You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતે ખાંડની નિકાસ પર પ્રતિબંધ શા માટે મૂક્યો અને ભવિષ્યમાં તેની શું અસર પડશે?
- લેેખક, શુભાંગી મિશ્રા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
બુધવારે ભારતે ખાંડની નિકાસ પર 30મી સપ્ટેમ્બર, 2026 સુધી પ્રતિબંધ ફરમાવી દીધો. ચાલુ વર્ષ માટે ખાંડનું ઉત્પાદન નીચું રહેવાના અંદાજ તથા ઈરાનમાં યુદ્ધને કારણે ખાતરની આયાતમાં સર્જાયેલા વિક્ષેપોને કારણે આ નિર્ણય લેવાયો છે.
નિષ્ણાતો કહે છે કે નિકાસ પર પ્રતિબંધ ફરમાવવાનો નિર્ણય વધી રહેલા ફુગાવાને લીધે વ્યાપેલા ભયની સ્થિતિમાં દેશની વ્યાપક વસતી માટે સ્થાનિક પુરવઠો સ્થિર કરવાના સરકારના પ્રયાસોનો ભાગ છે.
ભારત વિશ્વમાં ખાંડનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે અને તેની ગણના સૌથી વિશાળ નિકાસકારોમાં થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિદેશી હૂંડિયામણના ભંડારને મજબૂત બનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂકી રહ્યા છે, તેવા વખતે ભારતના સૌથી ઊંચું મૂલ્ય ધરાવતા રોકડિયા પાકમાં સ્થાન ધરાવતી ખાંડની નિકાસ પરના પ્રતિબંધના નિર્ણય સામે સવાલો ઊઠ્યા છે.
બજારમાં પણ તેના વિપરીત પ્રત્યાઘાતો પડ્યા છે અને ખાંડની અગ્રણી કંપનીઓના શેર ગુરુવારે છ ટકા સુધી ગગડ્યા હતા.
સરકારનો નિર્ણય ઘરેલુ પુરવઠાના વ્યવસ્થાપનથી પ્રેરિત હોવાની શક્યતા છે, કારણ કે ભારતની ગણના ખાંડના સૌથી મોટા વપરાશકાર દેશોમાં પણ થાય છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
ઇન્ડિયન સુગર ઍન્ડ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન (આઇએસએમએ)ના ડાયરેક્ટર દીપક બલ્લાનીએ કહ્યું હતું કે, આ પ્રતિબંધ તકેદારીના ભાગરૂપે ફરમાવાયો છે અને તેનો આશય ઘરેલુ સ્તર પર પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે, નિકાસની સ્થિતિ પર સુવ્યવસ્થિત સમીક્ષા થવાની અપેક્ષા હતી.
બલ્લાનીએ બીબીસીને જણાવ્યું હતું, "અમને નિકાસની સ્થિતિ વિશે એક પ્રમાણબદ્ધ સમીક્ષાની અપેક્ષા હતી, ખાસ કરીને એટલા માટે, કેમ કે જે ચોક્કસ કરારો અગાઉથી જ અમલી છે, તે ખાંડને નિકાસની છૂટ આપવી જોઈતી હતી, કારણ કે કરારોનો અનાદર કરવો યોગ્ય નથી."
અપેક્ષા કરતાં ઓછી ઊપજ
નિષ્ણાતો કહે છે કે, ચાલુ સિઝન (2025-26) માટે શેરડીની અંદાજ કરતાં ઓછી ઊપજ નિકાસ પરના પ્રતિબંધના કેન્દ્રમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બલ્લાનીએ બીબીસીને કહ્યું હતું કે, પ્રારંભિક અંદાજોમાં 2025-26માં શેરડીનું ચોખ્ખું ઉત્પાદન ત્રણ કરોડ ટન રહેવાનું અનુમાન હતું, પરંતુ આબોહવાની પ્રતિકૂળ સ્થિતિને કારણે ઉત્પાદન 2.8 કરોડ ટન રહેવાની ધારણા છે.
તેમણે ઉમેર્યું હતું, "અગાઉના અંદાજના આધારે, ભારત સરકારે 15 લાખ ટનની નિકાસની પરવાનગી આપી હતી, જેમાંથી લગભગ 6.5 લાખ ટન નિકાસ થઈ ચૂકી છે. તેમ છતાં, ઉદ્યોગે પર્યાપ્ત પુરવઠો જાળવી રાખીને વૈશ્વિક ખાંડ બજારમાં ભારતની વધી રહેલી ભૂમિકાને સહાય પૂરી પાડવાની સાથે-સાથે ઘરેલુ પ્રાપ્યતા પણ સંતુલિત કરી છે."
ખાતર ઉપર હોર્મુઝ સામુદ્રધુનીની અસર
નીચી ઊપજની સાથે નિકાસ પર પ્રતિબંધમાં પરિણમેલું અન્ય એક પરિબળ હોર્મુઝ સામુદ્રધુની બંધ થઈ જવાને કારણે ભારતના ખાતરના જથ્થા પર પડેલું દબાણ હોઈ શકે છે.
ભારત ખાતરનો બીજો સૌથી મોટો વપરાશકર્તા દેશ છે અને અત્યારે તે દબાણનો સામનો કરી રહ્યો છે, કારણ કે વૈશ્વિક ખાતરનો એક તૃતીયાંશ વેપાર સ્ટ્રેટ ઑફ હોર્મુઝના માર્ગેથી પસાર થાય છે, જે 28મી ફેબ્રુઆરીથી બંધ થઈ ગયો છે.
ખાસ કરીને શેરડીની ખેતી ઉપર તેની સૌથી વધુ માઠી અસર પડી રહી છે, કારણ કે ડેટા દર્શાવે છે કે, ભારતમાં ઊગતા પાકોમાંથી શેરડીમાં ખાતરનો સૌથી વધુ વપરાશ થાય છે.
સરકાર ભારપૂર્વક જણાવતી આવી છે કે, ભારત ખાતરનો પર્યાપ્ત જથ્થો ધરાવે છે, પણ ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગના કેટલાક શેરડીના ખેડૂતો અગાઉથી જ પુરવઠાની અછતનો સામનો કરી રહ્યા છે.
"વર્તમાન સમયમાં ખાતર જરૂરી પ્રમાણમાં ઉપલબ્ધ નથી. વળી, ખેડૂતો કાં તો વધુ મોંઘાં ઉત્પાદનો વિશે વિચારી રહ્યા છે અથવા પછી વપરાશની માત્રા ઓછી કરી રહ્યા છે. ભવિષ્યમાં સ્થિતિ વધુ તંગ બની શકે છે," એમ બુલંદશહરમાં ભારતીય કિસાન યુનિયન (ટીકૈત)ના જિલ્લા પ્રમુખ ચૌધરી આરવસિંહે જણાવ્યું હતું.
દીપક બલ્લાનીએ એવો પણ અંદાજ વ્યક્ત કર્યો હતો કે ભવિષ્યમાં જો ખાતરની અછત સર્જાય, તો શેરડીના ઉત્પાદન ઉપર તેની નકારાત્મક અસર પડી શકે છે.
તેમણે કહ્યું હતું, "શેરડીનું વાવેતર થઈ ગયું છે અને ખાતર, યુરિયા, વગેરેની જરૂર પડશે. જો અછત સર્જાય કે ભાવો ઊંચા જાય, તો ઉત્પાદન ઉપર તેની ચોક્કસપણે અવળી અસર પડશે."
ઇથેનોલનો મુદ્દો
ખાંડના ઘરેલુ સપ્લાયને ઇથેનોલ મિશ્રિત પેટ્રોલિયમ તરફ વળવાના ભારતના નિર્ણય સાથે પણ સંબંધ છે. ઇથેનોલ મુખ્યત્વે યિસ્ટ દ્વારા ખાંડ અને સ્ટાર્ચમાં આથો લાવીને બનાવવામાં આવે છે.
ભારતમાં તમામ પૈકીનું લગભગ 40 ટકા ઇથેનોલ શેરડીના કાચા માલમાંથી બનાવવામાં આવે છે.
2025-26માં ભારતમાં ખાંડના કુલ પૈકીનું આશરે 30 લાખ ટન ઉત્પાદન ઇથેનોલના ઉત્પાદન તરફ વાળવામાં આવ્યું હોવાનું આઇએસએમએએ જણાવ્યું હતું.
સરકારે ઈંધણમાં ભેળવવા માટે શેરડી આધારિત ઇથેનોલની માત્રા 2013-14માં 38 કરોડ લિટર હતી, તે 2023-24માં વધારીને 672 કરોડ લિટર કરી દીધી હતી.
સેન્ટર ફૉર સોશિયલ ઇકૉનૉમિક પ્રોગ્રેસ ખાતેનાં ફૅલો પ્રેરણા પ્રભાકરે બીબીસીને જણાવ્યું હતું કે, મુખ્યત્વે ખાદ્ય ફુગાવાને નિયંત્રણમાં લેવા માટે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, પણ પૃષ્ઠભૂમિમાં તેની સાથે ઊર્જા સુરક્ષાનો પ્રશ્ન પણ સંકળાયેલો છે.
પ્રભાકરે કહ્યું હતું, "આ પાછળનો આશય ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હોય, એમ જણાય છે, કારણ કે તેનાથી ક્રૂડ ઉપરનું અવલંબન ઘટશે." વધુમાં તેમણે કહ્યું હતું કે પેટ્રોલિયમમાં ઇથેનોલ ભેળવવાથી ભારતના ક્રૂડઑઇલના જથ્થા પરનું દબાણ હળવું થાય છે.
જોકે, ખાંડ ઉદ્યોગના નિષ્ણાતો ખાંડ પરના ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ તથા ઇથેનોલ વચ્ચે કોઈ તાત્કાલિક સંબંધ જોતા નથી. તેઓ કહે છે કે, આમ પણ ખાંડના ઉત્પાદનની સિઝન પૂરી થઈ ચૂકે છે તથા મોટા ભાગની મિલો બંધ થઈ ગઈ છે. શેરડીનું વાર્ષિક ચક્ર ઑક્ટોબરમાં શરૂ થઈને સપ્ટેમ્બરમાં પૂરું થાય છે.
દીપક બલ્લાનીએ જણાવ્યું હતું, "ઇથેનોલ માટે ખાંડનો જેટલો વપરાશ થવાનો હતો, તે થઈ ચૂક્યો છે. એવું નથી કે, નિકાસ ઉપર પ્રતિબંધથી ઇથેનોલનું ઉત્પાદન વધી જશે."
પ્રતિબંધની વૈશ્વિક અને ઘરેલુ અસર
વિશ્વમાં ખાંડના સૌથી મોટા નિકાસકાર દેશોમાં ભારતનો સમાવેશ થાય છે અને આફ્રિકા તેનું સૌથી મોટું બજાર છે. વાણિજ્ય વિભાગના ડેટા પ્રમાણે, એપ્રિલ, 2025થી લઈને ફેબ્રુઆરી 2026 સુધીમાં ભારતે 186.96 કરોડ ડૉલર ખાંડની નિકાસ કરી હતી, જેમાંથી મોટા ભાગનો જથ્થો આફ્રિકન દેશોમાં પહોંચ્યો હતો.
આઇએસએમએના જણાવ્યા અનુસાર, જીબુટી, શ્રીલંકા, સોમાલિયા, સુદાન, અફઘાનિસ્તાન, ઇન્ડોનેશિયા, કેન્યા અને તાન્ઝાનિયા જેવા દેશો ભારતની ખાંડની નિકાસનાં મુખ્ય સ્થળો છે.
નિષ્ણાતોએ કહ્યું હતું કે, આફ્રિકન દેશો હવે તેમની ખાંડની જરૂરિયાત પૂરી કરવા માટે બ્રાઝિલ કે થાઇલૅન્ડ જેવા દેશો તરફ નજર દોડાવી શકે છે.
આ દરમિયાન, વૈશ્વિક સ્તર પર ખાંડની અછતની ચિંતા અગાઉથી જ ઉદ્ભવી છે.
આ પ્રતિબંધ નબળા પડી રહેલા રૂપિયા તેમજ વિદેશી હૂંડિયામણના ભંડારને જાળવવાના આશય સાથે કરકસરનાં પગલાં ભરવાની વડા પ્રધાન મોદીની અપીલ વચ્ચે મૂકવામાં આવ્યો છે.
પરંતુ ભારતના ભૂતપૂર્વ કૃષિ સચિવ સિરાજ હુસૈને કહ્યું હતું કે, નિકાસ પર પ્રતિબંધની વિદેશી હૂંડિયામણના ભંડાર પર કોઈ મોટી અસર પડવાની શક્યતા નહિવત્ છે.
તેમણે બીબીસીને કહ્યું હતું, "ખાંડના વૈશ્વિક ભાવ નીચા હોવાથી નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાના નિર્ણયની કોઈ ખાસ અસર પડશે નહીં. કોઈ પણ સ્થિતિમાં આ વર્ષે ખાંડના કુલ નિકાસ ક્વૉટામાંથી માત્ર સાતથી આઠ લાખ ટન ખાંડની જ નિકાસ કરવામાં આવી છે."
ઘરેલુ મોરચે, નિકાસ પરના પ્રતિબંધને લીધે ખાંડના પુરવઠાને વેગ મળી શકે છે, પણ આ નિર્ણય ખેડૂતો અને મિલમાલિકો માટે માઠા સમાચાર લાવનારો બન્યો હોવાનું નિષ્ણાતોએ કહ્યું હતું.
કૃષિ તથા ગ્રામીણ ક્ષેત્રને કેન્દ્રમાં રાખતા ન્યૂઝ પોર્ટલ રૂરલ વૉઇસના ઍડિટર-ઇન-ચીફ હરવીરસિંહે કહ્યું હતું, "વૈશ્વિક સ્તર પર ભાવો હજુ મજબૂત જ થઈ રહ્યા હતા. ભારતીય નિકાસો વધારવા માટેની આ એક સારી તક હતી, જે હવે નથી રહી."
સિંહે વધુમાં કહ્યું હતું કે, નિકાસ પરના પ્રતિબંધથી સુગર મિલોની નાણાકીય સ્થિતિ કથળી શકે છે અને પરિણામે ખેડૂતોને ચૂકવવાનું ઋણ ચૂકતે કરવાની તેમની ક્ષમતા આડે અવરોધ ઊભો થઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં ખાંડનું ઉત્પાદન છેલ્લાં કેટલાંક વર્ષોમાં નીચું રહ્યું હોવા છતાં ભાવ સ્થિર રહ્યા હતા. ઉદ્યોગને ભાવમાં વધારો થવાની અપેક્ષા હતી.
તેમના મતાનુસાર, "ખાંડની કિંમતો વધશે, એવી લાગણી વ્યાપી રહી હતી, જેનાથી સુગર મિલોની નાણાકીય સ્થિતિમાં સુધારો થયો હોત. ભાવ વધારો થવાથી તેમની ચુકવણીની ક્ષમતા સુધરી હોત અને તેના પરિણામે ખેડૂતો માટે સારી સ્થિતિનું નિર્માણ થયું હોત."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન