. તે જાતે પોલીસ સામે તપાસ માટે રજૂ થયો હતો."
આ મામલામાં આરોપી વિરુદ્ધ પહેલાં જ પોલીસે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો જેથી તે દેશ છોડીને બહાર ન જઈ શકે.
આ કેસ એક સગીરાનાં માતાએ કરેલી ફરિયાદના આધારે નોંધાયો હતો. આરોપ છે કે ભગીરથે લગ્નનો વાયદો કરીને સગીરાનું જાતીય શોષણ કર્યું હતું.
પોલીસે આઠ મેના દિવસે પૉક્સો ઍક્ટ અને બીએનએસની કલમમાં કેસ નોંધ્યો હતો.
આ મામલામાં તેલંગણા હાઇકોર્ટે શુક્રવારના ભગીરથને ધરપકડમાંથી રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો.
વડોદરાના ઝૂમાં પશુઓને ગરમીથી બચાવવા શું પગલાં લેવાયાં?
ગુજરાતમાં લગભગ બધા જિલ્લાઓમાં તાપમાન 40ને પાર જઈ રહ્યું છે.
ભયંકર ગરમીમાં પ્રાણીસંગ્રહાલયોમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
સમાચાર સંસ્થા એએનઆF અનુસાર વડોદરાના સયાજીબાગ ઝૂમાં પ્રાણીઓને માટે વિશેષ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
શ્રી સયાજીબાગ ઝૂના ક્યૂરેટર ડૉ પ્રત્યૂષ પટણકરે કહ્યું કે, "...આવતા દસ દિવસ માટે હિટ વેવનું ઍલર્ટ આપવામાં આવ્યું છે, જેને પગલે ઝૂમાં પ્રાણીઓ અને પક્ષીઓને તકલીફ ન થાય તે માટે વ્યવસ્થા કરાઈ રહી છે."
"ઝૂમાં સવારે અને સાંજે પાણીનો છંટકાવ કરાઈ રહ્યો છે...ઉપરાંત, પ્રાણીઓનાં પીવાના પાણીમાં સપ્લિમેન્ટ્સ પણ ઉમેરાઈ રહ્યા છે."
"સવારે અને સાંજે પાણીનો છંટકાવ પાણીની અંદર અને આસપાસના વિસ્તારમાં કરવામાં આવે છે, જેથી પ્રાણીઓ અને ઝૂ આવેલા મુલાકાતીઓને પણ ઠંડક મળે."
"વાંદરા, રીંછ, દીપડા અને વાઘને બરફના ટુકડા પણ આપવામાં આવે છે. બરફની સાથે સમગ્ર દિવસ રમીને, તેને ચાટીને તેમને ઠંડક મળે છે."
આ ઉપરાંત પાંજરા પર નાળિયેરનાં સૂકાં પાંદડાં મૂકી દેવામાં આવે છે, જેનાથી પ્રાણીઓને ઠંડક મળે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન