You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મારાં માતાએ મારું અપહરણ કરી 6 વર્ષ સુધી મને બંધક બનાવી રાખ્યો હતો'
- લેેખક, જ્યૉર્જ સેન્ડેમૅન અને એલેન કિર્વિન
- પદ, બીબીસી ન્યૂઝ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 9 મિનિટ
ઍલેક્સ બેટ્ટીનું બાળપણમાં તેમનાં માતાએ અપહરણ કર્યું હતું અને તેમને વિદેશ લઈ જવામાં આવ્યા હતા. 2023માં યુનાઇટેડ કિંગ્ડમ પાછા ફર્યા બાદ હવે તેમણે તેમનાં માતાનો પહેલીવાર સંપર્ક કર્યો છે.
મૂળ ઇંગ્લૅન્ડના ઓલ્ડહામના રહેવાસી ઍલેક્સ ગૂમ થયા હોવાની ફરિયાદ તેમનાં દાદીએ 2017માં નોંધાવી હતી.
એ સમયે ઍલેક્સ 11 વર્ષના હતા. તેમનાં માતા અને દાદાએ તેમનું સ્પેનમાં રજાઓ દરમિયાન અપહરણ કર્યું હતું. પછી તેઓ ફ્રાન્સ ચાલ્યાં ગયાં હતાં.
ઍલેક્સનાં માતા મેલાની તેમના કાયદેસરના વાલી ન હતાં અને ષડયંત્રોના પ્રભાવમાં હતાં.
મેલાનીએ ઍલેક્સને તેમનો પાસપૉર્ટ ફેંકી દેવા જણાવ્યું હતું. એ પછી થોડા સમય સુધી તેઓ સમાજથી અળગા થઈ ગયા હતા અને સ્કૂલે અભ્યાસ કરવા પણ ગયા ન હતા.
ઍલેક્સ હવે 20 વર્ષના છે. તેમણે બીબીસીની એક ડૉક્યુમેન્ટરીમાં એ વર્ષોની સ્મૃતિને સંભારી હતી.
એ સમયગાળા દરમિયાન તેઓ ટૅન્ટમાં રહેતા હતા, ક્યારેક દિવસમાં એક જ વાર ભોજન કરતા હતા અને પૈસા મેળવવા માટે મજૂરી કરતા હતા.
તેમનાં માતા અને તેમણે કરેલાં કાર્યો પાછળનાં કારણોને સારી રીતે સમજી શકાય એટલા માટે પોતે આ ડૉક્યુમેન્ટરીનો હિસ્સો બન્યાં હોવાનું ઍલેક્સે જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માતા પાસેથી ભાગી છૂટ્યા પછી બીબીસીને આપેલી લાંબી મુલાકાતમાં ઍલેક્સે કહ્યું હતું, "મારાં માતા સાથેનો મારો સંબંધ ખૂબ જ જટિલ છે."
"તેમણે જે કર્યું, હું જે અનુભવોથી વંચિત રહ્યો અને મને શિક્ષણ ન મળ્યું તેનાથી હું નારાજ છું"
બીબીસીની ડૉક્યુમેન્ટરીના ભાગરૂપે ઍલેક્સે સ્પેન અને ફ્રાન્સનાં નાનાં નગરો અને ગામડાંમાં તેમને મળેલા લોકો સાથે પણ વાત કરી હતી. તેમના કહેવા મુજબ, એ અનુભવે તેમની "આંખો ખોલી છે."
કિશોરાવસ્થાને ફરીથી જીવવાનો તેમનો અનુભવ મિશ્ર લાગણીઓ સભર રહ્યો છે. તેમણે તેમનાં માતા વિશે વધુ જાણવાની તક મળી અને બીજા લોકો તેમની સ્થિતિને કઈ રીતે જુએ છે એ જાણ્યા પછી તેમને ચિંતા થવા લાગી હતી કે એ ક્યાંક તેમનાં માતાને "બદનામ" ન કરી દે.
પુત્રીના જન્મ બાદ પરિવાર બનાવ્યો અને નવો અધ્યાય શરૂ કર્યો
ઍલેક્સે તાજેતરમાં જ તેમની પુત્રીના જન્મ બાદ પોતાનો ખુદનો પરિવાર બનાવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે ડૉક્યુમેન્ટરીના શૂટિંગના અનુભવે તેમને તેમનાં માતા સાથે ફરીથી જોડાવા માટે પ્રેરિત કર્યા છે.
જોકે, રસ્તો આટલો આસાન ન હતો. પોતે ગુમ હતા એ દરમિયાન મળેલા લોકોને ઍલેક્સે સવાલ કર્યો હતો કે તમે ઇમર્જન્સી સર્વિસીસનો સંપર્ક શા માટે કર્યો ન હતો?
તેમને એવું પણ જાણવા મળ્યુ હતું કે કેટલાક લોકોએ ફ્રાન્સના અધિકારીઓને જાણ કરી હતી, પરંતુ મદદ તેમના સુધી પહોંચી ન હતી.
મેલાની 'સોવરેન સિટીઝન્સ' ચળવળ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતાં ત્યારે ઍલેક્સ બાળક હતા.
આ ચળવળ દુનિયાભરની સરકારોને ગેરકાયદેસરની માને છે. તેના અનુયાયીઓ માને છે કે મૉર્ગેજ જેવા જે કાયદાઓ અને પ્રથાઓ સાથે પોતે સહમત નથી, તેનાથી ખુદને મુક્ત રાખી શકે છે.
તેનું પરિણામ એ આવ્યું કે ઍલેક્સ આઠ વર્ષના હતા ત્યારે તેમના પારિવારિક ઘરને જપ્ત કરી લેવામાં આવ્યું હતું અને મેલાનીએ પોતાનો બધો સામાન વેચીને સમાન વિચારો ધરાવતા લોકો સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો.
છ મહિના પછી તેઓ પાછા ફર્યા ત્યારે તેમની પાસે પૈસા ન હતા.
એ સમયે ઍલેક્સ તેમનાં દાદી સુસાન સાથે રહેવા ચાલ્યાં ગયાં હતાં. મેલાનીના વિરોધ છતાં સુસાનને ઍલેક્સની કાયદેસર કસ્ટડી મળી હતી.
સુસાને સપ્ટેમ્બર 2017માં, પોતાની ઇચ્છા ન હોવા છતાં, ઍલેક્સને માર્બેલામાં રજાઓ ગાળવા માટે લઈ જવાની પરવાનગી મેલાનીને આપી એ પછી ઍલેક્સ તેમના ઘરે પાછા ક્યારેય આવ્યા ન હતા.
સુસાને યુનાઇટેડ કિંગ્ડમમાં પોલીસનો સંપર્ક કર્યો હતો અને મીડિયા મારફત વ્યાપક તલાશી અભિયાન ચલાવ્યું હતું, પરંતુ ઍલેક્સ, મેલાની અને ડેવિડ વિશે કોઈ માહિતી મળી ન હતી.
'કાયદા અનુસાર તો અપહરણ હતું પણ તે મારાં માતા હતાં'
બીબીસીની ડૉક્યુમેન્ટરી માટે ઍલેક્સ વાલેંસિયાની ઉત્તરે આવેલા બેનિફેરો ડી લેસ વેલ્સ નામના નાના નગરમાં ગયા હતા. આ નગરમાં તેઓ બે મહિના સુધી છૂપાયેલા રહ્યા હતા.
ઍલેક્સને યાદ છે કે તેઓ ગુમ થયાના સમાચાર ફેલાઈ રહ્યા હતા ત્યારે સત્તાવાળાઓ તેમને પકડી ન લે એટલા માટે તેઓ ટોપી તથા ગોગલ્સ પહેરતા હતા અને તેમણે વાળ વધાર્યા હતા. તેઓ મોટાભાગે ઘરમાં જ રહેતા હતા.
તેમના જણાવ્યા મુજબ, શરૂઆતમાં તો આ બધું "બહુ સારું" અને જૅમ્સ બૉન્ડ જેવું લાગતું હતું, પરંતુ મેલાની તથા ડેવિડે ભારપૂર્વક કહેલું કે પરિસ્થિતિ ગંભીર છે.
"તેઓ મને કહેતા હતા કે કાયદેસર રીતે આ અપહરણ છે, પરંતુ એ અપહરણ ન હતું, કારણ કે મેલાની મારાં માતા હતાં," ઍલેક્સે કહ્યું હતું.
થોડા મહિનાઓ પછી તેઓ વાલેંસિયાની દક્ષિણે આવેલા એક પહાડી ગામ વિલાલોન્ગા ગયા હતા અને ત્યાં ટ્રિક્સી નામની એક મહિલા સાથે રહ્યાં હતાં. ટ્રિક્સીએ તેમને ઘરના કામકાજમાં અને મહેનતવાળા કામમાં મદદ કરવા બદલ ઘરમાં રહેવા તથા ખાવા માટે જગ્યા આપી હતી.
વિલાલોન્ગાથી પાછા ફર્યા બાદ ઍલેક્સ એ જાણવા ઇચ્છતા હતા કે "મારાં માતા શું શોધી રહ્યા હતા અને આવું આકરું પગલું લેવું શા માટે જરૂરી હતું?"
ટ્રિક્સીએ જણાવ્યું હતું કે મુખ્યધારાના સમાજથી બહાર રહેવાથી ઍલેક્સને વધારે ખુશહાલ અને સ્વસ્થ જીવન મળશે એવું મેલાનીને શા માટે લાગતું હતું એ તેઓ જાણે છે.
ટ્રિક્સીએ ઍલેક્સને કહ્યું હતું, "હું ઇચ્છતી હતી કે તમે દુનિયાને એ નજરથી જુઓ, જે તમને સ્કૂલ દેખાડી શકે તેમ નથી. તું થોડો જંગલી જરૂર હતો. 12-13 વર્ષનો હતો, ઝાડ પર ચડતો હતો, કૂતરાંને ફરવા લઈ જતો હતો, નદીમાં તરતો હતો. તારી જિંદગી અસલી હતી."
મીડિયામાં સમાચાર જોયા પછી પણ તમે ક્યારેય સત્તાવાળાઓનો સંપર્ક કેમ ન કર્યો, એવો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું, "ખરું કહું તો મને એવું લાગ્યું હતું કે એ મારું કામ નથી. હું મારી મરજીથી વિરુદ્ધ ત્યાં હતો એવું મેં ક્યારેય અનુભવ્યું ન હતું."
ઍલેક્સ માને છે કે ટ્રિક્સી અને તેમનાં માતા મેલાનીના વિચારો સમાન હતા. તેઓ કાયમ તેમને "ખુશખુશાલ, સ્વસ્થ અને સતત કશુંક શીખતી વ્યક્તિ" તરીકે જોવા ઇચ્છતા હતા.
"એ પૈકીના ઘણા લોકો માનતા હતા કે જિંદગીના અનુભવ સ્કૂલના ભણતર કરતાં વધારે બહેતર હોય છે," એલેક્સે કહ્યું હતું.
ટ્રિક્સી સાથે લગભગ બે વર્ષ રહ્યા પછી ઍલેક્સ વિલાલોન્ગાની મધ્યમાં આવેલા એક ઍપાર્ટમેન્ટમાં રહેવા ચાલ્યા ગયા હતા. એ સમયે તેમને એકલતાનો અનુભવ થવા લાગ્યો હતો.
એ સમયને યાદ કરતાં ઍલેક્સે કહ્યું હતું, "અમે એક કૅફેમાં બેસતા હતા. એ કૅફે સ્કૂલની પાસે જ હતું. હું સ્કૂલના ઘંટનો અવાજ સાંભળી શકતો હતો."
"બાળકો સ્કૂલમાંથી બહાર આવતાં હતાં અને તેનાથી મને સ્કૂલની બહુ યાદ આવતી હતી. હું મારાં માતા પાસે ગયો અને પારાવાર રડ્યો હતો, કારણ કે હવે હું એ બધું સહન કરી શકું તેમ ન હતો."
પછી ઍલેક્સ ફ્રાન્સ ચાલ્યા ગયા હતા. મેલાનીનું લક્ષ્ય ફ્રાન્સમાં એક સ્થાયી સમુદાય શોધવાનું હતું.
ઍલેક્સે કહ્યું હતું કે સતત જગ્યા બદલતા રહેવાને ઍલેક્સ "થકાવનારી" અને "બીબાઢાળ" પ્રક્રિયા ગણાવે છે. "હું સ્થિરતા ઝંખતો હતો."
14 વર્ષની ઉંમરે મજૂરી કરવી પડી
માતાને મદદ કરવા માટે ઍલેક્સ કામ કરતા હતા. "14 વર્ષનો હતો ત્યારે મારે મજબૂરીથી કામ કરવું પડ્યું હતું, જ્યારે એ કામ મારાં માતા પોતે કરી શકે તેટલાં સ્વસ્થ હતાં, પરંતુ તેમણે ક્યારેય કામ કર્યું નહીં."
ઍલેક્સને યાદ છે કે તેમનાં માતા પોતાનાં આધ્યાત્મિક કામોમાં એટલાં ડૂબેલાં રહેતાં હતાં કે ઘરનું ભાડું ચૂકવવા અને ખાવાનું ખરીદવા માટે પણ ઍલેક્સે પૈસા કમાવા પડતા હતા.
મેલાનીએ કામમાંથી ક્યારેય રજા લીધી ન હતી, એમ જણાવતાં ઍલેક્સે ઉમેર્યું હતું, "એ નૉર્મલ છે, નહીં? તેની લોકો પર બહુ માઠી અસર થાય છે."
ઍલેક્સ 15 વર્ષના હતા ત્યારે દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સના પિરેનીઝ પહાડોમાં સ્થિત બેલેસ્ટાના એક કૅમ્પમાં ચાલ્યા ગયા હતા. એ વિસ્તારમાં કરવા માટે કામ બહુ ઓછું ઉપલબ્ધ હતું. તેથી તેમણે દિવસમાં એક જ વખત સોસવાળા પાસ્તા ખાઈને કેટલોક સમય ગાડું ગબડાવ્યું હતું.
ઍલેક્સે મેલાનીના સિદ્ધાંતો સામે સવાલો ઉઠાવ્યા હતા. તેથી મેલાનીએ ઍલેક્સને પોતાના કેરેવાનમાંથી કાઢી મૂક્યા હતા અને ઍલેક્સે છ મહિના સુધી એક તંબુમાં રહેવું પડ્યું હતું. તણાવ સર્જાયો હતો.
ઍલેક્સે કહ્યું હતું, "શિયાળો હતો. સતત વરસાદ પડતો હતો. સતત ઠંડી પડતી હતી અને મારાં માતા એક એવા મોટરહોમમાં રહેતાં હતાં, જેમાં હીટિંગ, પાણી અને વીજળી બધું જ હતું."
"તેમ છતાં તેમણે હું બહાર તંબુમાં ઊંઘું એ તેમને યોગ્ય લાગ્યું હતું."
એ સમયે ઍલેક્સ જાણતા ન હતા, પરંતુ કૅમ્પના માલિકની નાની દીકરીએ તેમની હાલત જોઈ હતી અને ફ્રૅન્ચ સોશિયલ સર્વિસીસનો સંપર્ક કર્યો હતો.
ડૉક્યુમેન્ટરીમાં એ યુવતી ઍલેક્સને કહે છે કે "મને લાગ્યું હતું કે આ એક પ્રકારનું શોષણ છે. મને થયું હતું કે મેલાની ખરેખર એક જવાબદાર માતા નથી."
"મેં ફ્રૅન્ચ સોશિયલ સર્વિસીસને ફોન કર્યો હતો, પરંતુ તેમણે મને જણાવ્યું હતું કે તમે વિદેશી હતા અને હું તમારી અસલી ઓળખ જાણતી ન હોવાથી તેઓ કશું કરી શકે તેમ નથી."
આ સરકી ગયેલી તકનો સ્વીકાર કરવાનું ઍલેક્સને મુશ્કેલ લાગ્યું હતું.
તેમણે કહ્યું હતું, "હું અત્યંત ક્રોધિત છું. હું એટલે ક્રોધિત છું કે કોઈએ કશું કર્યું નહીં." ઉગારી લેવામાં આવ્યો હોત તો સ્કૂલે ભણવા જઈ શક્યો હોત, એવું સમજાતાં ઍલેક્સ "બહુ ગુસ્સે" થયા હતા.
ફ્રૅન્ચ સોશિયલ સર્વિસીસે બીબીસીને જણાવ્યું હતું કે તેઓ વ્યક્તિગત કેસ બાબતે કોઈ ટિપ્પણી કરી શકે તેમ નથી.
જોકે, આ એક જ તક એળે ગઈ ન હતી. ઍલેક્સે ફ્રાન્સના એક કમ્પ્યૂટર સેન્ટરમાં ઍડમિશન લેવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાનું અસલી નામ જણાવ્યું હતું. સેન્ટરે તેના વિશે પોલીસને માહિતી આપી દીધી હતી.
બે એજન્ટને, ઍલેક્સ જ્યાં કામ કરતા હતા એ ઘરે મોકલવામાં આવ્યા હતા. પોતે ગુમ થયેલી એક કારને શોધી રહ્યા હોવાના બહાને એજન્ટો ત્યાં ગયા હતા.
ઍલેક્સે કહ્યું હતું, "મને એમ કે તેઓ મને લેવા આવી રહ્યા છે. ખરું કહું તો હું ગભરાયેલો હતો, પરંતુ રાહત વધારે અનુભવી હતી."
પોતે એક ચોરાયેલી કારને શોધી રહ્યા છે, એવું એજન્ટોએ જણાવ્યું ત્યારે ઍલેક્સ "સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા."
ઍલેક્સે ઉમેર્યું હતું કે, "મારે એ ક્ષણે કશુંક કહેવું જોઈતું હતું, પરંતુ હું કશું બોલ્યો નહીં, કારણ કે મને મારાં માતા અને દાદાજીની સલામતીની, તેમને જેલ જતા અટકાવવાની ચિંતા સૌથી વધારે હતી."
બીબીસીએ નૅશનલ પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો.
ઍલેક્સ વધારેને વધારે દુ:ખી થતા રહ્યા અને અપહરણ થયાનાં છ વર્ષ બાદ તેમણે નક્કી કર્યું કે આનાથી વધારે તેઓ સહન કરી શકે તેમ નથી. તેમણે વિદાય વેળાએ એક ચિઠ્ઠી લખી અને અડધી રાતે પિરેનીઝ સમુદાયને છોડીને નીકળી પડ્યા હતા.
પોલીસથી બચવા જંગલોમાં દિવસ-રાત ચાલતા રહ્યા
ઍલેક્સના જણાવ્યા અનુસાર, માતા અને દાદાજીને પોલીસ તથા સંભવિત ધરપકડથી બચાવવા માટે તેઓ અનેક દિવસો સુધી પહાડો અને જંગલમાં ચાલતા રહ્યા હતા, જેથી તેમણે ચાલવાનું ક્યાંથી શરૂ કર્યું હતું તેની ભાળ મેળવવાનું મુશ્કેલ બની જાય.
"થોડા દિવસ પછી મેં લિફ્ટ લેવાનો નિર્ણય કર્યો હતો અને એક માણસની ટ્રકમાં બેસી ગયો હતો."
ઍલેક્સને યુનાઇટેડ કિંગ્ડમ મોકલતા પહેલાં ટુલુઝ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. સંભવિત અપહરણની તપાસ એ પોલીસ સ્ટેશનથી શરૂ થઈ હતી.
બીબીસીને પહેલીવાર પોલીસ રેકૉર્ડિંગ સુધી પહોંચવાની તક મળી. એ રેકૉર્ડિંગમાં ઍલેક્સ તેમનાં માતા તથા દાદાજીને તેમના સ્થળ વિશે ખોટી કહાણી કહેતા જોઈ શકાય છે.
પોલીસની પૂછપરછ દરમિયાન, કોઈના પર આરોપ નહીં મૂકવાના પોતાના નિર્ણય બાબતે ઍલેક્સ અડગ રહ્યા હતા.
ઍલેક્સના અપહરણની તપાસ પોલીસે જાન્યુઆરી 2025માં બંધ કરી દીધી હતી. એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઍલેક્સના પરિવારે તપાસને ટેકો આપ્યો ન હતો અને "કોઈ કાનૂની કાર્યવાહીની વાસ્તવિક શક્યતા ન હતી." ઍલેક્સના ગૂમ થવા વિશે મેલાની બેટ્ટી પર ક્યારેય કોઈ આરોપ મૂકવામાં આવ્યો નથી.
ઍલેક્સ હાઇસ્કૂલની અંગ્રેજી અને ગણિતની પરીક્ષા પહેલેથી પાસ કરી ચૂક્યા છે તથા પોતાના અને પોતાના નવા પરિવાર માટે જિંદગી બહેતર બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે.
પોતાના પ્રવાસ દરમિયાનના એકાકી જીવનને યાદ કરતાં ઍલેક્સે તેમનાં માતાને એક ટેક્સ્ટ મૅસેજ મોકલવાનો નિર્ણય કર્યો હતો.
ઍલેક્સે કહ્યું હતું, "આ આખી યાત્રાએ મને મારાં માતા અને દાદાજી સાથે ફરી જોડ્યો છે. એ સંબંધને ફરી જોડવાની ચાહત મારા મનમાં જગાડી છે."
ઍલેક્સે પાઠવેલા મૅસેજનો એક હિસ્સો આવો છેઃ "મને ખબર છે કે તમારા માટે મારું કેટલું મહત્ત્વ છે અને તમે મારું રક્ષણ કરવા ઇચ્છતાં હતાં. હું તમને બન્નેને ખૂબ જ પ્રેમ કરું છું."
ઍલેક્સે જણાવ્યું હતું કે હું મારાં માતાની પ્રતિક્રિયા વાંચવા માટે તૈયાર છું, એવું લાગશે ત્યારે હું મારાં માતાનો ફરી સંપર્ક કરીશ.
"મને આશા છે કે હું એક દિવસ તેમને ફરીથી મળી શકીશ અને તેમની સાથે સારો સમય પસાર કરી શકીશ. મારાં માતા મારા પર સતત દબાણ કરતાં હતાં તેવી રીતે નહીં કરું."
બીબીસીએ મેલાની અને ડેવિડ બેટ્ટીનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે આરોપોનો કોઈ જવાબ આપ્યો નથી.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત)