You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'વિવાદિત ભોજશાળા પ્રાંગણ માતા સરસ્વતીનું મંદિર'; ધારની ભોજશાળા મામલે મધ્ય પ્રદેશ હાઇકોર્ટનો ચુકાદો
- લેેખક, વિષ્ણુકાંત તિવારી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ધારની ભોજશાળાના લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં મધ્ય પ્રદેશ હાઇકોર્ટે 15 મેના રોજ ચુકાદો આપ્યો હતો.
મધ્ય પ્રદેશ હાઇકોર્ટની ડબલ બેન્ચે હિંદુ સમુદાયના પક્ષમાં ચુકાદો આપતાં ભોજશાળાના પ્રાંગણને 'મા સરસ્વતી કે મા વાગ્દેવીનું મંદિર' ગણાવ્યું છે.
મધ્ય પ્રદેશ હાઇકોર્ટની ઇન્દોર બેન્ચમાં જસ્ટિસ વિજયકુમાર શુક્લ અને જસ્ટિસ આલોક અવસ્થીની ડિવિઝન બેન્ચે પાંચ અરજીઓ અને ત્રણ ઇન્ટરવેન્શન બાદ આ ચુકાદો આપ્યો છે.
"કોર્ટે ભોજશાળા સંકુલની દેખરેખ (સંરક્ષણ) ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઈ) પાસે જ ચાલુ રાખીને, હિંદુ પક્ષને અહીં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે."
મુસ્લિમ પક્ષ લાંબા સમયથી આ સ્થળને કમાલ મૌલા મસ્જિદ માનતો આવ્યો છે. કોર્ટે મુસ્લિમ પક્ષને કહ્યું છે કે તેઓ મસ્જિદ માટે સરકાર પાસેથી વૈકલ્પિક જમીન માંગી શકે છે.
ચુકાદા બાદ, ધાર અને ઇન્દોરમાં વહીવટીતંત્ર ઍલર્ટ પર છે. તેમણે બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
વકીલોએ શું કહ્યું?
કોર્ટના ચુકાદા પછી, હિંદુ પક્ષ વતી વકીલ મનીષ ગુપ્તાએ જણાવ્યું હતું કે નામદાર કોર્ટમાં આ મામલે સતત 24 દિવસ સુધી નિયમિત સુનાવણી ચાલુ હતી.
તેમણે કહ્યું, "હિંદુ અને મુસ્લિમ બંને પક્ષોએ પોતાની દલીલો, તર્કો અને પુરાવા રજૂ કર્યા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, કોર્ટે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ(એએસઆઈ)ના અહેવાલ, ઐતિહાસિક ગેઝેટિયર, હિંદુ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાતત્ત્વીય પુરાવા અને ઇમારતની રચના સંબંધિત તથ્યો પર વિચાર કર્યો અને અમારા પક્ષમાં નિર્ણય આપ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મનીષ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, "અમે કોર્ટ સમક્ષ એવી પણ દલીલ કરી હતી કે ઇમારતની રચના મંદિર અને મસ્જિદની લાક્ષણિકતાઓના આધારે મંદિર દર્શાવે છે અને અમે પુરાવા આપ્યા છે કે તે કેવી રીતે આ મંદિરનું માળખું છે."
મુસ્લિમ પક્ષ વતી ઍડ્વોકેટ અશહર વારસીએ કહ્યું કે તેઓ આ નિર્ણયથી સંતુષ્ટ નથી.
તેમણે કહ્યું, "કોર્ટે તે સ્થળને મંદિર જાહેર કર્યું છે, જેને પહેલાં મસ્જિદ માનવામાં આવતી હતી. અમને કહેવામાં આવ્યું છે કે જમીન બીજી જગ્યાએ આપવામાં આવશે. અમે સમગ્ર નિર્ણયનો વિગતવાર અભ્યાસ કરીશું અને જો અમારા મુદ્દાઓને સંતોષકારક રીતે ધ્યાનમાં લેવામાં નહીં આવે, તો અમે ચોક્કસપણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરીશું."
અશહર વારસીએ વધુમાં કહ્યું, "અત્યારે કોર્ટે તેને મંદિર માન્યું છે, તેથી ત્યાં નમાજ અદા કરવામાં આવશે નહીં. કોર્ટે મુખ્યત્વે એએસઆઈ રિપોર્ટના આધારે પોતાનો નિર્ણય આપ્યો છે, પરંતુ અમે આ રિપોર્ટને પણ પડકારીશું. અમે કહીએ છીએ કે સર્વે કરવાની પદ્ધતિ સાચી ન હતી અને અમારાં તથ્યો પર્યાપ્ત રીતે ધ્યાનમાં લેવામાં આવ્યાં ન હતાં."
તેમણે એમ પણ કહ્યું, "અમારો દાવો હજુ પણ કાયમ છે કે આ મિલકત લગભગ 700 વર્ષથી મુસ્લિમ સમુદાયની છે. આ દાવો જૂના રાજ્ય ગેઝેટ અને એએસઆઈના આદેશો પર આધારિત છે."
ભોજશાળા વિવાદ શું છે?
ધારમાં ભોજશાળા ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના સંરક્ષણ હેઠળનું એક ઐતિહાસિક સંકુલ છે. હિંદુ પક્ષ તેને 'દેવી સરસ્વતી અથવા વાગ્દેવીનું મંદિર અને શિક્ષણનું પ્રાચીન કેન્દ્ર' ગણે છે, જ્યારે મુસ્લિમ પક્ષ તેને 'કમાલ મૌલા મસ્જિદ' કહે છે.
આ કેસમાં, બંને પક્ષો વ્યાપક અધિકારોની માંગ કરી રહ્યા હતા.
આ ચુકાદા પહેલાની વર્તમાન વ્યવસ્થા હેઠળ, 2003થી હિંદુ સમુદાયને મંગળવારે પૂજા કરવાની છૂટ છે, જ્યારે મુસ્લિમ સમુદાયને શુક્રવારે નમાજ અદા કરવાની છૂટ છે.
આ સંકુલ અન્ય દિવસોમાં પર્યટકો માટે ખુલ્લું રહે છે.
2022માં જ્યારે હિંદુ ફ્રન્ટ ફૉર જસ્ટિસ અને અન્ય અરજદારોએ હાઇકૉર્ટમાં અરજી દાખલ કરી ત્યારે આ વિવાદ કોર્ટમાં એક નવા તબક્કામાં પહોંચ્યો.
આ યાચિકામાં ભોજશાળાના ધાર્મિક સ્વરૂપને નક્કી કરવા, હિંદુ સમાજને નિયમિત પૂજાનો અધિકાર આપવા અને પરિસરમાં નમાજ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.
આ પછી, હાઇકોર્ટે સંકુલનો વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો. 2024માં, ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઈ)એ 98 દિવસ સુધી સંકુલનો સર્વે કર્યો.
મુસ્લિમ પક્ષકારો સાથે સંકળાયેલી સંસ્થા મૌલાના કમાલુદ્દીન વેલ્ફેર સોસાયટી દ્વારા આ સર્વેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સર્વે પર રોક લગાવી ન હતી, પરંતુ રિપોર્ટને સીલબંધ ન રાખવા, પક્ષકારોને નકલો પૂરી પાડવા અને વાંધાઓ પર વિચાર કરવાનો અંતિમ સુનાવણીમાં આદેશ આપ્યો હતો.
તાજેતરની સુનાવણી દરમિયાન, કોર્ટે 1935ની વહીવટી વ્યવસ્થા પર પણ ચર્ચા કરી, જેના હેઠળ તત્કાલીન ધાર રાજ્યએ મુસ્લિમ સમુદાયને પરિસરમાં નમાજ અદા કરવાની મંજૂરી આપી હતી.
મુસ્લિમ પક્ષે કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે આ સંકુલ લાંબા સમયથી કમાલ મૌલા મસ્જિદ તરીકે ઉપયોગમાં લેવાય છે અને સિવિલ કોર્ટને તેના ધાર્મિક સ્વરૂપ નક્કી કરવાનો અને નિર્ણય લેવાનો અધિકાર છે.
બીજી તરફ, હિંદુ પક્ષે શિલાલેખો, સ્થાપત્ય અવશેષો, ઐતિહાસિક દસ્તાવેજો અને વસંત પંચમી પર પૂજા કરવાની પરંપરાનો ઉલ્લેખ કર્યો અને તેને મંદિર ગણાવ્યું.
આ મામલે જૈન પક્ષ પણ કોર્ટમાં પહોંચ્યો હતો. જૈન સમુદાયના અરજદારોએ દલીલ કરી હતી કે સંકુલની સ્થાપત્ય શૈલી રાજસ્થાનનાં દેલવાડાનાં જૈન મંદિરો જેવી છે.
1935થી અત્યારસુધી શું શું બન્યું?
• 1935
તત્કાલીન ધાર રિયાસત દ્વારા એક વહીવટી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી હતી, જેનાથી મુસ્લિમ સમુદાયને પરિસરમાં નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વર્તમાન સુનાવણીમાં આ વ્યવસ્થાની કાયદેસરતા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
• 1995
ભોજશાળા અંગે બંને પક્ષો વચ્ચે થયેલા વિવાદ બાદ, વહીવટીતંત્રે મંગળવારે પૂજા અને શુક્રવારે નમાજની મંજૂરી આપવાની વ્યવસ્થા લાગુ કરી.
• 1997
તત્કાલીન મુખ્ય મંત્રી દિગ્વિજયસિંહના કાર્યકાળ દરમિયાન, સામાન્ય લોકોના પ્રવેશ પર થોડા સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને મંગળવારની પૂજા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
બાદમાં, હિંદુ સમુદાયને વસંત પંચમીના દિવસે પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને મુસ્લિમ સમુદાયને શુક્રવારે નિર્ધારિત સમયે નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવી હતી.
• 1998
ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે આગામી આદેશ સુધી સંકુલમાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો.
• 2003
મંગળવારે ફરી પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. એએસઆઈની હાલની વ્યવસ્થા હેઠળ, હિંદુઓને મંગળવાર અને વસંત પંચમીના દિવસે અને મુસ્લિમોને શુક્રવારે નમાઝ અદા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સંકુલ પ્રવાસીઓ માટે પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
• 2013
વસંત પંચમી અને શુક્રવાર એક જ દિવસે હોવાથી ધારમાં તણાવ સર્જાયો હતો. પોલીસે વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી પડી હતી.
• 2016
શુક્રવારે વસંત પંચમી ફરી આવી ત્યારે ફરી આવી જ સ્થિતિ સર્જાઈ હતી. વિસ્તારમાં તણાવ વધી ગયો હતો અને સુરક્ષા વ્યવસ્થા ફરી વધારી દેવામાં આવી હતી.
• 2022
હિંદુ ફ્રન્ટ ફૉર જસ્ટિસ અને અન્ય અરજદારોએ ભોજશાળાના ધાર્મિક સ્વરૂપનું નિર્ધારણ કરવા અને હિંદુ સમુદાયને વ્યાપક પૂજા અધિકારો આપવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
• 2024
હાઇકોર્ટના આદેશ પર, એએસઆઈએ 98 દિવસ સુધી ભોજશાળા સંકુલનો વૈજ્ઞાનિક સર્વે કર્યો.
• 2026
સુપ્રીમ કોર્ટે હિંદુ પક્ષને વસંત પંચમી પર આખો દિવસ પૂજા કરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ હાઇકોર્ટમાં એપ્રિલ અને મે મહિનામાં સુનાવણીઓ થઈ હતી, જેમાં 1935ના ચુકાદા, એએસઆઈ સર્વે રિપોર્ટ અને ધાર્મિક દાવાઓની ચર્ચા કરવામાં આવી હતી. 12 મેના રોજ સુનાવણી પૂર્ણ થયા બાદ હાઇકોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
ભોજશાળામાં વહીવટી અને સાંપ્રદાયિક તણાવનો ઇતિહાસ રહ્યો છે. 2013 અને 2016માં, જ્યારે વસંત પંચમી અને શુક્રવાર એક જ દિવસે હતા, ત્યારે ધારમાં તણાવ પેદા થયો હતો, જેના કારણે બંને પક્ષો વચ્ચે હિંસા થઈ હતી.
તે સમયે સ્થાનિક વહીવટીતંત્રે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવી પડી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન